મદદ જે કરે તે સુખી બની ફરે
મદદ જે કરે તે સુખી બની ફરે
કમલ નામનો એક છોકરો. ગરીબ તેનાં મા-બાપ. કમલને ભણાવવાની ઈચ્છા તો ઘણી. પણ ધનલક્ષ્મી જ જ્યાં રુઠેલાં હોય ત્યાં પોતાની ઈચ્છા કઈ રીતે પૂરી કરે ? ખૂબ મહેનત કરે. પેટે પાટા બાંધીને પૈસા બચાવવાની કોશિશ કર્યા કરે. પણ એ કોશિશ તો મહિનાભરના ખાવામાં જ સમાય જાય. શું કરવું એની ખબર જ ન પડે ! દીકરો આગળ વધે એવું રોમેરોમ ઈચ્છે. પણ મન પાછળ પડે. જાણે બંને મનનાં મરેલાં ન હોય ! કમલ પોતાનાં મા-બાપની મૂંઝવણ જાણતો હતો.
કમલે મનમાં નક્કી કર્યું કે પોતે પણ થાય એવું કામ કરવું. મા-બાપને મદદ પણ થાય અને ભણવાનો ખર્ચ પણ કાઢી શકાય. આવા વિચારથી કમલ ઘરની બહાર નીકળ્યો. કયાંક કોઈ કામ મળી જાય એવી આશાએ. કમલ વિચારમાં ને વિચારમાં રસ્તામાં આગળ વધી રહ્યો હતો. ત્યાં તેના કાને એક અવાજ સંભળાયો. કમલે અવાજની દિશામાં જોયું. તેની નજર એક કાદવના ખાડામાં પડી. ખાડામાં કોઈ વૃદ્ઘ ડોસીમા પડી ગયેલ. તે તેમાંથી નીકળવા કોશિશ કરે છે. પણ કમજોરીને લીધે નીકળી શકાતું નથી. કમલ પોતાની મૂળ વાત ભૂલીને ડોસીમાને બચાવવા તેની પાસે ગયો. તેણે ડોસીમાનો હાથ પકડીને કાદવમાંથી કાઢયાં. પછી હાથ પકડીને નદીએ લઈ ગયો. એક પથ્થર ઉપર બેસાડીને તેની ઉપર પાણી નાખવા લાગ્યો. ડોસીમાના શરીર ઉપર ચોટેલો કાદવ ધીમે ધીમે સાફ થવા લાગ્યો. પછી ડોસીમા બોલ્યાં, ‘‘દીકરા, મને જરા પાણીમાં ઊભી રાખને ! એટલે હું એક ડૂબકી મારી લઉં.’’ કમલે તો ડોસીમાનો હાથ પકડયો અને ડોસીમાને પાણીમાં ઊભાં રાખ્યાં. ડોસીમાએ કમલ સામે જોયું અને પાણીમાં ડૂબકી મારી. ઘણો સમય થયો તોયે ડોસીમા બહાર ન આવ્યાં. આ સમયે કમલને પોતાના હાથમાં કંઈક હોય એવું લાગ્યું. કમલે જોયું તો તે એક ચિઠ્ઠી હતી. કમલે ચિઠ્ઠી વાંચી. તેમાં લખ્યું હતું, ‘‘દીકરા, હું એક જલપરી છું. શ્રાપને લીધે મારે પૃથ્વી ઉપર આવવું પડયું હતું. તેં નિર્દોષભાવે મને મદદ કરી, તેથી મને શ્રાપમાંથી મુકિત મળી છે. હું તારા ઉપર ખુશ છું. તારી બધી મનોકામના પૂરી થશે એવાં હું તને આશીર્વાદ આપું છું. આવજે દીકરા !’’
અને ખરેખર જલપરીના આશીર્વાદે કમાલ કરી. કમલને ભણવા માટે વેપારીઓ પાસેથી મદદ મળવા લાગી. વધુ અભ્યાસ માટે કમલ વિદેશમાં પણ જઈ શકયો. બધો જ ખર્ચ કોઈક ને કોઈક દયાળુ તરફથી મળી જતો હતો. મહેનત કરીને ઉચ્ચ આસને બિરાજમાન થયો. છતાં જરાયે અભિમાન નહિ. તે તથા તેનાં મા-બાપ સુખી અને ખુશ થયાં. પોતે જીવ્યાં અને અન્યને પણ મદદરૂપ બની જીવાડયાં.
