'Sagar' Ramolia

Children Stories

4.9  

'Sagar' Ramolia

Children Stories

જે ઝઘડે, એનું જીવન બગડે

જે ઝઘડે, એનું જીવન બગડે

3 mins
508


એક સરોવર હતું. સરોવરમાં ઘણી માછલીઓ રહે. પોતપોતાના આનંદમાં મશગૂલ રહે. પણ એકેય માછલીમાં સંપ નહિ. કયાંય કોઈ માછલી જાય તો બીજી માછલી તૂટી પડે, એય, આ તો મારી જગ્યા છે. તારે અહીં આવવાનું નહિ. વળી આ માછલી બીજી જગ્યાએ જાય તો ત્યાં પણ બીજી માછલી તરફથી આવું જ સાંભળવા મળે. આવું દરેક માછલી સાથે બને. કોઈ કોઈની જગ્યાએ જઈ શકે નહિ. જાણે મનુષ્યની જેમ વિસ્તાર વેંચાતો ન લઈ લીધો હોય! દુનિયાની આ જ રીત છે. પછી તે પશુ હોય કે માનવી.

આ સરોવરના કિનારે એક બગલો પણ રહેતો હતો. આ બગલાને આ માછલીઓની લડાઈની ખબર ! એટલે તેને તો મજા પડી જાય. કોઈ માછલીને એકલી જુએ ને ચટ દઈને ચાંચમાં પકડી લે. બગલાને તો જલસા જ જલસા ! પણ કોઈ માછલીને આ બાબતનો વિચાર પણ નહોતો આવતો કે આપણે જુદી જુદી રહીએ છીએ એટલે આ બગલાને બજા પડી જાય છે. જો આ માછલીઓમાં સંપ હોત તો બગલાને આવતો જોઈને એકબીજાને ચેતવી દેત! પણ અહીં તો એવું હતું કે બગલો કોઈ માછલીને પકડવા જતો હોય, ત્યારે તેને જોનાર માછલી રાજી થતી હોય. એ એવું પણ ન વિચારે કે એક દિવસ આ બગલાની ઝપટમાં પોતે પણ આવી જશે. આ માછલીઓને સમજાવનાર કોઈ હતું જ નહિ. એટલે આ માછલીઓમાં સંપ નહોતો અને બગલાના પેટમાં પહોંચતી હતી. કોઈ માછલીને મરતી જોઈને બીજી માછલીઓ રાજી થાય. તેઓ વિચારતી કે આપણા માટે જગ્યામાં વધારો થયો.

બગલો વિચારે કે આ માછલીઓમાં કુસંપ છે ત્યાં સુધી આપણી ભક્તિ ચાલવાની છે. બાકી પછી બીજું સરોવર કયાં મળતું નથી. અહીં નહિ તો બીજે. આપણે તો જલસા જ છે. આમ બગલો પણ બેફિકરો બનીને આનંદમાં વિહરતો હતો. એને પોતાના ખોરાકની ચિંતા ન હતી.

એક દિવસ આ સરોવરમાં બરાબરનું યુદ્ઘ જામ્યું. દરેક માછલી બીજી માછલીને હેરાન કરવાના મૂડમાં આવી ગઈ. મોટી માછલીઓ નાની માછલીને દબાવવા લાગી. કૂદીને તે નાની માછલી ઉપર પડે અને નાની માછલીને તોબા પોકારાવી દે. આવી રીતે એક પછી એક માછલીઓ અધમુવી થવા લાગી. કોઈ કંઈ વિચારતું નથી. બસ એકબીજીને નુકશાન પહોંચાડવાનો મોક્કો શોધ્યા જ કરે. બે-ત્રણ દિવસમાં તો સરોવરમાં હાહાકાર મચી ગયો. જાણે બધી માછલીઓ એકબીજાને મારી નાખશે! આવું થશે તો સરોવરમાં એકેય માછલી નહિ રહે. પણ તેની ચિંતા કોણ કરે? ચિંતા કરવા જેટલી બુદ્ઘિ તો એકેયમાં નહોતી.

આ સરોવરમાં એક કરચલો પણ રહેતો હતો. તે હંમેશાં પેલા બગલાથી બચીને રહેતો હતો. તે આ માછલીઓના કુસંપથી વાકેફ હતો. આ લડાઈ જોઈને તેને ચિંતા થવા લાગી. તે વિચારે છે કે, આ માછલીઓનો નાશ થઈ જશે તો હું તો અહીં એકલો પડી જઈશે. આ માછલીઓને લડતી બંધ કરવી જ પડશે. તો જ આ સરોવરમાં શાંતિ જળવાઈ રહેશે. આવું વિચારી તેણે મોટેથી બૂમ પાડી અને બધી માછલીઓને પોતાની પાસે બોલાવી. પછી બધી માછલીઓને શાંત પાડીને તે બોલ્યો,

“અરે, માછલીઓ! તમને કંઈ ભાન છે કે નહિ ? તમે ઝઘડયા કરો છો અને તેનો લાભ પેલો બગલો લીધા કરે. તમારામાંથી એક પછી એક માછલી તેનું ભોજન બનતી જાય છે. તમારો નાશ થતો જાય છે. આવી રીતે રહેશે તો તમારામાંથી કોઈ બચી શકશે નહિ. તમારે જીવવું હોય અને તમારી દુનિયા ટકાવી રાખવી હોય તો ઝઘડવાનું બંધ કરો અને સંપીને પેલા બગલાનો સામનો કરો. તમારા ઝઘડાથી બગલાને તો મજા પડી જાય છે. ઝઘડો છોડો અને સંપીને રહો. તો જ તમારું જીવન સુખેથી પસાર થશે, આનંદથી પસાર થશે."

કરચલાની વાત માછલીઓને સાચી લાગી. બગલાની ચુંગાળમાંથી છૂટવા તેઓએ એક ઉપાય વિચારી લીધો. એક દિવસ બગલો આવવાની તૈયારીમાં હતો ત્યારે બધી માછલીઓ આડીઅવળી સંતાઈ ગઈ. જ્યારે બગલો માછલીને શોધવા પાણીમાં ચાંચ બોળે છે ત્યાં બધી માછલીઓ બગલા ઉપર તૂટી પડી. તેઓ પટોપટ બગલાની ડોક ઉપર પડવા લાગી. જે લાંબી માછલીઓ હતી તે બગલાની ડોકની આજુબાજુ વીંટળાઈ ગઈ અને બગલાને પાણીમાં ડુબાડી દીધો. થોડીવારમાં બગલાનો જીવ ઊડી ગયો. બધી માછલીઓ આનંદથી નાચી ઊઠી. તેઓને પહેલીવાર સંપની કિંમત સમજાણી. બધી માછલીઓએ કરચલાનો પણ આભાર માન્યો. ફરી નાચવા લાગી અને મજા કરવા લાગી.

તો મિત્રો! સમજ્યાને ? આપણે પણ સંપીને રહેવું જોઈએ. આપણા ઝઘડાથી આપણું જ નુકશાન છે. આપણે આપણું નુકશાન શા માટે કરીએ ? તો હવે કદી ઝઘડશો નહિ ને ! કોઈને ઝઘડવા પણ દેશો નહિ ને !


Rate this content
Log in