Mittal Chudgar Nanavati

Others

3  

Mittal Chudgar Nanavati

Others

સ્વ-પરીક્ષણ કે સ્વાવલોકન

સ્વ-પરીક્ષણ કે સ્વાવલોકન

6 mins
441


બાળપણથી શરુ કરીને જીવનના દરેક સ્તર પર આપણું મૂલ્યાંકન થતું આવ્યું છે. પરીક્ષાઓ, સ્પર્ધાઓ, અને હરીફાઈઓ જીવનનો એક એવો હિસ્સો છે જેનાથી પલાયન થવું મુશ્કેલ જ નહીં નામુમકીન છે. નાના હોઈએ ત્યાર થીજ આપણને ભણતા આવડે કે ન આવડે પરીક્ષા આપતા જરૂર આવડી જાય છે. કારણ કે એજ પહેલા શીખવવામાં આવે છે. ફર્સ્ટ ટેસ્ટ ધેમ, મેક ધેમ લર્ન લેટર. છોકરાઓને આપણે ક્યારેય પરીક્ષાનો સાચો હેતુ સમજાવતા નથી. મોટાભાગની આયોજિત શૈક્ષણિક અને વ્યવસાયિક પરીક્ષાઓ અને એના પરિણામરૂપે થતું મૂલ્યાંકન આપણી ઓળખ બનાવવા માટે હોય છે. બીજાની તુલનામાં આપણે કયા ક્રમે-આગળ કે પાછળ છીએ એ દર્શાવી એ આપણા આત્મવિશ્વાસ અને અહમને પોષે છે અથવા તો શોષે છે. આ આયોજિત પરીક્ષાઓ મહદ્દઅંશે બાહ્ય હોય છે. ગણિત, વિજ્ઞાન, ઈતિહાસ, અર્થતંત્ર વિગેરેને લગતા પ્રશ્નો અને એના જવાબો. એમાં ક્યાંય અંતર સાથે કોઈ સંવાદ નથી હોતો. મનન અને ચિંતન કરવાનું હોય તો પણ ભેગી કરેલી માહિતી અને શીખડાવેલી મેથડ ઉપર. આપણી મુલવણી મુખયત્વે આપણે મેળવેલા માર્ક્સ ઉપર જ થાય છે અને એટલે જ આ બાહ્ય પરીક્ષાઓને આપણે આટલું મહત્વ આપીએ છીએ. આપણું પર્ફોર્મન્સ જ્યાં જ્યાં અંકાય છે ત્યાં ત્યાં આપણે સતેજ અને સજાગ હોઈએ છીએ. એમાં અવ્વલ આવવા માટે સતત મહેનત કરીએ છીએ.

પ્રોફેશનલ લાઈફ માં પ્રવેશ થયો ત્યારે મને થયું હાશ, હવે પરીક્ષા નહીં આપવાની થાય ! પણ એવું તે કેમ બને ? ત્યાં તો એક નવો જ કન્સેપટ શરુ થયો - પર્ફોર્મન્સ એસેસમેન્ટ. પેહલા આ પ્રાઇવેટ જોબ્સ પૂરતું સીમિત હતું પણ હવે તો મોટા ભાગની ગવર્મેન્ટ જોબ્સમાં પણ અનિવાર્ય થઇ ગયું છે. શરૂઆતના વર્ષોમાં જયારે આ કોન્સેપટ આવ્યો ત્યારે દર વર્ષે તમારા ઉપરી અધિકારી કે લાઈન મેનેજર તમારું આખા વર્ષના કાર્યોનું મૂલ્યાંકન કરે અને તમારું ઇન્ક્રિમેન્ટ અને પ્રોમોશન નક્કી કરે. પરંતુ એમાં ટ્રાન્સપરંસી નો અભાવ હતો. એટલે ધીરે ધીરે આ પદ્ધતિમાં બદલાવ આવ્યો અને હવે મોટા ભાગની મલ્ટિનેશનલ કંપનીઝમાં એમપ્લોયી પાસે 'સેલ્ફ-એસેસમેન્ટ' કરાવવામાં આવે છે. એમાં એટ્ટીટ્યૂડ, કૉમ્યૂનિકેશન, બિહેવિયર, ટીમ પ્લેયર જેવી જુદી જુદી કક્ષામાં એણે કેવું યોગદાન આપ્યું છે એ એણે જાતેજ ભરવાનું હોય છે.કંપનીના ગોલ્સ હાંસલ કરવામાં કેવી રીતે ભાગ ભજવ્યો, પોતાના ડીપાર્ટમેન્ટના કામમાં કોઈ નવીનતા લાવી, પોતાના કલીગ્સ સાથે કેવી રીતે કોઓર્ડીનેટ કરીને પ્રોડક્ટ કે સર્વિસમાં સુધાર લાવ્યો વગેરે અને આવતા વર્ષમાં એ કયા ટાર્ગેટ્સ પોતાના માટે સેટ કરશે જે કંપનીના ટાર્ગેટ સાથે મેચ થાય એ બધું ઓન લાઈન પોર્ટલ ઉપર લખવાનું હોય છે. ત્યારબાદ મેનેજર એનું વિવેચન કરીને પ્રતિસાદ આપે છે અને પગારની વૃદ્ધિ અને પ્રોમોશન નક્કી કરે છે. આ આખી પ્રક્રિયા દર વર્ષે રિપીટ થયા કરે છે. આ પ્રોસેસને બારીકાઇથી તપાસીએ તો ખ્યાલ આવે કે આખી પ્રક્રિયા નો મૂળ હેતુ એક જ છે. ડુ બેટર, સર્વ બેટર એન્ડ ગેઇન બેટર ફોર યોરસેલ્ફ એન્ડ ધ કંપની ! હા, કંપની પોલિટિક્સ પણ હોય છે એમાં ના નહીં. જ્યાં જ્યાં માણસ હોય ત્યાં પોલિટિક્સ હોય જ, એકલો હોય તો માણસ મન સાથે ગેમ રમી લે છે, એ એનો મૂળભૂત સ્વભાવ છે. પણ એક સારા કન્સેપટ સેલ્ફ -એસેસમેન્ટનો આપણા અંગત જીવનમાં આપણે કેટલો ઉપયોગ કરીએ છીએ ? અંગત જીવન અને સંબંધોમાં આવું કોઈ પરફોર્મન્સ એનાલિસિસ નથી થતું એટલે શું આપણે એને ગ્રાન્ટેડ લઈએ છીએ ?

સેલ્ફ ટોક, સેલ્ફ એનાલિસિસ, અને સેલ્ફ એસેસમેન્ટ જેવા શબ્દો ભલે મેનેજમેન્ટ ફિલસુફી લાગે પરંતુ વ્યક્તિગત જીવનમાં પણ એ અત્યંત ઉપયોગી નીવડે છે. સામાન્યતઃ માનવીનો સ્વભાવ બીજામાં અને પરિસ્થિતિઓમાં દોષ શોધવાનો હોય છે. દોષ શોધી તો શકાય છે પણ એનાથી કશુંજ બદલી શકાતું નથી. જયારે આપણામાં અને આપણા કામ કરવાના તારિકા બદલાય છે ત્યારેજ અનુકૂળ સ્થિતિઓ સર્જાય છે. 

એક માણસે સંપૂર્ણ જ્ઞાન પામવા માટે પહાડ પર જઈ તપસ્યા કરવાનું નક્કી કર્યું. દર બે વર્ષે ત્યાં તપસ્વીઓ સમક્ષ ભગવાન ઉપસ્થિત થાય છે એમ તેણે લોકો પાસેથી જાણ્યું હતું. એક વર્ષની તપસ્યા દરમિયાન આ માણસે ત્યાંના ઝાડ-પાન અને ફળો આરોગ્યાં અને એ બધો પુરવઠો હવે ખતમ થવા આવ્યો હતો. એટલે આ માણસે ભગવાનને દોષ આપવાનું ચાલુ કર્યું, હે ભગવાન, હું બધું છોડીને અહીં આવ્યો અને આટલી કઠીન તપસ્યા કરી છતાં તમે મારા સમક્ષ હાજર ન થયા. હવે મારે મારી ભૂખ સંતોષવા અને જીવવા પાછા ગામમાં જવું પડશે. એ જયારે પાછો વળ્યો ત્યારે એક દેવદૂત આવ્યો અને એણે પેલા માણસને કહ્યું, ભગવાન ને ચોક્કસ તારી સાથે વાત કરવી હતી. આખું વર્ષ ભગવાને તને ખવડાવ્યું અને એ ઇચ્છતા હતા કે હવે તું જાતે વાવે,લણે અને તારી ભૂખ સંતોષે. તો તે શું વાવ્યું ? જે માણસ જ્યાં રહે ત્યાં જો કશું શીખી ન શકે, વાવી ન શકે, પોતાની જરૂરિયાત સંતોષવા સંઘર્ષ કરી કામ ન કરી શકે એ માણસ બીજાને શું જ્ઞાન આપે ? 

આપણે સૌ ક્યાંક ને ક્યાંક આ માણસ જેવા છીએ. સંબંધોમાં, સમાજમાં, ઓફિસમાં, કાયદાઓમાં બધેજ આપણને ઉણપ દેખાય છે. પણ શું આપણામાં ઊણપ નથી ? આપણે સ્વયંને છોડીને બધાની ચકાસણી કરવામાં સક્ષમ છીએ. પેપર પેન લઈને કોઈ દિવસ આપણે હિસાબ નથી માંડતા કે ગયા વર્ષે કેટલી ભૂલ કરી, કોનું પત્તુ કાપ્યું, કોને નીચા દેખાડ્યા, કોને અવગણ્યા, કોનું દિલ દુભાવ્યું ? અવાક, જાવક, ડિસ્કાઉન્ટ, સેલ, વ્યાજ, ટેક્સ બધાનો હિસાબ આપણે રાખીયે માત્ર આપણી આંતરિક ઉન્નતિના વિકાસનો કોઈ જ હિસાબ આપણે રાખતા નથી. એનું કારણ છે કે આ હિસાબ અને એનું મૂલ્યાંકન કોઈ જોવાનું નથી. કોઈપણ એવું પરીક્ષણ થતુંજ નથી જ્યાં માણસાઈ, સચ્ચાઈ, અચ્છાઈ, અને બીજાને કરેલી સહાય પર તમારું મૂલ્ય-નિર્ધારણ થાય. જૂની પેઢી નવીમાં,નવી પેઢી જૂનીમાં,સ્ત્રીઓ પુરુષોમાં,પુરુષો સ્ત્રીઓમાં,સાસુ વહુમાં,વહુ સાસુમાં બધાજ એકબીજાની ખામીઓ શોધી નિંદા કર્યા કરે. પરંતુ બધા પરત્વેનું આપણું વલણ સુયોગ્ય છે કે નહીં એની ખાતરી કોણ કરે ? આપણી ખામીઓ, સ્વભાવ, ગેરસમજ, એટિટ્યૂડથી આપણે કેટલા લોકોને ખોઈ દીધા, કેટલા સંબંધો નિર્જીવ થઇ ગયા, મુરજાય ગયા એનો કોઈ હિસાબ આપણે નથી રાખતા. એક બાપ,પતિ, દોસ્ત, ભાઈ કે માં, પત્ની, વહુ, સાસુ તરીકે આપણું પરીક્ષણ ક્યારેય આપણે કર્યું હશે ? મને એકવાર મારા મિત્ર એ પૂછ્યું હતું, તને એક મોકો મળે તો તું તારા જીવનમાં રહેલી કઈ વ્યક્તિને બદલે ? મેં બે ઘડી વિચાર કર્યો અને ત્યારે મને થયું કે જો આવો મોકો મળતો હોય તો ચોક્કસ ૨-૫ વ્યક્તિઓ મને એમના જીવનમાંથી બદલવા ઈચ્છે, કારણ કે ખામીઓ તો મારામાં છેજ. એટલે મેં જવાબ આપ્યો,' હું મારા જીવનની એકપણ વ્યક્તિને કોઈ બીજા સાથે બદલવા નથી ઈચ્છતી, એટલે નહીં કે એ લોકો બેસ્ટ છે પરંતુ એટલે કે હું બેસ્ટ નથી, એ હું જાણું છું.'

કંપનીઓ આવા સેલ્ફ-એસેસમેન્ટ એટલે કરાવે છે કારણ કે એક કર્મચારી જો સારો બદલાવ લાવે તો સંસ્થાને પણ આગળ વધારે છે, નફો કરાવે છે, પરંતુ એમાં ક્યાંય વ્યક્તિગત વિકાસની વાત નથી હોતી. સ્વ-નિરીક્ષણ અને સ્વ-પરીક્ષણથીજ આપણે વિકસી અને વિસ્તરી શકીયે છીએ. જે લોકો પોતાનામાં પરિવર્તનની આવશકતા ને જોઈ શકે છે અને એ વિષે કંઈક કરી શકે છે તેઓ ઈશ્વરના કૃપાપાત્ર છે. પોતાના અંદર પરિવર્તન લાવવાથી આપણે કશુંક સુધારવા માટે કાબિલ બનીયે છીએ એ બાબત કેટલી અદભુત, કેટલી ઉત્સાહપ્રેરક છે ! જે સહેલું છે એ સાદું,જે અઘરું છે એજ શ્રેષ્ઠ પરિણામો લાવે છે. સ્વયંને પહેચાનવું, સ્વયંને સુધારવું અને સ્વયંમાં પરિવર્તન લાવવું અતિ કઠીન છે અને એટલેજ એ ઉત્તમોત્તમ પરિણામો લાવે છે. સ્વયં માટે બીજા માટે અને સમસ્ત જગત માટે. 

જિંદગી તો ચોક્કસ કસોટીઓ કરે, પાસ પણ કરે અને નાપાસ પણ, સફળતાનો તાજ પણ પહેરાવે અને જમીનની ધૂળ પણ ચટાડે, આગળ વધારે તો ક્યારેક પાછળ પણ ધકેલે. બાહ્ય પરીક્ષણો હોદ્દો કે દરજ્જો જરૂર આપે છે પણ આત્મ સંતોષ તો આત્મ-નિરીક્ષણ અને સેલ્ફ એસેસમેન્ટ થીજ મળે છે. મનુષ્ય ગઈકાલ ની સાપેક્ષે આજે કયા સ્તરે ઉભો છે, કેટલો પરિપક્વ થયો છે, કેટલો પરિવર્તિત થયો છે અને વિકટ પરિસ્થિઓનો સામનો કરવા કેટલો મક્કમ, અડગ અને સમર્થ છે એજ એનું સાચું મૂલ્યાંકન છે. આજના યુગમાં જયારે અહમનું ઈન્ફ્લેશન કે 'ઇન્ફ્લેટેડ ઈગો' નો વ્યાપ કોરોના કરતા પણ વધી રહ્યો છે ત્યારે સ્વ-પરીક્ષણ કે સ્વાવલોકન આપણને એક ઠહેરાવ, એક વિચાર અને એક મોકો આપશે- પોતાને, સંબંધોને, બીજાને અને પરિસ્થિતિઓને એક અલગ એંગલ થી જોવાનો અને જાણવાનો. આવનારી પેઢીને પણ આ શીખવવું એટલુંજ જરૂરી છે જેટલું બાહ્ય પરીક્ષાઓનું મૂલ્ય સમજાવવું. જાત સાથે વાત કરવી એ એક લ્હાવો નથી, જરૂરિયાત છે. જિંદગીની ખાસિયત એ છે કે આપણે વીતેલી કાલ ને બદલી નથી શકતા, એની જોઈ શકીયે છીએ, વધુ સારી રીતે સમજી શકીયે છીએ, એમાંથી શીખી શકીયે છીએ અને સારા બદલાવ લાવી શકીયે છીએ જેથી આવનારી જિંદગી રંજ,અફસોસ કે ગિલ્ટ કરતા સમજણ, પ્રેમ, સંતોષ અને ખુમારીથી જીવી શકીયે.આપણી આજ અને આવનારી કાલ આપણી સંમુખ ઊભી છે, અણસ્પર્ષેલી, અનવદ્ય. આપણે એને કેમ મળીશુ અને કેવી બાનવીશું એ આપણા 'સ્વયં' ઉપર છે.

જે જાત જોડે નથી કરી શકતો સંવાદ

એ ચાહીને પણ નથી કરી શકતો પોતાનો ઉધ્ધાર !


Rate this content
Log in