ખોદે ઉંદર ને મરે છછુંદર
ખોદે ઉંદર ને મરે છછુંદર
એક માણસ હતો. એકદમ ગરીબ. સતત મજૂરી કર્યા કરે ત્યારે માંડ ખાવા પૂરતું મળે. કયારેક જરૂર કરતાં થોડું વધારે મળી જાય તો રાજી-રાજી, પરંતુ એ વધારે મળેલું બચે કયાં સુધી ? વળી એકાદ દિવસ કંઈ કામ ન મળે તો પેલું બચેલું ચટ. આમ, દરરોજ ‘વહી રફતાર’ની જેમ તેનું જીવન પસાર થયા કરે.
એક વખતના કામમાં તેને કમાણી વધારે મળી. તે તો રાજી-રાજી થઈ ગયો. પાગલ બનીને નાચવા લાગ્યો. તેણે તે બચત ઘરના એક ખૂણામાં દાટી. જેથી કોઈને ખબર પડે નહીં. પરંતુ ‘ગરીબનું કપાળ કોડિયું’ની જેમ જે જગ્યાએ બચત દાટેલી હતી ત્યાં જ ઉંદરે દર બનાવ્યું અને પેલી બચતને કાપી નાખી. બચતની રોકડની હાલત ચારણી જેવી થઈ ગઈ. પેલા માણસને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે જાણે કોઈ સ્વજન અવસાન પામ્યું હોય એમ રડવા લાગ્યો. પડોસીઓએ આવીને દિલાસો આપ્યો અને તેને શાંત પાડયો.
થોડા દિવસોમાં તો તેના ઘરમાં એકમાંથી અનેક ઉંદર થઈ ગયા. ઘરમાં ઉંદરોનો ત્રાસ ખૂબ વધી ગયો. થોડાં માટીનાં વાસણો હતાં તે પછાડીને તોડી નાખ્યાં. ઝૂંપડા જેવા ઘરમાં ઉંદરોએ દીવાલોમાં ને તળિયે બધે દર પાડીને ઘરની હાલત બગાડી નાખી. તે માણસ તો ચિંતામાં પડી ગયો. હવે દીવાલમાં વધારે દર થાય તો દીવાલ પડી જાય એવી દશા થઈ ગઈ. ઉંદરોનો ત્રાસ દૂર કઈ રીતે કરવો! એ એને સમજાતું ન હતું. એક તો તે ગરીબ અને ઉપરથી આ મોટી ગરીબાઈનું આક્રમણ. તેને રાતે પણ ઊંઘ નહોતી આવતી.
ઉંદરોના ત્રાસની વાત તે કોઈને કહી પણ શકતો ન હતો. કોઈને કહે તો કોઈ મશ્કરી કરે,’’તારા ઘરમાં છે શું કે ઉંદરો નાશ કરે!’’ આ માણસ તો બધી બાજુથી મૂંઝાઈ ગયો. હવે તો તેણે નક્કી કરી લીધું કે કોઈ ઉંદર દેખાય કે તરત મારી નાખવો. નસીબજોગે નાના-નાના એક-બે ઉંદર હાથ લાગી ગયા અને તેને મારી નાખ્યા. જ્યારે ઉંદરને મારે ત્યારે પહેલા આવક મળતાં જેમ પાગલની જેમ નાચતો એમ નાચવા લાગતો. ઉંદરો બધા ચેતી ગયા. ઘરને ખોદવાનું ચાલુ રાખ્યું, પરંતુ પેલાની નજરે ચડયા વિના. એક દિવસ એક છછુંદર ત્યાં આવી ચડી, એકદમ હટ્ટીકટ્ટી. આ માણસ તો પાગલ બનીને તેની ઉપર તૂટી પડયો ને બોલ્યો,’’લે, ઉંદરોના સરદાર! લેતો જા!’’ આમ, કહીને ધોકો માર્યો અને છછુંદર મરી ગઈ. એ સમયે જ તેનો એક પડોસી ત્યાં આવ્યો. તેણે આ બધું જોયું તે બોલ્યો,’’અરે, મૂરખા! તેં તો ‘ખોદે ઉંદર ને મરે છછુંદર’ જેવું કર્યું. તેં જેને ધોક્કો માર્યો એ ઉંદર નથી, છછુંદર છે, મુસીબતમાં ઉંદર કે છછુંદરને ઓળખવા જેટલી અક્કલ પણ તારામાં નથી રહી! છછુંદર કદી કોઈનું બગાડતી નથી, તો તારું શું બગાડે? કોઈએ ખરું જ કહ્યું છે કે મુસીબતમાં માણસ સારાં-નરસાંનો ભેદ સમજી શકતો નથી.’’ આટલું કહીને પડોસી ચાલ્યો ગયો. પેલો માણસ બાઘા જેવો બનીને જમીન ઉપર ફસડાઈ પડયો. ખરી વાત છે, ‘કરે કોઈ ને ભરે કોઈ.’ ‘પાડાને વાંકે પખાલીને ડામ’ એ આનું નામ.
