'Sagar' Ramolia

Children Stories

4.8  

'Sagar' Ramolia

Children Stories

મચ્છર કહે માનવ વિશે

મચ્છર કહે માનવ વિશે

2 mins
364


એક વખત મચ્છરોએ સભા ભરવાનું નક્કી કર્યું. એ માટે તેઓએ શહેરની નજીક આવેલું એક વિશાળ સરોવર પસંદ કર્યું, જેમાં શહેરની બધી ગટરોનાં મુખ ખૂલતાં હતાં. બધાં ખાડા-ખાબોચિયાં, ગટરોમાં મચ્છરોને સંદેશો મોકલી દીધો. બગડેલાં ફળોથી ગટરોનાં મુખ સજાવવામાં આવ્યાં. બગડેલાં શાક-ભાજીથી સરોવરને સજાવ્યું. સભાનો દિવસ આવી ગયો. બધી જગ્યાએથી મચ્છરો આવી ગયા. વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. સભાની શરૂઆત થઈ.

સભામાં ભાષણને બદલે ચર્ચાનું આયોજન કર્યું હતું. મચ્છરની નાતમાં ચર્ચામાં નિષ્ણાત એવા આઠ મચ્છર સ્ટેજ ઉપર બેઠા. તેઓએ ચર્ચાની શરૂઆત કરી.

પહેલો મચ્છર : આપણે માનવોને કરડીને હેરાન કરીએ છીએ. મને એ પાપકર્મ લાગે છે. હું ઈચ્છું છું, આપણે આ કામ બંધ કરી દઈએ !

બીજો મચ્છર : આપણે માનવોને મારતા તો નથીને ? આપણે તો ફકત આપણો ખોરાક-માનવોનું લોહી જ ચૂસીએ છીએ ! જ્યારે માનવો તો આપણને મારવા માટે અગરબત્તી, ટીકડી, પ્રવાહી વગેરે બનાવ્યા જ કરે છે. આવું ચાલશે તો આપણી જાતિનો સર્વનાશ થઈ જશે !

ત્રીજો મચ્છર : સર્વનાશ તો આપણો કયારેય નહીં થાય. અત્યારે આપણે જે સરોવરમાં બેઠા છીએ એ ગંદકીનું સરોવર માનવે જ બનાવ્યું છે ને ! અને આવાં તો અનેક સરોવરો માનવો બનાવ્યાં જ કરે છે અને એ રીતે આપણાં આશ્રયસ્થાનો વધતાં જ જાય છે. હું તો માનવને પરોપકારી જીવ કહીશ.

ચોથો મચ્છર : જમીન ઉપર ખાડા પણ માનવો જ કરે છે અને એમાં લાંબો સમય પાણી ભરાય રહે એટલે આપણું આશ્રયસ્થાન બની જાય !

પાંચમો મચ્છર : પણ આપણે માનવોને ખોટી રીતે તો હેરાન ન જ કરવા જોઈએ. આપણે જ માનવોને કરડીને મલેરિયા ફેલાવીએ છીએ. પરોપકારી માનવો તેનાથી કેટલા હેરાન થાય છે ?

છઠ્ઠો મચ્છર : એમાં આપણો શો વાંક ? માનવો પોતે જ પોતાના ઘરની આસપાસ આપણો ઉતારો રાખે છે. એટલે આપણે એના ઘરમાં જઈએ છીએ !

સાતમો મચ્છર : અને આપણે માનવોને સાવધાન કરવા માટે આપણું મધુર સંગીત પણ સંભળાવીએ છીએ. છતાં માનવો બેદરકાર રહે તો આપણે શું કરીએ ?

આઠમો મચ્છર : માનવો બેદરકાર રહે છે એટલે આપણે આપણું કામ પતાવીએ છીએ. જો માનવો આવી જ રીતે બેદરકાર રહેશે તો આપણે તો શું, કોઈપણ તેના ઉપર હુમલો કરશે ! માનવો જે નુકસાની ભોગવે છે કે મુસીબતમાં આવી પડે છે, એ પોતાની બેદરકારીને લીધે જ ને ?

ચર્ચાના અંતે નક્કી થયું, મચ્છરોએ બેદરકાર માનવોને જ કરડવું. અન્યને હેરાન ન કરવા. આ રીતે સભા પૂરી થઈ અને બધા મચ્છરો પોતપોતાના સ્થાને પાછા ફર્યા.  


Rate this content
Log in