રાજકુમારી અને રાક્ષસ
રાજકુમારી અને રાક્ષસ


એક મહેલ હતું તેમાં એક રાજકુમારી રહેતી હતી. એનું નામ હતું રંભા. રાજકુમારી રંભા પાસે એક જાદુઈ છડી હતી. તેને આ જાદુઈ છડી એક પરીએ ભેટમાં આપી હતી. રાજકુમારી રંભાના માતાપિતા એટલે કે રાજા રાણી પણ સ્વભાવે ખૂબ સારા હતા. રાજકુમારી રંભા પોતાની જાદુઈ છડી વડે ગરીબોને મદદ કરતી. એક રાક્ષસે જયારે આ જોયું ત્યારે તેને એ છડી મેળવવાનું મન થયું. એકવાર જયારે રાજકુમારી રંભા જાદુઈ છડીને કિનારે મૂકી નદીમાં નહાવા ગઈ ત્યારે રાક્ષસે લાગ જોઇને જાદુઈ છડી ઉઠાવી ત્યાંથી ભાગ્યો.
હવે, પોતાની ગુફામાં આવીને રાક્ષસે જયારે જાદુઈ છડીનો ઉપયોગ કરીને જોયો તો તેના ધ્યાનમાં આવ્યું કે એ છડી કોઈ જાદુ દેખાડતી નહોતી. આ જોઈ રાક્ષસે વિચાર્યું કે જરૂર આ છડી કોઈક મંત્રથીજ જાદુ દેખાડતી હશે. હવે રાજકુમારી રંભા સિવાય તે મંત્ર કોઈ જાણતું ન હોવાથી રાક્ષસે તેનું અપહરણ કરવાનું વિચાર્યું. અહીં રાજકુમારી તેની જાદુની છડી ખોવાઈ જવાને કારણે ખૂબ ઉદાસ રહેવા લાગી.
એક દિવસ તે બગીચામાં છડીને યાદ કરતી કરતી બેઠી હતી ત્યારે રાક્ષસે લાગ જોઇને તેને ઉઠાવી લીધી. રાક્ષસે રાજકુમારીને એક ગુફામાં કેદ કરી. અહીં જયારે સહુએ રાજકુમારીને રાક્ષસ લઇ ગયા હોવાની વાત સાંભળી ત્યારે સહુ ગભરાઈ ગયા. રાજાએ રાજકુમારીને રાક્ષસ પાસેથી લઇ આવનાર વ્યક્તિને ઇનામ આપવાની ઘોષણા કરી. આ સ
ાંભળી એક ગરીબ યુવક આગળ આવ્યો અને બોલ્યો, “રાજાજી, હું આપણી રાજકુમારીને છોડાવી લાવીશ. મને ઇનામ જોઈતું નથી બસ મને એક ઘોડો અને હું માંગું તે હથિયાર આપો જેથી હું રાજકુમારીને છોડાવી લાઉં.”
રાજા યુવકની વાત સાંભળી ખુશ થયા. તેમણે યુવકને એક સરસ મજાનો ઘોડો અને તેણે માંગ્ય તે હથીયાર આપ્યા. હવે યુવક રાજકુમારીની શોધમાં જંગલમાં નીકળી પડ્યો. રાક્ષસના પગલાનો પીછો કરતો કરતો તે ગુફા સુધી આવ્યો. ગુફાની અંદર રાક્ષસ સુતો હતો અને તેની બાજુમાંજ મુકેલા એક પાંજરામાં રાજકુમારી કેદ હતી. પાંજરા પર લાગેલા તાળાની ચાવી રાક્ષસના ગળામાં લટકતી હતી. આ જોઈ રાજકુમાર ધીમે પગલે રાક્ષસ પાસે ગયો અને તેણે તેના ગળામાંથી ચાવી કાઢી રાજકુમારીને આઝાદ કરી. પાંજરાનું બારણું ખુલવાનો અવાજ થતાજ રાક્ષસે આંખ ખોલી અને સામે યુવકને ઉભેલો જોઈ તે ખૂબ ગુસ્સે થયો.
તે યુવકને મારવા આગળ વધીજ રહ્યો હતો ત્યાં રાજકુમારી રાક્ષસે જ્યાં છડી મૂકી હતી ત્યાં ગઈ અને તેણે ઝડપથી છડી ઉઠાવી મંત્ર ગણગણ્યો. એ સાથેજ રાક્ષસ ગાયબ થઇ ગયો. હવે યુવક રાજકુમારીને લઈને મહેલમાં પાછો આવ્યો. રાજકુમારીને સહીસલામત પાછી આવેલી જોઈ રાજા ખૂબ ખુશ થયો. રાજકુમારીએ વહાલથી એ યુવકના હાથે રાખી બાંધી. આ જોઈ રાજાએ યુવકને પોતાનો દીકરો જાહેર કર્યો. આગળ જતા એ યુવક એ રાજ્યનો રાજા બન્યો અને ખાધું પીધું અને રાજ ર્ક્યું.