Khodifad Mehul

Others

3  

Khodifad Mehul

Others

સંવેદના

સંવેદના

3 mins
7.1K


"આ લીમડાને કાપી નાખો. નહીં  તો  એ આપણાં બાંધકામાં નડતરરૂપ  થશે." આ વાત સાંભળી લીમડો ગભરાઈ ગયો. થોડીજ વારમાં બે મજૂર આવ્યા. એકના હાથમાં  ધારદાર કૂહાડી હતી અને બીજાના હાથમાં મજબૂત દોરડું. બંને મજૂરે બીડી સળગાવી બીડીના ઘૂંટ મારવા લાગ્યા.

પહેલો મજૂરઃ "એલા મોટા, આ લીમડાને કાપવામાં કેટલો સમય લાગે?"
બીજો મજૂર: "ઈ તો મોટા તારા કાંડામાં રહેલા બળની વાત છે. વધુ બળ હશે તો ઓછા સમયમાં કપાઈ જશે નહીં તો વાર લાગશે."
લીમડો(મનમાં): "આ લોકો મને કેમ મારવાનાં છે? મેં તે લોકોનું કશુંજ બગાડ્યું નથી તો પણ કેમ મને મારી નાખવા ઊભા થયા છે. મને તો ભગવાને પગ પણ નથી આપ્યા, નહીંતર હું પણ દોડીને, ભાગીને મારો જીવ બચાવી લેત. હે ભગવાન! મને બચાવ."

પહેલો મજૂર: "મોટા તું આ દોરડાને છૂટે નહિ એ રીતે લીમડાના ગળા પર બાંધી તેને જોરથી ખેંચ એટલે હું તેને કૂહાડીથી કાપવા માંડુ." બંને મજૂરે વારાફરતી બીડી ફેંકી.

બીજો મજૂર લીમડા પર ચડીને તેના ગળા પર દોરડું બાંધી, નીચે  ઉતરી તેના તરફ જોરથી ખેંચે છે. લીમડાની આંખોનો ઉજાસ એકાએક ઓછો થતો જાય છે; શ્વાસનળીમાં શ્વાસ શૂન્ય થતો જાય છે. પહેલો મજૂર જોરશોરથી એક પછી એક કૂહાડીના ઘા કરતો જાય છે અને તે લીમડાના જીવના દરવાજા બંધ થઈ જાય છે. ભગવાનનાં માણસો આવી તે લીમડાનાં જીવને ભગવાન ભવનમાં લઈ જાય છે. યાન ભગવાન ભવનમાં ઊભું રહે છે.

ભગવાન: "આવ લીમડા આવ, મારા ભવનમાં તારું સ્વાગત છે. રસ્તામાં આવતી વખતે કોઈ તકલીફ તો નથી થઈ ને?"
લીમડો: "ના ભગવાન, કોઈ તકલીફ નથી થઈ. ભગવાને મોકલેલી સવારીમાં હંમેશા ભવ્યતાજ હોય છે." લીમડાએ  મખમલ  જેવું મલકાતાં કહ્યું.
ભગવાન: "મેં તારી આવતાની પહેલાંજ તારા પરોપકારી કામની યાદીને યાદ કરી લીધી છે. હું તારા એ કામથી ખૂબજ પ્રસન્ન છું. હવે તારે બીજા જન્મમાં શું બનવું છે; તું કહે તે તને બનાવીશ, બેફિકર, ગભરાયા વગર માગ."
લીમડો: "ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. સારું શું અને ખરાબ શું, તેનો તફાવત તમારાથી વધુ કોઈ જાણકારી નથી. માટે તમારી જે ઇચ્છા હોય તે બનાવો."
ભગવાન:"સારું, હું તને માણસ બનાવી ફરી પૃથ્વી ઉપર મોકલું છું."
લીમડો: "માફ કરજો ભગવાન, મારે માણસ નથી બનવું."
ભગવાન: "કેમ નથી બનવું?"
લીમડો: "કેમ કે પૃથ્વી ઉપરનો માણસ મતલબી છે, દયાહીન છે, દગાખોર છે, હિંસક છે, સંવેદનહીન છે."
ભગવાન: "મારા મતે તો માણસે પૃથ્વી પર સૌથી શ્રેષ્ઠ છે, તો પછી એ ખરાબ કેવી રીતે કહેવાય."
લીમડો: "જ્યારે તમારા તે માણસને તાપ લાગે છે ત્યારે તે મારા છાંયડામાં બેસે છે, મચ્છર કરડે છે ત્યારે તે મારા પાન સળગાવી તેનાંથી બચે છે. જ્યારે તેને કશુંક ચોંટાડવું હોય, ત્યારે તે મારા શરીર પર ઊંડો છેદ કરીને તેમાંથી નીકળતા ગુંદરનો ઉપયોગ કરે છે. તે માણસને તેનાં મોઢાંના દાંતની ગંદકી સાફ કરવી હોય ત્યારે તે મારા શરીરનાં કોમળ ભાગને કાપી દાતણ કરે છે. હરામનું ખાવાનું ખાઈને તેના પેટમાં કૃમિનો કકળાટ વઘે છે, ત્યારે તે મારા કૂણાં પાન ગરમ પાણીમાં ઉકાળીને પીવે છે. બેરહેમીની હદ તો ત્યારે થઈ જાય છે, જ્યારે તે પોતાનાં શરીરનાં પાણીનું પ્રેશર મારા પર પેશાબ કરીને ઠાલવે છે. ભગવાન આ બાબતોને લઈને જ તમારો તે માણસ મતલબી છે, દયાહીન છે, દગાખોર છે, હિંસક છે, સંવેદનહીન  છે એટલે મારે માણસ જેવુ ખરાબ નથી બનવું. એટલે હું માણસ બનવા નથી માગતો."
ભગવાન: "લીમડા, તારી આ વાત એકદમ સાચી છે. હવે તે માણસને સુધારવાનો કોઈ ઉકેલ આપ."
લીમડો: "ભગવાન, તમે તે માણસમાં સરળ, સારી, સંપુર્ણ અને સશક્ત સંવેદના નાખીદો એટલે તે માણસ સજ્જન બની જશે."
ભગવાન: "તારી આ વાતમાં પણ સત્યની ચમક દેખાય છે, લીમડા હવે તો કે તારે શું બનવું છે?"
લીમડો: "મારે તો ફરી લીમડો બનવું છે."


Rate this content
Log in