હથેળીમાં સ્વર્ગ
હથેળીમાં સ્વર્ગ
વનેચંદ નામનો એક માણસ. તેની પાસે પોતાની બુદ્ઘિ ખરી, પણ બુદ્ઘિ વાપરવાનો આળસુ. કોઈ કહે એમ કરવા તે લલચાય. કંઈ મળવાની લાલચ હોય તો ઊંચા પર્વતની ટોચ ઉપર ચડવા પણ તૈયાર થઈ જાય. ગમે તેવું કપરું કામ પણ લાલચ દેખાય તો કરે. જાણે લાલચનો ગુલામ ન હોય !
એક વખત વનેચંદના ગામમાં એક સાધુ આવ્યો. સાધુ હતો ઢોંગી. ઢોંગ કરીને લોકો પાસેથી કંઈ ઝૂંટવી લેવાની પેરવીમાં રહેતો. લોકોના હાથ જોઈને ભવિષ્ય કહે. તેની મીઠી-મીઠી વાતોથી લોકો પણ તેની તરફ આકર્ષાય. પોતાની પાસે આવતા લોકોમાંથી સાધુ તો કોઈ મુરઘો આવે તેની જ રાહ જોતો હોય. ગામમાં તો સાધુના વખાણ જ થયા કરે. આવા વખાણ સાંભળીને વનેચંદ પણ સાધુ પાસે ગયો. તે સાધુને કહેવા લાગ્યો, ‘‘મહારાજ ! મારો હાથ જોઈને કહોને કે મને ભવિષ્યમાં કોઈ મોટો ફાયદો થશે કે નહિ ?’’ સાધુ તો વનેચંદનો હાથ લઈને મંડયો જોવા. વનેચંદના હાથની રેખા જોઈને સાધુ આશ્ચર્ય થતું હોય એવો ભાવ મોઢા ઉપર લાવતો ગયો. પછી બોલ્યો, ‘‘બચ્ચા, તેરી હથેલી મેં તો સ્વર્ગ દિખાઈ પડતા હૈ. થોડે હી સમય મેં તુજે બહુત બડા ફાયદા હોનેવાલા હૈ. અગર તેરે પાસ ગહને હૈં તો ઉસ મેં તો સબ સે જ્યાદા ફાયદા હોગા. ઈસકે લિયે તુજે યજ્ઞ કરના પડેગા !’’ ફાયદાની વાત સાંભળીને વનેચંદ ગળગળો થઈ ગયો. સાધુના પગમાં પડીને યજ્ઞ કરવાની તૈયારી બતાવી.
બીજા દિવસથી તો સાધુ વનેચંદના આંગણામાં યજ્ઞ કરવા બેસી ગયો. મોટા-મોટા અવાજે મંત્રો બોલે, ઘી-જવ-તલ વગેરે યજ્ઞમાં હોમતો જાય ને બોલતો જાય, ‘‘બચ્ચા, તેરી હથેલી મેં સ્વર્ગ હૈ. ઈસ યજ્ઞ સે તેરી સબ પરેશાની દૂર હો જાયેગી.’’ ફરી સાધુ થોડીવાર મંત્રો બોલ્યો. પછી ઊંચા અવાજે બોલ્યો, ‘‘બચ્ચા, અબ ગહને ડાલ દે યજ્ઞ મેં. તું જિતના ગહના ડાલેગા, ઉસ સે તીન ગુના ગહના તુજે પ્રાપ્ત હોગા !’’ વનેચંદે તો એક પછી એક પોતાનાં બધાં ઘરેણાં યજ્ઞમાં હોમી દીધાં. બધાં ઘરેણાં યજ્ઞ નીચે ગોઠવેલી પેટીમાં ભેગાં થઈ ગયાં. થોડીવાર પછી સાધુએ યજ્ઞ પૂરો કર્યો અને પોતાની ઝોળીમાંથી ઘરેણાં કાઢીને વનેચંદને દેવા લાગ્યો. યજ્ઞમાં નાખ્યાં હતાં તેનાથી ત્રણ ગણાં. વનેચંદ તો ખુશખુશાલ હતો. સાધુ તો પોતાનું કામ પતાવીને રવાના થઈ ગયો.
વનેચંદને ત્રણ ગણાં ઘરેણાં મળ્યાની વાત ગામમાં બધે ફેલાઈ ગઈ. બે દિવસ પછી એક સોની વનેચંદના ઘરે આવ્યો. સોનીએ પેલાં ઘરેણાં જોયાં. નિરીક્ષણ કર્યું, તો ઘરેણાં નકલી નીકળ્યાં. વનેચંદની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. પોતાની લાલચને લીધે પોતાનાં અસલી ઘરેણાંને બદલે નકલી ઘરેણાં મળ્યાં.
