પાકીટમાર
પાકીટમાર


રાતના એ અંધકારમાં ચોર ચોર... ની પાછળ આવતી બુમો સાથે નાગરાજ એક ટ્રેનમાં ચઢી ગયો. લોકોથી બચવા માટે મરણતોલ દોડવા જતા એ ખૂબ હાંફી રહ્યો હતો. તેણે જે પાકીટ માર્યું હતું એ કાઢીને જોયું તો તેમાં માત્ર પાંચસો રૂપિયા અને એક જાડી સ્ત્રીનો ફોટો હતો. નાગરાજે રોષમાં પાકીટને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેતા કહ્યું, “માત્ર આટલા રૂપિયા માટે મેં મારો જીવ જોખમમાં નાખ્યો.” હવે આગલું સ્ટેશન આવશે ત્યારે પોતે ઉતરી જશે આમ વિચારી એ રેલવેના બાથરૂમ પાસે એક ખાલી જગ્યા જોઈ બેસી ગયો. ટ્રેનની સિટીનો અવાજ અંધકારને ચીરતો દુર દુર સુધી જઈ રહ્યો હતો. તેના કારણે વાતારવણ ખૂબ ભયંકર બનતું જતું હતું.
અચાનક તેના ધ્યાનમાં આવ્યું કે એ જે જગ્યાએ બેઠો હતો ત્યાં ગંદી વાસ આવી રહી હતી. નાગરાજે દરવાજો ખોલીને જોયું તો ત્યાં એક લાશ હતી. નાગરાજે ત્યાંથી ભાગવાનો વિચાર કર્યો પણ ત્યાંજ તેની નજર સામેથી આવતા ટી.સી. પર પડી. ટી.સી. શંકાસ્પદ નજરે તેને જ જોઈ રહ્યો હતો. નાગરાજ ખૂબ ડરી ગયો હતો. પાકીટમારીની નાની મોટી સજાથી બચવા એ ટ્રેનમાં ચડ્યો હતો પરંતુ અહીં તો ઉલટાનું ખૂનના આરોપમાં ફસાવવાનું જોખમ હતું. નાગરાજ પરસેવે રેબઝેબ થઇ રહ્યો ત્યાં ટી.સીની નજર તેના પર પડી. તેને આમ ડરેલો જોઈ ટી.સીને તેની પર શંકા ગઈ.
તેને બીજાઓની ટીકીટ ચેક કરવાનું છોડી નાગરાજ પાસે આવવા લાગ્યો. નાગરાજ ડરથી ધ્રુજતો પ્રભુના નામનું સ્મરણ કરવા લાગ્યો. ત્યાંજ ટ્રેન એક અંધારા બોગદામાં પ્રવેશતા બધે અંધારું થઇ ગયું. લગભગ બે મીનીટ સુધીન એ અંધારું રહ્યું. બોગદામાંથી ટ્રેન બહાર નીકળતા જ ફરી બધે અજવાળું થઇ ગયું. ટી.સી. એ નાગરાજ પાસે આવી ટીકીટ માંગી પરંતુ એ નાગરાજ પાસેથી ન નીકળતા તેને પુરા પાંચસો રૂપિયાનો દંડ લગાવ્યો. નાગરાજે ઝડપથી ચોરીના પાકીટમાંથી કાઢેલા પાંચસો રૂપિયા એ ટી.સી.ને આપી દીધા. ટી.સી.એ રૂપિયા પોતાના ખિસ્સામાં મૂકી દીધા. વાતો વાતોમાં ટી.સી.ની નજર બાથરૂમના ખુલ્લા દરવાજા પર ગઈ. ટી.સી.એ નાગરાજ તરફ જોયું. નાગરાજ બિચારો ચુપચાપ ઉભો હતો. ટી.સી.એ તેનાથી બચવા કોઈક મુસાફર બાથરૂમમાં છુપાઈ તો નથી ગયો ને એ જોવા દરવાજો ખોલી જોયો. અંદર કોઈ નહોતું એ જોઈ તેણે ફરી દરવાજો બંધ કરી દીધો. ટી.સી. જતો જ હતો ત્યાં નાગરાજે પૂછ્યું : 'સાહેબ પાવતી નહિ આપો ?'
ટી.સી. બોલ્યો : 'પાવતી બાવતી કઈ નહિ મળે આજે એક પાકીટમારે મારું પાકીટ મારી લીધું તેમાં પુરા પાંચસો રૂપિયા અને મારી પત્નીનો ફોટો હતો. એમ સમજ કે તેં મને મારા ખોવાયેલા રૂપિયા જ પાછા આપી દીધા... સમજ્યો ? ચુપચાપ આગલા સ્ટેશને ઉતરી જજે. વધારે કચકચ કરીશ તો વગર ટિકિટ મુસાફરી કરવાના આરોપ હેઠળ જેલભેગો કરી દઈશ.'
ટી.સીના ગયા બાદ નાગરાજે ઈશ્વરનો આભાર માનતા મનમાં વિચાર્યું કે જો ખરા સમયે એ અંધારિયો બોગદો આવ્યો ન હોત તો એ આજે બરાબરનો ફસાઈ ગયો હોત. બોગદાના લીધે થયેલા અંધારાનો લાભ લઈને જ નાગરાજે બાથરૂમની લાશ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી. નાગરાજે વિચાર્યું કે ઈશ્વરે ખરો છે તેને મદદ કરવાના બદલામાં ટી.સી.ને તેનું પાકીટ પણ પાછુ અપાવ્યું હતું! નસીબને ભાંડતો અને સાથે ઈશ્વરનો આભાર માનતો નાગરાજ આગલું સ્ટેશન આવતા જ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો.