STORYMIRROR

Ashutosh Desai

Others

3  

Ashutosh Desai

Others

તારા પ્રદેશનો સૂર્ય

તારા પ્રદેશનો સૂર્ય

11 mins
28.4K


"શક્યતાઓનાં વ્હાણ ઊલેચી તો જો, ખુદથી ઉપર ઊઠી ક'દિ ચાલી તો જો.

મળશે નવા મોતી લહેરોનાં ઊંડાણમાં, તારા પ્રેમને ખરા દિલથી ચાહી તો જો."

હ્રદયનાં ઊંડાણથી જ તો ચાહ્યો હતો મેં આકાશને! મારા અસ્તિત્વનાં કણ-કણમાં વસાવ્યો હતો. પ્રેમ શબ્દની વ્યાખ્યા સમજી તે પહેલાં તો મારા કુંવારા વિશ્વનું આધિપત્ય સોંપી દીધું હતું. "આકાશ!" આ નામ માત્ર પૂરતુ હતું મારા રોમ રોમને જીવંત કરવા માટે અને પરિણામ? પરિણામ શું મળ્યું આખરે? ભીતરથી કોરી ખાતી પારાવાર એકલતા? ઊઝરડાઈ ગયેલા ધાવ? જે કર્યુ જ નથી એ પાપની સજા? આથી વિશેષ શું મેળવ્યું મેં આકાશ? જે ગુનો મેં કર્યો જ નહોતો તેની સજારૂપે મારા લગ્ન, મારો સંસાર, મારું બાળક આ બધાના ભવિષ્યની આહુતી આપવી પડી મારે! અને આટઆટલું આપ્યા પછી પણ એકલતા સિવાય મારી પાસે શું બચ્યું હાથમાં? વરસાદી સવાર અને રજાનો દિવસ, કોર્પોરેટ જગતમાં મોટું નામ અને સમ્માનનિય  સ્થાન ધરાવતી આભા કેદાર અધૂરી મૂકેલી નોવેલનાં પાના ઊથલાવી રહી હતી, વાર્તાનું વહેણ અત્યંત ઈન્ટરેસ્ટીંગ વળાંક પર હતું. નોવેલની નાયિકાની પોતાની જાત સાથેની વાતચીતનાં અંશ રૂપે ટાંકવામાં આવેલી ચાર લાઈન પર આભાની નજર અટકી અને તેના છેલ્લાં ચાર શબ્દો જાણે આભાને તેના વસમા ભૂતકાળના કાળખંડ સુધી ખેંચી ગયા. તેની નજર સામેથી આખીય ઘટના કોઈ ફિલ્મની જેમ ફરી ભજવાવા માંડી.

પ્રહર્ષ, આકાશ અને આભા, અતૂટ મૈત્રી ત્રિકોણના ત્રણ ખુણા. કોઈપણ એકની ગેરહાજરી એટલે આ ત્રિકોણ અઘૂરૂ કહેવાય. સવાર થતા જ આજે કોલેજ માટે કયા કપડાં પહેરવા એ પણ ત્રણેય સાથે મળી નક્કી કરે. આકાશ તેના ઘરેથી નીકળે અને રસ્તામાં પ્રહર્ષને લઈ કોલેજનાં રસ્તાથી તદ્દન ઊલટા વળાંક પર આભાનું ધર હોવા છતાં બંને મિત્રો એનાં ઘરે જાય અને આભાને સાથે લઈ કોલેજ પહોંચે. આ તેમનો વણલખ્યો નિયમ હતો. કોલેજમાં કોઈપણ એકને શોધો એટલે બાકીનાં બેનો પત્તો મળી જાય.

આભાના મમ્મી ઘણી વાર કહેતા પણ ખરા કે અમારી આભા તો બે વરરાજા સાથે એક જ લગ્નમંડપમાં પરણવાની છે. આવી મજાકથી આભા રીતસર ચીડાઈ જતી. અને ત્યારે તેના મમ્મી કહેતા,"દિકરા, યુવાન છોકરી છો. ગમે ત્યારે લગ્ન તો કરવા જ પડશે ને? તો તું નક્કી કરશે કે પછી એ કામ અમારે કરવાનું છે?" "મમ્મા, તું નાહકની મારી ચિંતા કરે છે. જ્યારે સમય આવશે ત્યારે જોયું જાશે. તેમા તું પ્રહર્ષ અને આકાશને શું કામ વચ્ચે લાવે છે?"

પ્રહર્ષ નાણાવટી પ્રમાણમાં ઓછાબોલો, શાંત પ્રકૃતિવાળો મૃદુ સ્વભાવનો છોકરો. કોમળ સ્વભાવ, કોમળ દેખાવ અને કોમળ લાગણીઓ ઘરાવતો વિવેકબુદ્ધિ અને કાબેલીયતમાં કુરૂક્ષેત્રમાં લડતા અર્જુન જેવો પ્રભાવશાળી.

આભાની હથેળી પર વરસાદની બે બૂંદો પડી અને એની વાંછટ એનાં ચહેરા પર ઊડતાં જાણે એ વિચારતંદ્રામાંથી સફાળી જાગી. બાલ્કનીમાં હીંચકા પર બેઠેલી આભાએ પોતાની હથેળી પર પડતાં જ વિલાઈ ગયેલી બૂંદ પર નજર નાખી,"શું ભુલ હતી મારી પ્રહર્ષ? એવો તે કયો અપરાઘ મેં કર્યો હતો કે તેં તારી હથેળીઓને આટલી બઘી ખરબચડી બનાવી દીધી? મારી અને આપણાં બાળકની હથેળીનો સ્પર્શ પણ તને મહેસૂસ ન થયો? આટલો બઘો બરડ તો તું કયારેય નહોતો? હું તે સમયે પણ નક્કી નો'તી કરી શકી કે, કોલેજકાળનો મારો અંગત, અત્યંત ગમતીલો જણ તે તું જ હતો કે કોઈ ઓર? અને આજે પણ નક્કી નથી કરી શકતી! તને અને આપણાં સંસારને ચાહવામાં મેં કયાં કસર છોડી હતી? હું કયા પગથીયે મારી ફરજો ચૂકી હતી કે તેં આટલો મોટો અને નિર્દય નિર્ણય આટલી આસાનીથી કરી લીધો? આજીવન એકલતાનો શાપ આપતા પહેલાં તારાં મનની એક સમયની કૂણી લાગણીઓએ તને જરા સરખો પણ ડંખ ન માર્યો?"

ભેજવાળી હવાને કારણે ખુલ્લી પડેલી નોવેલનાં પાના ઊડી રહયાં હતાં, વરસાદની વાંછટને કારણે તે પાનાં ઘીમેઘીમે ભીંજાવા માંડયા અને એ વાતથી સાવ બેખબર આભા કેદાર, ભૂતકાળની યાદોમાં અટવાતી ગઈ. "તારે કહેવું પડશે, કહેવું પડશે અને કહેવું જ પડશે!" કોલેજની લોબીમાં ઊભેલા આભા અને પ્રહર્ષ વચ્ચે દલીલ ચાલી રહી હતી. 'અરે, પણ એવું કંઈ છે જ નહિં તો શું કહું?' પ્રહર્ષ બોલ્યો હતો. 'જુઠ્ઠો, એવું બને જ નહિં! હું તને બરાબર ઓળખુ છું પ્રહર્ષ, તું મારાથી કોઈ વાત છુપાવી નહિં શકે, સમજ્યો ને?' આભાએ જીદ્દ પકડી હતી. એટલામાં ત્રિકોણનો ત્રીજો ખૂણો આવી પહોંચ્યો. 'શું ભાઈ? શાની દલીલો ચાલી રહી છે?' આકાશે તેના બે મિત્રો વચ્ચે ચાલી રહેલી કોઈ દલીલનો સંદર્ભ મેળવવા પૂછ્યું. 'આકાશ, તને આ પ્રહર્ષ છેલ્લા થોડા દિવસથી બદલાયેલો નથી લાગતો? મને ચોક્કસ ખાતરી છે કે ભાઈસાહેબ કોઈના પ્રેમમાં પડયાં છે? પણ હું પૂછું છું તો કહેતો નથી, તુ પૂછી જો ને પ્લીઝ, આજે મારે ગમે-તેમ કરી જાણવું જ છે બસ,' આભાએ આકાશને કહ્યું હતું. 'તમે લોકો સમજતા કેમ નથી? સાચે જ એવું કંઈ જ નથી. જો એવું કંઈ હોય તો હું તમને નહીં કહું? કેવી વાત કરે છે, આભા?' પ્રહર્ષે તે દિવસે સમજાવવાની કોશીશ કરી હતી. 'શું કામ હેરાન કરે છે બિચારાને? સવારે મારી ટાંગ ખેંચતી'તી. હવે પ્રહર્ષને પકડ્યો છે, કેમ?' આકાશે આભાનો કાન પકડતા કહ્યું હતું. આકાશ ઈનામદાર, ત્રિકોણનો ત્રીજો ખૂણો, શ્રીમંત બાપનો ફેશ્‍નેબલ છોકરો. મળતાવડો સ્વભાવ અને બોલકણો પણ ખરો. આ ગર્ભશ્રીમંત છોકરા પર કોલેજની અનેક અપ્સરાઓની નજર રહેતી.

આકાશ જાણે તેની સામે જ ઊભો હોય આભા તેની સાથે વાત કરી રહી હોય તે રીતે બોલી,"આકાશ, મારા પ્રેમની લાગણીનો કયો ખુણો મેં ઓછો ચાહ્યો હતો કે જેને કારણે ન કરેલા ગુના માટે પણ હું આ જ પર્યન્ત સજા ભોગવી રહી છું? મારી તારા પ્રત્યેની લાગણીને આ રીતે વખોડી કાઢવાનો સમાજ કે મારા કોઈપણ સ્વજનને મેં ક્યારેય હક્ક નહોતો આપ્યો, તો પછી, આ શું થઈ ગયું? મારી બધી જ ફરજો, બધાં જ સંબંધો સૂપેરે નિભાવતા રહીને તને ચાહવું, તને યાદ કરવો, એ શું ગુનો ગણાય, મારી ભૂલ કહેવાય?"

કોલેજેનાં આખાય વાતાવરણને સજીવન કરી મૂકતી આ મિત્રટોળકી જોઈ એની સાથે ભણાવતા તમામ લોકો કહેતાં કે ખરેખર આ ત્રણેય શ્વાસ લે છે તે હવા તો અલગ છે કે પછી ત્રણેયનાં શ્વાસ પણ એકજ મિત્રનાં નાકથી લેવાય છે?

કોલેજની લોબીની પાળી પર બેસીને દલીલો કરી-કરીને પ્રહર્ષ વાત કઢાવવાની કોશિશ કરતી અભિશ્રીને એ નહોતી ખબરકે આ ઓછાબોલા, અંતમુર્ખી છોકરાના દિલનો મહેકતો ભીનો ખૂણો એ પોતેજ છે!

હા, મૈત્રીનાં પગથીયે પા પા પગલી કરતાં આ ત્રણેય મળ્યા એ જ દીવસથી પ્રહર્ષ અભિશ્રીનાં પ્રેમનાં અંકૂર વાવી બેઠો હતો. અને મનોમન અને ખૂબ ચાહતો. અભિશ્રીના ગમા અણગમાની જેટલી સમજ પ્રહર્ષને હતી એટલી કદાચ એનાં મા-બાપને પણ નહતી. એવો એકેય દિવસ નહતો જ્યારે અભિશ્રીએ કોઈ નવો ડ્રેસ પહેર્યો હોય અને પ્રહર્ષે દિલ ખોલીને એનાં વખાણ ન કર્યા હોય.

પ્રહર્ષે લાગણીનાં દરિયાનો ધૂધવતો અવાજ એ લોકોનાં મૈત્રીત્રિકોણથી માત્ર એટલા માટે દૂર રાખ્યો હોય કે પોતાનાં આટલાં અંગત મિત્રોમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય અને, લગ્નનો યોગ્ય સમય અને ઉંમર આવ્યે કહીશ તો અભિશ્રી તો શું પણ અનિલ અંકલ અને પ્રેરણા આંટી પણ ના નહિં જ પાડે એવી ખાતરી હતી. આપણા લગ્ન પછી મનેતો ખબર પડી પ્રહર્ષ કે તું મને આટલા લાંબા સમયથી અને આટલી ઉત્કટતાથી ચાહતો આવ્યો હતો અને પ્રહર્ષ આપણા લગ્નનો પ્રસતાવ પણ તેં જ મૂક્યો હતો મારી અને મારા ઘરની સામે! પ્રહર્ષ તને, તારા પ્રેમને, તારા ઘરને, આપણા સંસાર અને તારી સાથે જોડાયેલી તમામે તમામ વસ્તુઓ કે વ્યક્તિઓ પ્રત્યે મેં મારી વફાદારી નિભાવી હતી. દરેકને ચાહવાનો ખરા હ્રદયથી પ્રયત્ન કર્યો હતો મેં. અને છતાં-છતાં પરિણામ? આ અસહ્ય એકલતા અને રૂદનમાં સબડતું હાસ્ય વગરનું સુખ અને કોલાહલ વિહોણી આ ભવ્યતા..

વરસાદ તો છે પ્રહર્ષ, પણ વાંછટની ભિનાશ નથી. ચોમાસું છે પણ હ્રદયનાં ભેજવાળું ભીતરથી ભીંજાઈ શકાય એવું વાતાવરણ નથી. બાલ્કનીમાં એકલો ભીંજાતો હિંચકો છેં. પણ તારા સાથ સાથેની ચ્હાના કપવાળી એ ક્ષણ નથી...

મુગ્ધ ઉંમરનાં લપસણાં પગથીયે, પ્રહર્ષનો ઉત્કટ પ્રેમ અભિશ્રી માટે હતો, તો અભિશ્રીની લાગણીઓ ઓળઘોળ હતી આશ્ર્લેષ પર!

કદાચ પ્રહર્ષની ઉત્કટતા કરતાં પણ અભિશ્રીની આશ્ર્લેષ પ્રત્યેની લાગણીની ગહેરાઈઓ વધુ હતી. આશ્ર્લેષ.. આ નામ જે મુળાક્ષરોથી રચાયું હતું બારાખડીનાં તે અક્ષરોનાં મૂળ અભિશ્રીના કૂમળા હ્રદયની ભીની માટીમાં ઊંડે સુધી રોપાયેલાં હતા. અભિશ્રીએ એની કેટલીય રાતો આશ્ર્લેષ સાથેનાં લગ્ન, હનીમૂન, સંસાર અને સહજીવનનાં સપનામાં ગાળી હતી. વહેલી સવારે કોલેજ માટે તૈયાર થતી વખતે કાજળનો લસકારો કરતી વેળા એનાં સપનાંઓને પણ સ્‍હેજ કાળું ટપકું કર્યુ હતુ અભિશ્રીએ કે એને સાચા પડવામાં કોઈની નજર ન લાગી જાય.

પ્રહર્ષ જે અભિશ્રીના નવા ડ્રેસોને વખાણતા થાકતો નહતો તે ડ્રેસ ખરેખર પહેરાતો હતો આશ્ર્લેષ માટે. અભિશ્રીનાં અંગેઅંગ, રોમેરોમમાં એણે આશ્ર્લેષનું નામ કોતરી નખ્યું હતું.

કોલેજ જવાનો સમય થતાં બલ્કનીમાં કાગને ડોળે રાહ જોતી અભિશ્રીને કોલેજ જવાની ઉતાવળ ન હતી, પણ એ રાહ તો જોવાતી હતી આશ્ર્લેષના આવવાની. અને એના આવ્યા પછીનો અભિશ્રીનો સાંહીઠ ટકા સમય એ પ્રર્થનામાં નીકળી જતો કે હવે પછીની ક્ષણો સ્‍થિર સમયમાં ફેરવાઈ જાય, આગળ વધે જ નહિ તો કેવું સરસ?

પણ સમયનું રથચક્ર એની ગતિ કોઈનીય ઈચ્છા યા પ્રર્થનાથી અટકયું યા ધીમું પડ્યું છે ભલા કે અભિશ્રી માટે પડે? એના અશ્વોની ગતિ, એની એજ ઝડપે વહેતી રહી અને જોતજોતામાં કોલેજનાં ત્રણ વત્તા બે એમ પાંચ વર્ષો પૂરાં પણ થઈ ગયા. માસ્‍ટર્સ ડીગ્રી લઈ ત્રણે ખૂણાનો આ ત્રિકોણ હવે ભવિષ્ય્નાં શમણાંઓ લઈ કોલેજનાં છેલ્લા પગથીયે બેઠો હતો.

પ્રહર્ષની અભિશ્રી માટેની અને અભિશ્રીની આશ્ર્લેષ પ્રત્યેની લાગણીઓ હજુય એકબીજથી સાવ અજાણી હતી. પણ આશ્ર્લેષ એ ત્રિકોણનો એક એવો ખૂણો હતો જેને ઊડવું હતું. ઉપર દેખાતું આખ્ખ્યુંય ભૂરૂં આકાશ એને પોતાનું લાગતું હતું. કે જે એના બાહુપાશમાં હજારો સપના ભરી આશ્ર્લેષને બોલાવતું હતું. વર્ષોથી ચાલી રહેલા એનાં ડેડનાં ધમધોકાર બિઝનેસને એણે ભારતના સિમાડા વટાવીને વિશ્વનાં ફલક સુધી વિસ્તારવો હતો. અને માસ્ટર્સ ડીગ્રીની પાંખો મેળવી ચૂકેલો આશ્ર્લેષ ઊડી ગયો. પ્રહર્ષ અને અભિશ્રીને કારણ કે.. નાના શહેરમાં રચાયેલુ વિશ્વ એને હવે નાનું લાગતું હતું. એની પાંખોનાં ફડફડાટને એક મોટા વિશ્વની તલાશ હતી. એટલા મોટા કે જ્યાં એના સપનાઓને નવો આકાર, નવું નામ, નવી પ્રતિષ્ઠા મળે. સજીવન ન થઈ શકેલા સપનાની રાખમાં આળોટતી અભિશ્રી ત્યાંજ રહી ગઈ. આશ્ર્લેષનાં સપનાઓની આ પાર! લહેરોને જોતી, કિનારા પર ઝોલાં ખાતી અભિશ્રી શૂન્યમનસ્‍ક ચિત્રમાં અટવાતી રહી. આશ્ર્લેષને પોતાની લાગણીઓ ન જણાવી શકવાનો અફસોસ એને વધુ ને વધુ અજંપો અને ગૂંગળામણ આપતો રહ્યો. એની જાતને તમામ આસક્તિઓમાંથી સંકોરી લઈ પોતાનાં રૂમના એકાંત વિશ્વમાં કેદ કરી લીધી.

પ્રહર્ષનેય જવલ્લેજ મળતી અભિશ્રી અચાનક સાવ બદલાઈ ગઈ હતી. ચિબાવલી, બટબોલી, કોલેજ સમયની એ ચંચળ અભિશ્રી ફંગોળાઈને દૂર ફેંકાઈ ગઈ હતી જાણે! અભિશ્રીમાં આવેલા આ અનિચ્છનીય ફેરફારથી પ્રહર્ષ વધારે બેચેન થઈ રહ્યો હતો. એને એક દિવસ, શહેરમાં સારી પ્રતિષ્ઠા જમાવી લીધાના સંતોષનાં ઓડકાર સાથે એણે અભિશ્રી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો!

પોતાની નજર સામે મોટા થયેલા આ સંસ્કરી વેલસેટલ્ડ યુવાનના હથમાં પોતાની દિકરીનો હાથ આપવામાં પ્રો.અનિલ કેદાર અને પ્રેરણા બહેનને પણ શો વાંધો હોઈ શકે ? અને અભિશ્રીને તો હવે બચેલા શ્ર્વાસોની જિંદગી જ વિતાવવાની હતી.

બંન્નેના લગ્ન લેવાઈ ગયા. પણ હ્રદયનાં પાતાળની ઊંડાઈથી ચાહેલો પોતાનો પ્રેમ, આશ્ર્લેષ... એને અભિશ્રી ક્યારેય પોતાનાથી દૂર ન કરી શકી.

પ્રહર્ષને મનોમન પોતાનો પ્રેમ મળી ગયાનો સંતોષ તો હતો પણ અભિશ્રીમાં આવી ગયેલા એક ચોક્કસ પ્રકારના ફેરફારથી એ અકળાયા કરતો.

લગ્નની ચોરીની ફરતે ફરેલા સપ્તપદીનાં ફેરા જાણે ફેરામાત્ર હતા, અભિશ્રી માનોમન તો આશ્ર્લેષને જ પરણી રહી હતી! પ્રહર્ષના ઘરના ઉંબરે ચોખાનો લોટો વળોટી અંદર પ્રવેશેલી અભિશ્રીએ નવા સંસારમા પ્રવેશ તો કર્યો પણ આશ્ર્લેષ પ્રત્યેના પ્રેમનો એક વળ પણ એ પાછળ ન છોડી શકી. પ્રહર્ષનાં ઘરમાં અભિશ્રીની સાથે સાથે એના હ્રદયમાં ઘરબાયેલી આશ્ર્લેષ માટેની અસીમ લાગણીઓ, અમાપ પ્રેમ અને એની હૂંફ્ની ઝંખનાઓ પણ પ્રવેશી.

અભિશ્રી અને પ્રહર્ષનાં લગ્ન જીવનની એક એક ક્ષણ દિવસમાં, દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં વિતતા ગયા. આશ્ર્લેષના કોઈવાર કોઈક ખૂણેથી ઊડતાં સમાચાર મળી જતાં પણ આશ્ર્લેષને તો જાણે ભૂતકાળના કોઈ દિવસ ત્રિકોણના બંને ખૂણા સાથે કોઈ સંબંધ જ ન હતો! એના તરફથી ફોન યા પત્ર... ક્યારેક કંઈ જ નહી આવ્યું.

આજે પ્રહર્ષનાં ઘરમાં ધમાચકડી હતી. સગાં-વ્હાલાંઓ અને મિત્રોના ફોન અને શુભેચ્છાઓથી ઘર રણકી ઊઠ્યું હતું! કારણ કે... કારણ કે એનાંડોકટર એ માટેનું કારણ
જણાવ્યું હતું. "કોન્ગ્રેચ્યુલેશન્સ મી.પ્રહર્ષ, યોર વાઈફ ઈઝ પ્રેગનેન્ટ!" ઉત્સાહ, ઉમંગ અને આનંદથી ઉછળતો પ્રહર્ષ ઘરમાં આમથી તેમ દોડાદોડી કરી રહ્યો! બાળકના
આવવાના સમચાર માત્રથી એણે આખ્ખી રમકડાંઓની દુકાન ઘરમાં ખાલી કરાવી દીધી.

પોતાના શરીરમાં એક પિંડને આકાર દઈ રહેલી અભિશ્રી પણ હવે પોતાને માટે નહી તો પોતાનાં બાળકને માટે આનંદમાં રહેવાનો પ્રયત્ન કરવા માંડી. રોજ નવા પુસ્તકો, નવી નવી વાતો વાંચવા માંડી. બહાર ફરવા માંડી અને પ્રહર્ષને વધુ ઉત્કટતાથી ચાહવા માંડી. પણ છતા આશ્ર્લેષ નામના કમરાના દરવાજાનો એ તાળા તો ન જ મારી શકી. એકલી પડતી ત્યારે અભિશ્રી ક્યાંય સુધી આશ્ર્લેષ સાથે વાતો કારતી રહેતી. "આશ્ર્લેષ, હું મા બનવા જઈ રહી છું. ક્યારેક તારા પિંડને ઉછેરવાનું શમણું જોયું હતુ મેં, તે હવે પ્રહર્ષનાં ઘરમાં એના
બાળક્ની મા બનીને જીવી રહી છું. આશ્ર્લેષ શું કોઈ દિવસ તને મારી યાદ નથી આવતી ? મને મળનાની, વાત કરવાનીય ઈચ્છા નથી થતી તને? તારી અભિશ્રી શું હાલમાં છે તે જોવાનીય તને ફૂરસદ નથી મળતી? આશ્ર્લેષ.. આશ્ર્લેષ.. આટલો બધો સેલ્ફ સેન્ટરર્ડ તો તું ક્યારેય નહોતો તો પછી કેમ? શું કામ? શા માટે?

ખુલ્લી હવામાં નિઃસાસા સ્વરૂપે નીકળેલાં પ્રશ્ર્નો એ જ હવામાં ઓગળી જતાં અને અભિશ્રી આશ્ર્લેષની વાતો, યાદો, સંસ્મરણોનું પોટલું વારંવાર ભીંજવ્યા કરતી.

"અભિશ્રી: પ્રહર્ષ તું કેમ આજે આવી વાતો કરી રહ્યો છે? તારી સાથેનાં લગ્ન એ જ સચ્ચાઈ છે. એ જ આપણો વર્તમાન છે અને એ વર્તમાનનું જ, આ આપણી નજર સામે રમતું ભવિષ્ય છે.."

"પ્રહર્ષ: આ ભવિષ્ય નથી અભિશ્રી, મારી સામે હસતો, મને હરાવી દીઘાની જીતથી માથુ ઊંચકતો તારો ભૂતકાળ છે. તારો આશ્ર્લેષ છે આ..."

"અભિશ્રી: આ શું બોલે છે પ્રહર્ષ? અભિશ્રીથી લગભગ બરાડો પડાઈ ગયો. આ... આ... આપણું બાળક છે પ્રહર્ષ, તું આવું ન બોલ. પ્લીઝ!" અભિશ્રી એ વર્ષોથી બાંઘીને જકડી રાખેલો આંસુઓનો બાંઘ મોટો ડૂમો બની એના ગળે બાજી ગયો...

"પ્રહર્ષ: અભિશ્રી, મારી સાથેનાં અભિસારની ક્ષણો દરમિયાન પણ શું આશ્ર્લેષ તારા માનસપટલ પર સતત છવાએલો નો'તો રહ્યો? આપણી પથારીમાં પડેલાં સળ મારા હતાં પણ ઊના શ્ર્વાસો શું આશ્ર્લેષનાં નો'તા?"

"હા અભિશ્રી, આ બાળક મારું ખરૂં પ્રહર્ષ અને અભિશ્રીનું જૈવિક બાળક પણ આશ્ર્લેષ અને અભિશ્રીનું નાનસ બાળક છે આ..."

અભિશ્રીના કાને પ્રહર્ષનાં શબ્દો ભાલાની જેમ ભોંકાઈ રહ્યા. અને પ્રહર્ષનાં પુરૂષ અવાજની સામે અભિશ્રીના તીણા બરાડા સમસમીને ઘીમા પડતા ગયા.

"મારાથી આ બાળકનો ઉછેર નહી થઈ શકે અભિશ્રી, બહેતર છે કે આ બીજા પ્રદેશના સૂર્યના કિરણો મારી બારી પર ના પાડ!"

"અભિશ્રી: પ્રહર્ષ! આ તારા જ, આપણા જ પ્રદેશનો સૂર્ય છે પ્રહર્ષ, તારા ને મારા લોહીથી સિંચાએલો!"

"પ્રહર્ષ: અને આશ્ર્લેષ નામના શ્ર્વાસથી ઉછરેલો .."

"આ બાળક... આ સૂર્ય તારા પ્રદેશનો હોઈ શકે અભિશ્રી, આપણા પ્રદેશનો નહી."

વરસાદ અચાનક જાણે કાળા વાદળાઓ છોડીને કયાંય દૂર ચાલી ગયો. બાલ્કનીનો હિંચકો કીચૂડ કીચૂડ કરતો વરસાદની જામેલી બૂંદોને પોતાના પરથી નીચે ખંખેરી રહ્યો હતો અને નોવેલના પાનાં વાંછટની બૂંદોથી ભીંજાઈને ફરફરવાનો અવાજ ભૂલી શાંત થઈ ગયાં હતા.. અભિશ્રી, ચોમાસાની સવારે પણ ભીંતરે સુકીંભઠ્ઠ રહી ગયેલી રોતીને ભીંજવી ન શકવાનો વસવસો લઈ ક્યાંય લગી ત્યાં જ બેસી રહી!


Rate this content
Log in