Jagruti Pandya

Children Stories

3.4  

Jagruti Pandya

Children Stories

હું શું કરુ

હું શું કરુ

2 mins
176


મારી પડોશમાં રહેતો જૈનિલ, 3 વર્ષ નો છે હાલ. આ વર્ષે તેને કે.જી.1 માં ભણવા મૂક્યો.

         દરરોજ સવારે વહેલા ઊઠી ને ભણવા જાય. નવી નવી સ્કુલ, નવી બુક્સ, નવા બૂટ અને જૈનિલ ને સૌથી પ્રિય છે તેનો યુનિફોર્મ. 

           બપોરે સ્કૂલેથી આવીને થોડું ઘણું જમે, સ્કૂલ માં પણ જમવાનું આપે,એટલે ઘરે ઓછું જમે. જમ્યા પછી એની મમ્મી તેને સુવડાવી દે. ઊઠ્યા બાદ દૂધ અને નાસ્તો કરી પછી તેની મમ્મી તેને હોમવર્ક કરાવે. સાંજે સોસાયટી માં રમવા જાય. આવીને નાહી ધોઈને જમ્યા પછી થોડી વાર ટી.વી.જુવે કે મોબાઈલમાં ગેમ રમે. પછી ક્યારેક અમારા ઘરે પણ આવે, અમે તેના ઘરે જઈએ. આ નિત્યક્રમ જૈનિલ નો.

             જૈનિલ ને ડી.માર્ટ જવાનું બહું જ ગમે. એ સિવાય એને ક્યાંય જવું ન ગમે. સિનેમા ઘર માં મૂવી જોવાનું તો તેને બિલકુલ જ ના ગમે. ઘસીને ના પાડી દે.

               જૈનિલ ખૂબ જ એક્ટીવ તેની ઉંમરના બીજા બાળકો કરતાં બધી જ રીતે સમજનાર, હોંશિયાર, પ્રેમાળ અને મળતાવડો. મારી પાસે આવીને બહુ બધી વાતો કરે. મને તેની વાતો સાંભળવી ગમે છે. 

             એક દિવસની વાત છે. જૈનિલની સ્કૂલમાં આટલાં નાના બાળકોની કક્ષા મુજબ સારું કામ કરનારને 3 સ્ટાર આપે. 3 સ્ટારથી આગળ નહીં, 1લા ધોરણ પછી 5 સ્ટાર આપે. જૈનિલની મમ્મી એ એકવાર હોમવર્ક કરાવતાં તેનું ચિત્રકામ જોયું. જોયું તો જૈનિલ ને આજે ત્રીજા ચિત્ર માં પણ બે સ્ટાર આવ્યા. જૈનિલ ની મમ્મી ગુસ્સે થઈ ગઈ. અને બોલી, " જૈનિલ! આમાં પણ 2 સ્ટાર? તું બરાબર કલર કેમ નથી પૂરતો? જો જો કલર્સ કેવા બહાર નીકળી ગયા છે? તું શાંતિથી ઉતાવળ કર્યા વિના કલર પૂરતો હોય તો? તને પણ 3 સ્ટાર મળે ને? મમ્મા ને 3 સ્ટાર ગમે છે. 2 સ્ટાર નથી ગમતા. હવે તારે 3 સ્ટાર જ લાવવા પડશે." જૈનિલ તો તેની મમ્મીનું એકીશ્વાસે બોલેલું સાંભળી ને જાણે ઢીલો પડી ગયો. તેને થયું! મમ્મી ને બહું દુઃખ થયું લાગે છે. અને મમ્મી ગુસ્સે છે. હમણાં પીગળે તેમ લાગતું નથી.

        તો જૈનિલ પણ ટીચર પર ગુસ્સે થયો હોય તેમ બોલ્યો, " પણ હું શું કરું? ટીચર બે સ્ટાર આપે છે."

          જૈનિલ નું આમ ગુસ્સે થઇ બોલેલું સાંભળી ગાર્ગી- તેની મમ્મી એ જૈનિલ સામે જોઈને આંખો કાઢી.

            ફરીથી જૈનિલ ઢીલો થઇ ગયો. તેની મમ્મી ગાર્ગી ને ગળે બંને હાથ વીંટાળીને બોલ્યો, " સારું બસ,મમ્મા! હું ટીચર ને કહીશ. મને 3 સ્ટાર આપે. ટીચર ને કહીશ કે મમ્મા ને 3 સ્ટાર ગમે છે તો મને 3 સ્ટાર આપે. બસ મમ્મા! હવે તને ગમશે ને !"

              ગાર્ગી નો ગુસ્સો એકદમ પીગળી ગયો. જૈનિલ ને ખોળામાં લઈને પપ્પી કરી - ખૂબ વહાલ કર્યું. ને કહ્યું, "મારા દિકરા! તું મને ગમે છે. 3 સ્ટાર નહીં.

       પછી બંને મા-દીકરો બાગમાં રમવા ગયા.


Rate this content
Log in