પરિસ્થિતિને પારખે તે પંડિત
પરિસ્થિતિને પારખે તે પંડિત
એક હતો પારસ. એક ગરીબ બ્રાહ્મણનો દીકરો. પારસને ગોરપદું ફાવ્યું નહિ અને ભીક્ષા માગવાનું પસંદ ન પડયું. તેથી એક નૃત્ય શાળામાં તે નૃત્ય શીખ્યો. નૃત્ય તેની આજીવિકાનું સાધન બન્યું. પારસ નૃત્યરસિકોને નૃત્ય શીખવે. તેના બદલામાં તેને મહેનતાણું મળે. પારસ આજુબાજુના ગામોમાં અને શહેરોમાં નૃત્ય શીખવવા જવા લાગ્યો. પારસની આવક તો આ રીતે વધવા લાગી.
સમય વીતતો ગયો. પારસની આવકને લીધે તેના ઘરની પરિસ્થિતિ હવે સુધરી ગઈ. પારસની પ્રસિદ્ઘિ પણ ઘણી વધી ગઈ. પૈસાદાર બની જવા છતાં તેને પૈસાનું અભિમાન નહોતું. તે જ્યાં જાય ત્યાં પગપાળા જ જાય. આ વાતની ખબર થોડા લૂંટારાને પડી. તે પારસને લૂંટવા માટેની તક શોધવા લાગ્યા.
આવી રીતે થોડો સમય પસાર થયો. એક દિવસ પારસ એક શહેરમાંથી પોતાની કમાણી મેળવીને ચાલ્યો આવતો હતો. રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. પેલા લૂંટારાને તક મળી ગઈ. તેઓએ પારસને રોકયો અને બધી રકમ આપવા કહ્યું. પારસ પરિસ્થિતિ પારખી ગયો. તે વિચારવા લાગ્યો. ત્યાં જ એક લૂંટારાએ ઝાપટ મારીને ઝડપથી રકમ કાઢવા કહ્યું. ત્યારે પારસ બોલ્યો, ‘‘તમે મને લૂંટશો તો માત્ર આજ એક જ દિવસ રકમ મળશે. બીજી વખત તો હું તમારા હાથમાં આવીશ નહિ ! હું નૃત્યકાર છું. મેં નૃત્ય શીખવેલ ઘણાં લોકો ફિલ્મોમાં નૃત્ય કરીને લાખો રૂપિયા કમાય છે. તમારા જેવા અલમસ્ત લોકો ફિલ્મોમાં વધારે ચાલે છે. જો તમે મને લૂંટો નહિ તો હું તમને નૃત્ય શીખવું. તમને ફિલ્મોમાં કામ મળે તો આ લૂંટનો ધંધો કરવો નહિ પડે !’’ લૂંટારાને તો આ વાત પસંદ પડી ગઈ. એટલે પારસે થોડીવાર તેઓને નૃત્યની ભંગિમાઓ દેખાડી. પછી ટેપરેકોર્ડર ચાલુ કરીને તેઓને તે પ્રમાણે નૃત્ય કરવા કહ્યું. પારસ થોડીવાર આગળ ઊભો રહે, વળી થોડીવાર પાછળ ઊભો રહે. બે-ચાર વખત આમ આંટા માર્યા. પેલા લૂંટારા પૂરા તાનમાં આવી ગયા ત્યારે પારસ પાછળથી સરકી ગયો. ઘણો લાંબો સમય પારસ આગળ ન આવ્યો ત્યારે લૂંટારાઓએ પાછળ જોયું. પારસને ત્યાં ન જોતા લૂંટારા પોતે છેતરાયા છે એવું જાણીને ત્યાંથી હાલતા થયા.
પારસે પરિસ્થિતિ પારખીને પોતાની ચતુરાઈને ઉપયોગ કર્યો. તેથી તે બચી ગયો. એવી રીતે પરિસ્થિતિ મુજબ કામ કરવાથી ગમે તેવું અઘરું કામ પણ સરળતાથી કરી શકાય છે. ખરું જ કહેવાયું છે, ‘પરિસ્થિતિને પારખે તે પંડિત.’
