મહેનત
મહેનત


"સાથ હી હાથ બઢાના સાથ હી રે, એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના" રત્ના પોતાના બાળકોને હંમેશા આ સલાહ આપતી. ક્ષયની બીમારીથી પીડાતી રત્ના ને પાંચ બાળકો હતા. આ વરસાદમાં એની ઘાસની છતમાંથી પાણી ટપકી રહ્યું હતું. બાળકો જે લગભગ પંદર વરસથી માંડીને પાંચ વરસ સુધીના હતા. પતિ એનો દારૂ પી પીને ગુજરી ગયો હતો. આજ કાલ આ મૂઈ બીમારી લાગુ પડી હતી. આખો દિવસ ખાંસતી રહેતી. દાડિયે પણ જવાતું નહીં. બાળકો ભીખ માગીને ખાવાનું લઇ આવતા. રાત્રે જ્યારે ધોધમાર વરસાદ પડ્યો તો ઘાસથી બનાવેલી આ છત ક્યાં સુધી ટકતી? આંધી સામે તણખલાની શી વિસાત?
બાળકો વરસાદમાં જઈ જઈને પ્લાસ્ટિકના ટૂકડા અને રસ્તામાં પડેલી ઈંટ અને જાત જાતનો કચરો ભેગો કરી છત બનાવવા બેઠા. પણ પંદર વરસનો દીકરો અને બીજા એનાથી નાના ભાઈ બહેન!! આ કુદરત સામે કેટલા ટકી શકવાના હતા? આખી રાત પલળતા પલળતા થોડું ઘણું કામ કરી શક્યા. પછી પાંચે ભાઈ બહેન જ્યાં જરા ઓછું પાણી ટપકતું હતું ત્યાં સૂઈ ગયા. સવારે માં ને ખુશ કરીશું એવું સપનું લઈને.
સવાર પડી સૂરજે પોતાનું મોં દેખાડ્યું. થાકેલા બાળકો ઊઠી ગયા. મા જે જૂની ગોદડી પર સૂતી હતી. ત્યાં ગયા. પણ માની આંખો બંધ હતી. મોટા ભાઈએ કહ્યું ," જો માં અમે છત સરખી કરી જો તો ખરી." પણ મા એ જવાબ ના આપ્યો. મા તો પરધામ પહોંચી ગઈ હતી, જ્યાં સુવા માટે મખમલની રજાઈ અને ખાવા માટે મેવા હતા.
પણ બાળકો ને સલાહ આપતી ગઈ કે "સાથ હી હાથ બઢાના સાથ હી રે"