રત્ના
રત્ના
'તાજા લીંબુ પાંચના બે, દસના પાંચ... તાજા લીંબુ પાંચના બે, દસના પાંચ...' બજારની ચાર-પાંચ હાટડી છોડીને એક મોટા ટોપલામાં લીંબુ અને બીજા ટોપલામાં ધાણાની પણી ગોઠવી બેઠેલી રત્ના ઉત્સાહભેર ચિલ્લાઈ રહી હતી. 'કેમ આજે પાછી એકલી જ બરાડે છે રત્ના, નરભો ક્યાં ગ્યો?' બાજૂની પાકી દૂકાનમાં બેઠેલા બિમલામાસીએ પૂછ્યું. 'એ કુડાણો હઈશે નાકા પરના દારૂના પીઠે.' રત્નાએ થોડા અણગમા અને થોડી બેફિકરાઈથી જવાબ વાળ્યો. 'કેમ આજે હવાર હવારમાં જ?'
બિમલામાસી ફરી તોલેલી કોબીનો દડો ઘરાકના થેલામાં મૂકતા બોલ્યા. 'તે આજે પેલા નાસિકવાળા પશલાનો ધાણાંનો આખો થેલો કોઈ લગનવાળાને વેચી આલ્યો'તો ને તે દોણા મયલા હઈશે એટલે હવારમાં જ કુડાણો ફાટીમુઓ દારૂની પોટલી આણવા.'
બિમલામાસી રત્નાનું વાક્ય પૂરું થતાં સુધીમાં તો ઊભા થઈને ધાણાંના ટોપલાં લગી આવી ગયા. એકાદ બે ધાણાંની ઝૂડી ઉઠાવી ફરી સરખી ગોઠવતા રત્નાને ધીમે અવાજે કહ્યું, 'અલી રત્ના આ નરભાની દારૂની લત દા'ડેને દા'ડે વધતી જાય છે, તું એને કાંઈ કહેતી ય નથી?' 'લે તે હું કેમને કઉં માસી, એના પૈસે પીવે છે તે મોજ કરે મારે હું.' 'અરે પણ આ તારા પેટે બે બે જયણા છે તેનું કાંઈ નહીં, બાપ થીયો તે એનીય કાંઈ જવાબદારી જેવું ખરૂં કે નહીં? તું તો પાછી પાકી દૂકાન કરવાના ઓરતા રાખીને બેઠી છો, તે કંઈ આમ થાય પાકી દૂકાન? તું ભલી છે હોં તે મૂંગીમંતર ખયમા કરે.'
માસીએ વડીલ તરીકે રત્નાને ટકોર કરતા કહ્યું. 'ના રે માસી એવું કાંઈ નહીં હોં કે, મારો નરભો આમ પાછો મને બઉ પ્રેમ કરે, ગમે તેમ તોય મારો મરદ છે એ !' છેલ્લાં શબ્દો બોલતામાં તો ગાલ પર લાલી આવી ગઈ.
'ભલો તારો મરદ ને ભલી તું.' માસી ફરી ઘરાક બોલાવવાના કામે વળગ્યા.
નરભાએ ભલે લગ્નવાળી કોઈ પાર્ટીને સવારમાં જ ધાણાનો આખો થેલો વેચી માર્યો હોય પણ રત્નાનો દિવસ આજે ખાસ સારો નહોતો ગયો. આખો દિ' બરાડી બરાડીને ગલોફા ફુલવી નાખ્યા, તોય માંડ પચાસ રૂપિયાનો ધંધો થયો હતો આજે. રાત થતા લગીમાં તો બોરીવલી સ્ટેશનની ભીડ પણ હવે પાંખી થવા માંડી હતી. બાજૂના બસ સ્ટેન્ડ નજીક બન મસ્કા અને ચાની લારીઓ પણ ગોઠવાવા માંડી, આખરે રત્નાએ પણ ટોપલા ઢાંકી, લીંબુ એક કોથળામાં ભરવા માંડ્યા અને ધાણાંનું પોટલું બાંધવા દિવસ આખો પી પીને સરકારે બનાવેલા અંડરગ્રાઉન્ડ ક્રોસિંગની છત પર આડા પડેલા નરભાને બૂમ પાડી. 'નરભા, એ નરભા. આ ધાણાનું પોટલું બાંધી આલ ને, મુઓ આખો દા'ડો પીધા કરે છે. એક આટલું કામ તો કર...!'
આવતા જતા પચાસ માણસને સંભળાય તેટલી જોરથી રત્નાએ બૂમ પાડી. પણ નરભાની હોજરીમાં ઠલવાયેલો દિવસ આખાનો દેશી દારૂ હવે બરાબર તેની જાત બતાવી રહ્યો હતો. રત્નાની ત્રણવારની બૂમથી પણ નરભો જરા સરખો હાલ્યો સુધ્ધા નહીં, એટલે રત્ના સાડલાનો છેડો કમરમાં ભરાવી ક્રોસિંગની એ છત પર ચઢી ગઈ. 'નરભા, એ નરભા...ફાટીમુઆ હાંભરે છે કે નહીં ? આ ધાણા કોણ તારો બાપ ભરવાનો છે લા...? એ નરભા, 'રત્ના નરભાની પીઠ પર હળવા ઠેલા મારી તેને જગાડવાની કોશિશ કરી રહી હતી. પણ નરભાની આંખમાં અને દિમાગ પર ચઢેલું ઘેન રત્નાનો અવાજ તેના કાન લગી પહોંચાડુ હતુ પણ છતાં ઉઠવાની ના કહી રહ્યું હતું. 'નરભા...એય નરભા, ઉઠને મારા રાજા આમ શું કરે છે, આજે એક તો ધંધો ય કાંઈ પાધરો નહીં થયો, મેં હવારથી કાંઈ ખાધું ય નથી.'
રત્નાનું આટલું વાક્ય સાંભળતા જ નરભો સફાળો બેઠો થઈ ગયો. 'હું બોલી છીનાલ? આજે ધંધો નથ થીયો? કયા તારા માટીની હારે આંયખુ લડાવતી'તી રાંડ, તે ધંધો નહીં કર્યો તેં...' બોલતા નરભાએ રત્નાના પેટમાં જોરમાં એક ચીમટો ભર્યો. પેટની ચામડી અમળાય જતા રત્નાથી બરાડો પડાઈ ગયો.
'ઓ મારી માડી રે, વાગે છે નરભા છોડ ગધેડીના... ઓ મા રે' નરભાએ ફરી તેનું શરીર નીચે પાથરેલા ફાટેલા શર્ટ તરફ ઝૂકાવ્યુ અને નશાને તાબે થતો હોય તેમ આડો પડી ગયો. 'નરભા એય નરભા, હાલને આમ હું કરે સે, હજી તો ઝૂંપડે જઈ રોટલા ટીપવાના ય બાકી ને બાબલાને દૂધેય લેવો પડશે બિચારો બપોરથી ભૂયખો છે. અને તારે ય રોટલા નહીં ખાવો? આ સોમૂ પણ કે'વારનો રડે છે જો ને.' રત્ના જાણે હમણાં જ વાગેલા ચીમટાનો દર્દ તદ્દન જ ભૂલી ગઈ હતી.
રત્ના રોજ તેનું ટૂંબુ અને ટોપલા સાથે લીંબુ અને ધાણાનો સામાન જે રીક્ષામાં લઈ જતી તે રીક્ષાવાળો સુરેશ પણ આવીને ઊભો હતો પણ નરભો પરમદા'ડની જેમ જ આજે પણ ફરી પૂરા નશામાં ચૂર થઈને પડ્યો હતો તે ઉઠવાનું નામ નહોતો લઈ રહ્યો. જેમ-તેમ કરી રત્નાએ લીંબુ અને ધાણાના પોટલામાં રીક્ષામાં મૂક્યા અને નરભાને ફરી ઉઠાડતા બોલી, 'એય મારા નરભા હાલને હવે કેટલીવાર, સોમૂ હાલ તારા બાપાને તેડ ને ભઈલા' નરભાને ઉઠાડી રહેલી રત્ના તરફ તેની લાલઘૂમ આંખે નરભાએ જોયું અને તેનું બાવડું ઝાલી જોરમાં મચકોડી નાખ્યું, દર્દને કારણે રત્નાથી રાડ પડાઈ ગઈ.
'રાંડ સાલી ગધેડીની, મારી હારી નવરીની આખા દિમાં પાધરો ધંધો કરતી નથી ને બૂમો પાડ્યા કરે છે.' આટલું કહેતામાં તો નરભાના હાથમાં રત્નાનો ચોટલો આવી ગયો અને જાણે કોઈ દોરડાં પર લટકતો હોય તેમ નરભાએ તેને જોરમાં ખેંચ્યો.
રત્નાની આંખમાં દર્દને કારણે આંસૂ આવી ગયા. તેણે નાનકાને કાખમાં તેડ્યો અને નીચે ઉતરી ગઈ, બીજા હાથમાં સોમૂને તેડી તે રીક્ષામાં બેસી ગઈ.
'હાલ સુરેશ' કહેતા તેણે રીક્ષા હંકારી મૂકવાનો ઈશારો કર્યો. કેટલીયવારનો આ બધો તાલ જોઈ રહેલા સુરેશે રીક્ષાની કીક મારતા ત્રાંસી આંખે રત્ના તરફ જોઈ લીધું અને થોડું આગળ જતા બોલ્યો, 'રત્ના તું કેટલો પ્રેમ કરે છે આ નરભાને અને તારો એ નરભો દારૂ પીવામાંથી પરવારતો જ નથી, તું છોડી કેમ નથી દેતી એને?'
'જેવો છે તેવો એ મારો ધણી છે સૂર્યા, તને નો હમજાય.' સુરેશ ચૂપ થઈ ગયો.
છેલ્લાં કેટલાંય વખતથી આ જ સિલસીલો ચાલતો હ્તો હવે તો નરભો ધંધો થાય કે ન થાય સવાર થાયને દારૂના પીઠે જઈને બેસી જતો. રત્ના આખો દિવસ રાગડા તાણી તાણીને તેનાથી થાય તેટલો ધંધો કરી લેતી અને બ્લાઉઝમાં મૂકાવેલા નાના ગજવામાં તેની કમાણીની ચાર ઘડી કરી નોટ સંતાડી લેતી.
નરભાની નજર પડે તો રોજની કમાણીના પૈસા પણ એ હવે રત્ના પાસેથી આંચકી લેતો હતો. રોજ ભજવાતી આ રામકહાણી રીક્ષાવાળો સુરેશ જોતો અને રત્ના તરફ સહાનુભૂતિ દર્શાવવાનો પ્રયત્ન કરતો. રત્ના પહેલા તો નરભા માટે બિમલામાસીને કે સુરેશએ એક શબ્દ પણ બોલવા દેતી નહોતી પણ હવે વાત એટલી વણસી ગઈ હતી કે બજાર આખામાં લેકો રત્નાને 'પીધેલ નરભાની ડોબી રત્ના' કહેવા માંડ્યા હતા. રોજેરોજ લોકોના આવા મહેણાંટોણા સાંભળી સાંભળીને રત્નાને રડવું આવી જતું પણ આંસૂને આંખના ખૂણામાં જ દબાવી રત્ના બેસી રહેતી.
'રત્ના આજે ફરી તે કાંઈ ખાધુ નથી, તું તારો નહી તો આ નાનકાનો તો વિચાર કર ! એને દૂધ નહીં પહોંચે તો મડદલ થઈ જાહે બિચ્ચારો.' સુરેશ બોલ્યો અને રત્ના કંઈ જવાબ વાળે તે પહેલાં જ તેણે બોરીવલીની ગાંજાવાલા લેન પાસે ઊભી રહેતી ચાઈનીઝની લારી પર રીક્ષા રોકાવી દીધી. આજે સુરેશે નક્કી કરી લીધું હતું કે રત્ના કાંઈ પણ બોલે તે સાંભળવું જ નથી અને તેને બાપડીને જબરદસ્તી કરીને પણ ચાઈનિઝ ખાવા મનાવી લેવી. પણ દિવસ આખાની બૂખી રત્ના આજે કાંઈ નહીં બોલી ચૂપચાપ સુરેશ પ્લાસ્ટીકની જે ડિશ ભરી કોઈ ચાઈનિઝ ભાત અને રસાવાળા ગોળ ગોળ ડબકાંવાળુ શાક હતું તે ખાઈ લીધું. ભૂખી થયેલી રત્ના ભલે પોતે થોડું ખાઈને બાજૂમાં વળગીને બેઠેલા સોમૂને ય ખવડાવી રહી હતી પણ એક એક કોળીયે તેના દિમાગમાં વિચાર આવી જતો હતો મારો નરભો ભૂયખો જ પડ્યો છે ત્યાં બન મસકાની લારી વાંહે. પણ આ બધાથી બેફિકર નરભો દારૂની સાથે સાથે ચરસની ગોળીનો નશો કરી ત્યાં એવો પડ્યો હતો કે બાજૂમાં પડેલા એઠવાંડની અને કચરાની ગંધ પણ તેને અસર નહોતી કરી રહી.
રત્નાને રડું આવી ગયું. આજે રત્ના પોંક મૂકીને રડી પડી. સોમૂ બિચારો માનો દર્દ શું સમજે ! તે નીંગળતા નાકને ગંદા બુશર્ટની બાંયથી લૂછતા રત્નાને ભેટી પડ્યો. પણ સુરેશને રત્નાના મનમાં ભરાયેલો ડૂમો બરાબર સમજાતો હતો.
તેણે નાનકાને ઉંચક્યો અને રત્નાને તેને નજીક તેડતા બોલ્યો. 'રડે છે શું કામ રત્ના. આજ થી નરભાની ચીંતા કરવી છોડી દે અને ચાલ મારી સાથે. અને હા, કાલથી તારે બજારે લીંબુ અને ધાણાના પોટલા વેચવા પણ નથી જવાનું.' રત્નાને સમજાયું નહીં કે સુરેશ શું બોલે છે. 'આમ જોવાની કાંઈ જરૂર નથી રત્ના આ નરભાના પોર્યાઓને માટે અને તારા માટે હું રીક્ષા ચલાવુ છું ને તેની કમાણે પૂરતી થઈ રેહે. ચાલ આજથી તું ઘેર બેઠી રોટલા ટીપજે અને હાંજને છેડે હું થાકીને આઉં ત્યારે ગરમ ગરમ રોટલો કાંદો ખવડાવજે.' સુરેશની વાત સાંભળી રત્નાને ફરી રડવું આવી ગયું. સુરેશને તેને બાથમાં ભીંસી લીધી. આજે સુરેશની છાતીએ વળગી રત્નાને અજીબ પ્રકારની શાતા મળી. જાણે કેટલાંય વખતથી કોઈ પૌરૂષી હાથોની વચ્ચે જકડાઈ જવાને તલપાપડ કોઈ યૌવના તેના પ્રેમીને નજર સામે જોતા જ બહાવરી થઈને તેને વળગી પડે તેમ રત્ના કોઈ અજાણ્યા છતાં ગમતીલા આવેગને વશ થઈ સુરેશને ભેટી પડી. સુરેશ રત્નાને આજે તેના ઝૂંપડે નહીં પણ બોરીવલી રેલ્વે લાઈનની જમણી બાજૂની ઝૂપડપટ્ટીમાં તેણે બનાવેલા રૂમ પર લઈ ગયો.
સોમૂ તો જાણે વર્ષો પછી પેટ ભરીને ખાધુ હોય તેમ રીક્ષામાં જ સૂઈ ગયો હતો, ઘરે આવી ને નાનકાને પણ આજે રત્નાએ મનભરીને ધવરાવ્યો. વર્ષોથી રત્નાને ભીંસાતી જોઈ ચાહવા છતાં કંઈ નહી કરી શકતો સુરેશ આજે ખૂબ ખુશ હતો. બંને બાળકો સૂઈ ગયા એટલે સુરેશ દોડતો જઈને નાકા પરની આઈસક્રીમની લારી પરથી બે કોન આઈસક્રીમ લઈ આવ્યો.
સુરેશનો આટલો બધો પ્રેમ જોઈ રત્નાતો જાણે અચાનક સ્વર્ગમાં આવી ચઢી હોય તેમ હરખપદૂડી થઈ ને સુરેશના પ્રેમને
બંને હાથે વધાવી સુરેશને અને પોતાના નસીબને વ્હાલ કરવા માંડી. આજની આખી રાત સુરેશના પૌરૂષી સ્પર્શને માણવામાં અને તેના આલિંગન વચ્ચે પોતાની જાતને ઓગાળી દેવામાં વિતી ગઈ. આવતી કાલની સવાર રત્ના માટે મીઠા ઉજાગરા લઈને ઊગવાની હતી.
કેટલોય સમય લોકના મહેણાં ટોણા સાંભળીને એકલામાં જ ડૂસકે ચઢી જતી રત્નાને હવે પાકા રૂમની ચાર દિવાલની સાથે સાથે તે રૂમના છતની નીચે પ્રેમ કરવાવાળો સાથી પણ મળી ગયો હતો. સોમૂ આખો દિવસ બાજૂના ઝૂંપડે રહેતા કાળીયા સાથે રમ્યા કરતો અને નાનકાને હવે ઘોડિયું મળી ગયુ હોવાને કારણે નીચે નહોતું સૂવું પડતું. રત્ના હોંશે હોંશે રોટલા ઘડતી અને સુરેશની રીક્ષાનો અવાજ સંભળાય કે ચૂલો પેટાવવામાં લાગી જતી.
દિવસો સપનાની હવેલીમાં ગૂજરતા હોય તેમ વીતી રહ્યા હતા અને આજે રત્નાએ ઘણાં દિવસ પછી ફરી ચૂલા પર રોટલાની જગ્યાએ થૂલી અને શાકના આંધણ ચઢાવ્યા અને એટલામાં જ બહારથી સુરેશની રીક્ષાની ઘરઘરાટીનો અવાજ સંભળાયો. રીક્ષાનો અવાજ બંધ થયો અને રત્ના દરવાજે દોડી. સુરેશ આવી ગયો તું ? આજે તો તારા હાટું... 'ચૂપ ગધેડીની, સાલી રાંડ આખો દિ ઘરમાં પડી પડી....' સુરેશ લથડીયા ખાતો ખાતો બરાડ્યો.
