STORYMIRROR

'Sagar' Ramolia

Children Stories

4  

'Sagar' Ramolia

Children Stories

ઝઘડયાં વૃક્ષોનાં અંગો

ઝઘડયાં વૃક્ષોનાં અંગો

2 mins
460

એક હતું વૃક્ષ. ઘટાદાર વૃક્ષ, જોનારની આંખો ઠરે એવું વૃક્ષ, સૌને આકર્ષિત કરતું વૃક્ષ, જાણે એક અજાયબી જેવું એ વૃક્ષ. સૌને આનંદિત જોઈને વૃક્ષ પણ આનંદથી ઝૂમતું, વૃક્ષ પણ ખેલ દેખાડતું, વૃક્ષ પણ ગૌરવ અનુભવતું. આવું આ વૃક્ષ, સુખી અને સમૃદ્ઘ વૃક્ષ.

પણ એક વખત જાણે કોઈની નજર લાગી આ વૃક્ષ પર ! એવો બનાવ બન્યો કે વૃક્ષનો આનંદ છીનવાય ગયો, વૃક્ષના ખેલ બંધ થયા, વૃક્ષનું ગૌરવ હણાઈ ગયું. એનું કારણ હતું જે અંગો થકી એ વૃક્ષ હતું એ અંગોનો ઝઘડો. વૃક્ષનાં અંગો તો એવાં ઝઘડયાં કે જાણે વૃક્ષનું અસ્તિત્વ જ નહિ રહે.

ઝઘડાની શરૂઆત પ્રકાંડે કરી. પ્રકાંડ કહે, ‘‘ડાળીઓનો ભાર સહીને તેને ફેલાવું હું, તેની ઉપરનાં પર્ણ, ફૂલ, ફળનો ભાર પણ મારે જ સહન કરવાનો. તોયે જશ ખાટી જાય પેલું ફૂલડું. મારી તો ગણતરી જ નહિ ! અને એય મૂળિયા ! તેં ચૂસેલાં પાણી અને દ્રાવ્ય ક્ષારોને તો પર્ણ સુધી હું પહોંચાડું અને પર્ણમાં બનેલો ખોરાક પણ બધે મારે જ પહોંચાડવાનો ! આવી નોકર જેવી જિંદગી મારે નથી જીવવી. મારે તમારો સાથ છોડવો જ પડશે !’’

પ્રકાંડની વાત સાંભળીને મૂળ બરાડયું, ‘‘એય થડિયા ! તારી બકબક બંધ કર ! તને આધાર કોણ આપે છે ? હું આપું છું, હું ! મારી પકડ હું મૂકી દઉં તો કેમ નમી જાશ ! ત્યારે કેમ ડાળીઓ કે પર્ણ, ફૂલને આધાર નથી આપી શકતું ? જમીનમાંથી પાણી અને ક્ષારોનું હું શોષણ કરું છું ત્યારે તું બીજે પહોંચાડે છે ને ? તારા એકલાથી કંઈ થઈ શકે એમ છે ?’’ અને મૂળ મોટે મોટેથી હસવા લાગ્યું.

ત્યાં તો પર્ણ વચ્ચે ખાબકિયું. તે કહે, ‘‘એય, મૂળિયા ! તું પણ તારી હોશિયારી બંધ કર ! તમારાં બધાં માટે પ્રકાશસંશ્લેષણની ક્રિયાથી ખોરાક તો હું બનાવું છું. તમે બધાં વધારે પાણી ભેગું કરો તો બાષ્પોત્સર્જનથી તેને બહાર તો હું કાઢું છું અને તમે બધાં જીવી શકો એ માટે શ્વસન તો હું કરું છું. વળી પાછા તો મોટી મોટી ડંફાશ મારો છો ?’’

હવે ફૂલ ને ફળ કહે, ‘‘વૃક્ષનો વંશ વધારવા માટે બીજ તો અમે ઉત્પન્ન કરીએ છીએ. અમે છીએ તો સૌ તમારી પાસે આવે છે. છતાં અમારી ઈર્ષા કરો છો ?’’

આ ઝઘડો એક માણસ સાંભળી ગયો. તે કહે, ‘‘અરે, બાપલિયાં ! હવે શાંત પડો ! ઝઘડવાનું બંધ કરો !’’ ત્યાં તો બધાં અંગો એક સાથે બોલ્યાં, ‘‘એ સ્વાર્થી મનુષ્ય ! તું તો કંઈ બોલતો જ નહિ. તમારી નાતે તો અમારી નાતનું નિકંદન કાઢી નાખ્યું છે !’’ મનુષ્ય કહે, ‘‘અરે, ના, ના ! હવે અમારી નાતને પણ એ ભાન થયું છે કે તમારા થકી તો અમે છીએ. એટલે તો હવે બધે જ ‘વૃક્ષારોપણ’નો કાર્યક્રમ થાય છે. બાપલા ! માફ કરો અને ઝઘડવાનું બંધ કરો !’’ અંતે ઝઘડો શાંત પડયો અને વૃક્ષ ફરી આનંદથી લહેરાવા લાગ્યું.   


Rate this content
Log in