ખોટાં સ્વપ્ન જુએ, માથે ઓઢીને રૂવે
ખોટાં સ્વપ્ન જુએ, માથે ઓઢીને રૂવે
સ્વપ્નની દુનિયા એવી છે કે જેનાથી કોઈ આનંદ મેળવે છે અને કોઈ દુ:ખી થાય છે. આનંદદાયક સ્વપ્નો જોવાં કોઈ ખરાબ વાત નથી, પરંતુ પોતાની શક્તિ બહારનાં સ્વપ્નો જોનારની દશા ખરાબ પણ થઈ જાય છે.
એક ગામ હતું. ગામમાં ટપુ નામનો એક માણસ રહે. ટપુને આગળ વધવાની ને પૈસાદાર બનવાની અદમ્ય ઈચ્છા. પણ તેના નસીબ આડેનું પાંદડું કયારેય ખસતું જ નહોતું. એટલે આ ટપુભાઈની દશા કયારેય સુધરતી જ નહોતી ! ટપુની દુનિયા તો નિરાળી. સતત નવરો રહે. તેથી મનમાં અનેક વિચારો ભમે. એ વિચારોએ સ્વપ્નનું રૂપ લીધું. એટલો સમય ટપુભાઈ તો ખુશ ખુશ !
એક દિવસ બપોરના સમયે ટપુ ઘરમાં ઊંઘતો હતો. ઊંઘમાં તેને સ્વપ્ન આવ્યું. વેપારમાં ખૂબ નફો થયો છે. એક મહેતાજી રાખ્યો છે. ટપુમાંથી તે ટપુ શેઠ બની ગયો છે. ચાર-પાંચ નોકરો આગળ-પાછળ ફર્યા કરે છે. તે બેસે છે તો પગચંપી કરવાવાળા હાજર હોય છે. આખા દેશમાં તેની પ્રસિદ્ઘિ થઈ ગઈ છે. સુંદર પત્ની અને સુંદર બાળકો સાથેનો સુખી સંસાર છે. ટપુ શેઠની તો બોલબાલા. એક દિવસ ટપુ શેઠ હાથમાં છડી લઈને બગીચામાં ફરે છે. માળી કામ કરે છે. ત્યાં જ માળીથી પાણીની નળી છટકી અને ટપુ શેઠને પાણી ઊડયું. ટપુ શેઠને ગુસ્સો આવ્યો અને તે છડીથી માળીને મારવા લાગ્યા. ખૂબ જોર જોરથી માળીને ફટકાર્યા કરે છે, ખૂબ મારે છે, ખૂબ પીટે છે. ને સ્વપ્ન તૂટયું. આંખ ખુલ્લી ત્યાં તે ખાટલા સાથે હાથ પછાડતો હતો.
ફરી એક દિવસ રાતની ઊંઘમાં ટપુને સ્વપ્ન આવ્યું. દેશની ચૂંટણી થઈ છે. ચૂંટણીમાં ટપુ પણ ઊભો છે. પક્ષાના નેતા તરીકે તો પહેલાથી જ ચૂંટાયેલ છે. ચૂંટણીમાં તેના પક્ષાને બહુમતી મળે છે. પછી તો ટપુ વડાપ્રધાન બને છે. ટપુસાહેબની આગળ પાછળ અંગરક્ષાકો રહે છે. ટપુસાહેબને બધા સલામો ભરે છે. ટપુસાહેબ કોઈનું કામ કરાવી આપે છે તો ખૂબ રૂપિયા મળે છે. આવી રીતે વડાપ્રધાન ટપુસાહેબ માલદાર બની ગયા. મોટા-મોટા બંગલા ચણાવ્યા. બંગલામાં બધી જાતની સગવડતાઓ ઉપલબ્ધ છે. નહાવા માટે નળમાં જ ઠંડું-ગરમ પાણી અને અત્તર મેળવેલા પાણીના હોજ છે. ટપુસાહેબને વિચાર આવે છે કે, ‘‘આજે તો મારે એકલા અત્તરના જ હોજમાં ખૂબ તરવું છે. ટપુસાહેબ તો હોજના કાંઠેથી અત્તરમાં કૂદકા મારે છે. એક કૂદકો, બીજો કૂદકો અને ત્રીજો...... આટલું બન્યું ત્યાં ટપુ તો ઊંઘમાં જ ઘરની બહાર પહોંચી ગયો હતો અને ઘરના ફળિયામાં ખાતર બનાવવા માટે એક ખાડામાં છાણ ભરેલું હતું. ત્રીજા કૂદકે તો ટપુ છાણમાં પડયો અને તે ઊંઘમાંથી જાગ્યો તો છાણથી તરબોળ હતો. ટપુની આંખોમાંથી આંસુ પડવા લાગ્યાં.
આ વાતની ખબર પડતાં તેના પડોસીઓ બોલ્યા, ‘‘ખોટાં સ્વપ્ન જુએ, એ માથે ઓઢીને રૂવે !’’
