'Sagar' Ramolia

Children Stories

4.9  

'Sagar' Ramolia

Children Stories

પાપ કરે તે પસ્તાય

પાપ કરે તે પસ્તાય

2 mins
587


એક હતો શિકારી. અચૂક એનું નિશાન. તે પ્રાણીઓનો શિકાર કરે. સસલાને દેખે તો સસલાને મારે, હરણને દેખે તો હરણને જીવતું ન છોડે, શિયાળને દેખે તો શિયાળને પતાવી દે, વાઘને દેખે તો વાઘને ખતમ કરે, સિંહને દેખે તો સિંહને પણ પૂરો કરી નાખે! કોઈ પ્રાણી તડપી તડપીને મરે એટલે શિકારી ખૂબ ખુશ થાય, ખિખિયાટા કરે ને તાળીઓ પણ પાડે. પ્રાણી બિચારું દયામણી આંખો સાથે જીવ છોડે.

શિકારીએ તો જંગલમાં હાહાકાર મચાવી દીધો. પ્રાણીઓને તો શિકારીના રૂપમાં પૂર્વ જન્મનો માણસખાઉં રાક્ષાસ જ દેખાય. જે આ જન્મે જાણે પ્રાણીઓનો દુશ્મન બન્યો હોય! શિકારી આવે એટલે પ્રાણીઓ જ્યાં જગ્યા મળે ત્યાં સંતાય જાય. પરંતુ શિકારીની આંખો પણ બાજ જેવી હતી. એટલે સંતાયેલું પ્રાણી પણ તેની નજરે ચડી જાય. પ્રાણીના બચવાનો કોઈ ઉપાય જ નહીં!

એક દિવસ શિકારીથી જંગલમાં ન જવાયું. પ્રાણીઓએ તો તરત જ આ તક ઝડપી લીધી. જલદી-જલદી જંગલનાં બધાં પ્રાણીઓને ભેગાં કર્યાં. અત્યારે તો પ્રાણીઓ પોતાનું જાતિગત વેર પણ ભૂલી ગયાં. સિંહ, વાઘ, દીપડા કે રીંછે કોઈ નાના પ્રાણીને મારવા માટે તરાપ ન મારી. બધાં શાંતિથી ભેગાં થયાં. શિકારીથી છૂટકારો મેળવવા દરેક પોતપોતાનો ઉપાય બતાવતું હતું. કોઈ કહે, ‘‘આપણે ઊંડી ગુફામાં રહેવા લાગીએ!’’ કોઈ કહે,’’શિકારીને ખબર ન પડે તેમ આ જંગલ છોડીને ભાગી જઈએ!’’ છેવટે એવું નક્કી થયું કે શિકારી આવે ત્યારે સાથે મળીને શિકારી ઉપર હુમલો કરીએ. બધાં પ્રાણીઓ છૂટાં પડયાં. બીજા દિવસે આગળના આયોજન મુજબ પ્રાણીઓ જુદી-જુદી જગ્યાએ ગોઠવાઈ ગયાં અને શિકારી આવવાની વાટ જોવા લાગ્યાં. દિવસ થોડો ચડયો ત્યાં જ શિકારી આવ્યો. તે જંગલમાં થોડો આગળ વધ્યો ત્યાં તેને અવાજ સંભળાયો,’’આજ શિકારી ફસાયો, પાપી શિકારી ફસાયો!’’

શિકારીએ જોયું તો કેટલાંક પ્રાણીઓ પૂર્વમાંથી, કેટલાંક પશ્ચિમમાંથી, કેટલાંક ઉત્તરમાંથી તો કેટલાંક દક્ષિણમાંથી પોતાના તરફ આવી રહ્યાં છે. પોતે ચારેબાજુથી ઘેરાય ગયો છે. શિકારી પ્રાણીઓને મારવા માટે હથિયાર તૈયાર કરવા જાય છે ત્યાં જ ચિત્તાએ પાછળથી છલાંગ મારીને બધાં હથિયારો ઝૂંટવી લીધાં. ચારેબાજુથી પ્રાણીઓ આગળ વધે છે અને ગાય છે,’’આજ શિકારી ફસાયો, પાપી શિકારી ફસાયો !’’ શિકારીને તો પોતાનું મોત સામે જોઈને આગળની બધી ઘટનાઓ યાદ આવવા લાગી કે પોતે કેવી રીતે પ્રાણીઓને તડપાવી તડપાવીને માર્યાં હતાં. તે વિચારવા લાગ્યો કે, ‘‘આજ સુધી મેં જીવહત્યાનું પાપ કર્યું છે. જે પાપનો ઘડો આજે છલકાઈ ગયો છે. આવું મેં ન કર્યું હોત તો? પરંતુ હવે તો પસ્તાવાથી શું વળે?’’

પછી શિકારીએ હાથ જોડીને પ્રાણીઓની માફી માગી અને શિકાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી. પ્રાણીઓએ જવા દીધો. ખરું છે,

‘હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.’ 


Rate this content
Log in