પવન અને વૃક્ષો
પવન અને વૃક્ષો
એક વખત પવનને વિચાર આવ્યો કે, હું છું તો બધાં છે, મારા વિના તો કોઈ નથી. હું સૌને જીવાડું છું ને હું જ સૌને મારી શકું છું. આ આખી દુનિયાનો હું જ રાજા છું, હું જ ન્યાયાધીશ છું. કોને સજા કરવી ને કોને ખુશ કરવા એ બધું મારા કાબૂમાં છે.
એક દિવસ પવન એક તોતિંગ વૃક્ષ પાસે ગયો. ઘટાદાર, લહેરાતું, આનંદમાં રાચતું એ વૃક્ષ. વૃક્ષને તો સ્વપ્નેય ખ્યાલ નો’તો કે પોતાની આ મજા પવનને લીધે છે. પવન તેની પાસે પહોંચ્યો છે એ બાબત તો વૃક્ષના ધ્યાનમાં જ ન આવી. પવનને તો ક્રોધ ચડયો. તે બરાડયો, ‘‘એય વૃક્ષ ! મારા ઈશારે તારા બધા ખેલ છે ને મને ગણકારતું પણ નથી. મારા વિના તારાથી કંઈ થઈ શકે તેમ છે ?’’ ત્યારે વૃક્ષ બોલ્યું, ‘‘ભાઈ પવન ! ખોટું અભિમાન સારું નહિ. કુદરતની મરજીને ધ્યાનમાં રાખીને તારી સાથે અમે લહેરાઈએ છીએ. બાકી તારી ત્રેવડ નથી કે અમારું એક પાંદડું પણ હલાવી શકે ! માટે તારું આ ખોટું અભિમાન છોડી દે !’’ ત્યારે પવન ‘હું પણ જોઈ લઉં છું કે તારી દશા શી કરું છું !’ કહીને ભાગ્યો. હવે પવને તો વિકરાળ રૂપ ધારણ કર્યું. પોતાની બધી શક્તિ વૃક્ષને હરાવવામાં લગાડી. ક્રોધથી ધૂંવાંપૂંવાં પવને પૂરા વેગથી વૃક્ષ ઉપર હુમલો કર્યો. પણ આ શું ? આટલો વેગ હોવા છતાં વૃક્ષ જરાયે ન હલ્યું ! વૃક્ષનું પાંદડું પણ ન ફરકયું ! વૃક્ષ તો જાણે સમાધિ લગાવીને બેઠું હોય એમ અડીખમ રહ્યું. જાણે કોઈ જટાળો જોગી વર્ષોથી સમાધિમાં ન બેઠો હોય! પવનને તો એમ કે વૃક્ષ હમણાં જમીનદોસ્ત થઈ જશે. પણ વૃક્ષને તો અસર પણ ન થઈ. પવને બીજા વૃક્ષ ઉપર પોતાનું બળ અજમાવ્યું. તેના ઉપર પણ કંઈ અસર ન થઈ. આવી રીતે પવને તો અનેક વૃક્ષો પર બળ અજમાવ્યું. પણ કોઈને કંઈ કરી શકયો નહિ.
હવે પવનને ખરી વાતનું ભાન થયું. તે વિચારે છે કે, આ જે છે તે કુદરતની લીલા છે. કુદરતની ઈચ્છા વગર પાંદડું પણ ફરકતું નથી. તો કુદરતી સહાય વિના મારું શું ગજું? પછી પવન વૃક્ષ પાસે ગયો અને કહેવા લાગ્યો, ‘‘અરે વૃક્ષો! મારા મિત્રો! મને ખરી વાતનું ભાન થઈ ગયું છે. કુદરતની ઈચ્છા વગર હું તમને કંઈ કરી શકું તેમ નથી. માટે ઝૂમો, દોસ્તો ઝૂમો! તમારા વગર મારે લાડ કોની સાથે કરવા! મને માફ કરો અને મારી સાથે ઝૂમો!’’ પવનની વાત સાંભળી વૃક્ષો તો ઝૂમી ઊઠયાં અને ફરી બધે આનંદનું વાતાવરણ છવાઈ ગયું.
