ગધેડું બન્યું ધોળું અને મૂર્ખ
ગધેડું બન્યું ધોળું અને મૂર્ખ
ગધેડાં બધાં પહેલા કાળાં હતાં. ખૂબ તાકાતવર અને હોશિયાર હતાં. પ્રાણીઓમાં ગધેડાંની ધાક પડતી. ગધેડાં પોતાની હોશિયારીથી સિંહને પણ પોતાનો ગુલામ બનાવી દેતાં. જંગલમાં ગધેડાંઓનું સામ્રાજ્ય પ્રવર્તતું. સિંહ, વાઘ, દીપડો, ચિત્તો, રીંછ વગેરે તો ગધેડાંને આવતાં જોઈને ઝાળીઓમાં ભરાઈ જાય. આ ગધેડાંઓને પોતાનો કાળો રંગ ખૂંચ્યો.
પોતાનો કાળો રંગ દૂર કરવા ગધેડાંઓએ ઘણા ઉપાય વિચાર્યા. કોઈ કહે, ‘‘લાંબો સમય સુધી પાણીમાં પડયાં રહીએ !’’ કોઈ કહે, ‘‘સફેદ માટીમાં આળોટીએ !’’ તો કોઈ કહે, ‘‘સફેદ માટીને પાણીમાં નાખીએ ને તેમાં શરીરને બોળી લઈએ !’’ આવા અનેક ઉપાયો છતાં એકેય ઉપાય અનુકૂળ આવતો નહોતો. છેવટે તેઓએ જંગલદેવતાની આરાધના શરૂ કરી. બે પગ ઊંચા રાખીને ખાધા-પીધા વગર ગધેડાંઓ જંગલદેવતાની આરાધના કરતાં જ રહ્યાં. ગધેડાંઓની આટલી ભકિત જોઈને જંગલદેવતા ખુશ થયા. તેઓ ગધેડાંઓ સમક્ષા પ્રગટ થયા. ગધેડાંઓને મુસીબત બાબત પૂછયું. ગધેડાં બોલ્યાં, ‘‘અમારી પાસે બળ છે, બુદ્ઘિ છે, અમારું રાજ ચાલે છે, પરંતુ અમારો કાળો રંગ અમને ગમતો નથી. તો અમને ધોળાં બનાવી દો !’’ જંગલદેવતા કહે, ‘‘હું તમારો રંગ બદલી દઈશ, પરંતુ તમારે મને કંઈક આપવું પડશે ! તમારી પાસે બે વસ્તુઓ છે, બળ અને બુદ્ઘિ. એ બેમાંથી મને એક વસ્તુ આપી દો !’’ ગધેડાંઓ મૂંઝવણમાં મુકાઈ ગયાં. શું આપવું એ નક્કી કરી શકતાં નથી. ખરા સમયે જ તેઓની બુદ્ઘિ બરાબર કામ કરતી નથી. તેથી ગધેડાં બોલ્યાં, ‘‘અમારી પાસે બળ હશે તો અમે બધે ધાક પાડી દેશું, પણ અમારી આ બુદ્ઘિ ખરા સમયે કામ કરતી બંધ થઈ ગઈ. એટલે એ બુદ્ઘિ જ તમે લઈ લો !’’ જંગલદેવતા કહે, ‘‘તથાસ્તુ ! હવે તમે જંગલના પૂર્વ છેડે જાઓ. ત્યાં દાવાનળ લાગવાથી રાખનો ઢગલો થઈ ગયો છે. તેમાં આળોટશો એટલે તમારાં શરીર ધોળાં થઈ જશે !’’ અને જંગલદેવતા અદૃશ્ય થઈ ગયા.
જંગલદેવતાના આદેશ પ્રમાણે ગધેડાં રાખમાં આળોટયાં, એટલે તેઓનાં શરીર ધોળાં થઈ ગયાં. પરંતુ તેઓ પાસે બુદ્ઘિ ન રહી. તેઓ પાસે બળ હોવા છતાં પોતાની જાતે કોઈ નિર્ણય લઈ શકતાં નથી. મનુષ્યે તેનો ફાયદો ઉઠાવ્યો અને ગધેડાંઓને ભારવાહક બનાવી દીધાં. તે ગધેડાંના બળનો ઉપયોગ કરવા લાગ્યો. હવે જ્યાં રાખના ઉકરડા દેખાય ત્યાં ગધેડાં આળોટે છે, પણ તેઓની ગયેલી બુદ્ઘિ પાછી મળતી જ નથી. હવે તેઓ મનુષ્યના માત્ર ગુલામ બનીને જીવે છે.
