લવ યુ પિતાજી
લવ યુ પિતાજી
આ વર્ષે મારા પિતાજીએ મને દોરો અને પંતગો લાવી આપવાની ઘસીને ના પાડી હતી. આના લીધે મને મારા પિતાજી પર ઘણો ગુસ્સો આવ્યો હતો. મેં પતંગ અને દોરા માટે ખૂબ જીદ કરતા મારા પિતાજી બોલ્યા, “બેટા, ઉત્તરાયણના દિવસે આપણે અગાશીમાં ખૂબ મજા કરીશું. હું તને ગેસના ગુબ્બારા લાવી આપીશ તે તું આકાશમાં ઉડાડજે. આપણે આખો દિવસ ખૂબ મજા કરીશું. સાંજે હોટેલમાં જમવા પણ જઈશું.”
મારા પિતાજીએ વચન પ્રમાણે મને ઉત્તરાયણના દિવસે ખૂબ મજા કરાવી. આખો દિવસ હું ચબર ચબર કશુંક ને કશુંક ખાતી રહી. બપોરે અમે સહુ તાનાજી ચલચિત્ર જોવા ગયા. સાંજે ઘરે આવી અમારી અગાશી પર ખૂબ ફટાકડા ફોડ્યા. સાચે કહું મને પતંગની
ખોટ મારા પિતાજીએ પડવા જ ન દીધી.
આજે ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સવારે જયારે ટી.વી.માં નાના બાળકોના દોરીને કારણે કપાયેલા ગળાના... પતંગના મોહને કારણે છત પરથી નીચે પડી મૃત્યુ પામેલા બાળકોના... તથા દોરાને કારણે ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓના સમાચાર જોયા ત્યારે મને ખૂબ દુઃખ થયું. હવે મને ખબર પડી કે મારા પિતાજીએ મને કેમ પતંગ અને દોરો લાવી આપ્યા નહીં. જે પિતાજીને હું આજદિન સુધી હિટલર સમજતી હતી તે વાસ્તવમાં ખૂબ દયાળુ છે. તેઓને મારી સાથે સાથે પ્રકૃતિને પણ ખૂબ પ્રેમ છે. તેઓને મન આનંદપ્રમોદ કરતા બીજાની સલામતી વધુ મહત્વની છે. મને ગર્વ છે કે હું આવા પિતાની પુત્રી છું. લવ યુ પિતાજી !