પ્રતિબિંબ
પ્રતિબિંબ
સૂરજપુર નામના ગામમાં સાત-આઠ ઘરનું ફળિયું હતું. તેમાં રઘુ રહેતો હતો. રઘુના પિતાજી હરખચંદ અને માતા દેવીબેન બંને નાનજીની વાડીમાં કામ કરતા હતા. ચોમાસાની ૠતુ હતી.જોરદાર કડાકા સાથે વીજળી થતી હતી અને ધીમે ધીમે વરસતા વરસાદે વેગ પકડ્યોને નિશાળમાં રજા પડી ગઈ. રઘુ અને બીજા છોકરા-છોકરીઓ નાચતાં-કૂદતાં ઘર ભણી ભાગ્યા. બધાનાં ઘર કાચાં-પાકાં પણ રઘુનું ઘર પાકું અને માથે અગાસીયે ખરી.
રઘુના માતા-પિતા તો વાડીમાં કામ કરવા ગયા હતા. રઘુની બહેનને પાડોશમાં રહેતા હીરાકાકીને ત્યાં મેલી ગયા હતા. રઘુ નિશાળેથી આવતાં હીરાકાકી તેની બહેન મીનાને રઘુ પાસે મૂકી જાય છે. વરસાદનું જોશ વધતાં ધીમે ધીમે ફળિયામાં ચારે બાજુ પાણી પાણી થઈ ગયું. દેવીબેન વાડીમાં જતાં પહેલા રોટલી -શાક બનાવી ગયા હતાં. રઘુ અને મીનાએ જમી લીધું. ત્યાં નીંદરરાણીને લીધે બંનેની આંખો ઘેરાણી. રઘુએ ફાનસ પેટાવી સ્ટૂલ પર મૂકયો. પાટ પર મીનાને સૂવડાવી. બારીમાંથી દેખાતા અનરાધાર વરસાદને જોઈ રહો હતો. બા'રે વીજળીના લીસોટાના પ્રતિબિંબ પાણીમાં ઝીલાતા અને થોડીવાર અજવાળું થયું અને અચાનક જોરદાર મેઘગર્જનાથી એ ડરી ગયો.એ પાણીમાં જોતાં જ જાણે માતા-પિતાની યાદ આવતી. હજુ કેમ પિતા અને મા ન આવ્યા.
અચાનક ફળિયામાંથી બૂમ સંભળાવા લાગી. ભાગો ડેમ ફાટયો છે. જીવ બચાવવા ઊંચા વિસ્તારમાં પહોંચો ,માર માર કરતું પાણી ગામ ભણી આવે છે. આ બૂમથી રઘુ ગભરાયો અને મીનાને લઈ ઉંચાણવાળા વિસ્તારમાં પહોંચી ગયો પણ જોરદાર વરસાદને કારણે રઘુના માતા-પિતાનો કાંઈ પણ પતો લાગ્યો નહીં. મીના વારંવાર માતા-પિતાની પૂછા કરતી, ત્યારે રઘુ વરસાદને જોતો હતો .એકીટસે વરસતા બૂંદમાં એ માતા-પિતાનો પડછાયો શોધવા લાગ્યો. આમ, પડછાયો જોતાં માતા -પિતા મળી જશે એવી આશ બંધાણી.
રઘુ સતત પાણી અને પાણી જોતાં પાણીમાં તેના માતા-પિતાનો પડછાયો દેખાવા લાગ્યો. રઘુ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો કે મારા માતા-પિતા મને મળી જાય.
