ચૂપ રહેવામાં જ શાણપણ
ચૂપ રહેવામાં જ શાણપણ


એકવાર એક જહાજ મોટા ખડક સાથે અથડાવવાથી ઉથલી પડ્યું. ટક્કર એટલી જોરદાર હતી કે જહાજની અંદરના બધા મુસાફરો દરિયામાં ફેંકાયા. હવે આ જહાજમાં એક જાદુગર તેની સાથે વાંદરાને લઈને મુસાફરી કરી રહ્યો હતો. જાદુગરનો એ વાંદરો પણ પાણીમાં પડ્યો. વાંદરો બિચારો પાણીમાં તરફડવા લાગ્યો.
હવે કેવન નામના ટાપુ તરફ જઈ રહેલા એક મગરે વાંદરાને દરિયાના પાણીમાં ડૂબતા જોઈ તેની દયા આવી. તેથી મગરે વાંદરાને પોતાની પીઠ પર બેસાડી કેવન નામના ટાપુ તરફ જવા લાગ્યો. રસ્તામાં મગર રસ્તો ભૂલ્યો એટલે તેણે “વાંદરાને કદાચ કેવન ટાપુ વિષે ખબર હશે” એમ વિચારી તેણે વાંદરાને પૂછ્યું “આ કેવન ક્યાં છે?” વાંદરાને મગરે પૂછેલા પ્રશ્ન વિષે કાંઈ ખબર ન પડી તેણે મનોમન વિચાર્યું કે “તે જો એમ કહેશે કે મને કેવન વિષે કાંઈ ખબર જ નથી તો મગર પોતાને મૂર્ખ સમજશે!” આમ વિચારી વાંદરો બોલ્યો “કેવન, તો બિચારો ડૂબીને મરી ગયો.” આવો જુઠ્ઠો જવાબ સાંભળી મગર રોષે ભરાયો અને તેણે એક પલટી ખાઈ વાંદરાને પીઠ પરથી દૂર ધકેલી પોતે દરિયાના ઊંડા પાણીમાં ડૂબકી મારી ત્યાંથી ચાલતો થયો.
પાણીમાં ડૂબતા ડૂબતા વાંદરાએ વિચાર્યું કે, “જે વિષયનું જ્ઞાન ન હોય તેમાં ચૂપ રહેવામાં જ શાણપણ છે.”
(સમાપ્ત)