ઉપેક્ષિતા
ઉપેક્ષિતા
શહેરના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં અમારી સોસાયટી. પાંત્રીસ ચાલીસ છૂટા છવાયા બંગલાઓ. દરેક બંગલા ફરતે વિશાળ કમ્પાઉન્ડ. ફુલ છોડ તથા કીચનગાર્ડનમાં ખપ પૂરતા શાકભાજી ઉગાડે અને તેનો દૈનિક ઉપયોગ થાય. ગાર્ડનમાં હીંચકો. સવાર સાંજ તેના ઉપર બેસી હિંચકતાં હિંચકતાં ચ્હાની ચૂસકીઓ લેતા લેતા વાતો કરવાની મઝા આવે.
સોસાયટીના બંગલાના કમ્પાઉન્ડ વાળવા અને સફાઈ કરવા રમલી આવે. વાથી ફુલી ગયેલી ઢમઢોલ કાયા, એક આંખમાં ફુલુ, આગળ પડતા દાંત, શીશમ જેવો વર્ણ, વેરવિખેર વાળ અને લઘર વઘર વેશ. સવારે સાતને ટકોરે કમ્પાઉન્ડનો દરવાજો ખોલી, "જે શી કીસન બેન." કરી તેનું આગમન થાય. કેડમાં તેની નાની બાળકી હોય. બોરસલીના ઝાડની નીચે જગ્યા સાફ કરી તેના ગાભા જેવા ફાટેલા સડલાની ગોદડી બનાવી તેમાં તેની બાળકીને સુવાડી કમ્પાઉન્ડ વાળવાની શરૂઆત કરે. નાજુક નિર્દોષ બાળકી ઉપર બોરસલીના નાજુક પુષ્પો ટપ ટપ પડે. બાળકી ખીલખીલાટ હસે.
હસ્તી રમતી કિલ્લોલ કરતી બાળકીને જોઈ શકુંતલાના માતૃહ્રદયમાંથી એક બળબળતો નિઃસાસો નીકળી પડે! "કેવી સરસ સુંદર બાળકી છે! મોટી થઈ કચરાના ઢગલામાં ક્યાંય વિલાઈ જશે..”
સરકારી નોકરી. એક ઠેકાણે ઠરીઠામ થયાં ન થયાં ત્યાં તો બદલીનો હુકમ આવ્યો આવ્યો જ છે ને! નોકરીના અંતીમ વર્ષો વડોદરા ખાતે. હવે છોકરાંઓ પણ મોટા થયા હતાં. વડોદરાનું સુંદર વાતાવરણ, ઉચ્ચ અભ્યાસાર્થે એમ.એસ.યુનિવર્સિટિ જેવી વિવિધ ફેકલ્ટીઓવાળી યુનિવર્સિટિ તેથી નિવૃત્ત જીવન વડોદરા ખાતે જ પસાર કરવાનો નિર્ણય કર્યો.
જીવનના અમુલ્ય વર્ષો નોકરીમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી વલસાડ અને તેની આજુબાજુનાં શહેરોમાં વિતાવેલાં.
આ વિસ્તાર ખેતીવાડીથી સમૃધ્ધ અને વળી ગાંધી વિચાર સરણીએ રંગાએલા આપણા માજી પંત પ્રધાન સ્વ. હિતેન્દ્રભાઈ દેસાઈ અને માજી સ્વ. વડાપ્રધાશ્રી મોરારજીભાઈ દેસાઈની જન્મભૂમિ.
આ પવિત્ર-જન્મભૂમિને મારી કર્મભૂમિ બનાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું તેને હું મારું અહોભાગ્ય સમજું છું. નોકરી દરમ્યાન મારા કામના ટેબલ ઉપર ફાઈલોના ઢગલા જોવા ના મળે. કોઈ પણ ફાઈલ આવે તેનો ઝડપી અને ન્યાયપૂર્ણ યથોચિત નોંધ સાથે આગળ રવાના થઈ જ જાય; સાંજે ઓફીસ છોડતી વખતે મારું ટેબલ એકદમ સ્વચ્છ હોય. મારા આચાર વિચાર અને રહેણી કરણી ઉપર ગાંધી વિચારની ઊંડી અસર રહી છે. એક આદર્શવાદી અને ચૂસ્ત સિધ્ધાંતવાદીની છાપ સાથે હું નિવૃત થયો.
મારી પત્ની, શકુંતલાનું મુળ વતન બારડોલી. તેના માતા પિતા ચૂસ્ત ગાંધીવાદી. બારડોલી સત્યાગ્રહમાં તેમણે અગત્યનો ભાગ ભજવેલો અને જેલ યાત્રા પણ કરેલી. આમ શકુંતલાને આ ગાંધીવાદી વિચાર સરણી જન્મગત વારસમાં મળેલી. સ્કુલ કૉલેજમાં પણ તે તેજસ્વી વિધ્યાર્થીની તરીકે અને રાષ્ટ્રીય ચળવળ, કન્યા કેળવણી, અસ્પૃશ્યતા નિવારણ વગેરેમાં આગળ પડતો ભાગ લઈ સમાજ સેવા કરવાની એક પણ તક ગુમાવતી નહિં.
સવારના પહોરમાં ગાર્ડનમાં હીંચકા પર બેસી પેપર વાંચવાની શરૂઆત કરું ઘરમાંથી ગરમ ચ્હાની કીટલી અને ટૉસ્ટ કે બિસ્કીનીટ્રે લઈને શકુંતલા આવે. ચ્હાની ટ્રે ટીપોય ઉપર મુકી ચ્હા બનાવે. એક કપ મને આપે, રમલીનાં કપમાં તેને આપે અને સામે ગાર્ડન ચેરમાં બેસી તે ચ્હા પીએ. રમલી ટૉસ્ટનો એક ટુકડો તેની બાળકીને આપે અને એક હાથે ચ્હા પીતી જાય અને બીજા હાથે તેની બાળકીની ઝોળી હિંચકતી જાય. હું પેપર વાંચવામાં પરોવાઉં અને રમલી તથા શકુંતલા વાતોમાં ગુંથાય રમલી દ્વારા આખી સોસાયટીનો અહેવાલ શકુંતલાને ઘેર બેઠાં મળી જાય. આ આમારો નિત્યક્રમ.
ચ્હા પી, કંપાઉન્ડની અધુરી સફાઈ પુરી કરી, રમલી સોસાયટીના બીજા બંગલાઓમાં સફાઈ માટે જાય.તેના જતાં જ શકુંતલાને મોંઢેથી ધ્રુવ વાક્ય સરી પડે, "કેવી સરસ રૂપળી છોકરી છે.આવું નિર્દોષ બાળક મોટું થઈ ક્યાંય કચરાના ઢગલામાં વિલાઈ જશે." આમ કહી એક ઊંડો નિસાસો નાંખે અને જીવ બાળે.
સોસાયટીનો પહેલો બંગલો અમારો. રમલી અમારે ત્યાં સફાઈ કરે, નાસ્તો કરે અને પછી બીજા બંગલાઓમાં સફાઈ કરવા જાય. આજુબાજુના બંગલાવાળાને ત્યાં જતાં તેને થોડું મોડું થઈ જાય; આથી આજુબાજુનાં બંગલાની સ્ત્રીઓને આ ન ગમે. શકુંતલાને તો તેઓ કઈ કહી શકે નહીં, તેથી રમલી ઉપર ગુસ્સો ઉતારે. તેને તિરસ્કૃત કરે.
જ્યારે શકુંતલા તેને રમલીના બદલે રમીલા કહી વાતો કરે. બીજી સ્ત્રીઓ તેની સાથે અછૂત જેવો વ્યવહાર કરે, તે તેને ન ગમે; પણ તે બીચારી શું કરી શકે? તેને શકુંતલાનો વ્યવહાર ગમે અને તેથી અમારા બંગલાના કંપાઉન્ડની સફાઈ ધ્યાન અને ચીવટપૂર્વક કરે. જયારે બીજા બંગલાઓનું કામ ઝટપટ આટોપે.
રમીલા મૂળ ધુળિયાની, ખાનદેશી. ધુળિયા પાસે નવાપુરની. હરિજન વાસમાં તેના મા-બાપ સાથે રહે હિંદુ સમાજનું કલંક, અછૂત અને અસ્પૃશ્યતા પૂ. બાપુજીના મૃત્યુબાદ આટલા વર્ષે પણ આ કલંકને સમાજ દુર કરી શ્ક્યો નથી. આ કેવી વિડંબના!
રમીલા અને રવજી પણ આ અસ્પૃશ્ય, વાલ્મિક સમાજનાં ફરજંદ. સમાજ જે વધ્યું ઘટ્યું હોય તે આપે તે ખાવાનું અને પહેરવાનું, ઓઢવાનું અને તેના બદલામાં તેમની સેવા કરવાની ગુલામી કરવાની. કઈં ભુલચુક બદલ ગાળ ગલોચઅને મારપીટ આ સ્થિતિમાં અક્ષરજ્ઞાન કેવું? રમીલા ૧૪-૧૫ વર્ષની થતાં તેના મા-બાપે તેને સુધરાઈ ખાતામાં કામે લગાડી દીધી, અને રવજી નામના એક યુવક સાથે ચાર ફેરા ફેરવી લગ્ન કરી નાંખ્યાં.
શહેર સુધરાઈ - મ્યુનિસિપાલિટિ એ તેમનો જીવન આધાર, અને અસ્પૃશ્યતા એ તેમનુ 'ક્વોલીફીકેશન' આ સહારે તેઓ તેમના જીવતરનું ગાડુ ગબડાવે રાખે. ઉજળા સમાજથી હડધુત થતો આ વર્ગ મનોરંજનના સાધનમાં બીડી, જુગાર, દારૂ, ચોરી તરફ જ વળે ને !
બીજું શું કરે? અક્ષરજ્ઞાન તેમને કોણ આપે? અક્ષરજ્ઞાનથી વંચીત રવજી પણ આ રસ્તે જ મનોરંજન શોધતો રહ્યો અને દારૂનો વ્યસની બની ગયો. સુધરાઈનો પગાર આવે તે બધો જ દારૂ અને જુગારમાં વપરાઈ જાય, ત્યાં બચતની તો વાત જ ક્યાં? આ સંજોગોમાં રમીલા તેના ઘરનું માંડ પુરું કરતી.
નવાપુર ધુળિયા, સુરત કરતાં કરતાં તે વડોદરામાં સ્થિર થયાં. વવડોદરાની સંસ્કારી નગરીનો તેમને પાસ લાગ્યો; અને રાત્રીશાળામાં જઈ અક્ષરજ્ઞાન મેળવવાની શરૂઆત કરી. પણ તેઓનું જ્ઞાન બારાક્ષરીના ત્રણ અક્ષરથી આગળ વધી શક્યું નહિ. સુધરાઈના પગાર પત્રક ઉપર સહિ કરતા ફક્ત ત્રણ અક્ષરો ર-મી-લા અને ર-વ-જીથી અટકી ગયું; કારણ કે તેમને ત્યાં બાળકીનું આગમન થઈ ચુક્યું હતું. "ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહિ." તે ઉક્તિ અનુસાર આ બાળકી સુંદર ગોરોવાન, વાંકડિયા ભરાવદાર વાળ, ચમકતી સુંદર આંખો અને ભરાવદાર ગાલ લઈને આવી હતી.
"રમીલા આ પોરીનું નામ શું રાઈખું?" શકુંતલાની ભાષામાં અને લઢણમાં સુરતી રણકો જોઈ રમીલાને તેનું સ્વજન મળ્યા જેવો આનંદ થયો. તેણે જવાબ આપતાં કહ્યું, "બહેન, તમે હુરતના કી? હું પણ હુરતની, હુરત પાસે નવાપુરની. આ પોરી સોમવારે જલમી તેથી તેનુ નામ સોમલી રાઈખું. અમારે વળી નામ કેવાં?" આમ કહી તેણે એક ઊડો નિસાસો નાંખ્યો.
"અરે રે! આવી સરસ રૂપાળી પોરીનું નામ આવું હોતું હશે? સોમવાર તો મહાદેવજીનો વાર કહેવાય, તેમની જટામાં જેમ ચંદ્ર શોભે છે તેમ આ પોરી પણ કોઈનું જીવન ઉજાળશે. શકુંતલાએ ભવિષ્ય ભાખ્યું. હું તેને ચંદા નામ આપું છું. આજથી તેને સોમલી નહિં પણ ચંદા કહેવાનું સમજી!
“હારૂ બેન, હવેથી તેને ચંદા કહીશું. આમ સોમલી ચંદા તરીકે ઉછેર પામી. ચંદા દિવસે દિવસે મોટી થવા લાગી. કુટુંબના બાળકો સાથે બંગલાના કંપાઉંડમાં રમવા લાગીઃ ધીરે ધીરે અન્ય બાળકો સાથે ભળી ગઈ. શકુંતલા પણ તેને કુટુંબની સભ્ય ગણવા લાગી. પોતાના બાળકોના સાથે ચંદાના પણ કપડાં લત્તાં, બુટ ચંપલ, માથાની રિબન પટ્ટી, સ્લેટ, પેન, ચોપડીઓ, નોટો, વગેરે વગેરે. આવવા લાગ્યાં. છોકરાંઓની સાથેતે સ્કૂલમાં ભણવા જવા લાગી. ભણવામા તેની હોંશીયારી અને તેજસ્વી બુધ્ધી પ્રતિભાથી તે જુદી જ તરી આવવા લાગી. દરેક વર્ષે સ્કોલરશીપ અને ચંદ્રકો મેળવી આગળ વધતી રહી. યુનિવર્સિટિમાં પણ તે પાંચ પાંચ સુવર્ણ ચંદ્રકો મેળવી મારા આશિર્વાદ લેવા આવી. મેં તથા શકુંતલાએ તેને હ્રદયના આશિર્વાદ પાઠવી જીવનમાં કઈંક કરી બતાવવાની ધગશ આપી મોં મીઠું કરાવી વિદાય આપી.
મુખ્ય મંત્રીશ્રી એ આવી પાંગરતી પ્રતીભાને હર્ષથી વધાવી ઉચ્ચ સરકારી અધિકાર પદે સ્થાપી તેનું સન્માન કર્યું. એક પછી એક સરકારી ખાતામાં ઉજ્જ્વળ કામગીરી દ્વારા તે આગળ વધતી ગઈ. આપણા નિષ્ઠુર સમાજને નારીની સર્વોચ્યતા પસંદ નથી. કારણ કે આપણો સમાજ પુરૂષ પ્રધાન સમાજ છે, અને આ તો નારી અને તે પણ પછાત, દલીત વર્ગની તે કેમ કરી ખમાય? બીજા અધીકારીઓની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું.
સરકારી ખાતાંમાં લોકો પોતાના કામ કઢાવવા લાગવગ અને લાંચ રૂશ્વતનો ઉપયોગ કરતાં અચકાતાં નથી. જ્યારે આ હથીયાર નાકામયાબ થાય, બુઠ્ઠું થાય ત્યારે ચારિત્રહનન જેવા છેલ્લી કક્ષાના હથીયારનો પણ ઉપયોગ કરતાં પણ અચકાતાં નથી.
આવા જ એક પ્રસંગમાં શહેરના જાણીતા આગેવાન બીલ્ડરનું ટેન્ડર મંજૂર કરવાની ચંદાએ ના પાડી. તેઓ જાણીતી રાજકીય પાર્ટના આગેવાન કાર્યકર્તા હતા.
તેમનું ટેન્ડરના મંજુર કરનાર કોણ? તેઓ મુખ્ય મંત્રીશ્રી. સુધી પહોંચ્યાં. મુખ્ય મંત્રીશ્રી ચંદાના કામથી સુપેરે માહિતગાર હતા. ચંદા ઉપર તેમને પુરેપુરો ભરોસો તેમણે ચંદા પાસેથી ટેન્ડરની સઘળી વિગત જાણી અને ટેન્ડર શા માટે ના મંજૂર કર્યું છે તે જાણ્યું. મુખ્ય મત્રીશ્રી ચંદાના મત સાથે સહમત થયા. અને બીલ્ડરભાઈને મળવા બોલાવી સ્પષ્ટતા, કરી અને ચંદાના નિર્ણયફેરની સ્પષ્ટ ના પાડી.
નાસીપાસ થયેલા બીલ્ડરભાઈ, ધૂંઆં પૂંઆં થતાં મુખ્ય મંત્રીશ્રીની કેબીનમાંથી બહાર નીકળ્યા, અને પોતાના મળતિયાઓ સમક્ષ બળાપો કાઢવા માંડ્યાં. "મુખ્ય મંત્રીશ્રી ભુલી જાય છે કે તેમને આ ખુરશી ઉપર બેસાડનાર કોણ છે? રાજકીય પાર્ટી કોના પૈસે ચૂંટણીઓ લડે છે, અને કેવી રીતે જીતે છે? હું કોણ છું? અને મારી કેટલી તાકાત અને વગ છે તે તેમને બતાવી દઈશ." વગેરે વગેરે બેફામ આક્ષેપો કરવા લાગ્યા.
છંછેડાયેલા નાગની પેઠે ફુંફાડા મારતા નવા રસ્તા શોધવા લાગ્યા, ચંદાનો ઈતિહાસ તેમણે તપાસવા માંડ્યો. તે ક્યા ક્યા ખાતામાંથી ટ્રાન્સફર થઈ ને આવી છે. ત્યાંની કામગીરી કેવી હતી, સ્ટાફ સાથે કેવો વર્તાવ હતો. કોનું કામ ક્યારે અને કેવી રીતે કર્યું હતું વગેરે વગેરે. દરેક ખાતાનો સર્વીસ રેકોર્ડ તપાસતાં કોઈ ખોટુંકામ કે લાંચ રૂશ્વત કૈંઈ પણ હાથ ના લાગ્યું. ચોખ્ખા અરીસા જેવો અને દૂધ જેવો શ્વેત અને સ્વચ્છ ઉજ્જ્વળ રૅકોર્ડ મળ્યો. સ્ટાફ સાથે પણ માયાળુ વ્યવહાર અને ભાઈચારા જેવો મીઠો સંબંધ જોવા જાણવા મળ્યો. આખરે એક વાત તેમના જાણવામાં આવી કે ચંદા પરણેલી હોવા છતાં તેના પતિથી જુદી રહે છે. આલી માહિતી તેમને પુરતી હતી.
આવી કાચી અને અધુરી માહિતી ઉપર તેમણે મોટો મહેલ ચણ્યો કારણ કે તેઓ મોટા બીલ્ડર હતા ને! ભ્રષ્ટાચાર, લાંચ, રુશ્વત અને ચારિત્ર હનન જેવા મુદ્દાઓ ઉપર તેમણે કોર્ટ કેસ કર્યો. ચંદાને ફરજ મોકુફીનો ઑડર થયો. કેસ કોર્ટના એક પછી એક પગથિયાં વટાવી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો.
કાચા પાયા ઉપર ચણેલીઈમારત કેટલું ટકે?ભ્રષ્ટાચાર, લાંચરૂશ્વતની કોઈ બાબત હાથ ના આવી. ચારિત્રહનન માટે ચંદાના પતિ ચંદ્રકાન્તસ્પષ્ટ શબ્દોમાં કોર્ટને જણાવ્યું કેઃ “મારી પત્ની ચંદા, સતી સીતા જેવી પવિત્ર અને ચારિત્રવાન છે તે હોંશીયાર, બુધ્ધીમાન, ઉચ્ચ હોદ્દો ધરાવતી એક આદર્શ નારી છે. તે એક ઉચ્ચ સરકારી ઓફીસર છે. જ્યારે હું એક સામાન્ય કારકુન છું. તે એક ઝળહળતા સુર્ય જવી તેજસ્વી છે, જ્યારે હું એક સામાન્ય માટીનું કોડિયું છું. તેની તેજસ્વીતા સામે મારા પ્રકાશની શું વિસાત? તેની તેજસ્વીતાને ઝાંખપ ના લાગે તે માટે હું જ તેનાથી દૂર રહું છું આજે અમારા બંન્નેના મનમાં સહેજ પણ કટુતા નથી.અમારા લગ્ન અમારી જ્ઞાતિ આધિન રીત અને અને રશ્મો રીવાજ મુજબ થયાં છે.અમારા બંન્નેના મનમાં આજે પણ સહેજે કટુતા કે કડવાશ નથી. આજે પણ અમને એક બીજામાટે અખૂટ અને શાશ્વત પ્રેમ છે. નામદાર સાહેબને અમારા અલગ રહેવાનું આ રહસ્ય ધ્યાનમાં લેવા મારી નમ્ર વિનંતિ કરૂં છું."
બાર વર્ષે કોર્ટનો ચુકાદો આવ્યો. ચંદાને ક્લીન ચીટ મળી.
કોર્ટનો ચુકાદો
“ફરજ દરમ્યાન કોઈપણ કામ બા કાયદા કે ગેરકાયદેસર થયું નથી. સર્વિસ રેકોર્ડ તદ્દન સાફ છે. જે જે ખાતામાં વહિવટ સંભાળ્યો છે, ત્યાંત્યાં ખાતાની બદી દુર કરી વહિવટ સુધાર્યો છે.
આવા ઉચ્ચ કોટીનાં દેશદાઝની ભાવનાવાળા અધિકારીની કદર કરવી જોઈએ. ફરજ પરસ્તી દરમ્યાન મળવાપાત્ર સર્વ લાભો પરત કરી પ્રમોશન સહ તેમને તેમની ફરજ ઉપર પાછા નિયુક્ત કરવા. ચારિત્રહનનનો ખોટો કેસ કરનાર બીલ્ડરને રૂપિયા પચાસ હજારના દંડ સાથે છ માસની સાદી કેદની સજા ફરમાવવામાં આવે છે."
કોર્ટનો ચુકાદો શીરોમાન્ય કરી ચંદાએ નોકરીમાં એક દિ વસ હાજર થઈ બીજે દિવસે સ્વેચ્છાએ રજીનામા સાથે આ ખૂલ્લો પત્ર પણ બીડ્યો.
સમાજને ખુલ્લો પત્ર.
સમાજ સેવકો અને સમાજ સુધારકો. સમાજની ઉપેક્ષાથી મારૂં મન ભરાઈ આવ્યું છે.આથી જાહેર જીવનમાંથી હું હવે નિવૃત્ત થાઉં છું. આપણો સમાજ પુરૂષ પ્રધાન સમાજછે. સ્ત્રીની ભાવના અને ત્યાગને સમજી શકતો નથી. સમજવા માંગતો નથી. તેની તે ઉપેક્ષા કરતો રહ્યો છે.
"यत्र नार्यस्तु पुज्यन्ते
रमन्ते तत्र देवता."
આ સુત્ર કેટલું પોકળ અને દંભથી ભરેલું છે! એકબાજુ આવા આદર્શનાં મોટાં મોટાં લેબલ મારી સ્ત્રીના (ઈગો) ને પોષે છે, જ્યારે બીજી બાજુ તેની ભારોભાર અવજ્ઞા અને ઉપેક્ષા જ કરવામાં આવે છે. સ્ત્રીની ત્યાગ ભાવનાના સોપાનો પર ડગ માંડતો પુરૂષ સફળતાના શીખરે પહોંચે છે, જ્યારે સ્ત્રી તો ત્યાંની ત્યાં જ રહે છે.
એક સામાન્ય ધોબી જેવા માણસની ટીકાથી ભગવાન રામ જેવા રામ પણ સમાજનો સામનો ના કરી શક્યા. રામે સતી સીતાની અગ્નિ પરીક્ષા કરી ત્યાગ કરી વનવાસ આપ્યો, અને આખરે તેઓ પૃથ્વીમાં સમાયા. ઊર્મિલાએ છતાં પતિએ વૈધવ્ય પાળી દાંપત્ય સુખનો ત્યાગ કર્યો. આ સતી સીતા અને ઊર્મિલાના ત્યાગે રામ અને લક્ષ્મણ મહાન આદર્શ કહેવાયા. તેમને આદર્શ પતિ અને આદર્શ ભાઈ ગણવામાં આવ્યાં, જ્યારે સીતા અને ઊર્મિલા તો ઉપેક્ષિતા જ રહ્યાં ને ? આધુનિક સમાજમાં પણ દાખલાઓ ક્યાં ઓછા છે? પૂ. બાપુજીની પાછળ પૂ. કસ્તુરબાનો ત્યાગ, પંડિત જવાહરલાલ નહેરૂ પાછળ કમલા નહેરૂ અને ઈંન્દીરા ગાંધીનો ત્યાગ,પૂ. રવિશંકર મહારાજ, પૂ. જુગતરામ દવે, પૂ. ઠક્કરબાપા, પૂ. જયપ્રકાશ નારાયણ, પૂ. ઈંન્દુલાલ યાજ્ઞિક વગેરેના જીવતા જાગતા દાખલાઓ આપણી સમક્ષ હાજર છે.
એક બાજુ સ્ત્રી ઉધ્ધારની આપણે વાતો કરીએ છીએ જ્યારે મહિલા સુધારા ખરડો પસાર કરતાં કેટલાં વર્ષો વેડફ્યાં? સ્ત્રીની ઉપેક્ષામાં પશ્વિમના કહેવાતા સુધરેલા દેશો પણ આપણાથી ક્યાં આગળ છે? ઈંગ્લેન્ડ, અમેરિકા, રશીયા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલીઆ વગેરે જેવા સુધરેલા અને વિકસીત દેશોમાં પણ સ્ત્રીઓને હજુ મતાધીકાર નથી. મ્યાનમારના લી. સુ. ચી. હજુ હમણાં જ જેલની હવામાંથી બહાર આવ્યાં છે. બંગલા દેશના તસ્લીમા નસરીન હજુ ઠેર ઠેર આશ્રય શોધવા દેશ વિદેશ ફર્યા કરે છે.
ઈંગ્લેન્ડ અને અમેરિકાના સુધરેલા દેશોમાં પુરૂષ અને સ્ત્રીઓના વેતન દરોમાં આજે પણ અસામાનતા છે.
શ્રીમતી. ઈંન્દિરા ગાંધી, શ્રીમતી. સીરીમાવો બંડારનાયક, શ્રીમતી. ગોલ્ડામેર, શ્રીમતી. માર્ગ્રેટ થેચર વગેરે જેવી દેશનું સુકાન સંભાળનાર નારીઓ કેટલી? ફ્ક્ત આંગળીના વેઢે ગણાય તેટલી જ. આમ સ્ત્રીઓની ઉપેક્ષા આપણા ભારતમાં જ નહિં બલકે સારાયે વિશ્વમાં છે.
ઉચ્ચનીચના ભેદ, વર્ણભેદ, જાતીભેદ,અસમાન વેતન દર અસ્પૃશ્યતા વગેરે આ બધા ઉપેક્ષાના ઉછરતાં સંતાનો છે.ઉપેક્ષિતોની ભૂતાવળ સળવળવા માંડી છે. તેના ભૂખ્યા ભુખાળવા સંતાનો નક્ષલવાદ,આતંકવાદના ઓઠાં હેઠળ ઉત્પાત મચાવતા થયા છે. આ ભૂખી ભૂતાવળ સમાજને નષ્ટ ભ્રષ્ટ કરી નાંખે તે પહેલાં જાગો. કવિશ્રી ઉમાશંકરે કહ્યું છે નેકે-
"અંતર રુંધતી શીલા,
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દારિદ્રની એ ઉપહાસ લીલા
સંકેલવા કોટિક જીભ ફેલાતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે."
“હું નારી છું, છતાં ચિનગારી છું,
હું ઉપેક્ષિત છું, છતાં જાગૃત છું,
ભલે અબળા નારી છું.
છતાં નરવીરને જણનારી જનેતા છું,
હું નારી છું, પણ રખે માનતા હું હારી છું."
લી..
ઉપેક્ષિતા ચંદા.
