'હંસ જ ગુરુ કેમ ?’
'હંસ જ ગુરુ કેમ ?’
નમસ્તે,બાલમિત્રો આજે, હું તમને પક્ષીઓએ હંસને કેમ ગુરુ બનાવ્યા ? તે વિષે વાત કહીશ.
એક સુંદર સરોવર હતું.તેમાં સુંદર મજાના હંસો રહેતા હતા. સરોવરના શાંત પાણીમાં આ હંસો ખુબ જ શાંતિથી રહેતા હતા.કદી કોઈ લડાઈ ઝગડો નહિ, માટે સરોવરની આસપાસ સર્વત્ર શાંતિ પ્રસરાયેલી રહેતી હતી. ક્યારેક જંગલમાં બીજા પક્ષીઓ પણ અહી આવી શાંતિ માણતાં.આજરીતે એકવાર જંગલના બધા જ પક્ષીઓ,જેવાકે- ચકલી,પોપટ,મોર,કાગડો,બતક,શાહુડી,લક્કડખોદ,દરજીડો અને સુરખાબ. આ પક્ષીઓ
એકવાર જ્યાં આ હંસો રહેતા હતા તે સરોવર પાસે આવ્યા હતા. તે જ સમયે ઘણાબધા સાધુસંતો અને માણસો પણ એ રસ્તેથી પસાર થતા હતા.તેમાંના કેટલાક અહી સરોવરની પાળે વિસામો ખાવા બેઠા. અને ગુરુના ગુણગાન ગાવા લાગ્યા. સમગ્ર વાતાવરણ દિવ્ય અને પવિત્ર બની ગયું હતું. થોડીવાર પછી આ લોકો ત્યાંથી આગળ જવા લાગ્યા. પક્ષીઓ તો ખુબ જ આનંદિત થઇ ઉઠ્યા હતા. કાબરે સૌને પૂછ્યું,’ કોઈ જાણો છો ? આટલા બધા લોકો આજે આ રસ્તે ક્યાં જાય છે ?’ કોઈને આ બાબતે ખબર નહોતી. પોપટે કહ્યું,’ કદાચ આગળ એક ગામ છે.ત્યાં એક આશ્રમ છે.ત્યાં બધા જતા લાગે છે.’ આજે કદાચ ગુરુપૂર્ણિમા લાગે છે. બધા પક્ષીઓ એકીસાથે બોલી ઉઠ્યા,ગુરુપૂર્ણિમા ? ગુરુપૂર્ણિમામાં શું હોય ? તો આટલા બધા લોકો જાય ? પોપટ નો એક મિત્ર એક ગુરુના આશ્રમમાં રહેતો હતો.માટે પોપટને ખબર હતી.
પોપટે કહ્યું સાંભળો. ગુરુ પૂર્ણિમા, એ અષાઢ સુદ પૂનમને દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. ગુરુપૂર્ણિમાનાદિવસે બધા લોકો પોતપોતાના ગુરુને દર્શને જાય. ગુરુ પાસે બેસી અને આશીર્વાદ મેળવે અને ગુરુ માટે ફૂલ નહિને ફૂલની પાંખડી કંઈક ભેટ લઈને જાય છે. આખો દિવસ ગુરુના સાનિધ્યમાં રહે અને ગુરુના ગુણગાન ગાય છે. ચકલી બોલી, ‘પણ બધાને ગુરુ હોય ?’ પોપટે જવાબ આપ્યો, "બધાનેનાપણ હોય. તો આ દિવસે બધા માતા પિતા અને જેની પાસેથી જ્ઞાન મેળવે છે તે બધા જ ગુરુ ગણાય. ગુરુ દત્તાત્રેયને ચોવીસ ગુરુ હતા.તેઓ જેનામાંથી કંઈકને કંઈક શીખ્યા હોય તેને પોતાના ગુરુ માની લેતા."
બતક બોલ્યું, ‘ આપણને આજે આ લોકોનાગુરુનાગુણગાન સાંભળીને શાંતિ મળી છે, તો આપણે ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો આપણું જીવન પણ ધન્ય થઇ જાય. તો ચાલો આપણે પણ સાચા ગુરુ ની શોધ કરીએ.બધા પક્ષીઓએ વિચાર્યું કે આપણે કોને ગુરુ બનાવીએ ? જેની પાસે રહેવાથી આપણને કંઈક શીખવા મળે અને શાંતિ પ્રાપ્ત થાય. બધાએ ખુબ જ વિચાર્યું.અને એક સાચા ગુરુ કે જે ખરેખર આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય તે ખુબ વિચારીને અંતે સૌની નજર સરોવરમાં તરતા હંસો પર પડી. એકદમ શાંતિથી તેઓ પાણીમાં તરતા હતા.
બધા પક્ષીઓએ વિચાર્યું,કે હંસો જ આપણા સાચા ગુરુને લાયક છે. કારણકે હંસો પ્રેમ અને પ્રવિત્રતા નું પ્રતિક છે. હંસોમાં ખુબ વિવેક હોય છે. હંસો કદી એકબીજા સાથે ઝગડતા નથી. હંસો હંમશા ધીર ગંભીર હોય છે. બધા જ પક્ષીઓમાં હંસો ખુબ જ બુદ્ધિશાળી હોય છે. હંસો પાણીમાં હોય ત્યારે એકદમ ધીરે ધીરે તરે છે,અને આકાશમાં ઉડે ત્યારે થોડું ઝડપી અને ચોક્કસ આકાર કે વી આકારમાં ઉડે છે. હંસોના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળે છે. અને હા, બાલમિત્રો આપણી વિદ્યાની દેવી માતા સરસ્વતી નું વાહન પણ હંસ જ છે અને બુદ્ધિ ની દેવી ગાયત્રી માતા પણ હંસ પર બિરાજમાન હોય છે. માટે આ હંસો જ આપણા ગુરુને લાયક છે. આજથી જ સૌ પક્ષીઓએ હંસોને ગુરુ માની લીધા. અને સરોવરના શાંત જળમાં વિહાર કરતા હંસો પાસે જઈને પગે લાગ્યા. અને વાત કરીકે, ’આજે ગુરુપૂર્ણિમા છે અને અમે આજથી તમને ગુરુ માન્યા છે.તો આજના શુભદિને હે ગુરુવર! અમારા પ્રણામ સ્વીકાર કરો અને અમારું શિષ્યત્વ સ્વીકારો,અમારો ઉદ્ધાર કરો.અમને તમારું સાનિધ્ય શાંતિ વાળું લાગે છે માટે અમે અવારનવાર અહી આવીએ છીએ.’ આ હંસો તો પક્ષીઓની વાત સાંભળીને ખુબ જ ખુશ થઇ ગયા. અને પક્ષીઓ સાથે વાત કરી અને કહ્યું કે, ‘અમે પણ કાયમ અહી નથી રહેતા.અમે તો માનસરોવરથી આવ્યા છીએ. અમે પરમ હંસો છીએ. અમે સૌ આપ પક્ષીઓ પર પ્રસન્ન છીએ.’ આટલું કહીને પરમહંસોએ તેમનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું અને પક્ષીઓને દર્શન આપ્યા. બધા પક્ષીઓ તો ખુબ જ ખુશ ખુશ થઇ ગયા. અને વારફરથી જઈને આશીર્વાદ પ્રાપ્ત કર્યા.ત્યારબાદ પરમહંસો અદ્રશ્ય થઇ ગયા.
બધા જ પક્ષીઓ એકદમ શાંત થઇ ગયા હતા. ઘણા સમય સુધી કોઈ કંઈ જ બોલી શક્યું નહિ. પોતે કરેલા પુણ્યના પ્રતાપે આજે પક્ષીઓને પરમહંસોએ દર્શન આપ્યા હશે એ બાબત થી તેઓ ખુશ હતા.
જોયુંને બાળકો, એક ગુરુની શોધ જ આપણા જીવનમાં શાંતિ અને પવિત્રતાનો અહેસાસ કરાવે છે, તો સાચાગુરુ આપણું જીવન બદલી શકે.આપણો અને આપણા કુળનો ઉદ્ધાર કરી શકે. માટે જ આપણે પ્રાર્થનામાં ગાઈએ છીએ, ''ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરમબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ'
