'Sagar' Ramolia

Children Stories

4.9  

'Sagar' Ramolia

Children Stories

કનુએ કરી કમાલ

કનુએ કરી કમાલ

2 mins
582


આપણામાં એક કહેવત છે, ‘અધૂરો ઘડો છલકાય ઘણો.’ પણ એ અધૂરા ઘડામાંથી કયારેક ઠંડક પણ મળે છે. ત્યારે એ છલકતો અધૂરો ઘડો ખૂબ ગમવા લાગે છે. આવા એક ‘અધૂરા ઘડા’ સમાન છોકરાનું નામ હતું કનુ. કનુ ભારે તોફાની ! ભણવામાં ઠોઠ, પણ તોફાનમાં અવ્વલ નંબર. તેની સાથે ભણનારા તો ‘ત્રાહિમામ્’ પોકારી ગયા.

આ કનુ એક વખત આંબાવાડીમાં ગયો. વસંતઋતુ ચાલતી હતી, એટલે કોયલનો મીઠો મધુર અવાજ રેલાતો હતો. કનુનું મન તો આનંદ અને આહ્લાદના સમુદ્રમાં ગરકાવ થઈ ગયું. કનુને રમત સૂઝી. તેણે પોતાના ગળામાંથી કોયલના અવાજ જેવો અવાજ કાઢયો. પછી તો થઈ એક નવી રમત શરૂ. કોયલ બોલે, કનુ બોલે, કોયલ બોલે, કનુ બોલે. જાણે બંને એક જાતના ન હોય ! આ રમત લાંબો સમય ચાલી. કનુને તો ખૂબ મજા પડી ગઈ.

કનુને જુદા જુદા અવાજ શીખવાની ઈચ્છા થઈ. હવે તે જંગલમાં, નદીઓમાં વગેરે જગ્યાએ રખડવા લાગ્યો. કોઈ પક્ષી, પ્રાણી કે જીવજંતુનો અવાજ સાંભળે તો તે અવાજની નકલ કરવા લાગે. થોડા સમયમાં તો કનુ ઘણા અવાજ શીખી ગયો. સિંહનો અવાજ કાઢીને તે નાનાં પ્રાણીઓને ભગાડે, કૂતરાનો અવાજ કાઢીને બિલાડીને ભગાડે, બિલાડીના અવાજથી ઉંદરોને ભગાડે. કનુને આ નવી રમતમાં ખૂબ મજા પડવા લાગી. તે સંતાઈને કોઈ પ્રાણી, પક્ષી કે જીવજંતુનો અવાજ એવો આબેહૂબ કાઢે કે કોઈ જાણી ન શકે કે આ અવાજ કનુ કરે છે. ધીરે ધીરે સૌને જાણ થવા લાગી કે કનુ જુદા જુદા અવાજ કાઢી શકે છે.

એક દિવસ જંગલમાંથી એક ગાંડો હાથી ગામમાં ચડી આવ્યો. હાથી ખરેખર ગાંડો હોય એવું જ લાગતું હતું. હાથીની રંજાડ ખૂબ હતી. ખેતરોમાં પાકને ખૂંદી નાખે, નાનાં-નાનાં વૃક્ષોને તો મૂળ સહિત ઉખેડી નાખે, મોટાં વૃક્ષોની ડાળીઓ ભાંગી નાખે. બસ, સતત ખાધા કરે અને રંજાડ કર્યા કરે. ગામમાં ઘણાં બાળકોને પોતાના પગ તળે કચડી નાખ્યાં. હવે કોઈ વ્યકિત હાથીની નજીક પણ ફરકી શકતી નથી. હાથી જે બાજુ જાય એ બાજુનો રસ્તો સાફ ! લોકોએ વિચાર કર્યો, ‘‘હાથી અહીં રહેશે તો આપણું જીવવાનું હરામ થઈ જશે. ગમે તેમ કરીને અહીંથી કાઢવો તો પડશે જ !’’

કનુએ ગામના મુખીને કહ્યું, ‘‘હું કહું એમ થાય તો હાથીને હું ભગાડી શકું છું !’’ મુખીને વિશ્વાસ તો નહોતો બેસતો, પણ અખતરા ખાતર કનુની વાત માની લીધી. કનુએ બધી શેરીઓમાં સાઉન્ડ ગોઠવવાનું કહ્યું, બધાં સાઉન્ડનું સંચાલન એક જ જગ્યાએથી થઈ શકે એવી રીતે. જ્યારે હાથી ગામમાં આવ્યો ત્યારે કનુ માઈક્રોફોનમાં મચ્છરનો અવાજ કરવા લાગ્યો. જાણે મચ્છરોનું મોટું ટોળું એક સાથે આવી ચડયું ન હોય ! હાથી વિચારવા લાગ્યો, ‘‘આટલા બધા મચ્છરો અહીં એક સાથે આવી ચડયા ! મારે તો અહીંથી ભાગવું પડશે ! નહિતો આ મચ્છરો મને જીવવા નહિ દે !’’ હાથી ભાગ્યો જંગલ તરફ. સાઉન્ડમાંથી નીકળતો અવાજ જાણે તેની પાછળ દોડતો ન હોય ! આ જોઈ સૌએ રાહતનો શ્વાસ લીધો. સૌનાં મોંમાંથી એક જ સૂર નીકળતો હતો, ‘‘ભાઈ ! કનુએ તો કમાલ કરી દીધી !’’       


Rate this content
Log in