તારો શું વાંક હતો?
તારો શું વાંક હતો?
વ્હાલપમાં ખોટ નહોતી તો પછી ખોળામાં રહી ગયું તે શું હતું?
'મારી નાખો એને ડૉક્ટર, મારી નાખો!' સુનંદાબહેન રડી પડ્યા. સુશ્રુષા હોસ્પિટલનો એ સ્પેશિયલ રૂમ સુનંદાબહેનના આક્રંદથી ભરાઈ ગયો.
સામે ઊભેલા ડૉક્ટર પરીમલ શાહ પણ સુનંદાબહેનના માતૃત્વને હારી રહેલું જોવા છતાં કંઈ કરી શકે તેમ નહોતા. છેલ્લાં અઢી અઠવાડિયાથી સાક્ષીની સાર-વારમાં એમણે કોઈ કસર રાખી નહોતી પણ સાક્ષીની હાલત સુધરવાની જગ્યાએ દિવસે-દિવસે બગડતી જતી હતી. સત્તર દિવસથી પોતાની વ્હાલસોઈ દીકરીની કાળજી લેતાં લેતાં સુનંદાબહેન હવે હિંમત હારવા માંડ્યા હતા.
રોજ નવી નવી દવાઓ, નવી નવી સલાહ અને કાનમાં ગરમ શીશુ રેળાતું હોય તેવાં લોકોના મ્હેણાં ટોણાં. સુનંદાબહેન વર્ષોથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતાં. સાક્ષીનો જન્મ થયો ત્યારથી રોજ રાતે એ પોતાની જાતને દિલાસાઓ આપતાં અને બીજા દિવસની સવારે નવી આશાઓ અને હિંમત એકઠી કરી ઉભા થતાં. પણ આ છેલ્લાં સત્તર દિવસે એમને તોડી નાખ્યા હતાં. આંખમાંથી ખારાશનો દરિયો હવે સૂકાવા લાગ્યો હતો.
સાક્ષી નાની હતી ત્યારથી એને મમ્મીના ખોળામાં જ સૂવા જોઈતું. આખા દિવસની ધમાલ અને જીદ્દ પછી સાક્ષી એમના ખોળામાં જંપી ગઈ હોય અને સુનંદાબહેન એના માથે હાથ ફેરવતાં બેઠાં હોય. રાતના એ ભેંકાર અંધારા ઓરડામાં સુનંદાબહેનનો વલોપાત આંખમાંથી આંસૂ થઈને વહેવા માંડતો અને એ એકલા બેઠાં બેઠાં અક્ષયના ફોટા સામે તાકી રહેતાં.
'મારા પ્રેમનો તેં આ બદલો આપ્યો અક્ષય? તું ક્યાં ચાલી ગયો, શું કામ આખી જિંદગી એકલી લડવા માટે મને અને સાક્ષીને આ હાલતમાં છોડી ગયો તું અક્ષય? તારી નંદુની તને જરા જેટલી પણ દયા ન આવી?'
સુનંદાબહેનનો આખા દિવસનો થાક અક્ષયના ફોટા સામે ઢગલો થઈ પડતો. રોજ આ રીતે એમની આંખ ભરાઈ આવતી અને હ્રદય ખાલી થઈ જતું. રોજ નવી બાધા, નવી પ્રાર્થના, નવા દોરાં ધાગાં અને કોઈ નવા ડોક્ટરની નવી સલાહ. શું-શું નથી કર્યું એમણે સાક્ષીને સાજી કરવા, પણ ખબર નહીં કુદરત કયા જન્મના ગુનાહોનો ચોપડો હાથમાં લઈ એકાઉન્ટ ટેલી કરવા બેઠો'તો તે સાક્ષીની પરિસ્થિતિમાં ક્યારેય કોઈ ફેર પડતો નહોતો.
સુનંદાબહેનની લાગણીઓ આ ગૂંગળામણ વચ્ચે શ્વાસ માટે લડતાં લડતાં હવે થાકી ગઈ હતી. છેલ્લાં બે વર્ષથી તો એવી હાલત થઈ ગઈ હતી કે સુનંદા બહેને અક્ષયને કે ઉપરવાળાને હવે ફરીયાદ કરવાની પણ બંધ કરી દીધી.
'અક્ષય મારે હજી આખ્ખી રસોઈ બનાવવાની બાકી છે. પ્લીઝ, ઊભા થાવને, પ્રેમની વાતોથી પેટ નથી ભરાતું મહાશય.' સુનંદાએ ખોળામાં માથું નાખી આડા પડેલા પતિ દેવ સામે મીઠો છણકો કર્યો. 'મને તો ચાલશે નંદુ, તું આ પ્રેમથી મારા વાળમાં જે હાથ ફેરવે છે ને તેટલાંથી મારૂં પેટ તો આરામથી ભરાઈ જશે.'
અક્ષયે મીઠા ઘેનમાં રાચતા પ્રેમનો પ્રતિસાદ આપ્યો. કેવાં સરસ હતાં એ લગ્નનાં ચાર વર્ષ!
અડતાલીસ મહિનાનો સમય ક્યારે સપનાંની જેમ પસાર થઈ ગયો ખબર પણ ન પડી. અને ચાર વર્ષના આ મધમીઠા પ્રેમ પછી આખરે એ દિવસ આવી ગયો જ્યારે સુનંદા અને અક્ષયના પ્રેમનું સાકાર સ્વરૂપ ધરતી પર અવતરવાનાં એઢાંણ લઈને આવ્યું.
સુશ્રુષા હોસ્પિટલના ગાયનેક વોર્ડમાંથી બહાર આવતા સુનંદાએ પ્રેમથી પોતાના પેટ પર હાથ ફેરવી લીધો. અક્ષયના હાથમાં પકડાયેલો સોનોગ્રાફી રીપોર્ટ આવનારા નવા મહેમાનની કંકોતરી લઈને આવ્યો હતો. અક્ષય એ રીપોર્ટના કવરને એ રીતે પ્રેમથી જોઈ રહ્યો હતો જાણે ડોક્ટરે હમણાં જ એના હાથમાં પોતાનું બાળક મૂકી દીધું હોય. એણે આખીય હોસ્પિટલની સામે જ બેશરમ થઈને સુનંદાના કપાળે પ્રેમથી એક પપ્પી કરી લીધી.
'ટુ ડે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ઈન ધ વર્લ્ડ નંદુ, યસ, માઈ બેબી, વાઉ, માઈ બેબી ઇઝ ઇન યોર વોમ્બ! આઈ એમ સો હેપી ટુ ડે !' અક્ષયની ખુશી સાતમા આસમાને હતી. 'નંદુ આજથી ઘર કામ બંધ. હું આજે જ આપણી બિલ્ડિંગમાં બાઈની તપાસ કરૂં છું. આપણે ચોવીસ કલાકની બાઈ રાખી લઈએ. તારે કંઈ પણ જોઈતું હોય તો બસ માત્ર ઓર્ડર કરવાનો સમજ પડી? અને હવેથી હું રોજ ઓફિસથી આવતી વખતે શાકભાજી પણ લઈ આવીશ. તારે બહાર નીકળવાની જરૂર નથી.' અક્ષય એકધારૂં બોલ્યે જતો હતો. અને સુનંદા એનો ઉન્માદ જોઈ હસ્યા કરતી હતી.
'હું પ્રેગનન્ટ છું અક્ષય, બીમાર નથી. બુધ્ધુ છે તું તો. જ્યારે સ્ત્રી પ્રેગનન્ટ હોઈ ત્યારે ઉલ્ટાનું ઘરકામ કરવાથી બેબી હેલ્ધી રહે છે, ડોબા.' સુનંદા આવું કહેતાં ખુલ્લા મોઢે હસી પડતી અને અક્ષય એની સામે ખોટ્ટી દલીલ કરતો.
'એ બધું હું નહીં જાણું આપણાં બાળકને કંઈ પણ થવું ન જોઈએ.'
'અચ્છા, બાળકને કંઈ પણ થવું ન જોઈએ અને હું? મને કંઈ પણ થશે તે ચાલશે એમને?' અક્ષય હમણાં મનાવશે જ એ જાણતી સુનંદા ખોટું ખોટું રિસાઈ પડતી. અને અક્ષય એને પ્રેમથી મનાવી લેતો, સુનંદાને ખૂબ ભાવતું ચોકલેટ આઈસ્ક્રીમ લઈ આવતો, ઓફિસેથી આવી જાતે ચીકુનું મિલ્ક શેઈક બનાવી સુનંદાની સામે કોઈ માસ્ટર શેફની જેમ હાજર કરતો, તો વળી ક્યારેક એના હાથમાં હાથ નાખી સામેના જોગર્સ પાર્કમાં ચાલવા લઈ જતો.
'લાવ તને વાળ ઓળી આપું? તારા કપડાં ઘડી કરી દઉં? ચાલ આજે રસોઈ હું બનાવી દઉં?' રોજ અક્ષય સુનંદાને વ્હાલ કરવાના, હથેળી પર રાખવાના નવા નવા તુક્કા લડાવ્યા કરતો. અને સુનંદા એનો એ વ્હાલ ઝીલ્યા કરતી. આમને આમ સુનંદાને ચોથો મહિનો બેસી ગયો. એના પેટ પરનો ઉભાર હવે અંદર ઉધરી રહેલા જીવની જાણ આપતો રોજ થોડો થોડો ઉપસી રહ્યો હતો. અને અક્ષય તે જોઈને રોજ વધારેને વધારે પતિ મટી પ્રેમી થઈ રહ્યો હતો.
પણ એક દિવસ સુનંદાના આ પ્રેમ વિશ્વને કોઈની નજર લાગી ગઈ. કાયમ હેલ્મેટ પહેરીને બહાર નીકળતો અક્ષય આજે ઉતાવળમાં વગર હેલ્મેટે સુનંદાની દવા લેવા નીકળ્યો અને નાકા પરના સિગ્નલવાળા ચાર રસ્તા પર પડેલો મોટો ખાડો એના માથામાંથી નીકળતા લોહીનું ખાબોચિંયું થઈ ગયો. રેડ સિગ્નલ જોઈ અક્ષય અચાનક જોરથી બ્રેક મારવા ગયો પણ એનું બાઈક રોકાઈ તે પહેલાં જ બીજી તરફથી આવતી ટ્રકની એને ટક્કર વાગી ગઈ. અક્ષય ફંગોળાઈને રસ્તાની એક તરફ પટકાયો અને ટ્રકની બાજૂમાંથી પસાર થતી કારનું પાછલું વ્હિલ એના પર ચઢી ગયું. પળવારમાં એનું ફંગોળાયેલું શરીર થોડી ધ્રુજારી પછી શાંત થઈ ગયું અને સિગ્નલ પર ટ્રાફિક જામ થઈ ગયો. એનો ચહેરો તો એવો નહોતો રહ્યો કે ઓળખ થઈ શકે પણ એના મોટરબાઈકનો નંબર જોઈ ત્યાં ઊભેલા એક માણસે કહ્યું, 'અરે, આ તો અક્ષયભાઈ છે!'
દોડતાં જઈ એણે માઠા સમાચાર સુનંદાને આપ્યા. સુનંદા દોડી પણ અક્ષય એની રાહ જોવા રોકાયો નહોતો. સુનંદા, અક્ષયની હાલત જોઈ ત્યાં જ બેભાન થઈ ગઈ. જ્યારે હોસ્પિટલમાં એણે છત્રીસ કલાક પછી આંખ ખોલી ત્યારે અક્ષયનો દેહ રાખની ચાદરમાં શાંત થઈ ચૂક્યો હતો. સુનંદાના વલોપાતે આખીય હોસ્પિટલને રડાવી મૂકી.
પણ સુનંદાનો એ વલોપાત માત્ર અક્ષયની કારમી મોતથી જ અટકવાનો નહોતો. 'સુનંદાબહેન તમે પુરા છત્રીસ કલાક પછી હોશમાં આવ્યા છો, અમને ડર છે કે તમારી કોખમાંનું બાળક...' ડોક્ટર એના વાક્યમાં છૂપાયેલા કોઈ ઓર આઘાતને હમણાં શબ્દો આપવા જઈ રહ્યા હતા.
'સુનંદાબહેન, પ્રેગન્નસી ચોથા મહિના પછી ગર્ભમાં ઉધરી રહેલા બાળકના મગજનો વિકાસ શરૂ થતો હોય છે, અને એના મગજનો એ વિકાસ જ બાળકને પોતાનું શરીર એટલે કે હાથ પગ વગેરે ડેવલપ કરવાના આદેશ પહોંચાડતો હોય છે. તમે અક્ષયભાઈના મૃત્યુ પછી જે બેભાન રહ્યા તેને કારણે કદાચ બાળકનો માનસિક વિકાસ...' સુનંદા પોંક મૂકીને રડી પડી.
ડોક્ટરને સમજાતું નહોતું કે સામે સૂતેલા તેના પેશન્ટને કઈ રીતે સાંત્વના આપે. સુનંદા પાગલ જેવી થઈ ગઈ.
પણ એક સ્ત્રીને ઉપરવાળો જ્યારે માતૃત્વ આપે છે તે પહેલાં હિંમતનું પોટલું એના ખભે આપી જ દેતો હોય છે. સુનંદા ટકી ગઈ. જીવી ગઈ. પોતાને માટે નહી પણ આવનારા બાળકને માટે. પણ બાકીના મહિના એણે અક્ષયની ખોટમાં વહેતા આંસૂઓની ભિનાશમાં વિતાવ્યા.
જ્યારે જ્યારે ડૉક્ટર પાસે જતી ત્યારે ડૉક્ટર એમને કહેતા. 'સુનંદાબહેન તમે બની શકે તેટલા આનંદમાં રહેવાનો પ્રયત્ન કરો પ્લીઝ. તમારો આ માનસિક તાણ તમારા બાળક પર અવળી અસર કરશે. પણ ટૂંકા લગ્ન જીવનની સમૃધ્ધ યાદોની સામે અક્ષયની કારમી વિદાય સુનંદાના મોઢા પર હાસ્યની એક લકીર પણ આવવા નહોતી દઈ રહી. લાખ પ્રયત્નો છતાં સુનંદા પોતાનું કલ્પાંત અને રૂદન ખાળી નહોતી શકતી. આખરે બીજા પોણા પાંચ મહિના સુનહરા ભૂતકાળની યાદ અને નિર્દય વર્તમાન વચ્ચે વિતાવ્યા બાદ સુનંદાને ખોળે દીકરી અવતરી. નવી જન્મેલી દીકરીના નિર્મળ રૂદન સાથે સુનંદા પણ રડી પડી.
ડોક્ટર ખુશ હતા. કારણ કે, ડોક્ટરને જે વાતનો ડર હતો તે દેખીતી રીતે સુનંદાના પેટે અવતરેલી બાળકીમાં કોઈ શારીરિક ખોળખાપણ જણાતી નહોતી. એમણે ઉપરવાળાનો આભાર માન્યો.
પણ સાક્ષી મોટી થતી ગઈ તેમ તેમ સુનંદાએ, અક્ષયના ચાલી જવાના આઘાતમાં જે દિવસો વિતાવ્યા હતાં તેની અસર એના પર દેખાવા માંડી.
સાક્ષી શરીરે તો મોટી થતી હતી પણ એના મગજનો વિકાસ નહોતો થઈ રહ્યો. સાક્ષી મેન્ટલી ચેલેન્જ્ડ ચાઈલ્ડ હતી. ઉંમર માત્ર શરીર પર પોતાની અસર દેખાડી રહી હતી, એના મગજ પર નહીં.
કપડાં પહેરવાનું એને ભાન નહોતું. ઝાડો-પેશાબની ખબર નહોતી પડતી. વાત કરવામાં એ પૂરા શબ્દો પણ બરાબર બોલી શકતી નહોતી. આમને આમ પંદર વર્ષ નીકળી ગયા.
સાક્ષીનું શરીર હવે એના છોકરી હોવાની સાબિતી આપવા માંડ્યું હતું. એની છાતીનો ઉભાર એની જાંઘોના વળાંકો વગેરે તમામ એને યુવાનીના ઉંબરે લઈ જઈ રહ્યા હતાં. પણ છતાં સુનંદાબહેન હજીય રોજ એની યુવાન થઈ રહેલી છોકરીને જાતે નવરાવતા. છાતી પર ઉપસી આવેલા ભાગ સાથે સાક્ષી જ્યારે એક નાના બાળકની જેમ રમતી ત્યારે સુનંદાની આંખોમાં ચિંતાના વાદળ આવી જતા.
'ડોક્ટર, આજે સાક્ષીને પહેલીવાર પિરીઅડ દેખાયો, હું શું કરૂં ડોક્ટર? એને તો હજૂ કપડાં સાચવવાનું પણ ભાન નથી. મારી દીકરીને...' સુનંદા ડૉક્ટર સામે આજે ફરી રડી.
ઘરમાં આવતો દૂધવાળો, બિલના પૈસા લેવા આવેલો પેપરવાળો બધા સાક્ષીને જે રીતે જોતાં. તે નજર જોઈ સુનંદાને ગભરાટ થઈ જતો. આ સ્ત્રીને માત્ર એક માદા સમજવાવાળા સમાજમાં મારી દીકરીને હું કેવી રીતે સાચવીશ?
આજે સુનંદાએ દર મહિને અક્ષયના ઈનસ્યોરન્સમાંથી આવતી રકમનો ચેક લેવા જવાનું હતું, એણે સાક્ષીને ટી.વી. ચાલૂ કરી આપ્યું અને વારંવાર સમજાવી કે કોઈ પણ ડોરબેલ વગાડે તો પણ દરવાજો ખોલતી નહી, પેશાબ આવે તો બાથરૂમમાં જજે અને કંઈ પણ ધમાલ કરતી નહી, હું હમણાં આવું છું.
સાક્ષી જાણે બધું સમજી ગઈ હોય તેમ માથું હલાવ્યે જતી હતી. પણ સુનંદા એ ભૂલી ગઈ કે સાક્ષીના ટ્યુશનસરનો આવવાનો સમય થઈ ગયો હતો.
દીકરીમાં ખોડ હોવા છતાં એક માનાં વ્હાલમાં ક્યારેય ખોટ નહોતી આવી તેવી સાક્ષીને, ટ્યુશનસરે તે દિવસે...
ડૉક્ટર સાક્ષીના રૂમમાં રાઉન્ડ પર આવ્યા ત્યારે બોલ્યા, 'સુનંદાબહેન અમને ખબર છે કે આ કહેવું જો અમારે માટે આટલું મુશ્કેલ હોય તો તમારે માટે તો... પણ અમારી વાત માનો સુનંદાબહેન. અમારી આખી ડોક્ટર્સ ટીમનું એ જ સુચન છે કે, આપણે સાક્ષીનું ગર્ભાશય કાઢી નાખીયે, જેથી ભવિષ્યમાં ક્યારેય એને ગર્ભ રહી જવાની શક્યતા...' ડૉક્ટર આગળ બોલવા માટે શબ્દોની ગોઠવણ કરવા મથી રહ્યા હતાં, પણ એટલાંમાં જ સુનંદાબહેન, 'મારી નાખો એને ડૉક્ટર, મારી નાખો. કોઈ એવી દવા આપી દો જેનાથી સાક્ષી. મારાથી હવે...' સુનંદા બરાડી ઊઠી, જાણે હમણાં એ ડૉક્ટરની સામે નહી પણ કુદરત સામે એક મા હારી ગઈ હોવાની કબુલાત કરી રહી હતી.
