'Sagar' Ramolia

Children Stories

4.9  

'Sagar' Ramolia

Children Stories

માછલીઓનું મહાસંમેલન

માછલીઓનું મહાસંમેલન

2 mins
455


એક વખત નદી, તળાવ, ખાડા-ખાબોચિયાં, સરોવર, સમુદ્ર વગેરે બધી જગ્યાની માછલીઓ અરબસાગરમાં મળી. અરબસાગરમાં માછલીઓને આડા-અવળા થવાની જગ્યા ન રહી. દરેકની ફરિયાદ માણસ માટે જ હતી. એક સૂરે સૌ કહે, ‘‘હવે આ માણસનું કંઈક કરવું પડશે !’’ આવી રીતે ચર્ચાની શરૂઆત જ ઉગ્ર અવાજે થઈ.

 માછલીઓ પોતાની હૈયાવરાળ કાઢવા લાગી. જાણે રૌદ્રસ્વરૂપ દેવીઓ મળી હો ય !  એક કહે, ‘‘આ માણસ તો હદ કરે છે. નથી પોતે શાંતિથી જીવતો, નથી આપણને જીવવા દેતો.’’ બીજી તાડૂકી, ‘‘ગંદકી કરી કરીને બધી જગ્યાએ પાણી બગાડી નાખે છે. આપણું જીવવાનું હરામ કરી નાખે છે.’’ ત્રીજી બરાડી, ‘‘મારું ચાલે તો માણસ જાતનો નાશ જ કરી નાખું ! જાળ નાખી નાખીને આપણને પકડી જાય છે.’’ ચોથીએ હુંકાર કર્યો, ‘‘માણસને બીજું કંઈ મળે છે કે નહિ ? ખાવામાં આપણે, દવામાં આપણે, ખાતરમાં આપણે, તેલમાં પણ આપણે! શું માણસને આપણી સાથે ગયા જન્મનું વેર છે ?’’ પાંચમી પોકારી ઊઠી, ‘‘માણસ આપણો દુશ્મન છે, માણસને હટાવો! માણસ આપણો દુશ્મન છે, માણસને હટાવો, માણસને હટાવો !’’

ત્યાં હાજર બધી માછલીઓએ આ પોકારને ઝીલી લીધો. સંમેલનમાં કોલાહલ મચી ગયો. આ અવાજ દૂર દૂર સુધી સંભળાયો. માણસ પણ આ અવાજ સાંભળીને બેબાકળો બની ગયો.

હવે માણસનું મન ચકરાવે ચડયું. માણસ વિચારે છે, ‘‘આ માછલીઓની વાત સાચી છે. માણસે પાણીને ગંદું કરી દીધું છે. ગંદા પાણીથી જેમ માછલીઓ મરે છે, તેમ એક દિવસ માણસને પણ મરવાનો વારો આવશે ! આ શુદ્ઘ પાણી કેટલો સમય મળશે ? વળી શુદ્ઘ પાણી મળવાની જગ્યા પણ કેટલી ? દરિયાનું પાણી ખારું હોય છે અને આ જમીનનું પાણી પણ ઉપરના ગંદા પાણીને લીધે ગંદું થઈ જશે. તો શુદ્ઘ પાણી મળશે કયાં ? તો ખરેખર, માણસે પાણીને બચાવવું જોઈએ, ગંદું ન કરવું જોઈએ !’’

 માણસના અંતરાત્માની વાત જાણે માછલીઓ જાણી ગઈ હોય તેમ શાંત પડીને પોતપોતાની જગ્યાએ પહોંચી ગઈ.


Rate this content
Log in