ક્ષુધિત હૈયાં... ભીનાં નયન...
ક્ષુધિત હૈયાં... ભીનાં નયન...
"યે માના કિ દિવાર એ દુનિયા ગિરાના હૈ મુશ્કિલ,
એક ક્ઝરોખા તો નીકલ સકતા હૈ સાહબ કહીં સે.."
શર્મિલાને માટે તો આ રોજની રામાયણ હતી. ફરિયાદ કરે તો કોને કરે? સાંભળનાર કોણ હતું? બાપે તો તેની સ્થિતિ મુજબ આપ્યું હતું, પણ આ ખાઉધરને ધરાવો જ ક્યાં હતો? શર્મિલાએ નિર્ણય કર્યો, રોજ ઝેરનાં ઘૂંટડા પીવા કરતાં એક દાડો ઝેરનો કટોરો પી જવો શું ખોટો? અને તેણે પીયરની વાટ પકડી.
શર્મિલા નામ પ્રમાણે ગુણ વાળી સુશીલ કન્યા હતી. શર્મિલાના પિતા અને શશાંકના પિતા, નગરશેઠ એકજ જ્ઞાતિનાં હતા અને જ્ઞાતિનાં સંબંધથી એકબીજાને પરિચિત હતા. તેઓ નગરશેઠ હતા જ્યારે શર્મિલાના પિતા મધ્યમ વર્ગના સ્વબળે આગળ આવી સરકારી નોકરીમાં ગેઝેટેડ ઓફીસર બન્યા હતા.
શર્મિલા અભ્યાસમાં હોશિયાર, મનસ્વી પણ વિવેકી હતી. કૉસ્મેટિક્સ અને બાહ્ય ટાપટીપ તેને પસંદ ન હતા. કપડાં લત્તામાં પણ તે તદ્દ્ન સામાન્ય હતી, અને કૉલેજ કાળ દરમ્યાન બીજી ઈતર પ્રવૃતિઓમાં ભાગ લેતી નહોતી. તેની આવી સાદાઈનો કૉલેજના વિદ્યાર્થી વર્ગમાં તેની છાપ 'મીરાંબાઈ' અને એક અભિમાની તરીકે પ્રસ્થાપિત થઈ હતી.
ઘરમાં તેના માતા-પિતા તરફથી સૌંદર્ય પ્રસાધનો કે નવી ફેશનના વસ્ત્રો માટે કોઈ બંધન નહોતું. તેની આ વધુ પડતી સાદગી માટે તેનાં માતા તથા સગાંવ્હાલાં તરફથી તરફથી ટકોર થતી. શર્મિ, આ સાદગી તારા લગ્નજીવનમાં મુશ્કેલી ઊભી કરશે. તારા પહેરવા ઓઢવાના દિવસો છે અત્યારે નહીં પહેરે ત્યારે ક્યારે પહેરીશ? આજકાલના યુવાનો ફેશનેબલ યુવતીઓને પસંદ કરે છે. તું એમને એમ રહી જઈશ. મામા-માસી, કાકા-કાકી, ફોઈ-ફુઆ બધાં તેને ટોકતાં કે શર્મિ જરા પહેરવા ઓઢવામાં જરા ધ્યાન રાખ તો અમે બે લોકોને જરા વાત કરીએ તો તારું કૈંક ઠેકાણું પડે.
માતાનો તથા સગાંવ્હાલાંનો આડકતરો ઈશારો તેના લગ્ન અંગે હતો. તે બધું સમજતી હતી, પરંતુ તે તેનાં સ્વમાની સ્વભાવની વિરૂધ્ધ હતું.
છેલ્લાં બે વર્ષથી રીટાયરમેન્ટની ચિંતાથી પીડાતા પપ્પા, આર્થાઈટીસથી પીડાતી મમ્મી અને કૉલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો ભાઈ કુટુંબના ચાર સભ્યોની જવાબદારી અને માતાની માંદગી પિતા સાથે વહન કરતી શર્મિલા ક્યાં પોતાનું ધ્યાન રાખે? કપડાં-લતાનો શોખ કે લીપસ્ટીકનાં લપેડા અને પાવડરનાં થપેડા અને મોજશોખની તો તે કલ્પના પણ કરી શકતી નહોતી.
બધાને સલાહ આપવી હતી પણ તેની આર્થિક સ્થિતિ સામું જોવાની ફુરસદ ક્યાં કોઈને હતી? આર્થિક સહાય કરવાનું તો બાજુએ રહ્યું, પણ માંદે-સાજે ખબર કાઢવા પણ કોઈ ચકલુંયે ફરકતું નહોતું. આની સામે તે સર્વેને તેનો એકજ સીધો સાદો જવાબ હતો. મને તે લપેડા અને જુઠી ટાપટીપ પસંદ નથી. મારું જીવન તો મારા મા-બાપની સેવા માટે જ નિર્મિત છે.
વિદ્યાર્થી વર્ગ તેનાં આ સ્વભાવને અભિમાની ગણી તેનું ખંડન કરવા પ્રયત્નશીલ રહેતો. વિદ્યાર્થીઓ જતાં-આવતાં તેની મશ્કરી કરતાં અને ટીકા કરતાં, પરંતુ તે તરફ સહેજ પણ લક્ષ્ય આપતી નહિ.
શશાંક સ્માર્ટ અને દેખાવડો કૉલેજીયન, નગરશેઠ બાપનો પાટવી કુંવર. વાણી વર્તનમાં ઉદ્ધત્ત અને વાતચીતમાં અવિચારી તથા આછકલાપણું દેખાઈ આવે. સામાને ઉતારી પાડવું અને લોકો વચ્ચે તેની હાંસી ઉડાડવી તે તેના સહજ લક્ષણ હતા. નગરશેઠને પૈસે તેનું ખીસ્સું છલકતું રહેતું. મધપુડા ઉપર મધમાખીઓ ઊડે તેમ મિત્રો તેની હાજી હા કરી તેની આજુબાજુ ઘૂમતા રહેતા. તેમણે શશાંકને શર્મિલાનું ગર્વ ખંડન કરવા ઉશ્કેર્યો.
શશાંકની માતા જ્યોત્સના બહેને ધીરેથી વાત કાઢી. "શશાંક હવે તો તારી કૉલેજ પુરી થઈ, હવે તારા પપ્પાનો બીઝનેસ ધીરે ધીરે સંભાળી લે અને લગ્નનો વિચાર કર."
"મમ્મી કૉલેજ તો હજુ હમણાં જ પૂરી થઈ. થોડો થાક ખાવા દે." તેના શામ, દામ, દંડ અને ભેદના હથિયારો નાકામયાબ પુરવાર થયા ત્યારે તેણે તેના પિતા કામ આવ્યા. હું વિચારીને પપ્પાને જવાબ આપીશ.
ફાગણ ફટાયો ગયો અને ચૈત્ર પણ અડધો પૂરો થાવા આવ્યો. વૈશાખના વાયરા વાવવા શરૂ થયા અને શરણાઈના સૂર સાથે લગ્નના ઢોલ ઢબૂકવા લાગ્યા.
એક બાજુ મિત્રોની ઉશ્કેરણી અને બીજી બાજુ જ્યોત્સના બહેનની માંગ. "તારા ખ્યાલમાં કોઈ છોકરી હોય તો તે કહે આપણે તે અંગે પણ વિચારીશું. આમ મૂંઝાઈ મૂંઝાઈને ફર્યા કરે છે, તે કાંઈ કહે તો અમને પણ ખબર પડે અને તેનો રસ્તો નીકળે."
જે તકની રાહ જોતો હતો તે સામે જ આવીને ઊભી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવી હતી હવે મોં ધોવા જવાનો સવાલ જ નહોતો. ધીરે રહીને તેણે મમ્મીને કહ્યું, "મમ્મી તને ખબર છે? પેલી શર્મિલા, આપણી જ્ઞાતિની જ છે અને તેના પપ્પા પેલા હર્ષવર્ધનની પુત્રી છે, અને તે મારી સાથે કૉલેજમાં ભણે છે. તેને વિશે હું વિચારું છું, તે તને કેમ લાગે છે?"
"ઑ હો હો ! તેમાં તે શી મોટી વાત છે. સારું હું તારા પપ્પાને વાત કરીશ."
નગરશેઠને ઘેરેથી સામેથી માગું આવ્યું. તેથી શર્મિલાના મમ્મી અપર્ણા બહેન તો હર્ષઘેલાં થઈ ગયાં. હર્ષવર્ધન ઑફીસેથી ઘેર આવે તેની આતુરતાથી રાહ જોવા લાગ્યાં.
હર્ષવર્ધન ઑફીસેથી આવ્યા અને અપર્ણા બહેનને ખુશખુશાલ જોઈ પુછ્યું કેમ આજની ખુશીનું શું રહસ્ય છે?
તમે જરા ફ્રેશ થઈ જાઓ ચ્હા નાસ્તો કરો હું સારા સમાચાર આપું છું. હર્ષવર્ધન ફ્રેશ થઈ સોફા ઉપર હાથમાં પેપર લઈ નજર ફેરવતા બેઠા.
અપર્ણાબહેન ચ્હા નાસ્તાની ટ્રે લઈ આવ્યા. હવે મૂકો પેપર જરા બાજુ પર અને હું કહું તે જરા શાંતિથી સાંભળો. આપણા નગરશેઠ દલીચંદને ઘેરથી આપણી શર્મિ માટે માંગું આવ્યું છે. લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે, બોલો શું જવાબ આપીશું?
હર્ષવર્ધન, જરા વિસ્મયથી અપર્ણા સામું જોઈ રહ્યા.
તમે શું જવાબ આપ્યો? મેં તો કહ્યું કે હર્ષવર્ધન ઑફીસેથી આવે એટલે તેમને પૂછીને જણાવીશું.
નગરશેઠને ત્યાંથી માંગું આવ્યું ત્યારે બધાએ શર્મિલાને માંડ માંડ સમજાવી કે ઉમર વીતી ગયા પછી કોઈ ભાવ નહિં પૂછશે, તક આવી છે તો ઝડપી લે, તક કાંઈ વારંવાર આવતી નથી. ભાઈનું તો આ છેલ્લું વર્ષ છે, તે પાસ થઈ જશે એટલે નગરશેઠની ઓળખાણથી તેને સારા પગારવાળી અને ઊંચા હોદ્દાવાળી નોકરી પણ મળી જશે.
સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતી હર્ષવર્ધનની હતી જો 'હા' પાડીશ અને માંગું સ્વીકારીશ તો લોકો કહેશે કે નગરશેઠની શેહમાં આવી ગયા અને તેમનાં કાળાધોળામાં સહભાગી થવું પડશે; અને જો 'ના' પાડીશ તો સારા ઘર અને સારા વરનો અસ્વીકાર કરવા પાછળ કૈંક રહસ્ય હશે, છોકરીનો પગ કૈંક આડે અવળે પડી ગયો હશે, આમ છોકરીના નામને કલંક લાગશે. ચાર દિવસની માથાકૂટ પછી પણ કોઈ નિર્ણય ઉપર એકમતિ સધાઈ નહિં ત્યારે 'હરિ કરે સો હોય.' કરી સંસાર સાગરે ઝુકાવ્યું સંસારી જહાજ. સારે દિવસે અને સારા મુહૂર્તે જ્ઞાતિનાં ગોરને લઈ હર્ષવર્ધન અને અપર્ણા બહેન નગરશેઠને ત્યાં સાકરનો પડો અને શુકનનો સવા રૂપિયો આપી વાગ્દાન કર્યું.
ઘરમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ છવાઈ ગયું. એક બાજુ હર્ષવર્ધનનું મન ચિંતામાં ડંખતું હતું અને તો બીજી બાજુ શર્મિલાનું મન મૂંઝાતું હતું. મા-બાપ અને સગાંવ્હાલાંનાં દબાણથી, આત્માનાં અવાજને દબાવીને શર્મિલાએ લગ્ન અંગે લાચારીથી સંમતી આપી. લગ્નનો શુભ દિવસ આવ્યો અને સારી રીતે પ્રસંગ પાર પડ્યો.
શર્મિલા પરણીને સાસરે આવી. નવું વાતાવરણ, નવું ઘર, નવા ચિરપરિચિત માણસો. શશાંકના વિશાળ બંગલામાં પ્રવેશતો જ્ઞાતિનાં સારા પ્રસંગે અવાર નવાર થતો હતો, પણ રોજની દૃષ્ટિમાં અને આજની દૃષ્ટિમાં ફેર હતો. આજે તેની દૃષ્ટિ પરિણીતાની દૃષ્ટિ હતી. પહેલાં તે નગરશેઠના ઠાઠમાઠને વૈભવને જોતી હતી આજે તે મનમાં કૈંક નવા આનંદ અને ઉમંગથી અને માલિકી ભાવથી જોઈ રહી હતી.
"શર્મિ, શું જોયા કરે છે? તારે ત્યાં આ સાહેબી નથી તેનો તને ક્ષોભ થતો હશે નહિં ?"
"શશાંક, તારી સાહેબી જોઈને મને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. અમે મધ્યમ વર્ગના છીએ. મારા પિતા સાદા સીધા સરકારી ઑફીસર હતા અને સિદ્ધાંતવાદી હોવાને નાતે તેમણે કોઈ ખોટા કામ કર્યા નથી કે લાંચ રૂશ્વત લીધી નથી, તેથી અમારી રહેણીકરણી સાદી અને સરળ છે. મારે કે મારા કુટુંબીજનોને આવી સાહેબીની કોઈ જ અપેક્ષા નથી."
રોજેરોજના મહેણાંટોણાથી શર્મિલા કંટાળી ગઈ. આખી રાત પડખા બદલીને વિતાવતી પણ પડખા બદલવાથી કાંઈ ટીવીની ચેનલ માફક યાદો કાંઈ ઓછી બદલાય છે? એમ દિલ કે દ્વારેથી નીકળેલી યાદો કી બારાત સ્વરૂપ બદલતી હોત તો કદાચ કોઈ માનવી દુનિયામાં અનિદ્રાથી પીડાતી ન હોત.
શર્મિલાએ નિર્ણય કર્યો, રોજ ઝેરનાં ઘૂંટડા પીવા કરતાં એક દાડો ઝેરનો કટોરો પી જવો શું ખોટો? અને તેણે પીયરની વાટ પકડી.
"જુદા મેરી મંઝીલ, જુદા તેરી રાહે;
મીલેગી ના અબ તેરી મેરી નિગાહે.."
ત્રાજવાના એક પલ્લામાં ગુસ્સો હતો બીજા પલામાં ભારોભાર અહમ હતો. બંન્ને પલ્લાં સમતોલ હતા. કોઈ ટસનું મસ થતું હતું. સમજદારીનો અભાવ અને અહમનો ટકરાવ! પહેલ કરી હીણપત કોણ ભોગવે? દિવસો અને મહિનાઓ વીત્યા. ગાંઠ દિવસે દિવસે મજબૂત થતી ગઈ.
"બેટા! આમ નવરી બેસીને શું કરીશ? રણછોડ મામાએ સલાહ આપી. અહિં શહેરમાં રહી જીવ બાળ્યા કરતાં મારે ત્યાં આણદ આવી આગળ અભ્યાસ ચાલુ કર. શર્મિલાને મામાની સલાહ યોગ્ય લાગી. તેણે કોલેજ શરૂ કરી. આગળ અભ્યાસ ચાલુ કરી એમ.બી.એ. થઈ બેંકમાં નોકરીએ લાગી ગઈ. પોતાની કાર્યદક્ષતાથી મેનેજરની ખુરશી શોભાવી રહી.
નગરશેઠે શશાંકને અમેરિકા મોકલી દીધો. શશાંક પતિથી તરછોડાયેલી નેન્સીનાં 'હાઉસમાં રહેતો હતો. નેન્સીની દીકરી મેડોના અને શશાંક સમવયસ્ક હતા. અમેરિકાનું મુક્ત વાતાવરણ અને બંન્ને યુવાન. 'દોડવું હતું ને ઢાળ મળી ગયો.'
'નૈને નૈન મળે જ્યાં છાના,
થાયે બંન્ને દિલ દિવાના.
તમને પારકા માનું કે માનું પોતાના."
અને બંન્ને પારકાપણું ત્યજી પોતાપણું સ્વીકારી લગ્ન ગાંઠે બંધાઈ ગયાં. શશાંકની ભારતની સિંહ ગર્જનાઓ મેડોના મેડમ આગળ મીની મ્યાંઉ થઈ પૂંછડી પટપટાવવા લાગ્યા. મુક્ત જીવનની માતંગી મેડોના મેડમની ડાન્સ પાર્ટીઓ, અને ક્લબોમાં ઢસડાવું પડતું. ઘરમાં રસોઇ પાણીનું નામ નહિ, બહાર હોટલો કે ક્લબોમાં જલસા.
અમેરિકાની મંદીમાં સર્વિસ છૂટી જતાં, લાખ ડોલર કમાતા શશાંકનું દામ્પત્યજીવન કથળવા માંડ્યું. મુક્ત અને સ્વતંત્ર જીવનથી ટેવાયેલી મેડોના બીજા સાથે રખડવા માંડી. તેણે શશાંક સાથે બૂરી રીતે વર્તવા માંડ્યું. ડગલેને પગલે અપમાન કરવા માંડી. ડોલર ન કમાતા શશાંકની કિંમત કોડીની થઈ ગઈ. મેડોના ગાળો દેતી, ક્યારેક હાથ ઉપાડતી અને મેડોના ગરજીને કહેતી "યૂ આર યુસલેસ ઈન્ડિયન પર્સન... ગેટઆઉટ ફ્રોમ હિઅર..."
શશાંકે ડાયવોર્સની માંગણી કરતાં, એ મા દીકરીએ મોટી રકમની માંગણી કરી. જે પૂરી કરવી શશાંક માટે અશક્ય હતી. આખરે મારઝૂડ હદ વટાઈ ગઈ ત્યારે નાછૂટકે શશાંકે 'પોલીસ કમ્પલેઈન' કરી. મા દીકરીને પોલીસ કસ્ટડી થઈ.
પોલીસ કસ્ટડીમાંથી છૂટવા માટે શશાંકે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સના પેપેર્સ ઉપર સહિ કરવા દબાણ કર્યું; જે તે બંન્ને એ લાચાર થઈ સ્વીકારી લીધું. પોલીસ કમ્પલેઈન પાછી ખેંચી લીધી અને તેમને છૂટા કર્યા. પૈસે ટકે ખુવાર થયેલો શશાંક લોકો પાસેથી ઉધાર ડોલર લઈ, ભારત પાછો આવી ગયો.
દુનિયામાં એવો કોઈ માનવી હશે કે જેણે જીવનમાં ચોટ કે આઘાતની લાગણી અનુભવી ન હોય? એકબાજુ શશાંકનું પુનરાગમન, બીજીબાજુ નગરશેઠને ધંધામાં ખોટ અને તેથી હાર્ટ એટેકથી અચાનક મૃત્યું. શેઠાણી જ્યોત્સના બહેન બેબાકળા થઈ ગયાં.
ધંધામાં અપ્રમાણિક માણસોથી હાથ ધોઈ નાંખ્યા અને ધંધો ઊંચો મૂક્યો. નોકરીની તપાસ શરૂ કરી. શહેરની જાણીતી બેન્કમાં તેના ફોરીન ક્વોલીફીકેશનને લઈને જોબ મળી. અમેરિકન સ્ટાઈલથી હાજર થઈ લોકોને આંજી નાંખવાનો પ્રયત્ન કરવા ગયા.
"હેલો મેનેજર, આઈ એમ શશાંક એમ.બી.એ. ફ્રોમ કેલીફોર્નિયા." અને મોંઢું ઊંચું કરી મેનેજરની સામે જોતાં જ શર્મિલાને જોઈ, હબક ખાઈ ગયા અને સૂધબૂધ ખોઈ બેઠા આગળ શું બોલવું તે જ ખ્યાલ ન રહ્યો.
'શિકાર કરને કો આયે, શિકાર હો કે ચલે.'
"યસ શશાંક, આઈ હેવ રીડ યોર એપ્લીકેશન, વેલ કમ બી સીટેડ. બી કમ્ફરટેબલ." મેનેજરે એપોઈન્ટમેન્ટ લેટર શશાંક સામે ધરી સાઈન કરવા કહ્યું.
જેની સામે રૂઆબ કરતા હતા તેનાં જ હાથ નીચે કામ કરવાનું ! વાહ રે કિસ્મત !
"જહાં ચોટ ખાના, વહિ મુસ્કરાના,
મગર ઇસ અદા સે, કિ રો દે જમાના."
શશાંકે સહી કરી લેટર પાછો આપ્યો. બેન્કનાં રૂટિન કામકાજમાં રોજ મળવાનું થતું પણ અબોલ હૈયા દિલ ખોલી વાત કરી શકતા નહિ. વસંત પંચમીનો શુભ દિવસ આવ્યો. લગ્નની પાંચમી વર્ષગાંઠ. શશાંક હિરાની વીંટી અને 'યાર્ડલી'નું પરફ્યુમ લઈને અને શર્મિલા સુંદર નેકટાઈ અને રીસ્ટવોચ લઈને બેન્કમાં આવ્યાં.
એક્બીજાને મળવાની ઇંતેજારીથી રાહ જોઈ રહ્યાં હતાં. બપોરના કૉફી બ્રેક વખતે શશાંક શર્મિલાની કેબીનમાં 'મે આઈ કમ ઇન મેમ' કરીને ઊભો રહ્યો.
'યસ યસ કમ ઇન, હેવ અ કપ ઓફ કૉફી.'
શશાંકે ખુરસીમાં બેસતાં હાથમાંનું પેકેટ કાઢી શર્મિલા સામે ધર્યું, 'અ પ્લેઝન્ટ સરપ્રાઈઝસ ફ્રોમ મી ઓન અવર એનીવર્સરી.' 'થેન્ક્યુ, ધેન ધીસ ઇઝ ઇન રિસિપ્રોકેશન ફ્રોમ મી.' સામે શર્મિલાએ પણ તેને પેકેટ આપ્યું, 'મમ્મી કેમ છે?' 'તમને બહુ યાદ કરે છે.'
સ્ત્રીમાં શારીરિક શક્તિ પુરુષના પ્રમાણમાં કદાચ ઓછી હોઈ શકે પણ માનસિક બળ ખૂબ હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાંથી એ ઝડપથી બહાર આવી શકે છે. પછી એ સારી હોય કે ખરાબ. જ્યારે પુરુષને એમાંથી બહાર આવતા બહુ સમય નીકળી જાય છે, કદાચ ક્યારેય નીકળી શકતું નથી.
અબોલા છૂટ્યા અને લાગણીના પૂર વહેવા માંડ્યાં.
"એક ધડાકે તોડી દેવું
સહેલુ છે સગપણ ?
કેમ કરી ભૂલાવી દેશો...
આખેઆખો જણ?"
શશાંકે તેને ઘેર આવવાનું આમંત્રણ આપ્યું.
"દૂરિયોં કી પરવા ના કીજીયે,
જબ ભી પુકારે દિલ, બુલા લીજીયે
હમ જ્યાદા દૂર તો નહિ આપસે,
બસ અપની આંખો કો પલકો સે મીલા લીજીયે"
શર્મિલાએ સહર્ષ સ્વીકાર કર્યો.
શશાંક અને શર્મિલાને સાથે જોઈ શશાંકના મમ્મી દિગ્મૂઢ થઈ જોઈ રહ્યા.
"મમ્મી હું આવું?"
જ્યોત્સના બહેનઃ "અરે! મારી દીકરી આતો તારું જ ઘર છે તેમાં પૂછવાનું શું?"
'જાગ્યા ત્યારથી સવાર અને ભૂલ્યા ત્યાંથી ફરી ગણો.'
