Dharmik Parmar 'Dharmad'

Children Stories Inspirational

4  

Dharmik Parmar 'Dharmad'

Children Stories Inspirational

સાગરની વાત

સાગરની વાત

2 mins
164


''છોકરાવ, ચાલો હવે ઘેર જઈ શકો. આજે જે ભણાવ્યું એ બરાબર યાદ રાખજો. જે લેસન આપ્યું છે તે કરી લાવજો. જો લેસન પૂરું નહીં હોય તો અંગૂઠા પકડાવીશ." રમેશ માસ્તરે બાળકોને કહ્યું. 

વર્ગમાં અનેરો આનંદ છવાઈ ગયો. શાળા છૂટે એટલે તો મજા જ પડે ને?  સૌ બાળકો પોતપોતાનું દફતર ભરવા લાગ્યા. 

"ઉભા'રો.. આ હજી કોની-કોની ફી આવી નથી ? જરા જોઈ લઉં.." માસ્તરે સૌ બાળકોને રોક્યા.

રોજની જેમ આજે પણ એજ યાદી હતી. યાદીમાં બિલકુલ ફેરફાર નહોતો.

"મગન તું ફી લાવ્યો ?" માસ્તરે પૂછ્યું.

"ના, કાલે મારા બાપુજી શેર જી આવશે પછી મુ પૈસા લાઈ દઈશ" મગને જવાબ આપ્યો.

એક પછી એક જેની ફી બાકી હતી એ સૌ બાળકોના નામ માસ્તર કહેવા લાગ્યા. છેલ્લે માસ્તરે ગુસ્સાથી કહ્યું,

"અલ્યા, ટીનયા તારી ફીનું શું થયું ?" 

"કાલે" ટીનયાએ જવાબ આપ્યો.

"તું તો રોજ આવા બહાનાં કરે છે. તારી કાલ તો આવતી જ નથી. તારે કાલથી આવવાનું જ નહીં. ફી લાવજે પછી જ આવજે." માસ્તરનો ગુસ્સો સાતમાં આસમાને હતો.

સૌ બાળકો ઘર તરફ દોડ્યા. બધા જ બાળકોએ ઘર તરફની વાટ પકડી જ્યારે ટીનયાનો એક મિત્ર સાગર બહાર શાળાના ગેટ પાસે જ ઉભો રહ્યો.

"બસ, આજે તો માસ્તરને બધી વાત સીધે-સીધી કહી જ દેવી છે." એ મનમાં ગણગણતો હતો.

શાળા બંધ કરી માસ્તર જ્યારે પોતાના ઘર તરફ જવા નીકળ્યા ત્યારે એમણે સાગરને ઉભેલો જોયો. 

"સાગર તું ઘેર નથી ગયો ?" 

"ના, માસ્તર મારે તમારી સાથે કૈક વાત કરવી છે." સાગર કંપતો હતો. 

"અરે બિલકુલ ગભરાઈશ નહીં. જે હોય તે કહી દે." માસ્તરે સાગરના ખભા પર હાથ મુક્યો.

"હું, ટીનયાનો મિત્ર છું. અમે એક દિવસ શાળાએ આવતા હતા ત્યારે મસ્તીખોર મનુએ ટીનયાના દફતરમાંથી પૈસા બળજબરીથી કાઢી લીધા હતા. એના બાપુએ એને શાળાની ફીનાં પૈસા તો આપ્યા હતા પણ એ પૈસા મનુએ લઈ લીધા છે. જે વાત એ એના બાપુને પણ કહી નથી શકતો. કારણ મનુએ એને ધમકી આપી છે કે જો એ આ વાત કોઈને કહેશે તો એ એને મારશે. સાહેબ તમે કંઇક કરો.."

''અરે, સાગર તે બધી વાત મને કહી દીધી એ બહુ સારું કર્યું નહિતર ટીનિયો તો બીકનો માર્યો કશું કહેત જ નહીં. ચાલ આપણે અત્યારે જ ટીનીયાના ઘરે જઈએ" માસ્તરે કહ્યું.

સાગરને તો ઘણી હાશ થઈ.

માસ્તર અને સાગર તરત ત્યાંથી ટીનીયાને ઘેર ગયા. ટીનીયા પાસેથી બધી વાત જાણી. ટીનીયાના બાપુને પણ બધી વાત કરી. અને પછી બધા મળીને મનુને ઘેર ગયા.

મનુના ખોટા કામ વિશે એના પરિવારને જણાવ્યું. મનુને શિક્ષા કરવાનું નક્કી કર્યું ત્યારે મનુ સાચું બોલ્યો, "હા, મેં જ ટીનીયાના પૈસા લીધા હતા..મને માફ કરી દ્યો... બીજીવાર આવું નહિ કરું.."

પછી મનુએ ટીનીયાના પૈસા પાછા આપી દીધા. સૌએ સાગરનો આભાર માન્યો અને પ્રશંસા કરી કે એણે બધી વાત સીધે-સીધી માસ્તરને કહી દીધી.


Rate this content
Log in