STORYMIRROR

Ashutosh Desai

Others

4  

Ashutosh Desai

Others

એ હું જ હોઈશ

એ હું જ હોઈશ

10 mins
29.9K


'મારે તમારું અહેસાન નથી જોઈતું સાહેબ.' તેણે એક અજીબ પ્રકારની ખુમારી સાથે પ્રણવને કહી દીધું અને પ્રણવ એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી ચૂપ ચાપ ચાલી ગયો. 'તારામાં અક્કલ જેવું કંઈ છે કે નહીં છોકરી? આટલો સરસ છોકરો હતો, આવી સરસ નોકરી કરે છે અને તને કેટલો પ્રેમ પણ કરે છે છતાં તે ના પાડી દીધી? જે મોકો તને મળ્યો છે સીમા એવો મોકો જિંદગી દરેકને નથી આપતી, હજીય કહું છું રોકી લે એને.' એક મોટી બહેનની જેમ સલાહ આપતાં રમામાસીએ કહ્યું હતું. પણ સીમા કોઈ કાળે માનવા તૈયાર નહોતી.

એનાં મનમાં શું ચાલી રહ્યું હતું તે પ્રણવ કે રમામાસીને જ નહીં પણ ખુદ સીમાને પણ સમજાતું નહોતું. પ્રણવને તો એણે તરત કહી દીધું કે, 'મારે તમારું અહેસાન નથી જોઈતું.' પણ પોતાના મનમાં ચાલતા ઘમાસાણ સામે શું દલીલ કરવી? તેણે શું કામ પ્રણવને આવો જવાબ આપ્યો? તેનું કારણ શું હતું? તેની તેને પોતાને પણ સમજ નહોતી પડી રહી. પ્રણવ તો ક્યારનોય ચાલી જ ગયો હતો, રમામાસી પણ અડધા કલાકની સમજાવટ પછી જતાં રહ્યાં. પણ સીમા પથારીનો એક ખૂણો પકડીને બેસી ગઈ હતી. થોડીવારમાં તો ફરી તેણે રાતની તૈયારીમાં લાગી જવાનું હતું. પણ છતાં સીમાને આજે જાણે સમયનું ભાન જ નહોતું.

પહેલીવાર પ્રણવ જયારે તેની પાસે આવ્યો હતો ત્યારે કેવો જિજ્ઞાસાથી તેને જોયા કરતો હતો! અડધા કલાક સુધી તો કંઈ બોલી પણ નહોતો શક્યો. તેની આંખો સીમા પર એ રીતે જડાઈ ગઈ હતી જાણે સીમા કોઈ સ્ત્રી નહીં પણ આંખ સામે આવેલી કોઈ જાદુની પૂતળી હોય. સીમા વારે વારે તેનું આવું બાઘાપણું જોયને હસી પડતી હતી. તે દિવસે રૂમમાં આવવાથી લઈને તમામ વસ્તુ સીમાએ જ તો સામે ચાલીને તેને શીખવવી પડી હતી. બીજે દિવસે સવારે સીમાએ તેની મિત્રો સામે પ્રણવની કેટલી મજાક ઊડાવી હતી. 'બાઘો છે સાવ બાઘો. તદ્દન ડોબો છે!' અને સીમાની આવી ટીખ્ખળ સાંભળી તેની બધી મિત્રો એક સાથે છૂટા મોઢે હસી પડી હતી. અને આજે તે જ પ્રણવ બેઝિઝક બધાંની સામે બિન્ધાસ્ત હાથ પકડી સીમાને રૂમમાં લઈ આવ્યો અને તેના હોંઠ પર પોતાના હોંઠ ભીંસી દઈ તસતસતું દીર્ઘ ચુંબન કરી લીધું હતું. બે ઘડી માટે તો સીમાને પોતાનો શ્વાસ રુંધાતો હોય તેમ લાગ્યું. અને પછી તેની આંખમાં આંખ પરોવતાં દ્રઢ શબ્દોમાં કહી દીધું, 'સીમા હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.'

'વૈશ્યાને કદી સંસાર માંડવાની પરવાનગી નથી હોતી સાહેબ! અમને એક રાત માટે ખરીદી શકાય, પરણેત્તર બનાવીને ઘરે નહીં લઈ જવાય.' સીમાએ ધીમા પણ મક્કમ અવાજે જવાબ આપ્યો હતો. 'એવો નિયમ કોણે બનાવ્યો સીમા? મારે દુનિયા, લોકો અને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી, મારે તને નવી જિંદગી આપવી છે, આ નર્કમાંથી મારે તને જીવન તરફ લઈ જવી છે સીમા.' પ્રણવ લાગણીશીલ થતા બોલ્યો.

'આ લાગણીઓના આવેગમાં લેવાયેલો નિર્ણય છે સાહેબ, જ્યારે આ પ્રેમ, લાગણી અને શરીર બધાના ઉભરા ઓસરી જશે ત્યારે આ જ સીમા તમને બાજારૂ, અકારી અને ગામનો ઉતાર લાગવા માંડશે, અને આ જ બજાર હશે જ્યાં તમે જ મને દિવસના અંતે ફેંકાતા એંઠવાડની જેમ ફરી ફેંકી જશો.'

સીમાનો અવાજ વધુ મક્કમ બન્યો પણ છતાં તેણે અવાજ મોટો નહોતો કર્યો. પ્રણવ રીતસર ચિઢાયો.

'આવું કંઈ જ નહીં થાય સીમા, તું સમજતી કેમ નથી? હું તને એક આશા ભરી જિંદગી તરફ લઈ જવાની વાત કરું છું અને તું આ નર્કમાંથી નીકળવા જ તૈયાર નથી!' 'હું જ્યાં છું, ત્યાં જ ઠીક છું. મારે તમારું અહેસાન નથી જોઈતું સાહેબ.' સીમાએ મોઢું ફેરવી લીધું. દરવાજા પાસે ઊભેલા રમામાસી બંનેની વાતચીત સાંભળી રહ્યાં હતાં.

પ્રણવે રમામાસી તરફ ગુસ્સાથી જોયું. એનાં જેવા આટલી સારી કોલેજમાં પ્રાધ્યાપકની નોકરી કરતાં, વેલ સેટલ્ડ છોકરાને લગ્ન કરવા માટે કોઈ બાજારૂ છોકરી ના પાડે તે વાત તેનાથી સહન નહોતી થઈ રહી. પગ પછાડતા પ્રણવ ત્યાંથી ચાલી ગયો.

સીમા આવી જ હતી, માથા ફરેલ. પોતાના મનમાં આવે તે જ કરે. એને કોઈ પણ કામ કે વાત માટે કોઈ જબરદસ્તી નહીં કરી શકે. ક્યારેક તો કોઈ ગ્રાહકને અડધી રાતે રૂમમાંથી તગેડી મૂકતી, તો ક્યારેક ગ્રાહકને પ્રેમથી અંદર લઈ જાય પણ પછી ખબર નહીં પળવારમાં જ તેની સામે શું વાંધો પડે ને એક મોટી ગાળ સાથે તેને રવાના કરી દે. એની આવી હરકતને કારણે કેટલીયવાર રમામાસીએ તે ગ્રાહકના પૈસા પણ પાછા આપી દેવા પડતા અને ઉપરથી તે લોકો ન બોલવાનું બોલી જતાં તે અલગ.

રમામાસી કેટલીયવાર સીમાને સમજાવતા, ડારતા તો પણ ન સમજે તો કોઈકવાર મારી પણ દેતા પણ સીમા કોઈ પણ રીતે બદલાય તેવી છોકરી જ નહોતી. એ તો એકદમ અલ્લડ, આપમિજાજી, આખાબોલી અને ધારેલું જ કરનારી, સ્વતંત્ર દિમાગવાળી છોકરી. શ્યામવર્ણ, પાવડર, લીપ્સ્ટીક અને બીજા સસ્તા ભાવના મેક-અપના સામાન વાપરવાને કારણે રૂક્ષ થઈ ગયેલો ચહેરો.

આમ, પણ દેખાવ કંઈ ખાસ સુંદર તો નહોતો જ એનો. શરીર ઠીક ઠીક ઘાટીલું ખરું પણ જેમ કોઈ સુંદર તાજા ફળને વારંવાર માર લાગવાથી એ કરમાઈ જાય, કચડાઈ જાય એની ઉપરી છાલ તરડાઈ જાય, તેમ જ સીમાના શરીરમાં પણ આકર્ષિત કહી શકાય તેવું હવે કંઈ જ રહ્યું નહોતું. ખબર નહીં પ્રણવ તેનામાં શું જોઈ ગયેલો પણ ચાર મહિના પહેલા એ રમામાસીનાં દરવાજે પહેલી જ વાર આવ્યો હતો અને સીમા તેની એ પહેલી રાતની ખરીદેલી પહેલી છોકરી. ત્યારપછી તો એ લગભગ દર અઠવાડિયે આવતો. શું ખબર સીમામાં એને શું ગમી ગયેલું પણ નજર સામે ઊભેલી બીજી કેટલીય છોકરી તરફ પ્રણવ નજર સુધ્ધા નહોતો નાખતો અને સીધો સીમાનાં રૂમના દરવાજા તરફ ચાલી જતો. ત્યાં ઊભેલી કેટલીક છોકરીઓ તો પ્રણવને જતા જોઈ સારો ગ્રાહક સીમાને કારણે ગુમાવવાને લીધે ગુસ્સો પણ કરતી.

સીમા પણ પ્રણવને આવેલો જોઈ ખુશ થઈ જતી. પ્રણવ માટે દૂધનો ગ્લાસ મંગાવતી, તો ક્યારેક બાજૂની ઈરાની હૉટેલમાં ઈંડા અને પાંઉ મોકલવા કહેવડાવતી. બંને ખૂબ વાતો કરતા, અનેક વિષયો, અનેક દલીલો અને અનેક વિચારો. પ્રણવ અને સીમાને કોઈ આ રીતે વાત કરતા જુએ તો માનવા પણ તૈયાર નહીં થાય કે આ એક વૈશ્યા અને ગ્રાહક વચ્ચે થતી વાત છે. લોકોને એવી કલ્પના પણ નહીં હોય કદાચ કે આ બંને પક્ષ વચ્ચે ક્યારેક કોઈ વાતચીત પણ થતી હશે. બાકી આમતો આ બદનામ બજારનો સિરસ્તો હોય છે કે પૈસા આપ્યા, વિન્ડો શોપિંગ કરતા હોય તેમ શો-પીસમાંથી ગમતા માલ પર નજર ટેકવી અને શરીરનાં આવેગનું શમન થાય તે સાથે જ સંબંધ અને વ્યવહાર ખતમ.

એકમેકનાં નામ, ઠામ, ઉંમર વગેરે જાણવામાં કે જણાવવામાં કોઈને રસ નથી હોતો. પણ પ્રણવ અને સીમા જાણે આ સિરસ્તાની પરવા નહીં કરનારા બે ખૂબ સારા મિત્રો કે કદાચ પ્રેમી બની ગયાં હતાં. પ્રણવને જોતા સીમાની આંખમાં આવી જતી ચમક રમામાસીએ જોઈ હતી.

સીમા કેટલી બધી ચોપડીઓ પ્રણવ પાસે મંગાવતી, ક્યારેક રામાયણ કે ગીતા વાંચતી હોય તો ક્યારેક ચેખોવ કે રવીન્દ્રનાથ ટાગોર. ક્યારેક કનૈયાલાલ મુનશી તો ક્યારેક આગાથા ક્રિસ્ટી કે હારોલ્ડ રોબીન્સ. ગીલબર્ટ પેટનના લગભગ દોઠસો જેટલા પુસ્તક સીમાએ વાંચી નાખેલા. ર.વ દેસાઈ, ધૂમકેતુ કે ઝવેરઝંદ મેઘાણીના પુસ્તકોનાં વાક્યો તો જાણે એના મોઢે બોલાતા શબ્દો જેવા થઈ ગયેલા.

સીમાએ વાંચન માટે ક્યારેય કોઈ વિષય, કોઈ લેખક, કવિ કે કોઈ પુસ્તકના સીમાડા નહોતા રાખ્યા. એ તો બસ વાંચ્યે જતી. બે પાના વાંચે અને અચાનક ક્યાંક ખોવાય જાય.

ફરી ઝબકીને ચોપડીના ઉઘાડા પાના પર પટકાય અને ફરી વાંચનની ડોર પકડી લે. કોકવાર રામાયણ કે ગીતા તો કોકવાર કુરાન, જેવા પુસ્તકને હાથમાં જોઈ તેની સાથે રહેતી છોકરીઓ તેની મજાક પણ ઉડાવતી 'સીમા તો ભઈ વૈશ્યાવાડમાં આવેલી સાધ્વી છે, આ બધું વાંચવાથી કંઈ નહીં થાય સીમા, એના કરતા તારા પ્રણવબાબુ પાસે કામસૂત્ર મંગાવ કામસૂત્ર!' અને બધી હસી પડતી. સીમા પણ હસી પડતી.

કેટલીયવાર એ પ્રણવ માટે કાગળ પર કવિતાઓ લખી રાખતી, ક્યારેક તેણે કોઈ વાર્તા લખી હોય તો ક્યારેક કોઈ ગીત. ક્યારેક કોઈ ફિલ્મ વિશે તો ક્યારેક પોતાના વિશે.

પ્રણવને પણ આ બધું વાંચવાનું ખૂબ ગમતું. સીમાએ લખેલી એક એક રચનાને તે પોતાના જીવની જેમ સાચવતો. સીમા ખૂબ વાંચતી, વાંચવું એને મન શ્વાસ લેવા જેટલું અગત્યનું અને ગમતીલું હતું. તે ઘણીવાર કહેતી કે વાંચવાથી તેનો રાતનો થાક ઉતરી જાય છે. અને લખવાથી તેણે સહન કરેલા દરેક ગ્રાહકના ગંદવાડને તે બહાર ઠાલવી દઈ ફરી જીવંત થઈ શકે છે. તેની આવી વાતો સાંભળી બધાં હસતાં. પણ રમામાસી સીમાને બરાબર સમજતાં હતાં. તેમને કાયમ લાગતું કે આ છોકરી અલગ માટીની બની છે અને પછી નિઃસાસો નાખતા. 'રે કિસ્મત, હીરાને ક્યાં અહીં ઉકરડે ધામા નંખાવ્યા તે...!'

રોજ નવા નવા ગ્રાહક સાથે રાત વિતાવવાનાં ધૃણાસ્પદ બજારમાં ચોવીસ જેટલી છોકરીઓને લઈ ધંધો ચલાવતા રમામાસીને ખબર હતી કે ક્યારેક કોઈ દેશી દારૂ પીને આવ્યો હોય તો ક્યારેક કીમામવાળું પાન ખાઈને. ક્યારેક કોઈ ગાળ ભાંડતો રૂમમાં આવે તો ક્યારેક સિગારેટના ડામ પણ શરીર પર અડકાડી દે. આવા વિકૃત લોકો સાથે રોજ એક નર્કની રાત ગુજારતી આ છોકરીઓ એ, આ બધું જ સહન કરીને પણ હસતા રહેવાનું હતું અને બીજી સાંજે ફરી પાછલી રાતને ભૂલી નવા ગ્રાહકની શોધ માટે હોંઠ પર લીપસ્ટીક અને ગાલ પર પાવડર ચોપડવાના હતાં. આવા સમયે પ્રણવ જેવો ભણેલો ગણેલો છોકરો સીમાને લગ્ન કરવા કહી રહ્યો હતો અને સીમાએ તેને ઘસીને ના પાડવા પહેલા પળવારનો પણ વિચાર નહોતો કર્યો તે વાતથી રમામાસીને થોડો ગુસ્સો આવી ગયો. 'તારામાં અક્કલ જેવી છે કે નહીં છોકરી? આટલો સરસ છોકરો તને કેટલો પ્રેમ કરે છે છતાં તેં ના પાડી દીધી?' સીમા કંઈ નહીં બોલી બસ ચૂપ ચાપ પોતાના રૂમમાં ખાટલાના એક ખૂણે બેસી રહી.

બાર વર્ષની ગુજરાતી શાળામાં જતી ખેડૂત બાપની દીકરી સીમા, માએ બનાવેલા ખાવાનાનું પોટલૂં લઈ બાપને ખેતરે આપવા જતી. અને ત્યાંથી શાળાએ જતી. ગામની શાળા માટે સીમા હીરો હતી. દરેક શિક્ષકથી લઈને પ્રિન્સીપાલ સુધીનાં તમામની ફેવરિટ. એક દીવસ બપોરના ધોમધખતા તાપમાં ખેતરમાં કામ કરતા સીમાનાં બાપને ચક્કર આવ્યાં, આંખના દોડા ચઢી ગયા અને મોઢામાંથી ફીણ નીકળી આવ્યું. મજૂરની જેમ પોતાના ખેતરમાં કામ કરતો એ ખેડૂત ખેતરની વચ્ચે જ ફસડાઈ પડ્યો. સાંજ સુધી કોઈની નજર સુધ્ધા નહોતી પડી, ઘર તરફ જવા સાંજના ટાણે જ્યારે લોકોએ બૂમ પાડી તો ખબર પડી કે સીમાનો બાપ ક્યારનોય ગામ, ખેતર અને શરીર છોડીને જઈ ચૂક્યો હતો. ગરીબ ઘરનો મોભી અચાનક ચાલી ગયો.

સીમાનાં મામા તેની માની વહારે આવ્યા. અને તેમણે કહ્યું. 'બહેન તું જરાય ચીંતા નહીં કરતી, સીમાને હું રાખીશ, ભણાવીશ-ગણાવીશ અને મોટી કરીશ.' વખાની મારી બહેન, ભાઈના પગમાં પડી ગઈ. અને સીમા તેના મામા સાથે શહેરમાં આવી ગઈ. પણ તે જ દીવસે મામો, કંસમામો બની ગયો.

પોતાના બે મિત્રો સાથે ઘરમાં મિજબાની માણ્યાબાદ બાર વર્ષની સીમાની ત્રણેય નરાધમોએ દારૂનાં નશા સાથે ઉજાણી કરી. નાનકડી સીમા રડતી રહી. બરાડા પાડતી રહી. 'મામા નહીં મામા, મને દુઃખે છે મામા, મામા હું ઘરના બધા કામ કરીશ. ક્યારેય ના નહીં પાડું પણ આવું નહીં કરો મામા મને બહુ દુઃખે છે.' પછી તો એ નાનકીનો અવાજ પણ નીકળતો બંધ થઈ ગયો. એક સામટા ત્રણ આખલાના અત્યાચારથી બિચારી નાનકી બેભાન જેવી થઈ ગઈ. પછી તો આ રોજે રોજનો તમાશો હતો. આખરે મામો ભાણજીના ચૂંથી નાખેલા શરીરથી કંટાળી ગયો અને એક દિવસ રમામાસીના દરવાજે થોડા રૂપિયાનાં બદલામાં સીમાને ફેંકી ચાલી ગયો.

'પ્રણવ મને ખબર છે કે તું હવે ક્યારેય અહીં પાછો નહીં આવે.' તે બોલી. સીમાનાં રૂમના ટેબલ પર પડેલા કાગળ જાણે પ્રણવનું નામ લખવા સીમાને બોલાવતા રહ્યા પણ સીમા જાણે મનમાં કોઈ મક્કમ નિર્ધાર કરીને બેઠી હતી. એણે કંઈક બીજું જ કરવા ધાર્યું હતું. રમામાસીને જ નહીં સીમાને પોતાને અને પ્રણવને પણ ખબર હતી કે તે પ્રણવને ચાહે છે, પણ છતાં તેણે ના શું કામ પાડી તે સીમા સિવાય બીજા કોઈ ને સમજાતું નહોતું. પણ કહેવાય છે કે જે ખ્વાબને પોતાનામાં ભરવા માટે આંખ, ઊંઘ જેવી તેની મહામૂલી મિલકત લૂંટાવી દે, ખિચોખીચ ભરી શકાય તે રીતે પોતાનો એક એક ખૂણો સાફ કરી આપે અને પછી ત્યાં જે રોપાઈ તેનું નામ સ્વપ્ન. શું સીમાની આંખમાં આવું જ કોઈ સ્વપ્ન હતું? કે પછી જિંદગી પ્રત્યેથી તેણે બધી જ આશાઓ છોડી દીધી હતી અને આ ઉકરડામાં જ પોતાની આખી જિંદગી હોમી દેવાનો તેણે નિર્ધાર કર્યો હતો.

પ્રણવના ગયાને આજે આઠ વર્ષ થઈ ગયા. તે દિવસ પછી તે ક્યારેય ફરી દેખાયો નહીં. આજે પ્રણવની કોલેજમાં યુનિવર્સિટીનો કોન્વોકેશન પ્રોગ્રામ હતો. અને પોતાની કોલેજના વિદ્યાર્થીઓની સાથે સાથે યુનિવર્સિટીની બીજી કોલેજના પણ આવેલા વિદ્યાર્થીઓથી ચિક્કાર ભરેલા હોલમાં પ્રણવ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યો હતો. 'યુનિવર્સિટીના આ પદવિદાન સમારંભમાં સૌથી પહેલા આપણે પી.એચ.ડીની ઉપાધીથી શરૂઆત કરીશું.

મને કહેતા ગર્વ થાય છે કે આ વર્ષે આપણી યુનિવર્સિટીમાંથી ચાર વિદ્યાર્થીઓ પી.એચ.ડી થઈ રહ્યાં છે. સૌપ્રથમ આપણે તાળીઓથી સ્વાગત કરીએ એક એવી વિદ્યાર્થીનીની જેમણે બી.એ અને એમ.એ. બંને આપણી જ યુનિવર્સિટીમાં એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે કર્યા અને આ વર્ષે પ્રખ્યાત અમેરિકન કવિ, લેખક અને નિબંધકાર લેંગસ્ટન હ્યુજીસને પોતાના વિષય તરીકે પસંદ કરી તેમના પુસ્તકો અને લખાણ શૈલી પર મહાનિબંધ લખી ડૉક્ટરેટની ઉપાધી મેળવી. સો પ્લીઝ વેલકમ પારૂલ ઉમરવાડિયા.' પ્રણવ બોલ્યો અને શ્રોતાઓની પાછલી હરોળમાંથી એક છોકરી ઊભી થઈ.

તાળીઓના ગડગડાટ વચ્ચે સ્ટેજ પર ઊભેલા પ્રાધ્યાપકો તે છોકરીને આવકારવા માટે ઊભા થઈ ગયા. પ્રણવ તે છોકરીને જોતાં જ અવાચક થઈ ગયો. તેને ચક્કર જેવા આવવા માડ્યા. 'સીમા...!' હૉલની પાછલી હરોળમાંથી સ્ટેજ તરફ આવી રહેલી છોકરીને જોતા તેનાથી ઉદ્‍ગાર નીકળી ગયો. તેણે કાગળ પર ફરી એકવાર નજર નાખી લીધી 'પણ નામ તો પારૂલ લખેલું છે.' તેનાથી બોલાઈ ગયું. તે બેભાન જેવો થઈ રહ્યો હતો. એટલામાં જ પારૂલ નજીક આવી અને પ્રણવની બરાબર બાજૂમાં ઊભી રહેતા માઈક પર હાથ મૂકી બોલી, 'સીમા એ બજારે આપેલું નામ છે સાહેબ.' અને પછી ગૌરવભેર ગરદન ઉઠાવતા લેંગસ્ટન હ્યુજીસની જ લખેલી ચાર પંક્તિ ઉમળકા સાથે તેણે માઈક પરથી હાથ ઉઠાવતા ઉચ્ચારી.

'ક્યારેક કોઈ વ્યક્તિ ઊભી થશે, અને મારી વાત કરશે. અને મારા વિશે લખશે - શ્યામ અને સુંદર - અને મારા ગીત ગાશે, અને મારું નાટક ભજવશે !

'મને લાગે છે કે વ્યક્તિ હું જ હોઈશ.
હું જ હોઈશ ! હા, એ હું જ હોઈશ.'


Rate this content
Log in