'Sagar' Ramolia

Children Stories

4.8  

'Sagar' Ramolia

Children Stories

કાગડો કા... કા... કરતો રહ્યો

કાગડો કા... કા... કરતો રહ્યો

2 mins
372


એક જગંલ હતું. જંગલનાં વૃક્ષો પર અનેક પક્ષીઓ રહે. એક વખત એવું થયું કે આ જંગલમાંથી ભગવાન પસાર થયા. તેમણે પક્ષીઓનું મધુર સંગીત સાંભળ્યું. પરંતુ ભગવાનને તે ખૂંચ્યું. ભગવાનને તેમાં કંઈક ખામી દેખાણી. ભગવાન વિચારવા લાગ્યા, ‘‘આ પક્ષીઓ આટલું મધુર બોલે છે છતાં મને કંઈક ખામી હોય એવું કેમ લાગે છે ! મારે આનો કંઈક ઉપાય શોધવો પડશે. મેં સર્જેલ દુનિયામાં મને પોતાને જ આવી ખામી દેખાય ! આવું ન રહેવું જોઈએ !’’ આવું વિચારતા વિચારતા ભગવાન આગળ વધ્યા અને પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા.

નિવાસસ્થાને પહોંચ્યા પછી ભગવાને ખૂબ વિચાર કર્યો ત્યારે તેઓને અચાનક ધ્યાનમાં આવ્યું કે, ‘‘બધાં જ પક્ષીઓનો અવાજ એક સરખો હતો એટલે એમાં કંઈક ખામી હોય એવું લાગતું હતું. પક્ષીઓની નાત અલગ હોય તો તેઓના અવાજ પણ અલગ હોવા જોઈએ !’’ આવું વિચારી ભગવાને ‘સારેગમપધનિ’ સપ્તસૂરોની રચના કરી. પછી આ સૂરોનો ઉપયોગ કેવી કરવો એમ વિચારીને ભગવાને દરેક નાતના પક્ષીઓના એક એક પ્રતિનિધિને બોલાવીને સભા ભરી. બધાં જ પક્ષીઓ ભગવાનની સામે વ્યવસ્થિત ગોઠવાઈને બેસી ગયાં અને ભગવાન જે કહે તે શાંતિથી સાંભળવા લાગ્યાં. પરંતુ કાગડાને ભગવાનની વાતોથી કંટાળો આવ્યો એટલે તે દૂર જઈને બેઠો. ભગવાને થોડીવાર અન્ય વાતો કર્યા પછી મૂળ વાત કરી, ‘‘મેં સાત સૂરોની રચના કરી છે. જેમાં સા, રે, ગ, મ, પ, ધ, નિ છે. તમારામાંથી દરેકે તમારી પોતાની મરજી મુજબના સૂર પસંદ કરી લેવાના છે. કોઈએ હલકો સા, કોઈએ ભારે સા, તો કોઈએ મધ્યમ સા. એવી રીતે સાત સૂરોમાંથી તમારે આવી રીતે પસંદગી કરવાની છે. જેથી તમારી પક્ષીની અલગ અલગ નાતનો અવાજ અલગ અલગ થઈ જાય.

પક્ષીઓ તો આ સાંભળીને ખુશ થઈ ગયાં. દરેકે પોતાની મરજી મુજબના સૂરની પસંદગી કરી લીધી. બધાં સાથે મળીને પોતે પસંદ કરેલ સૂરમાં ગાવા લાગ્યાં. જાણે સંગીતની મહેફિલ જામી હોય ! ભગવાન આ સાંભળીને ખુશ થયા. પહેલા જે ખામી લાગી તે હવે દૂર થઈ. કાગડાએ આ સંગીત સાંભળ્યું. તે ઝડપથી ભગવાન પાસે પહોંચ્યો. પરંતુ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. હવે કોઈ સૂર બાકી રહેલ નહીં. કાગડાએ ખૂબ કાકલૂદી કરી ત્યારે ભગવાને કાગડાને કહ્યું, ‘‘હું જ્યારે સૂરોની રચના કરતો હતો ત્યારે આઠ સૂરો બન્યા હતા. તેમાં એક સૂર યોગ્ય ન લાગતા મેં ત્યાં અલગ રાખી દીધેલ છે. જો તારી ઈચ્છા હોય તો તું તે લઈ શકે છે !’’

કાગડાએ તો કંઈ વિચાર્યા વિના તે સૂર પોતાના ગળામાં બેસાડી દીધો અને બોલવા લાગ્યો. પરંતુ આ શું? તેના ગળામાંથી ‘કા... કા...’ જેવો કર્કશ અવાજ નીકળ્યો. બધાં પક્ષીઓ તેનાથી દૂર ભાગ્યાં. અને કાગડો ‘કા... કા...’ કરતો જ રહ્યો.

લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જઈએ તો કાગડાની જેમ રહી જઈએ. તક વારંવાર નથી આવતી.


Rate this content
Log in