'Sagar' Ramolia

Children Stories

4.9  

'Sagar' Ramolia

Children Stories

હળીમળીને ખાય, તેનાં સહુ સગાં થાય

હળીમળીને ખાય, તેનાં સહુ સગાં થાય

2 mins
552


ચકલી લાવી ચોખાનો દાણો ને ચકલો લાવ્યો મગનો દાણો એ જાણીતી વાર્તા તો તમે સાંભળી જ હશે. ચોખા અને મગની ખીચડી બનાવીને ચકલી બહાર ગઈ એટલે ચકલો ખીચડી ખાય ગયો. ચકલાને તો ખીચડી હવે દાઢે વળગી. બે-ત્રણ વખત ચકલી ખીચડી બનાવે અને ચકલો ખીચડી ખાય જાય એવું બન્યું. પણ હવે ચકલી ચકલાની દાનત જાણી ગઈ. એટલે ખીચડી બનાવવાનું બંધ કર્યું.

ચકલો તો હવે બરાબરનો મૂંઝાણો. ખીચડી દાઢે વળગી હતી ને ? એટલે હવે એને સતત ખીચડી ખાવાનું મન થયા કરે. પણ કરવું શું ? ચકલીએ તો ખીચડી બનાવવાનું બંધ કરી દીધું હતું ને? ચકલાએ વિચાર્યું, ‘‘કોઈ બીજાં ખીચડી બનાવે છે કે નહિ?’’ ચકલાએ તપાસ કરી તો ઘણી જગ્યાએ ખીચડી બનતી હતી. ચકલો તો હવે મોક્કો શોધે. કોઈ ખીચડી બનાવે અને બહાર જાય તો તરત ચકલો ત્યાં પહોંચી જાય અને ખીચડી ખાય જાય. થોડા દિવસો તો બધાંને આશ્ચર્ય થાય કે ખીચડી કોણ ખાય જાય છે ? ચકલો તો દરરોજ જુદી જુદી જગ્યાએ જઈને ખીચડી ખાતો. એટલે કોઈ પકડી શકતું નહિ.

હવે તેની નાતનાએ નક્કી કર્યું કે ચોરને ગમેતેમ કરીને પકડવો તો ખરો જ. બધાં દૂર દૂરથી ધ્યાન રાખવા લાગ્યાં. એક દિવસ ચકલો એક જગ્યાએ ખીચડી ખાવા જતો હતો ત્યારે તેની નાતના એક ચતુર ચકલાનું ધ્યાન તેની ઉપર પડી ગયું અને સૌને ઈશારો કર્યો. સૌએ ભેગા મળીને ચકલાને પકડી લીધો. ચકલો તો બરાબરનો ફસાયો.

હવે નાતવાળાએ ચકલાને નાત બહાર મૂકયો. કોઈએ ચકલા સાથે વાત કરવી નહિ કે ચકલો બોલાવે તો જવાબ દેવો નહિ. ચકલીએ પણ ચકલા સાથે બોલવાનું બંધ કર્યું. ચકલો તો એકલો એકલો થઈ ગયો. ચકલો એકલો દાણા ચણવા જાય પણ ખાવાનું તેને ગમે નહિ. બધાં સાથે કલબલાટ કરતાં ચણ ચણતાં જે મજા આવતી તેવી મજા આવતી નથી. ચકલો તો મૂંઝવણમાં ને મૂંઝવણમાં એકદમ દૂબળો-પાતળો થઈ ગયો. ચકલાને પોતાની ભૂલ સમજાણી.

ચકલાએ સૌની માફી માગવાનું નક્કી કર્યું. તે મોટે મોટેથી બોલવા લાગ્યો, ‘‘મારી ભૂલ થઈ ગઈ છે. હવે હું કદી કોઈનું ચોરીને નહિ ખાવ. હવે આવી ભૂલ કદી નહિ કરું. મને માફ કરી દો. તમે કહો તે સજા ભોગવવા તૈયાર છું.’’ સૌએ ચકલાની વાત સાંભળી. ચકલાના અવાજમાં સચ્ચાઈનો રણકો સાંભળવા મળ્યો. સૌએ તેને માફ કરી દીધો અને સૌ પહેલાની જેમ સાથે ચણ ચણવા અને મજા કરવા લાગ્યાં.


Rate this content
Log in