ગધેડાની ચતુરાઈ
ગધેડાની ચતુરાઈ
એક ઘોર જંગલ હતું. જંગલમાં ઘણાં પશુઓ રહે. પક્ષીઓનોય પાર નહીં. આ જંગલમાં એક સિંહની આણ વર્તાય. બધાં પશુ-પક્ષી સિંહથી ડરે. કોઈ તેની સામે જવાની હિંમત ન કરે. સિંહ પશુઓને મન પડે તેમ મારી નાખે. ખાવું હોય એટલું માંસ ખાય અને જતો રહે. સિંહને પોતાની રાજાશાહીનો ભારે ઘમંડ હતો. પશુઓ વિચારે કે આનાથી છૂટકારો કેમ મેળવવો? પરંતુ કોઈ ઉપાય મળતો ન હતો.
એક વખત આ સિંહને ઠેકાણે પાડવાની જવાબદારી એક રીંછે લીધી. તે માટેની બધી યોજના બનાવી. પછી સિંહને રીંછ સાથે કુસ્તીની હરીફાઈ ગોઠવવાનું કહ્યું. સાથે સાથે સિંહને ચડાવ્યો કે ‘‘રીંછ તમારા વિશે મન ફાવે તેમ બોલે છે!’’ આથી સિંહ કુસ્તી માટે તૈયાર થઈ ગયો. યોજના એવી હતી કે સિંહ અને રીંછની કુસ્તી ચાલુ હોય ત્યારે સિંહને દગાથી મારી નાખવો. કુસ્તી શરૂ થઈ. આજે સિંહથી છૂટકારો મળશે એવી આશાએ બધાં પશુઓ હરીફાઈ જોવા માટે આનંદથી આવ્યાં. પરંતુ સિંહને આ યોજનાની ખબર અગાઉથી પડી ગઈ હતી. તેથી કુસ્તી દરમિયાન પોતાને મારવામાં આવે એ પહેલા તો તેણે રીંછને જ મારી નાખ્યું. આ જોઈને બધાં પશુઆે ગભરાઈ ગયાં અને ત્યાંથી ભાગ્યાં. તેઓએ નક્કી કરી લીધું કે સિંહથી છૂટકારો મેળવવો મુશ્કેલ છે.
થોડા દિવસો બાદ સિંહ બેઠો હતો ત્યાંથી એક ગધેડો નીકળ્યો. સિંહે તેને પોતાનો ગુલામ બનવા કહ્યું. ગધેડાં સામાન્ય રીતે મૂર્ખ હોય છે, પરંતુ આ ગધેડો થોડો હોશિયાર હતો. તે અન્ય પશુઓનો અવાજ પણ કાઢી શકતો. ગધેડાએ સિંહને કહ્યું, ‘‘મહારાજ! હું તમારો ગુલામ તો બનું ! પરંતુ મારા માલિક તો બીજા સિંહ મહારાજ છે. તેઓ મને રજા આપે તો હું તમારો ગુલામ બનું!’’ આમ કહી ગધેડો સિંહને એક ગુફા પાસે લઈ ગયો. તેણે સિંહને બહાર ઊભા રહેવાનું કહ્યું અને પોતે ગુફામાં અંદર ગયો. ત્યાં જઈને તે સિંહના અવાજમાં બહાર સિંહ સાંભળે એવી રીતે બોલ્યો, ‘‘તું એ મૂર્ખ સિંહનો ગુલામ બનવા જઈશ! જા તને હું રજા નથી આપતો!’’ થોડીવાર પછી ગધેડો નિરાશ મુખ રાખીને ગુફાની બહાર આવ્યો અને સિંહને કહ્યું કે, ‘‘મહારાજ! મને મારા મહારાજ રજા આપતા નથી અને તમને ગાળો પણ દીધી. માટે તમે ગુફામાં જઈને તેને મારી નાખો તો હું આપનો ગુલામ બનું!’’ સિંહ ગુસ્સાથી ગુફામાં ગયો. તરત જ ગધેડાએ બાજુમાંથી મોટો પથ્થર લઈને તે ગુફાના મુખમાં ભરાવી દીધો. પથ્થર નીકળે નહીં તેવી રીતે ચુસ્ત બેસી ગયો.
આ બાજુ આ વાતની ખબર બીજાં બધાં પ્રાણીઓને પડી. તેઓએ ગધેડાનું સન્માન કર્યું અને ખૂબ નાચ્યાં-કૂદ્યાં અને આનંદ કર્યો. હવે તેઓ સિંહના ભયથી મુકત થયાં ને ખાધું-પીધું ને.
