સિંહે બનાવ્યું સરકસ
સિંહે બનાવ્યું સરકસ
સિંહને એક વખત સરકસ બનાવવાનો વિચાર આવ્યો. પરંતુ સિંહથી તો પ્રાણીઓ ડરે ! એટલે સિંહના સરકસમાં જોડાય કોણ ? પરંતુ આ સિંહ હતો નિર્ણયમાં અડગ. તેથી તેણે ધીમે ધીમે પ્રાણીઓમાંથી પોતાનો ડર દૂર કરવાની કોશિશ કરી. તેના પરિણામે એક પછી એક પ્રાણીઓ પોતાની જાતિગત દુશ્મનાવટ ભૂલીને સિંહ સાથે જોડાતાં ગયાં. પછી તો સિંહે દરેકને જુદા જુદા ખેલ શીખવ્યા.
એક દિવસ સરકસનો ખેલ ગોઠવવાનું નક્કી થયું. જંગલનગરના એક મોટા મેદાનમાં તંબૂ ગોઠવાયો. ટિકિટો વેચવાનું શરૂ થયું. લોકો પ્રાણીઓના સરકસને જોવા આતુર હતા. તેથી ટિકિટ લેવા માટે લોકોની લાંબી લાંબી કતારો લાગી ગઈ. થોડીવારમાં તો બધી જ ટિકિટો વેચાઈ ગઈ. સરકસ શરૂ થવાનો સમય થયો. લોકો પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા.
શરૂઆતમાં વાંદરો પોતાના ખેલ દેખાડવા લાગ્યો. વાંદરાની કમાલથી લોકો તાળીઓનો ગડગડાટ કરતા હતા. આ જોઈને સિંહ ખૂબ ખુશ થતો હતો. પછી વાઘ અને દીપડાએ ક્રિકેટ રમીને લોકોને ખુશ કરી દીધા. તંબૂમાં સતત તાળીઓનો ગડગડાટ થતો હતો. રીંછે આવીને ઊંચી-નીચી ગુલાંટો મારી, હાથીએ પોતાના ભારે શરીરથી બે પગે ડિસ્કો કર્યો, ભારે શરીરે ગડથોલિયું ખાધું. સસલાએ પોતાના ગળામાંથી જુદો જુદો અવાજ કાઢયો, હરણ અને નોળિયાએ ઝૂલામાં પોતાની કલા દેખાડી, તો શિયાળે નિશાનબાજીના ખેલ બતાવ્યા. દરેકના ખેલથી લોકો ખુશ થયા અને તાળીઓ પાડી ઊઠયા. આ જોઈને સિંહને વિચાર આવ્યો, ‘‘હું આ સરકસનો માલિક. મેં આ પ્રાણીઓને ખેલ શીખવ્યા. મેં શીખવેલા ખેલથી તેઓ ‘વાહ, વાહ’ મેળવી જાય છે. મારે પણ મારી આવડત બતાવવી જોઈએ ! જેથી આ બધાંની જેમ મારી યોગ્યતા પણ સિદ્ઘ થાય.’’ આટલું વિચારતા જ સિંહે આવીને પોતાના ખેલની જાહેરાત કરી. સિંહ બીજું કંઈ તો શીખ્યો નહોતો. એટલે તે એક દોરડા ઉપર ચડયો. પછી દોરડાને મૂકીને નીચે પડયો. લોકોએ તાળીઓની રમઝટ બોલાવી. સિંહને નીચે પડવાથી વાગ્યું હતું. છતાં પોતાની ‘વાહ, વાહ’ કરાવવા દોરડા ઉપર વધારે ઊંચો ચડી પડતું મૂકયું. લોકોએ વધારે આનંદ દર્શાવ્યો. સિંહ તો અધમૂઓ થઈ ગયો. છતાં વધારે ઊંચો ચડયો અને પડયો. આ વખતે પડયો તે પડયો. ઊભો ન થઈ શકયો. લોકોની ચિચિયારીઓ ચાલુ હતી.
ચતુર શિયાળને આ વાતની ખબર પડી ગઈ. તેણે પોતાના સાથીદારોને સિંહ મરી ગયાની જાણ કરી. એ સાંભળી વાઘ, દીપડા રીંછને ખૂબ ગુસ્સો ચડયો અને તેઓએ લોકોને કહ્યું, ‘‘અમારા માલિક મરી ગયા ને તમે તાળીઓ પાડો છો !’’ આટલું બોલીને તેઓ લોકો ઉપર તૂટી પડયાં. લોકો ચેતી જઈને ભાગવા લાગ્યા અને બે-ત્રણ લોકો મરી ગયા. જ્યારે પેલા ત્રણેયનો ગુસ્સો શાંત પડયો ત્યારે તેઓને વિચાર આવ્યો, ‘‘આપણે આવું કર્યું તો હવે આપણું સરકસ જોવા આવશે કોણ ? હવે તો આપણે ભલાં અને આપણો મૂળ સ્વભાવ ભલો !’’ આટલું બોલીને તેઓ એકબીજાં પ્રાણીઓને જ મારવા લાગ્યાં. ભાગંભાગ મચી ગઈ. સૌ જંગલમાં વિખેરાઈ ગયાં. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.
