કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી
કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી
એક હતો છોકરો. એનું નામ કનુ. ભણવામાં નબળો. કંઈ ગતાગમ પડે નહીં. તેને કોઈ મિત્ર નહીં કે તેને કોઈ બોલાવે નહીં. આમ છતાં કનુ તોફાની ભારે. ગમે તે સમયે તે કોઈકને કાંકરીચાળો કર્યા વિના રહે નહીં. કનુના આ સ્વભાવને કારણે સહાધ્યાયીઓ તેનાથી દૂર રહેવાના પ્રયત્ન કરે. એક વખત ચોરી કરીને કનુ સત્રાંત પરીક્ષામાં સારા ગુણથી પાસ થઈ ગયો. વર્ગમાં તેનો પ્રથમ નંબર આવ્યો. કનુના શિક્ષકોએ થોડા પ્રશ્નો પૂછયા તો કનુએ સાચા જવાબ પણ આપી દીધા. કનુનાં વખાણ થવા લાગ્યાં. કનુની ગણતરી હોશિયાર વિદ્યાર્થી તરીકે થવા લાગી. આથી કનુની આડોડાઈ ખૂબ જ વધી ગઈ. તે સહાધ્યાયીઓને વધારે હેરાન કરવા લાગ્યો. તે કોઈ દિવસ ગૃહકાર્ય ન કરે તો પણ શિક્ષકો તેને કંઈ કહે નહીં. કનુની ચોરીની કોઈને ખબર પડી નહોતી. કનુ તેથી મનમાં ને મનમાં હરખાતો. તેણે વાર્ષિક પરીક્ષામાં પણ આવી રીતે પાસ થઈ જવાશે એવું ધારી લીધું. તે બીજા વિદ્યાર્થીઓને કહેવા લાગ્યો, ‘‘બૂડી મરો ! આટલી આટલી મહેનત તમે કરી તોયે નંબર તો મારો આવ્યો !’’ વળી કોઈક દિવસ તે કહે કે, ‘‘મારી જેમ બેફિકરા રહો તો નંબર આવે !’’ કોઈક પાસે જઈને તે કહે, ‘‘મને ઠોઠડો ગણનારા, ઠોઠડા તો તમે બધા છો !’’
સમય આગળ વધતો ગયો. ધીમે ધીમે વાર્ષિક પરીક્ષા પણ આવી ગઈ. બધા વિદ્યાર્થીઓ તો ખૂબ મહેનત કરતા હતા. પરંતુ કનુ તો જરાય ચિંતા કરતો નહીં. એને તો એમ જ હતું કે ગઈ પરીક્ષાની જેમ આ પરીક્ષામાં પણ પાસ થઈ જઈશ. તે જે વિદ્યાર્થીઓ વાંચતા હોય તેમની પાસે જઈને તેઓને હેરાન કરવા લાગ્યો. તે કહેતો, ‘‘ચોપડીમાં ઊંધું મોઢું રાખીને શું બેઠા છો ? મારી જેમ જલસા કરીને પાસ થાવ તો ખબર પડે. તમે જોઈ લેજો ! ગઈ પરીક્ષાથી પણ વધારે ગુણ આ પરીક્ષામાં લઈ આવીશ !’’ કોઈ વિદ્યાર્થી કંઈ બોલે નહીં અને પોતાની તૈયારીમાં મંડયા રહે.
હવે પરીક્ષા ચાલુ થઈ ગઈ. બધા પરીક્ષાખંડમાં બેસી ગયા. પેપર લખવા લાગ્યા. કનુએ થોડી વાર લખવાનો ડોળ કરી ધીમેથી કાપલી કાઢી અને લખવા લાગ્યો. ત્યાં જ બહારથી આવેલા નિરીક્ષાક સાહેબનું ધ્યાન ત્યાં ગયું. કનુ પકડાઈ ગયો. કનુને પરીક્ષાખંડની બહાર કાઢી મૂકયો. પછી તો તપાસ કરતા ગઈ પરીક્ષામાં કેવી રીતે વધારે ગુણ મેળવેલ એ પણ જાણ થઈ ગઈ. આચાર્યશ્રીએ કનુને શાળામાંથી કાઢી મૂકયો. આવું બનતાં કનુ તો ખૂબ દુ:ખી થઈ ગયો. આવું તો તેણે ધારેલું પણ નહીં. કનુને પોતાની જુઠ્ઠાઈનું ફળ મળી ગયું હતું. બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલ્યા, ‘‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.’’
વ્હાલા બાલમિત્રો ! ઉત્તરવહીમાં તમારા જ વિચારોથી તમારા હાથે જ લખેલું લખાણ તમારી મહેનતનું સાચું પ્રતિબિંબ બનશે. કનુની જેમ આભાસી આશ્રયસ્થાનો શોધશો નહીં. તેથી તમને કશું નહીં મળે. કનુની જેમ ગાંઠનુંય ગુમાવશો. નિષ્ઠાનો કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. કનુ જેવી ભાગેડુ વૃત્તિ તો ધુમાડાને બાચકા ભરવા સમાન છે.
