ખુદાની લાકડી ખખડે નહીં
ખુદાની લાકડી ખખડે નહીં
અલીમિયાં ને વલીમિયાં બંને પાકા મિત્રો. એકબીજાના કામમાં એકબીજાની ભાગીદારી હોય જ. અલીમિયાંનું કામ હોય તો વલીમિયાં મદદે પહોંચી જાય અને વલીમિયાંનું કામ હોય તો અલીમિયાં મદદે પહોંચી જાય. બંનેની દોસ્તી એવી કે અન્યને સતત ઈર્ષા રહ્યા કરે. બંનેનાં ખેતર પણ બાજુ-બાજુમાં જ હતાં. એટલે ઘેરથી નીકળીને ખેતરે જવામાં પણ સાથે જ હોય.
એક વખત ટમેટાંનો ભાવ એકદમ વધી ગયો. તેની સામે ટમેટાંની આવક ઓછી હતી. પાણીની તંગીને કારણે કોઈએ ટમેટાં વાવેલ નહીં. ખુદાની કંઈક મહેર હશે કે આ બંનેનાં ખેતરમાં કૂવા પાણીવાળા હતા. લાગ જોઈને બંનેએ પોતાનાં ખેતરમાં ટમેટાં વાવી દીધાં. થોડા દિવસોમાં જ બંનેના ખેતરમાં ટમેટાં પાકવાનું શરૂ થઈ ગયું. અલીમિયાંના ખેતરમાં કોઈક જગ્યાએ ખૂબ સરસ ટમેટાં હતાં તો કોઈક જગ્યાએ નબળાં ટમેટાં હતાં. જ્યારે વલીમિયાંના ખેતરમાં બધી જ જગ્યાએ સપ્રમાણ ટમેટાં હતાં. દરરોજ બંને રાત-દિવસ ખેતરનું ધ્યાન રાખે.
એક દિવસ અલીમિયાંને બહારગામ જવાનું થયું. પોતાના ખેતરની જવાબદારી વલીમિયાંને આપીને તેઓ બહારગામ ગયા. વલીમિયાંને મનમાં વિચાર આવ્યો, ‘‘અલીમિયાંના ખેતરમાં જે સારાં ટમેટાં છે તેનો ભાવ એટલો બધો મળશે કે મારા આખા ખેતરનાં ટમેટાંનો પણ એટલો ભાવ નહીં મળે. બંનેની સરખી મહેનત હોવા છતાં તે વધારે ફાયદો મેળવી જશે.’’ આવી રીતે વલીમિયાંના મનમાં ઈર્ષા જન્મી. તેને શાંતિ મળતી નહોતી.
રાત્રે તેઓએ એક ઉપાય કર્યો. ખેતરમાં જે જગ્યામાં સારાં ટમેટાં હતાં તે જગ્યામાં એવી દવાનો છંટકાવ કરી દીધો કે સવાર સુધીમાં ત્યાંનાં ટમેટાં બગડવા લાગ્યાં. બીજા દિવસે અલીમિયાં આવીને સીધા ખેતરે પહોંચ્યા. તેઓને જોઈને વલીમિયાં રડવા જેવો ઢોંગ કરીને તેઓની પાસે ગયા ને કહેવા લાગ્યા, ‘‘ભાઈ ! તારા ખેતર ઉપર તો ખુદાએ કેર વર્તાવી દીધો. ખુદાની લાકડી તારા ખેતર ઉપર જ ફરી વળી. ટમેટાં બગડવા લાગ્યાં. હવે તો જે નબળાં હતાં તે ટમેટાં જ બચ્યાં. ભાઈ ! તારી મહેનત નિષ્ફળ ગઈ. તેનું મને ખૂબ જ દુ:ખ થાય છે.’’ અલીમિયાં ‘જેવી ખુદાની મરજી’ કહીને શાંત રહ્યા. તેઓ ખેતરમાં પડેલાં પગલાં અને વલીમિયાંના ઢોંગને ઓળખી ગયા. તેઓને પાકી ખાતરી થઈ ગઈ કે આ કામ વલીમિયાંનું છે. પરંતુ તેઓએ વલીમિયાંને કંઈ કહ્યું નહીં અને પહેલાના જેવો જ પોતાનો વ્યવહાર રાખ્યો.
હવે થોડાં દિવસો પછી એક રાત્રે બંને ખેતરનું ધ્યાન રાખવા માટે સાથે જ ગયેલા હતા. ત્યાં જઈને તેઓ બંને ઊંઘી ગયા. ત્યાંથી ચોરની એક ટોળી પસાર થઈ. ટોર્ચના પ્રકાશમાં વલીમિયાંના ખેતરમાં તેઓને સરસ ટમેટાં નજરે પડયાં. ચોરોએ બંનેને ઊંઘતા જોઈને અવાજ પણ ન થાય એ રીતે ટમેટાં ઉતારી લીધાં. જ્યારે બંનેની ઊંઘ ઊડી ત્યારે વલીમિયાં તો ખેતરની હાલત જોઈને ચીસ પાડી ઊઠયા ને બોલ્યા,’’મારું આખું ખેતર લુંટાય ગયું તોયે ખબર પણ ન પડી !’’ ત્યારે અલીમિયાં બોલ્યા, ‘‘ભાઈ ! જેવી ખુદાની મરજી ! ખુદાની લાકડી આવે ત્યારે કંઈ ખખડે નહીં. એતો અવાજ કર્યા વગર જ બધે ફરી વળે.’’
વલીમિયાંને થયું કે ‘‘ મારા બૂરા વિચારોનો બદલો મને બૂરી રીતે મળી ગયો છે.’’
