Ashutosh Desai

Others

4  

Ashutosh Desai

Others

એક સાંજની ભેટ

એક સાંજની ભેટ

10 mins
14.6K


લંચ ખતમ કરીને હમણાં જ પ્રશાંત તેની ડેસ્ક પર આવ્યો ને એટલામાં જ ફોન રણકી ઉઠ્યો. ઘરેથી વિદ્યાનો ફોન હતો. 'હલ્લો, લંચ થઈ ગયો?' 'હા.' પ્રશાંતે ટૂંકો એકાક્ષરી જવાબ આપ્યો. જો કે તેની પાછળનું કારણ એ હતું કે હમણાં તેનું ધ્યાન સામે ટેબલ પર પડેલી ફાઈલમાં હતું અને વિદ્યા સાથેની ફોન પરની વાત ફટાફટ પૂરી થાય તો એ ઝીણવટ પૂર્વક એ ફાઈલમાં ના કાગળીયા જોઈ શકે. તેથી તેણે તરત જવાબ આપ્યો. 'હા' પણ વિદ્યાએ પ્રશાંતે લંચ કર્યો કે નહીં તે જાણવા માટે ફોન નહોતો કર્યો. તેણે આગળ ચલાવ્યુ. 'અચ્છા સાંભળો, ત્રણ દિવસ પછી મમ્મીની વર્ષગાંઠ છે અને તેમણે કહેવડાવ્યું છે કે તેમની આ વર્ષગાંઠ પર આપણે તેમની સાથે ડીનર માટે જઈએ, માટે તે દિવસે તમે પાછી કોઈ મિટિંગ નહીં ફીક્સ કરી લેતા. જો જો યાદ રાખજો પાછા ભૂલી નહીં જતા.' 'વર્ષગાંઠ? કોની વર્ષગાંઠ, મારી મમ્મીની કે તારી મમ્મી ની?' પ્રશાંત ખરેખર એટલો બિઝી હતો કે હમણાં તેને કોની વર્ષગાંઠ આવવાની છે તે યાદ કરવામાં પણ રસ નહોતો. 'તમારી મમ્મીની, કેવી વાત કરો છો? મારી મમ્મીની વર્ષગાંઠ તો ઓગસ્ટમાં આવે છે. શું તમે પણ, સાવ ભૂલકણાં છો.' વિદ્યાએ સ્ત્રી સહજ ભાવથી કહ્યું. 'હા સારૂં ચાલ, ફોન મૂકું હવે? મારે ખૂબ કામ છે વિદ્યા. આય એમ બિઝી રાઈટ નાઉ. રાત્રે ઘરે આઉં ત્યારે વાત કરીએ?' વિદ્યાનો જવાબ સાંભળ્યા વગર જ પ્રશાંતે ફોન પટકી દીધો. હમણાં તેને માટે ટેબલ પર રાહ જોઈ રહેલી ફાઈલ વધુ ઈમ્પોર્ટન્ટ હતી.

  પણ ફોન મૂકી પ્રશાંતે જેવી ફાઈલ હાથમાં પકડી કે મગજમાં એક વિચાર ઝબકી ગયો. આ વર્ષગાંઠ પર ડિનર માટે, કેમ, શું થયુ? મમ્મીએ કંઈ વાત કરવી હશે ? પૈસાની જરૂર પડી હશે? ગામનું ઘર અને ખેતીની જમીનના કાગળીયા કરવાના હશે? ભાઈ સાથે તો ફરી પાછી કંઈ બોલાચાલી નહીં થઈ હોય ને? કે પછી વિદ્યા સાથે જ કોઈ વાતે જીભાજોડી? નહીં નહીં પણ હમણાં તો મમ્મી કેટલા વખતથી અહીં રહેવા આવ્યા જ નથી એટલે વિદ્યા સાથે તો કંઈ નહીં થયું હોય. તો પછી શું થયું હશે? કેમ આ વર્ષગાંઠ પર સ્પેશ્યલ ડિનર માટે જવાનું? પ્રશાંતનું મન એક પછી એક કારણ વિચારવા માડ્યુ. અને છેલ્લે એક કારણ વધુ લોજીકવાળુ લાગ્યું તે એ કે નક્કી મમ્મીને પૈસાની જરૂર હશે. આમ મહિનાની વચમાં એમને એમ તો કઈ રીતે કહે, એટલે વર્ષગાંઠને બહાને કહેશે કદાચ. પ્રશાંતે આ વિચાર આવતાની સાથે જ કોમ્પ્યુટર પર નેટ બેંકિંગ ઓપન કરી બેલેન્સ ચેક કરી લીધું અને મનોમન તાડો પણ મેળવી લીધો કે મમ્મીને અગર પૈસાની જરૂર હોય પણ તો કેટલાક પૈસાની હોય શકે. જો કે તે માટે પ્રશાંતને કોઈ વાંધો પણ નહોતો. એ આજના બદનામ દિકરાઓ જેવો નહોતો કે જેમને મા-બાપ બોજ જેવા લાગતા હોય અને તેમની દેખરેખ કરવી એ વેંઢારવી પડતી જવાબદારી લાગતી હોય. પ્રશાંત સારૂ કમાતો હતો. એક મલ્ટિનેશનલ કંપનીની હેડ ઓફિસ, મુંબઈમાં સિનીયર મેનેજરની પોસ્ટ પર કામ કરતો હતો. વિદ્યા પણ પ્રેમાળ પત્ની હતી. તેને માટે પણ સાસુ એટલે એકલા હોય ત્યારે દાઢમાં બોલવા જેવો શબ્દ નહીં પણ તેની પાછળ મા લગાડવું પડે તેવો વાતસલ્યનો પર્યાય શબ્દ હતો સાસુમા. પ્રશાંત રાત્રે ઘરે આવ્યો. દિકરાને હોમ વર્ક કરાવી રહેલી વિદ્યાએ પ્રશાંત હાથ મોઢું ધોઈને ફ્રેશ થાય ત્યાં સુધીમાં ડાયનિંગ ટેબલ પર થાળી તૈયાર કરી દીધી. 'સોનુ, ચાલો બેટા. ડિનર ઈઝ રેડી... જો પાપા પણ આવી ગયા. ચાલો ફટાફટ.'

વિદ્યાએ પોતાના વ્હાલા દિકરાને ખાવા માટે તેડાવ્યો. 'વિદ્યા,' પ્રશાંતે ડાયનિંગ ટેબલ પર બેસતાં જ પત્નીને કંઈક પૂછવુ હતુ.

'હં, બોલો' વિદ્યા શાક પિરસતા પિરસતા અટકી ગઈ. 'વિદ્યા, મમ્મીને પૈસાની જરૂર છે?' બપોરથી પ્રશાંતના મનમાં જે વાત ધુમરાઈ રહી હતી તે તેણે પત્નીને પૂછી લીધી. 'ના, રાધર ખબર નહીં. પણ કેમ તમે આમ પૂછો છો?' વિદ્યા બોલી. 'ના, આ તો તેં કહ્યું ને કે મમ્મીની આ વખતની વર્ષગાંઠ પર તેમની સાથે ડિનર માટે જવાનું છે. તો મને થયું કે કદાચ મમ્મીએ આપણને કંઈ વાત કરવી હશે, ક્યાં તો તેમને પૈસાની જરૂર હશે એટલે જ કદાચ ડિનર પર બોલાવ્યા હોય એમ બને. 'ઓહ, હશે. કદાચ એવું પણ હોય. પણ સાંભળો ડિનર પર જઈએ ત્યારે પૈસા તમે જ આપજો હં. મમ્મીને નહીં આપવા દેતા.'

વિદ્યાએ સોનુનાં ભીના હાથ લૂંછતા કહ્યું. 'અફકોર્ષ વિદ્યા. કેવી વાત કરે છે તું ? હું વડી મમ્મીને શું કામ ડિનરનું બિલ ચૂકવવા દઉં ? એમનો દિકરો આટલું સારૂં કમાય છે તો પછી એમણે વળી થોડું જ બિલ ચૂકવવાનું હોય!'

પ્રશાંતના મોઢા હાવ ભાવ પરથી કહી આપતા હતા કે મમ્મીની વર્ષગાંઠ પર ડિનરનું બિલ તેણે ચૂકવવું પડે તે વાતનો એને કોઈ વાંધો નથી રાધર ગર્વ છે.

સવારમાં વહેલા ઉઠીને ટ્રેન પકડવાની, ઓફિસ પહોંચીને એ.સી. કેબિનમાં પૂરાઈ જતો પ્રશાંત સૂરજ આથમી જાય

ત્યાં સુધી કામમાં પરોવાયેલો રહેતો અને છેલ્લે હાથ નીચેના કર્મચારીઓ પાસે આખા દિવસના કામનું રીપોર્ટીંગ લેવાનું.

ઓફિસમાંથી નીકળતા લગભગ રોજ નવ વાગી જતા. અને ઘરે પહોંચતા દસ કે સાડા દસ થઈ જતા. બે દિવસ આમને આમ ક્યાં નીકળી ગયા ખબર પણ નહીં પડી. આજે સવારે ઓફિસ નીકળતી વખતે વિદ્યાએ ફરી યાદ કરાવ્યું. 'આજે વસઈ જવાનું છે યાદ છે ને. મમ્મીની વર્ષગાંઠ છે આજે યાદ છે ને?'  

સારૂં થયું વિદ્યાએ રીમાઈન્ડ કરાવ્યું નહીં તો પ્રશાંત તો ખરેખર ભૂલી જ ગયો હતો. 'હા, હા શ્યોર, એક કામ કરશું. હું ઓફિસથી નીકળું એટલે તને ફોન કરી દઈશ. તમે લોકો તૈયાર રહેજો. હું આવું એટલે તરત રવાના થઈ જશું.' પ્રશાંત સાંજનો શિડ્યુલ ગોઠવી નીકળી ગયો.

આજે સવાર સવારમાં વિદ્યાએ મમ્મીની વર્ષગાંઠ યાદ કરાવી એટલે પ્રશાંતને થોડો વાર માટે તેના બાળપણના દિવસો યાદ આવે ગયા. પપ્પા તો નાની ઉંમરમાં જ ચાલી ગયેલા, મમ્મીએ જ તો મહેનત કરીને અમને બંને ભાઈઓને ભણાવ્યા, ગણાવ્યા અને મોટા કર્યા. પપ્પાએ જ તો ઘરમાં એ નિયમ રખાવ્યો હતો કે રાતનું ભોજન બધાએ ભેગા બેસી જ કરવાનું. છેલ્લા સમયમાં જ્યારે પપ્પાને બિમારી હતી ત્યારે મમ્મીએ અમારી બધાની થાળી પપ્પાના રૂમમાં લઈ જવી પડતી પણ છતાં ઘરનો નિયમ એક પણ દિવસ અમે તોડ્યો નહોતો. આજે મમ્મીને શું વાત કરવી હશે ? કેમ એમણે આમ ડિનર પર બોલાવ્યા ? જતી વખતે થોડા પૈસા સાથે જ લેતો જઈશ જેથી મમ્મી કહે કે તરત તેમને આપી દઈ શકાય. વિદ્યાને કહેવું પડશે મમ્મીના ડૉક્ટરનો નંબર પણ સાથે લઈ લે. જો કે એ તો વિદ્યાના ફોનબુકમાં છે જ. પ્રશાંત વિચારતો હતો એટલામાં જ તેના મોબાઈલ પર ઓફિસથી ફોન આવ્યો. 'સર, આજે બત્રા સાહેબ સાથેની મિટિંગ અગિયાર વાગ્યે હતી ને તે અડધો કલાક લેટ કરવા માટે તેમની ઓફિસથી ફોન આવ્યો હતો. તો શું કરૂં ? તમારો કોઈ બીજો શિડ્યુલ નહીં હોય તો ફીક્સ કરી દઉં.' 'તારે જેની સાથે જેટલી મિટિંગ ફીક્સ કરવી હોય તેટલી કર સુઝેન, બસ એટલું યાદ રાખજે કે આજે સવા છ વાગ્યે હું ઓફિસથી નીકળી જવાનો છું. આય હેવ સમ પર્સનલ કમિટમેન્ટસ ટુ ડે?' પ્રશાંતે સેક્રેટરી સુઝેનને કહ્યું. 'વોટ કમિટમેન્ટસ સર? આજે મેરેજ એનીવર્સરી છે કે શું?' રૂપાળી સુઝેને સામે ટીખ્ખળ કરી.

'નો નો ઈટ્સ નોટ મેરેજ એનીવર્સરી, ઈટ્સ સમ અધર ઈમપોર્ટન્ટ વર્ક.' પ્રશાંતે જવાબ આપ્યો. 'ઓ.કે સર. સિક્સો ક્લોક પછી હું કોઈ મિટિંગ નહીં રાખું. થેન્ક યુ સર.' સુઝેને ફોન કટ કરતા કહ્યું.

સાંજના છ વાગતામાં તો પ્રશાંત પરવારી ગયો તેણે વિદ્યાને ફોન કર્યો. 'વિદ્યા આય એમ અબાઉટ ટુ લિવ ઓફિસ. યુ એન્ડ સોનું ગેટ રેડી.' એક, સવા કલાક જેટલા સમયમાં પ્રશાંત ઘરે આવી ગયો. તેણે ઉતાવળે હાથ મોઢું ધોઈ કપડા બદલ્યા ત્યાં સુધીમાં વિદ્યા અને સોનુ કારમાં જઈને બેસી ગયા હતા. મમ્મી પ્રશાંતના વસઈવાળા ઘરમાં પ્રશાંતના નાના ભાઈ સાથે રહેતી હતી. પ્રશાંત પહેલા ત્યાં જ રહેતો પણ પછી સિનીયર મેનેજર તરીકે પ્રમોશન મળ્યું અને કંપનીએ એલોટ કરેલો ફ્લેટ એટલે પ્રશાંત કાંદિવલી રહેવા આવી ગયો હતો. એકાદ કલાકમાં વસઈ પહોંચ્યા તો મમ્મી ત્યાં તૈયાર થઈ ને બેઠાં હતા અને પ્રશાંત લોકો આવવાની જ રાહ જોતા હતા. ભાઈ હજૂ ઓફિસથી આવ્યો નહોતો. પ્રશાંત બોલ્યો. ચાલો આપણે નીકળીયે ભાઈને હું ફોન કરી દઉં છું એ સીધો જ રૅસ્ટાંરા પર જ આવી જશે. મમ્મીએ વિદ્યા તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. ખબર નહીં

વિદ્યાએ મમ્મીને સામે શું ઈશારો કર્યો પણ તે પછી તે ઉભી થઈ તરત પ્રશાંત પાસે આવી અને બોલી. ડિનર માટે માત્ર તમારે અને મમ્મીએ જ જવાનું છે. અમે તો અહીં ભાઇ ભાભી સાથે જમવાના છે. પ્રશાંતને નવાઈ લાગી. આ શું છે, કેમ વિદ્યા આમ બોલે છે ? શું થયું હશે ? તેણે તરત વિદ્યાને પૂછ્યું. 'શું વાત છે વિદ્યા, મને કહે. હું અને મમ્મી ડિનર માટે જઈએ, તમે લોકો અહીં ઘરે જમશો, વાત શું છે?' વિદ્યા હળવું હસી, અને પ્રશાંતને દરવાજા તરફ ધકેલતા બોલી. 'અરે બાબા, કોઈ જ વાત નથી. શું કામ આટલું બધું વિચારો છો. હવે જાવ ને ભઈસા'બ.' ઘરથી ટ્રાઈવ કરી રૅસ્ટાંરા સુધી પહોંચતામાં પણ આખા રસ્તે પ્રશાંત એ જ વાતનો તાડો મેળવવા મથી રહ્યો કે આમ મને અને મમ્મી ને એકલા શા માટે ડિનર માટે મોકલ્યા હશે. નક્કી કંઈક તો વાત હોવી જોઈએ. પણ શું વાત હશે?

રૅસ્ટાંરામાં બેઠાં એટલે પ્રશાંતે પૂછ્યું, 'શું ખાવું છે મમ્મી?'  'મારે તો હવે દાંત છે નહીં દિકરા,કંઈક એવું મંગાવજે જે મારાથી ચોકઠાં સાથે ચવાય.' પ્રશાંતને ખબર હતી કે મમ્મીને પનીર ભુરજી ખૂબ ભાવે છે એણે પનીર ભુરજી મંગાવવાનું નક્કી કર્યુ.

'પહેલા સુપ લઈશું?' તેણે ફરી એની મમ્મીને પૂછ્યું. 'ચાલશે.'મમ્મીએ નેપકીન ખોળા પર પાથરતા કહ્યું. 'એક્સ ક્યુઝ મી, એક ટોમેટો સુપ, એક મન્ચાઉ સુપ. પનીર ભુરજી એન્ડ ફોર ચપાતી પ્લીઝ.' તેણે વેઈટરને ઓર્ડર આપ્યો. ઓર્ડર પ્રમાણે મંગાવેલુ ખાવાનું આવે ત્યાં લગી રાહ જોતા બેઠેલા પ્રશાંતના મનમાં અવઢવ ચાલતી હતી કે, વાતની શરૂઆત કઈ રીતે કરવી ? એને લાગતું હતું કે મમ્મીએ કંઈ અગત્યની વાત કહેવી હશે પણ તેમને કહેતા સંકોચ થતો હશે. તેથી તેણે મનોમન સંવાદ ગોઠવ્યો. 'હં મમ્મી, બોલો.' 'શું બોલું દિકરા? તું કહે. કેમ છે તું? તારી ઓફિસ, સોનુનું ભણવાનું, બધું બરાબર ચાલે છે ને?' 'હા, મમ્મી ખૂબ કામ રહે છે આજ-કાલ, સોનુનું ભણવાનું તો વિદ્યા જ સંભાળી લે છે એટલે ચિંતા નથી.' 'હા, એ ખરૂં વિદ્યા બિચારી આખા દિવસના કામના ઢસરડાં સાથે સોનુને ભણાવવાનું અને તારૂં ટિફિન વગેરે કરતા થાકી જતી હશે નહીં.' મમ્મી એકદમ સહજ ભાવથી વાત કર્યે જતી હતી, પણ પ્રશાંત રાહ જોઈ રહ્યો હતો કે મમ્મીને સાચે જ આ બધી વાત કરવી છે કે કોઈક બીજી જ વાત હશે? વાત કરતા કરતા મમ્મીની નજર ફરી તેમના ખોળામાં તેમણે પાથરેલા નેપકીન પર ગઈ. 'લાલા તને યાદ છે? આપણી બાજૂવાળા રમામાસીના લગ્ન હતા ત્યારે, મેં તને આ જ કલરની ચડ્ડી પહેરાવેલી. તારા પપ્પા મને ઘર ચલાવવા દર મહિને જે પૈસા આપતા તેમાંથી ચાર મહિના લગી થોડા થોડા કરીને મેં જે પૈસા બચાવેલા તેમાંથી હું તારે માટે એ ચડ્ડી લાવેલી. અને તેં અડધા જ કલાકમાં તે ચડ્ડી લગ્નમાં ધમાલ કરવામાં ફાડી નાખેલી.' ઓહ, નક્કી મમ્મીને પૈસાની જ જરૂર છે. પ્રશાંતને જાણે ધીમે ધીમે વાતનો તાડો મળી રહ્યો હતો. 'હા મમ્મી મને થોડું થોડું યાદ છે.' તેણે કહ્યું. 'તું અને રશેષ કેટલી ધમાલ કરતા બાપા, થાકી જતી હું તો. તારા પપ્પાને તો પાછું કંઈ જ કહેવાય નહીં. એમનો ગુસ્સો તો તને ખબર હતી ને કેવો હતો?' મમ્મી બોલ્યે જતી હતી. તેમની એક પછી એક વાત પ્રશાંતને તેના બાળપણના દિવસો તરફ પાછો ધકેલી રહી હતી. ધીમે ધીમે કરતા પ્રશાંત અને રશેષના બાળપણની અનેક સ્મૃતિઓ આજે ફરી તાજી થવા માંડી.

પ્રશાંત ત્રણ દિવસથી જે વિચાર કરતો હતો તે બધી વાત તો ક્યારની બાજૂ પર રહી ગઈ. 'મમ્મી તને યાદ છે મહેતા અંકલ, તેમના ઘરના ઓટલા પાસે જ અમે લખોટી રમતા, બપોર પડે ને એ કેવા બરાડા પાડતા ?' પ્રશાંત બોલ્યો જાણે મહેતા અંકલના ઓટલે જ પહોંચી ગયો હોય. 'ચાલો જાવ અહીંથી આખી બપોર માથે કટકટારો કર્યા કરો છો તે.' મમ્મી બોલી. જાણે હમણાં મહેતા અંકલ જ બોલી રહ્યા હોય તેમ. અને બંને હસી પડ્યા. વાત વાતમાં રોજ ત્રણ ચપાતી ખાતો પ્રશાંત પાંચ ચપાતી ક્યારે પેટમાં ઉતારી ગયો તે પણ ખબર નહીં પડી. મમ્મીએ વિતાવેલા એ સંઘર્ષના દિવસો, એક વર્ષ પ્રશાંતની સ્કુલની ફીઝ નહોતી ભરાઈ અને ટીચરે તેને સ્કુલમાંથી કાઢી મૂક્યો હતો ત્યારે કેવો તે રડતો રડતો ઘરે આવ્યો હતો તે વાતથી લઈ ને એક દિવસ નાની અમથી ફરિયાદને કારણે જ્યારે પપ્પાએ તેને ખૂબ માર્યો હતો ત્યારે કેવા મા-દિકરા બંને આખી રાત રડ્યા હતા ત્યાં સુધીની વાત આજે પનીર ભુરજી અને ચપાતી સાથે વાગોળાઈ ગઈ. વાતમાં ને વાતમાં દોઢ કલાક ક્યાં પસાર થઈ ગયો ખબર પણ નહીં પડી. રૅસ્ટાંરામાંથી બહાર નીકળી ફરી ઘર તરફ જતા રસ્તે ઉભેલા મટકા કુલ્ફી વાળાને જોઈ મમ્મી બોલ્યા, 'લાલા, મલાઈ કુલ્ફી ખાઈશું?' પ્રશાંતે તરત કારને બ્રેક મારી રસ્તાની બાજૂમાં લીધી. કારનું એન્જીન બંધ કરી કુલ્ફીવાળા સુધી જતામાં તો પ્રશાંતને તે દિવસ યાદ આવી ગયો જ્યારે મહિનાની આખર તારીખ હતી અને તેણે મમ્મી સામે મટકા કુલ્ફી ખાવા માટેની જીદ્દ પકડી હતી. મમ્મી બિચારી લાચાર હતી કારણ કે મહિનાનો એ છેલ્લો દિવસ હતો અને તેનાથી તેના લાલાને એક માત્ર મટકા કુલ્ફી ખવડાવી શકાય તેટલા પણ પૈસા બચ્યા નહોતા. પ્રશાંતને ખબર નહોતી કે મમ્મીને હજૂ પણ તે દિવસ યાદ હશે. તેમણે પ્રશાંતને કહ્યું, 'લાલા, કુલ્ફીના પૈસા હું આપીશ હં.' પ્રશાંતની આંખમાં ઝળઝળીયા આવી ગયા. તે 'હા, સારૂં.' એટલું પણ બોલી શકે તેમ નહોતો. તેણે માત્ર હકારમાં મોઢું હલાવ્યું.

ઘરે પહોંચી મમ્મી, રશેષ અને ભાભીને આવજો કહી પ્રશાંત, વિદ્યા અને સોનુ કારમાં ગોઠવાયા. વસઈથી કાંદિવલી સુધીના રસ્તે પ્રશાંતે એક પણ શબ્દની વિદ્યા સાથે વાત નહીં કરી. મોડું થઈ ગયું હતું એટલે સોનું તો ક્યારનો પાછલી સીટ પર સૂઈ ગયો હતો. કાંદિવલીનું ઘર નજીક આવ્યું અને પ્રશાંતે અચાનક કાર રસ્તાની એક તરફ થંભાવી અને વિદ્યાને ભેટી પડ્યો. રડમસ અવાજે તેણે કહ્યું, 'થેંક યુ વિદ્યા, ધીસ ઈઝ અ બેસ્ટ ઈવનિંગ ઈન માય લાઈફ. મમ્મીની બર્થ ડે પર મને દુનિયાની સૌથી સુંદર એવી આજની આ સાંજ ભેટ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર.' વિદ્યાને લાગ્યું કે હમણાં આ તેનો ખભો જે ભીંજાય રહ્યો છે તે કદાચ લાલાની મમ્મીનો ખભો છે. અને તરત વિદ્યા પત્ની મટી એક મા બની ગઈ અને તેણે પ્રશાંતના માથે વ્હાલથી હાથ ફેરવવા માંડ્યો.


Rate this content
Log in