Ashutosh Desai

Others

4  

Ashutosh Desai

Others

પૂર્ણતાની અધૂરપ

પૂર્ણતાની અધૂરપ

10 mins
13.7K


પૂર્ણતાની અધૂરપ એ રીતે કઠતી રહી,
શૂન્યને અડવા છતાં છેડાંઓ શોધ્યા કર્યા.

એષણા આજે ખુબ વ્યસ્ત હતી, આવતા અઠવાડિયે આવનારા ફોરેન ડેલીગેશનને સંભાળવાનું, પ્રેઝ્ન્ટેશન આપવાનું તથા ઓર્ડર હસ્તગત કરવાનું આ તમામ જવાબદારી એણે એકલા હાથે સંભાળવાની હતી. કારણ બોસે ચોખ્ખું કહી દીધું હતું. 'એષણા, ઈફ યુ વોન્ટ પ્રમોશન ધીસ ઈયર ધેન યુ હેવ ટુ ક્રેક ધીસ ડીલ અલોન, નાવ ઈટ્સ ટાઈમ ટુ પ્રૂવ યોર સેલ્ફ.'

એષણાએ આ ચૂનૌતી સ્વીકારી લીધી. આખરે એણે જિંદગીના સાત વર્ષ આ કંપનીને આપ્યા હતા. હવે એનું વળતર મેળવવાનો સમય હતો. આ ડીલ અગર એષણા મેળવી લે છે તો એ સીનિઅર મેનેજમાંથી એ.વી.પી. બની જવાની હતી. અને આ હોદ્દો એના કરિઅર માટે ઘણો અગત્યનો હતો.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીમાં કામ કરતી એષણા અને ફેશન ડીઝાઈનર એનો પતિ રૂદ્રાંશ મુંબઈમાં રહેતું વર્કીંગ કપલ. એકમેકનાં કામમાં બન્ને ભલે વ્યસ્ત રહેતાં પણ છતાં બન્ને વચ્ચે પ્રેમ અને સમજણ અનોખી હતી. ઘરમાં બે જ વ્યક્તિ અને બન્ને કમાય, સંસાર સુખેથી નભતો હતો. 'એષુ આજે સાંજે ઘરે વહેલી આવીશ? થોડી વાતો કરવી છે ?' રૂદ્રાંશે પત્નીને ઓફિસમાં ફોન કર્યો. 'શ્યોર રૂદ્રાશં, વીલ કમ અરાઉન્ડ ૯.૦૦.' એષણાએ પતિના ફોનનો પ્રેમથી ઉત્તર આપ્યો.

રૂદ્રાંશે રેડ વાઈનનો એક ઘૂંટ ભર્યો અને વાતની પ્રસ્તાવના બાંધવાનો પ્રયત્ન કરતો હોય તેમ એષણાને કહ્યું. 'એષણા, આપણાં લગ્નને ચાર વર્ષ થયા, તારી જોબ અને મારા અસાઈન્મેન્ટ્સની વચ્ચે આ ચાર ચાર વર્ષ ક્યાં નિકળી ગયા ખબર પણ ન પડી.' રૂદ્રાંશની વાત સાંભળી એષણા પણ વ્યસ્ત છતા સુનહરા ભૂતકાળમાં ક્ષણીક જઈ ચઢી. 'હા રૂદ્ર તારી વાત સાચી છે ચાર વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો, કેવું અજીબ લાગે છે ને!' રૂદ્રાંશે જોયુ કે આજે એષણાનો મૂડ સારો હતો અને રોજ જે રીતે એ થાકીને ઘરે આવતી તે કરતા આજે થોડી ફ્રેશ પણ લાગી રહી હતી. 'એષણા છેલ્લા ચાર-પાંચ દિવસથી મારા મનમાં એક વિચાર ઘુમરાયા કરે છે અને રોજ એ વિચાર લઈને ઘરે આવું છું કે તારી સાથે વાત કરૂં પણ તું થાકીને આવી હોય અને બીજા દિવસના કામના શેડ્યુઅલ્સ વચ્ચે વાત કરવાની રહી જ જાય છે.' રૂદ્રાંશને જાણે વાતની શરૂઆત ક્યાંથી કરવી એ સમજાતું નહોતું. કારણ કે છ મહિના પહેલા પણ આ વિષે એ લોકો વચ્ચે આ વિષય પર વાત થયેલી અને આખરે એ સંવાદ નાનકડા ઝઘડા સાથે અટકાવી દેવો પડ્યો હતો. એષણા ગોળ ગોળ વાતોથી અકળાવા માંડે અને ફરી વાત અટકી જાય તે પહેલા રૂદ્રાંશે એને કહી દેવું હતું. 'રૂદ્ર આ શું આમ ગોળ ગોળ વાત કરે છે? આપણે અજાણ્યા માણસો છીએ? જે કંઈ હોય તે સીધે સીધુ કેમ નથી કહેતો, શું વાત છે? વાઈનના ગ્લાસમાંથી એક મોટો ઘૂંટડો ભરતા એષણા બોલી. 'એષુ, તારી જોબ હવે સારી રીતે ચાલે છે અને મારી પાસે પણ ત્રણ-ચાર મોટા ઇન્ટરનેશનલ અસાઈન્મેન્ટ્સ છે. ઈવન, આ છેલ્લાં ત્રણ વર્ષમાં ઈન્ડસ્ટ્રીમાં મેં સારું એવું નામ પણ બનાવી લીધુ છે, ડોન્ટ યુ થીન્ક, વી શુડ હેવ અ બેબી નાવ?'

રૂદ્રાંશની વાત સાંભળી વાઈનનો ઘૂંટ ભરતી એષણાનો ગ્લાસ એના હોઠ પરજ અટકી ગયો. અચાનક આવેલા વાતના અણધાર્યા વળાંકને લીધે એણે શું બોલવું તે સમજાતુ નહોતું. 'રૂદ્ર, આ પહેલા પણ મેં તને કહ્યું છે કે હું હજુ એવી કોઈ નવી જવાબદારી માટે તૈયાર નથી, તને ખબર છે હું છેલ્લા એક મહિનાથી એક પ્રોજેક્ટ પર કેટલી મહેનત કરી રહી છું? અગર એમાં સફળ રહી તો હું એ.વી.પી. બની જઈશ. એક નવી સફળતા, નવો મુકામ, નવી પોસ્ટ, પ્રતિષ્ઠા અને વધુ ખુબ વધુ પૈસા.'

'વાઉ, ધેટ્સ રિઅલી ગ્રેટ. પણ, એષુ ધીસ ઈસ અ રાઈટ ટાઈમ ટુ હેવ અ બેબી ઈન અવર લાઈફ. તેથીજ હું ચાહું છું કે યુ શુડ કન્સિવ...' રુદ્રાંશ પત્નીને મા બનવા સમજાવી રહ્યો હતો.

'હું, હું ચાહું છું મતલબ? આ તારો અને મારો સંબંધ છે રૂદ્ર, વી આર હસ્બન્ડ એન્ડ વાઈફ ગોડ ડેમ ઈટ. એમાં કોઈ પણ વિચાર કે નિર્ણય આપણો હોવો જોઈએ આમા હું ક્યાંથી આવ્યો ?' એષણા થોડી ઉગ્ર થઈ ગઈ.

'એષુ, તું મારી વાત સમજતી નથી, શું તું નથી ચાહતી કે આપણે મા-બાપ બનીએ? શું તને નથી લાગતું કે આપણને આપણા જીવનની પૂર્ણતાનો અહેસાસ કરાવે તેવું એક નિર્મળ રૂદન, હાસ્ય અને બાળપણ આપણા ઘરમાં હોવું જોઈએ  એષુ, આપણે આપણા સંબંધને ચાર વર્ષ આપ્યા, આપણાં ભવિષ્યના ઘડતરને પણ જરૂરી હતો એટલો સમય આપણે આપ્યો જ છે. તો હવે એક બાળકની ઈચ્છા થાય એમાં ખોટું શું છે?' રૂદ્રાશં શાંત પણ દ્રઢ અવાજમાં એષણાને કહી રહ્યો હતો. એષણા તરત બોલી. 'અરે રૂદ્ર તું સમજવાની કોશિશ કર. આપણું બાળક હોય એ વાત, એ અહેસાસ મને પણ ગમશે જ અને હું પણ ચાહું છું કે આપણે ત્યાં બાળક હોય પણ હમણાં નહીં.'

રૂદ્રાંશે દલીલ કરતા કહ્યું. 'હમણાં નહીં, હમણાં નહીં તો ક્યારે એષુ? છ મહિના પહેલા પણ તારો આજ જવાબ હતો. તે વખતે હું માની ગયો મને લાગ્યું કે તું કદાચ હજુ માનસિક રીતે તૈયાર નહી હોઈશ યા જોબમાં સેટલ થવા માટે તને સમયની જરૂર હશે પણ હવે? એષુ, જોબ, તક, જવાબદારીઓ આ બધું તો આવતુંજ રહેશે તેથી આપણે બાળક કન્સિવ નહીં કરીએ એ તો કંઈ સમજ્દારીની વાત નથી ને? તું, તું...'

રૂદ્ર આગળ બોલવા જતો હતો ત્યાં, 'રૂદ્ર આવતી કાલે મારે ઓફિસે વહેલા જવાનું છે, આપણે સૂઈ જઈએ? રૂદ્રની વાત અડધેથી જ કાપી વાઈનનો ગ્લાસ ઉંધોવાળી એષણા બેડ રૂમ તરફ ચાલી ગઈ. ચર્ચા ફરી અટકી ગઈ.

એક અઠવાડિયું ઓર નીકળી ગયું, ફોરેન ડેલીગેશન્સ સાથેની મિટિંગ સફળ રહી, એષણા આજે ખૂબ ખુશ હતી. એને ખુશ જોઈ રૂદ્રાંશે આજે ફરી વાત કાઢી. 'એષુ, હાર્ટી કોન્ગ્રેચ્યુલેશન્સ. આજે તારે માટે ગિફ્ટ લેવા ગયો હતો ત્યાં એક નાનું અમથું બાળક મારી પાસે દોડી આવ્યું, એવું મીઠડું હતું એ કે તને શું કહું...!'

એષણા રૂદ્રાંશનો ઈશારો સમજી ગઈ, થોડીવાર વિચાર કર્યા બાદ એ બોલી. 'રૂદ્ર, આપણે કંઈક એવું વિચારીએ તો જેથી આપણે મા-બાપ પણ બની શકીએ અને મારે મેટર્નિટી લીવ પણ ન લેવી પડે. 'એટલે?' રૂદ્રાંશને એષણાની વાત ન સમજાતી નહોતી. 'રૂદ્ર, આપણે અગર આપણા બેબીને કેરી કરવા માટે વોમ્બ શોધી કાઢીએ તો?' એષણા એવા અંદાજમાં બોલી જાણે કોઈ વિકલ્પ નહીં પણ નિર્ણય જણાવી રહી હોય. 'યુ મીન સરોગેટ મધર?' રૂદ્રાંશનો અવાજ મોટો થઈ ગયો. 'હા રૂદ્ર ડાર્લિંગ એમાં ખોટુ શું છે? આપણી પૂર્ણતાની ઈચ્છા પૂરી થઈ જાય અને રૂટિન લાઈફ પણ ડિસ્ટર્બ ન થાય.'

'પણ આપણે બન્ને શારિરીક રીતે નોર્મલ છીએ, પૈસાની દ્રષ્ટિએ પણ એક બાળકને સારી રીતે પાળી પોષી શકીએ તેમ છે અને સૌથી મહત્વની વાત યુવાન છીએ તો પછી આ કોઈ બીજી કોખ ભાડે લેવાની વાત...' રૂદ્રાંશે એષણા સાથે કેટલીય દલીલો કરી, દાખલાઓ આપ્યા, સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ, એની દરેક વાત સામે એષણા પાસે નક્કર દલીલો હતી અને રૂદ્રને મનાવી લેવાની માનસિકતા હતી. આખરે બન્ને એક સરોગેટ મધર શોધી કાઢવા માટે તૈયાર થયાં.

દુનિયામાં ઘણીવાર એકની મજબૂરી બીજાની સહુલિયત બની જતી હોય છે. એષણા અને રૂદ્રાંશના કિસ્સામાં પણ એવું જ બન્યું. એષણાની કંપનીમાં કામ કરતા એના જુનિઅરની કઝિન શલાકા. ટૂંકા લગ્ન જીવન બાદ વિધવા બની હતી, એનાં બે બાળકોનું ભરણ પોષણ કરવામાં એ આર્થિક રીતે ભીંસાતી હતી. બાળકો હજુ એટલા મોટાય નહોતા થયા કે એ કોઈ નોકરી કરવા જઈ શકે અને પતિના અવસાન બાદ સાસરિયાઓએ જાણે સંબંધજ તોડી નાખ્યો હતો. કોઈને શલાકા તરફ જોવાની કે એના બાળકો તરફ દરકાર રાખવાનીય ફુરસદ નહોતી. રોજ રાત્રે મૂંગા મૂંગા રડવાનું અને બાળકો સામે જુઠ્ઠું જુઠ્ઠું હસવાનું.

શલાકા જાણે બાળકો માટેજ જીવતી હતી. નહીંતો એણે ક્યારનુંય એનું જીવન ટૂંકાવી નાખ્યું હોત. કઝિન ભાઈ સામે મનનો ભાર ઠાલવતા શલાકા રડી પડતી પણ ભાઈનીય પરિસ્થિતિ એટલી સારી નહોતી કે એને આર્થિક સધીયારો આપી શકે યા કોઈ મોટી મદદ કરી શકે. નાણાંની જરૂરિયાતની મજબૂરીએ એને એષણા અને રૂદ્રાંશનું બાળક પોતાની કોખમાં ઉધેરવામાટે તૈયાર કરી લીધી.

એષણા, રૂદ્રાંશ, શલાકા અને ડોક્ટરની મિટિંગ થઈ ગઈ. શલાકાએ એષણા અને રૂદ્રાંશના બાળકને જન્મ આપવાનો અને એના બદલામાં એ લોકો શલાકાને માતબર રકમ ચૂકવશે. બધુ સરસ રીતે ગોઠવાઈ ગયું. શલાકા એના ઉદરમાં એષણા અને રૂદ્રાંશનું બીજ લઈ એ લોકોનાં ઘરે રહેવા આવી ગઈ.

એષણા રોજ ઓફિસ જતાં શલાકાની તબિયત પૂછતી જાય, એને જ્યુસ, સલાડ અને જરૂરી વિટામીન્સની દવાઓ આપવાની કામવાળી બાઈને સૂચનાઓ આપી જાય અને રૂદ્રાંશ લગભગ રોજ આભાર દર્શાવતી નજરે શલાકાને ખબર-અંતર પૂછી લે.

આમ કરતાં કરતાં એષણાની વ્યસ્તતા અને રૂદ્રાંશના ઈન્ટર્નેશનલ પ્રોજેક્ટ વચ્ચે પાંચ મહિના વિતી ગયા. શલાકાનું પેટ હવે એષણા અને રૂદ્રાંશના બાળકની હાજરી દર્શાવવા માંડ્યું હતું. એનું શરીર હવે બાળકની હાજરી અને પોષણ યુકત ખોરાકને કારણે તંદુરસ્ત દેખાઈ રહ્યું હતું.

આજે શનિવાર હતો, રુદ્રાંશ એના પ્રોજેક્ટને કારણે મુંબઈની બહાર ગયો હતો અને એષણા મહિનાના પહેલા શનિવારે રજા હોવાથી ઘરે જ હતી, શલાકાએ અચકાતાં અચકાતાં એષણાને કહ્યું. 'દીદી, તમે આજે ઘરે જ છો, ક્યાંય જવાના નથી?' એષણાએ મેગેઝિનમાંથી નજર હટાવી. 'હા, શલાકા કેમ કંઈ કામ હતું?' 'દીદી, અગર આપ ફ્રી હોવ તો, આજે ક્યાંક બહાર ફરવા જઈએ? આટલા વખતથી ઘરમાંને ઘરમાં મારા બાબુને પણ...!' શલાકાની વાત સાંભળી એષણાને પળવાર માટે જાણે આંચકો લાગ્યો પણ એ વાત અંદર જ દબાવી એ તૈયાર થઈ ગઈ. 'હા, હા કેમ નહી? હું રેડી થઈ જાઉં છું તું પણ ચેઈન્જ કરી લે.'

એષણા અને શલાકા બન્ને એની કારમાં ખંડાલા ઘાટ સુધી લોંગ ડ્રાઈવ પર નીકળી પડ્યાં. ખંડાલાના ઘાટ રસ્તાપર આવતા એક પોઈન્ટ પર બેસી બન્ને શિતળ હવાની મઝા માણી રહ્યાં હતાં ત્યાં એષણા અવઢવ સાથે બોલી. 'શલાકા, એક વાત પૂછું?' 'હા દીદી, બોલોને એમાં પૂછવાનું શું?' શલાકા બોલી.

'શલાકા તું મારૂં બાળક મને આપશે તો ખરીને?' એષણાએ એના મનની શંકા શલાકા સામે વ્યક્ત કરી.

'અરે, કેમ આમ પૂછો છો? આ તમારૂં જ બાળક છે દીદી.' શલાકા જાણે પોતાની મોટી બહેનને સધિયારો આપી રહી હોય એટલી આત્મિયતાથી બોલી. 'થેન્ક્સ શલાકા, બસ એ તો આજે બહાર નીકળતાં પહેલાં તું બોલીને, 'આટલા વખતથી ઘરમાંને ઘરમાં મારા બાબુને, એટલે જરા મનમાં...' એષણાને થયેલી શંકા એણે ખુલ્લા મને શલાકાને કહી દીધી. 'દીદી, તમે મા નથી બની શકતા એનો અર્થ એ નથી કે તમારો ખોળો પણ વાંઝ રહે, તમે ચિંતા ન કરો, આ બાળક તમનેજ મમ્મી કહેશે.' બન્નેની વાતચીત ચાલી રહી હતી એટલામાં શલાકાની કોખમાં ઉધરી રહેલો જીવ સળવળ્યો.

શલાકા અચાનક એની અંદરના સળાવળાટથી જાણે ગલગલીયાં અનુભવતી હતી એ બોલી. 'હેય બાબુ! દીદી, બાબુએ હમણાં લાત મારી!' કહેતાં એણે એષણાનો હાથ લઈ એના પેટ પર મૂકાવડાવ્યો પણ અંદર બેઠેલું બાળક ફરી શાંત થઈ ગયું. એષણાને કોઈ સળવળાટ મહેસુસ ન થયો. એ છોભીલી પડી ગઈ. શલાકા એને જોઈ બોલી 'ફરી લાત મારશે ને ત્યારે હું તમને બતાવીશ દીદી. મારા ઉદરમાંનુ માતૃત્વ તમે સ્પર્શથી મહેસુસ કરજો. કોખ મારી હોય એથી શું થયું બાળકતો તમારૂંજ છે ને?'

એષણા, શલાકાની વાતથી કૃત્રિમ હસી અને શાંત થઈ ગઈ. 'શલાકા, અમે તારી સામે જુઠ્ઠું બોલ્યા છીએ, એક વાત તારાથી છુપાવી છે.' એષણા બોલી.

શલાકા તો જાણે એના બાળક સાથે જ ખોવાયેલી હતી. એના ઉપસેલા પેટ પર લાડથી હાથ ફેરવતાં બોલી. 'શું દીદી?' એષણા બની શકે એટલી સ્વસ્થ થઈ કહેવાનો પ્રયત્ન કરી રહી હતી. 'શલાકા અમે ખોટું કહ્યું હતું કે હું મા બની શકુ તેમ નથી. ખરેખર તો મારી નોકરીમાં મને ઉજ્જ્વળ તક મળી રહી હતી અને એ તકને હું ફકત મા બનવા માટે જવા દેવા નહોતી માંગતી પણ શલાકા, એ તકને કારણે મને ઉજ્જવળ ભવિષ્ય, મોટો હોદ્દો, પ્રતિષ્ઠા અને ખૂબ સારા પૈસા મળી રહ્યા હતા પછી હું શું કરૂં? તું જ કહે આવા સમયે મા બનવાની પળોજણ હું કઈ રીતે સ્વીકારૂં?' એષણાની વાત સાંભળી શલાકા સ્તબ્ધ થઈ ગઈ, એને એ વાત માનવામાં નહોતી આવી રહી કે કોઈ સ્ત્રી એની નોકરી ખાતર કે એનાં ફાઈનાન્શિયલ કરિઅરને ખાતર મા બનવા જેવી ઘટનાને અવગણી શકે.

એષણા હજુય બોલ્યે જતી હતી. 'શલાકા હું જ્યારે સીનિયર મેનેજર હતી ત્યારે અમારી ભૂલને કારણે મને પ્રેગ્નન્સી રહી ગઈ હતી પણ રુદ્રાંશને જણાવ્યા વગરજ મેં અબોર્શન કરાવી નાખ્યું. કારણકે એને ખબર પડે તો એ કદી અબોર્શન માટે રાજી ન થાત.'

એષણાની વાત સાંભળી શલાકાની આંખમાં બરફ જામી ગયો. સામે બેઠેલી આ સ્ત્રી એ શું ખરેખર સ્ત્રી છે? એને પ્રશ્ન થઈ રહ્યો હતો. આંખમાં આસું સાથે વાત કરી રહેલી એષણા સામે વ્હાલ અને દુઃખથી જોતા એ બોલી. 'દીદી, મા એ માત્ર એક શબ્દ કે જીવનમાં આવતો એક તબક્કો નથી બલ્કે મા બનવું એ તો એક અહેસાસ છે, એક લાગાણી, હૂંફ અને વાત્સલ્યથી ભરેલી પૂર્ણતાની લાગણી છે જે એક સ્ત્રીને એના સ્ત્રી તરીકે થયેલા જન્મને સાર્થક કરે છે. દીદી, જે ઈશ્વરે આપણને જે આ વરદાન આપ્યું છે, તે પુરૂષ ગમે તે કરે તો પણ આ સૌભાગ્યને નથી જીવી શકતો. તમે, તમે તો ખૂબ અભાગિયા નીક્ળ્યા દીદી.' વાતાવરણ અચાનક બોઝલ થઈ ગયું, જાણે વરસાદની બૂંદો લઈ આવેલા ઠંડા વાદળાં વરસ્યા વગરજ ચાલી ગયા અને હવામાં કોઈ અકળાવનારો ઉકળાટ મૂકતા ગયા. બન્ને એકબીજાનું મૌન લઈ ઘરે પાછા આવ્યા.

સમય વીતતો ગયો. શલાકાના ઉદરમાં શ્વાસ લઈ રહેલો ગર્ભ ધીમે ધીમે ઉધરતો રહ્યો. શલાકા મોડી મોડી રાત લગી એની સાથે કાલીઘેલી ભાષામાં વાત કર્યા કરતી અને એષણા શલાકાના રૂમના દરવાજા પાછળ ઊભી રહી એ એક એક્પક્ષીય સંવાદ સાંભળ્યા કરતી.

એ સંવાદોના અહેસાસના કલ્પના વિશ્વમાં જીવવાનો પ્રયત્ન કરતી રહેતી અને પોતાના બેડરૂમમાં જઈ અજાણપણેજ એની આંખમાં આંસુ આવી જતા.

રુદ્રાંશ ઘરે આવે ત્યારે એને વળગીને એ ખુબ રડતી. રુદ્રાંશને ખબર નહોતી કે એષણા શું કામ આમ રડે છે, પણ પત્નીને વ્હાલ કરતા એ આવનાર બાળકની વાતો કરી મનાવી લેતો અને એષણા ફરી દિલાસાઓ વચ્ચે એની લાગણીને ડારી દેતી.

સમય વિતતો ગયો, શલાકાને પ્રસૂતિના દિવસો હવે નજીક હતા. એવામાં એક અણધારી ઘટના બની ગઈ. એષણા ઓફિસમાં હતી, રુદ્રાંશ એના શૂટમાં બિઝી હતો અને ઘરમાં પાણીનો જગ લેવા જતા શલાકાના પગ કીચનના ભીના ફર્શ પર લપસી પડ્યા. એક જોરદાર ઝટકા સાથે શલાકા ફસડાઈ પડી. ઘરમાં કોઈ નહોતું કે સમયસર મદદ મળી શકે. બાઈ ઘરમાં આવી ત્યાંસુધીમાં લગભગ અડધો કલાક થઈ ગયો. શલાકાની આજુ બાજુ ત્યાં લગીમાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું. હોસ્પિટલની દોડધામે શલાકા તો બચી ગઈ પણ કમનસીબે બાળક ન બચી શક્યું.

***

એ ઘટનાને ચાર મહિના થઈ ગયા, એષણા હમણાં રુદ્રાંશની છાતી પર માથું ઢાળી સૂતી હતી. 'રુદ્રાંશ, મારે મા બનવું છે, મારા ખોળામાં આપણાં બાળકને શ્વાસ આપવા છે. શલાકા ભલે બાળક ન આપી શકી રુદ્ર, પણ મને મા બનવાનો અધુરો અહેસાસ જરૂર આપતી ગઈ. મારે એ અહેસાસને પૂરો કરવો છે. તારી અને મારી ઉભય લાગણીઓને પૂર્ણતાનુ સ્વરૂપ આપવું છે.' અને રુદ્રાંશે એક જોરદાર આવેગ સાથે એષણાને પોતાના આલિંગનમાં જકડી લીધી, પાછલી રાતની ગરમ શ્વાસોની આવન જાવન અને સંતોષના પરસેવાની સુગંધ લઈ હમણાં નવી સવારનો સૂરજ એષણા અને રુદ્રાંશના બેડરૂમમાં નવી સવારના કૂમળા કીરણ પાથરી રહ્યો હતો.


Rate this content
Log in