STORYMIRROR

'Sagar' Ramolia

Children Stories

4  

'Sagar' Ramolia

Children Stories

લોભને ન હોય થોભ

લોભને ન હોય થોભ

2 mins
504

એક નાનકડું નગર. નગરમાં રહે એક શેઠ. શેઠ પ્રામાણિક અને ઉદાર. એ શેઠને એક દીકરો. ચમન તેમનું નામ. શેઠ કરતાં તદ્દન વિપરીત ગુણ. ભારે કંજૂસ અને લોભી. પિતાએ પ્રામાણિક રસ્તે ધન ભેગું કરેલ હતું , જ્યારે ચમન અપ્રામાણિક રસ્તે ધન ભેગું કરવા લાગ્યો. ચમનને તો વધુ ને વધુ ધનની લાલસા જાગી. શેઠ વૃદ્ઘ થયા. વેપારનો બધો કારોબાર ચમનના હાથમાં આવી ગયો. શેઠ કમાયા હતા તેનાથી અનેક ગણું ધન ચમન કમાવા લાગ્યો. છતાં તેની લોભ લાલસા ઓછી ન થઈ.

એક વખત ચમન સહેલાઈથી કઈ રીતે ધન મેળવવું એવું વિચારવા લાગ્યો. વિચારમાં ને વિચારમાં તે ઊંઘી ગયો. ઊંઘમાં પણ તેને તો ધન મેળવવાના જ વિચાર આવતા હતા. ત્યાં અચાનક તેને એક અવાજ સંભળાતો હોય એવું લાગ્યું. તે સતર્ક બનીને તે અવાજ સાંભળવા લાગ્યો. તેને સંભળાયું કે, ‘‘તારે સહેલાઈથી ધન મેળવવું હોય તો અહીંથી પૂર્વ દિશામાં ચાલતો જા! આગળ જતાં એક મોટી ગુફા દેખાશે. તે ગુફાની અંદર એક અતિ સમૃદ્ઘ રાજ્ય છે. ત્યાં ધન માટેના તને બે રસ્તા જોવા-જાણવા મળશે. તને યોગ્ય લાગે તે પસંદ કરજે !’’ ચમને ‘કયા બે રસ્તા’ એવું પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યાં જ અવાજ સંભળાતો બંધ થયો અને ચમનની ઊંઘ ઊડી ગઈ.

બીજા દિવસે તે ઊંઘમાં સાંભળેલ અવાજ મુજબના રસ્તે જવા માટે નીકળે છે. તે આગળ વધતો-વધતો ખૂબ દૂર નીકળી ગયો. ત્યારે તેને એક જંગલ દેખાયું. જંગલમાં તે થોડો આગળ વધ્યો ત્યાં જ તેને એક ગુફા દેખાણી. ચમન તે ગુફામાં પ્રવેશ્યો. ત્યાં તેણે એક સુંદર રાજ્ય જોયું. ચમન તો ખુશ થઈ ગયો. પરંતુ ત્યાં જ સૈનિકોએ તીર છોડવાનું ચાલુ કર્યું. ચમન ચાલાકીથી તીરનાં નિશાનથી બચીને આગળ વધવા લાગ્યો. આમ કરતા તે રાજા પાસે પહોંચી ગયો. તેને જોઈને રાજાએ કહ્યું, ‘‘અહીં સુધી સલામત પહોંચે તેની સામે હું બે વિકલ્પ રાખું છું. અહીંથી પાંચ કરોડ સોનામહોર લઈને પરત જવા દેવા અથવા પેલા કૂવામાંથી ઉપરની તરફ સતત તીર નીકળ્યા કરે છે તે કૂવો કૂદીને પસાર કરનારને આ રાજ્ય આપી દેવું!’’ આ સાંભળી ચમનને પોતાના મૂળ સ્વભાવ મુજબ વિચાર આવ્યો, ‘‘હું તીરોના વરસાદથી બચીને અહીં સુધી પહોંચી ગયો, એ રીતે કૂદીને કૂવો પસાર કરી લઈશ. તેથી રાજ્યનો પૂરો ખજાનો મારા હાથમાં આવી જાય અને હું અતિ ધનવાન બની જઈશ.’’ આટલું વિચારી તેણે કૂવા ઉપરથી કૂદકો માર્યો, પરંતુ કૂદીને તે બીજી બાજુ પડે એ પહેલા તો અનેક તીર શરીરને ચાળણી જેવું કરીને પસાર થઈ ગયાં. ચમનનું પ્રાણપંખેરું ઊડી ગયું.

        તેથી જ કહેવાયું છે, ‘‘અતિ લોભ તે પાપનું મૂળ’’ અને ‘‘લોભ કરાવે નાશ’’ તથા ‘‘લોભીને કોઈ બચાવી શકતું નથી.’’


Rate this content
Log in