ગીતલી
ગીતલી


એલી એય ગીતલી...છોડી થઈન તું પતંગ ચગાવશ હે !!? અલી આવડછ તન હે ?
ક્યાંકથી ઊડી આવીને ફળિયામાં રહેલા લાકડાંના ભારાઓમાં ફસાઈ ગયેલા પતંગને બાએ લઈને ઘરમાં સાચવીને ભાઈ માટે મૂકી રાખેલ. ભાઈ શાળાએથી આવશે ને પતંગ જોશે એટલે ખુશ થઈ જશે પણ બાની નજરથી બચાવીને એ પતંગ લઈને ગીતા ઘરની બહાર આવતી રહી. પતંગ સાથે રહેલી પાંચેક મીટર જેવી દોરથી પતંગ ચગાવાના પ્રયત્નો કરવા લાગી. ત્યાં જ બાજુવાળા રમામાસી એ પૂછી લીધું, "આવડછ તન ?"
ના રે, નથ આવડતું, તય શું માર શીખવાનું નહીં ? સંક્રાંત આવ છ, ઓણ વરસ હું ય પતંગ ચગાવીશ પેલા જૂના મંદિરવાળી ટેકરી એ જઈને. એટલે શીખું છું... હમજયા ? દસેક વર્ષની ગીતા એ એના જ અંદાજમાં રમામાસીના પ્રશ્નનો જવાબ આપ્યો.
ભઈલો પતંગ ચગાવે. તાર તો ફીરકી પકડીને ઉભી રહેવાનું હોય. ને તોય તું ચગાવવાની હોય તો ધ્યાન રાખજે કે પતંગની સંગાથે તુંય ચગવા ન લાગતી. કોઈ કાપી નાખશે તો ઊંચેથી ભંગાઈશ ભૂંડી... રમામાસી હસતાં હસતાં આટલું બોલીને ઘરમાં જતા રહ્યાં. ગીતલી એમની દિશા તરફ અવાચક બની જોતી રહી.
કામેથી પાછા ફરેલાં ગીતાના પિતા શિવાભાઈ રમામાસી અને ગીતાની આ વાતો ને સાંભળીને મનમાં ને મનમાં વિચારતા રહ્યા કે મારી દીકરીને ઉડવાનું શીખ્યાં પહેલાં જ નીચે નહિ પડવા દઉં.
પછી જમીન પર રહેલા પતંગને ઉઠાવી વ્હાલી દીકરી ગીતલીના માથે હાથ મૂકતાં બોલ્યાં, "ચાલ તને પતંગ ચગાવતાં શીખવું. આ સંક્રાંત પર મારી ગીતલીની પતંગ સૌથી ઊંચે આકાશને આંબશે અને મોટી થઈને ભણી ગણીને એક દિવસે મારી ગીતલી ય એની પતંગની જેમ ઊંચે આકાશે ઉડશે... હે.. ને... ?"
પતંગ સાથે રહેલ દોરને સરખી કરતા ઉત્સાહ સાથે ગીતા બોલી, "હા બાપુ!"