એક સવાલ
એક સવાલ
તે શાંતિથી પોતાના પલંગ પર સૂતેલી હતી. આજે સવારથી તેને ખુબ જ દોડભાગ મચી ગઇ હતી. આજે દરેક કામ માટે તે મોડી પડી હતી. બાળકો, ઓફિસ, વડીલો અને સામાજિક વ્યવહાર સાચવતા સાચવતા તે હવે થાકી જતી હતી. તેનાથી એકલા હાથે આ બધું નહોતું થતું. પરંતુ તેણે એકલા હાથે જ બધું કરવાનું હતું. તેને સતત કોઈ સાથની જરૂર હતી. પરંતુ તેની પાસે કોઈ સાથ ન હતો. સવાર બપોર સાંજ અસંખ્ય વિચારો અને અસંખ્ય સવાલો તેના મગજમાં ફરતા રહેતા.
ઘડિયાળમાં બારના ટકોરા પડ્યા. તેણે મનમાં જ ધારણા કરી લીધી, ' બાપુજી સુઈ ગયા હશે. મીઠડો મલય તેના ટેડી બિયરને છાતી સરસો ચાંપીને સૂતો હશે. પાર્વતી મા રસોડામાં આધુનિક પ્લેટફોર્મની બાજુમાં એક શેતરંજી પાથરીને સૂતા હશે. અને પોતે- હજુ પણ વિચારોમાં ગરકાવ છે. આમ તો કદાચ સૂઈ ગઈ છે, પણ જ્યાં સુધી વિચારો થંભી ન જાય ત્યાં સુધી શાંતિની ઊંઘ કેવી રીતના આવે ?'
'વિચારો કરવાનો પણ કેટલો બધો થાક લાગી રહ્યો હતો ?' મનમાં જ વિચારોની શૃંખલા ચાલુ હતી. અચાનક બારણે ટકોરા પડ્યા. પહેલા તો તેને લાગ્યું કે આ તેના મનનો વહેમ છે. પરંતુ બીજી વખત પણ ટકોરા પડ્યા તેથી તેને જરા મનમાં સંદેહ જાગ્યો.
તેણે પાર્વતી માને અવાજ દીધો, પરંતુ કોઈ હલચલ થઇ નહીં. બારણે ફરી એક વખત ટકોરા વાગ્યા. તે પોતાના પલંગ પરથી ઉભી થઇ અને દરવાજો ખોલીને પોતાના રૂમમાંથી બહાર આવી. સામે જરા ડાબી બાજુ જ મલયનો રૂમ હતો. પોતાના રૂમના દરવાજે ઊભા રહીએ તો મલયનો પલંગ ચોખ્ખો દેખાતો હતો. અનાયાસે જ દેખાતા પલંગ પર પડી. મલય ત્યાં નહોતો. એને જરાક મૂંઝવણ જેવુ થયું. ' કદાચ પપ્પાના રૂમમાં હશે' એવું વિચારીને તેણે પપ્પાના રૂમ તરફ પગલાં ભર્યા. પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે પપ્પાના રૂમનું બારણું ખુલ્લું હતું અને પપ્પાના રૂમમાં પણ કોઈ હતું નહીં. હવે તેની ચિંતા વધવા માંડી. તે સાંભળી સાંભળી બનીને રસોડામાં પ્રવેશી. પણ આ શું ? રસોડામાં પાર્વતી મા પણ ન હતા! 'આવું કેવી રીતે બને ? પાર્વતી મા તો ક્યાંય જતા હતા.' તેના મગજમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું. ત્યાં ફરી એક વખત બારણે ટકોરા પડ્યા.
હવે તેને ખરેખર ડર લાગી રહ્યો હતો. 'ખબર નહીં કોણ હશે ? આટલી મોડી રાત્રે શું કામ આવ્યું હશે ? અને આખા ઘરમાં હું એકલી છું. જો કાંઈ ઊચ-નીચ થઈ તો હું સામનો કેવી રીતે કરીશ ? અત્યારે મારી સાથે કોઈ જ નથી. હવે હું શું કરીશ ?' ખૂબ બધા વિચારો તેના મગજમાં ત્રાટકી રહ્યા હતા. તેને પોતાને ખબર પડી રહી ન હતી કે તે આ વિચારોને કેવી રીતના રોકે ?
તેણે ધીરે રહીને દરવાજો ખોલ્યો. દરવાજા પર કોઈ ન હતું. તેણે આજુબાજુ નજર ફેરવી. એને આજુબાજુ પણ કોઈ ન દેખાયું. તેને લાગ્યું કે તેના મનનો વહેમ હતો. તેણે દરવાજો બંધ કર્યો અને દરવાજા તરફ પીઠ ફેરવી. ફરી એકવાર દરવાજા પર ટકોરા વાગ્યા. તે ખૂબ ગભરાઈ ગઈ હતી. તેણે કી હોલમાંથી જોયું. બહાર કૉર્ટરૂમના ન્યાયાધીશ ઉભા હતા. 'આ સમયે ન્યાયાધીશ ? મારા ઘરે ? કાલે બપોરે12:00 વાગ્યે મારે હાજર થવાનું છે, તો પછી અત્યારે શેના માટે ?'
તેણે દરવાજો ખોલ્યો અને ન્યાયાધીશના આવકાર્યા.
"અરે સર, તમે? આ સમયે ? કંઈ કામ હતું સર ?" તેણે મૂંઝવણમાં અનેક સવાલો પૂછી લીધા.
"મારે તમને એક સવાલ પૂછવો હતો. અને હું બરાબર સમયે જ આવ્યો છું. અત્યારે બરાબર બાર વાગ્યા છે. તમે કોર્ટમાં હાજર ન હતા તેથી મેં વિચાર્યું કે આપને અહીં જ પૂછી લઉં." ન્યાયાધીશ બોલ્યા.
"પણ સમય તો આવતીકાલે બપોરનો છે ને ? હું આવતીકાલે હાજર થઈ જઈશ." તેણે જવાબ આપ્યો.
"એટલે તમે એવું કહેવા માગો છો કે હું કશું જાણતો નથી ? જુઓ બેન આ કોર્ટ છે. તમારું ઘર નથી કે મન ફાવે ત્યારે આવો અને મન ફાવે ત્યારે મન ફાવે ત્યાં જાવ." ન્યાયાધીશ અકળાઈને બોલ્યા.
"ના ... એટલે મારો કહેવાનો મતલબ એવો નહતો." તે કંઈક બોલવા ગઈ.
"મને તમારા મતલબ સાથે કોઈ મતલબ નથી. મને મારા સવાલનો જવાબ આપો એટલે હું નિર્ણય જણાવું. તમને છુટાછેડા શેના માટે જોઈએ છે ?" ન્યાયાધીશે પૂછ્યું.
"મારે એમની સાથે નથી રહેવુ તેથી." તને જવાબ આપ્યો.
"નથી રહેવું એટલે ? આ તે કંઈ તમારી મરજીનું મેદાન છે ? મન થાય તો લગ્ન સંસ્થામાં પ્રવેશવું અને મન થાય એટલે લગ્ન સંસ્થા છોડીને ભાગી જવું ? તમારી મરજી પડે એટલે તમારે છૂટાછેડા મેળવી લેવાના ?" ન્યાયાધીશે ખુબ ગુસ્સા સાથે તેની તરફ જોયું.
"ના એટલે મારા વકીલ ક્યાં છે ? મારે એમની સાથે વાત કરવી છે." તેણે પુછ્યું.
"વકીલની શું જરૂર છે ? જવાબ તો તમારે આપવાનો છે ને ?" ન્યાયાધીશે પૂછ્યું અને આગળ ચલાવ્યું," મને નથી લાગતું કે આ રીતે મન ફાવે તેમ તમે જો નિર્ણય લેતા હો તો મારે તમારો મલય તમારી સાથે રહેવા દેવો જોઈએ. કારણ કે આવા ઊડ-ઝૂડ નિર્ણય લેવાથી તમે બાળકનું ભવિષ્ય બગાડી શકો તેમ છો."
"ના સર, એવું કેવી રીતે બને ? મલય નાનો છે. એને માની જરૂર છે." તે લગભગ ભાંગી ચૂકી હતી.
"અમારી પાસે આ વાતના પુરાવા પણ છે. આપના પિતાજીએ અમને જણાવ્યું છે કે આપે લગ્નનો નિર્ણય પણ આવી જ રીતે અમને જણાવ્યો હતો. અને આપના ઘરે કામ કરતા પાર્વતી મા પણ એવું જ કહે છે કે આપ શાક બનાવવાનો નિર્ણય પણ ત્રણ વાર બદલો છો. આ સંજોગોમાં આપ આપના પુત્રને કેવી રીતે સારો ઉછેર આપી શકશો ? અને એક જાણકારી મુજબ આપે અત્યાર સુધીમાં એની પાંચથી છ વાર શાળા પણ બદલાવી છે. આ સંજોગોમાં એના કોઈ કાયમી મિત્ર બનવા કે કાયમી પ્રગતિ થવી શક્ય નથી. એના કરતાં સારું છે કે મલય તેના પિતા પાસે રહે." ન્યાયાધીશે ન્યાયનો હથોડો ત્યાં પડેલા ટેબલ ઉપર પછાડ્યો. " કોર્ટ મલય અને તેના પિતાને સોંપવાનો નિર્ણય કરે છે. હવે આ નિર્ણયની સામે કોઇપણ જાતનો અન્ય દાવો સ્વીકારવામાં આવશે નહીં."
કોઈની ઉપરનો કાચ ચૂરચૂર થઈ ગયો. આવી જ રીતે તેનું હૃદય પણ ચોરી થઈ ગયું હોય તેવી લાગણી તેણે અનુભવી. તેની આંખમાંથી રડવાનું નીકળી રહ્યું ન હતું. તેને સમજાઈ રહ્યું ન હતું કે,' તે શું કરે ? કેવી રીતે આ નિર્ણયને ફેરવવા માટે સમજાવે. કોને સમજાવે ?' તેણે દુઃખ અને દર્દના બોજા હેઠળ પોતાને કચડાઈ જતી અનુભવી.
એ જ સમયે ઉપરની છત જાણે તેના પર ધસી આવી. પરંતુ હજુ જાણે તેણે સંઘર્ષ કરવાનો બાકી હોય તેમ તેનું મૃત્યુ ન થયું, પરંતુ તેને મલયનો અવાજ સંભળાયો. "મમ્મા,જોને આ મને ક્યાં લઈ જાય છે ? મને છોડાવને મમ્મા. મમ્મા... મમ્મા.." તેણે છતને હડસેલીને અવાજની દિશામાં દોટ મેલી.
બહાર ગાર્ડનમાં ખૂબ જ સુંદર ફૂલો ખીલ્યા હતા. તેના પિતાજી ફૂલો ચૂંટી રહ્યા હતા. "પપ્પા મલય ક્યાં છે ? કોણ લઈ જાય છે તેને ?" તેણે પુછ્યું. તેના અવાજમાં ગભરાટ સ્પષ્ટ વર્તાય રહ્યો હતો. છતાં એકદમ શાંત અવાજે તેના પિતાજીએ સવાલ કર્યો, "તારે છૂટાછેડા શેના માટે જોઈએ છે ? બધું તો બરાબર છે ? વાંક તો તારો જ છે. તો સમાધાન કરી લે નહીં તો મલયને ભૂલી જા."
"પપ્પા તમે શું બોલો છો? તમે તમારી દીકરીને નથી ઓળખતા ? મારે માણસ સાથે નથી રહેવુ. કારણકે.... કારણકે..... " અને તેનાથી આગળ બોલી ન શકાયું. તેણે ચીસ પાડવા માટે અને બોલવા માટે ઘણી કોશિશ કરી પણ તેનાથી બોલી ન શકાયું. તે આખી પરસેવે રેબઝેબ થઇ ગઇ હતી. અચાનક તેના માથે કોઈનો હાથ ફેરવાયો. તેને કોઈ ઢંઢોળતુ હોય એવો અહેસાસ થયો. અચાનક તેની આંખો ખુલી ગઈ.
તે પોતાના જ રૂમમાં હતી. સવારના સાડા છ વાગ્યા હતા. પાર્વતી મા તેને ઉઠાડી રહ્યા હતા.
"મા તમે ક્યાં ગયા હતા ?" તેણે પુછ્યું. તે તરતજ ઊભી થઈ અને પોતાના રૂમના દરવાજે ગઈ. તેણે જોયું કે મલય શાંતિથી સૂઈ રહ્યો છે. પિતાજીના રૂમનો દરવાજો પણ ખુલ્લો હતો. તેણે પાર્વતી માને પૂછ્યું, " પપ્પા ક્યાં ગયા ?"
"એ તો રોજની જેમ ચાલવા ગયા છે. આ તો હું એમના રૂમ સાફ કરવા આવી ત્યારે મને તમારા રૂમમાંથી અવાજ આવતો હતો. એથી મને લાગ્યું કે કદાચ તમને મારી જરૂર હશે." પાર્વતી માએ કહ્યું.
તો આ એક સપનું હતું. પરંતુ ખૂબ જ ડરામણું હતું.
"ના એ તો એક ખરાબ સપનુ જોયું હતું. મા મારે આજે વહેલા જવાનું છે. આજે મારે કોર્ટમાં તારીખ છે. તમે મલયનું ધ્યાન રાખજો. તેને તમારાથી દૂર ન થવા દેતા. મને એને દૂર થઈ જવાની બહુ બીક લાગે છે." તેણે કહ્યું.
'મારા મલયને એ જોવા પણ નથી આવ્યા. અને આવ્યા ત્યારે આમ મલયની કસ્ટડી અને છુટાછેડાનો કેસ ? આવું કેમ ?' આવા તો કંઈ કેટલાય સવાલો તેના મગજમાં પણ હતાં.
"પણ એક સવાલ પૂછું? તમે તો ભણેલા ગણેલા છો. તમને એવું કંઈ દુઃખ હોય એવું તો તમે ક્યારેય કહ્યું નથી. તો પછી તમને છૂટાછેડા કેમ જોઈએ છે ?" પાર્વતી માએ પૂછ્યું.
'ક્યારેય કોઈનેય પોતાના દુ:ખની વાત ન કહેવી' એવામાં સંસ્કાર આજે એના સામે ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યું હતું. અને આ એક સવાલ તેને ખૂબ ડરાવી રહ્યો હતો. 'શું આ સવાલનો જવાબ કોર્ટમાં આપી શકીશ ?' ફરી એક સવાલ એના મનમાં ઊભો થયો.
તેણે ફરી એક વખત વિચાર્યું કે, 'મને છૂટાછેડા કેમ જોઈએ છે ?'
