દેડકાભાઈનું ડ્રાઉં ડ્રાઉં
દેડકાભાઈનું ડ્રાઉં ડ્રાઉં
ધોધમાર વરસાદ વરસ્યો. ખાડા-ખાબોચિયાં, નદી-નાળાં બધું ભરાઈ ગયું. બધે પાણીની રેલમછેલ. વૃક્ષોમાં અનેરો આનંદ હતો અને પશુ-પક્ષી-જીવ-જંતુ વગેરેનો આનંદ માતો નહોતો. સૌ-સૌની રીતે ખુશખુશાલ હતાં. આ જોઈને જાણે કુદરત પણ મલકી ઊઠી.
એક જગ્યાએ એક નાનકડું ખાબોચિયું. ખાબોચિયું પણ પાણીથી ભરાયું. તેના ઉપર એક દેડકાભાઈએ કબજો જમાવ્યો. દેડકાભાઈ તો કૂદાકૂદ કરે અને ડ્રાઉં ડ્રાઉં કરીને વાતાવરણને ગજવી મૂકે. જાણે પોતે એ ખાબોચિયાનો રાજા ન હોય ! દેડકાભાઈનો વટ વધી ગયો કે એક ખાબોચિયા ઉપર પોતે અધિકાર જમાવ્યો છે. દેડકાભાઈ તો મોજ-મસ્તીમાં પોતાનો સમય વીતાવે છે. અરે, રાત્રે પણ જંપીને બેસતા નથી અને બીજાંની ઊંઘ બગાડે છે.
એક દિવસ એક નાનકડું જીવડું પાણી જોઈને ખાબોચિયા પાસે આવ્યું. દેડકાભાઈએ તેને જોયું. દેડકાભાઈ તો ગુસ્સામાં આવી ગયા. ક્રોધિત સ્વરે બોલ્યા, ‘‘એય જીવડા, જા અહીંથી ! આ ખાબોચિયા ઉપર મારો અધિકાર છે. તું બીજે જતું રહે ! અહીં આવ્યું છે તો જીવતું નહિ રહે !’’ જીવડું તો ‘ભલે, દેડકાભાઈ!’ કહીને ચાલતું થયું. દેડકાભાઈને તો વધારે અભિમાન આવ્યું. તેણે તો પોતાનો અવાજ ઊંચો કરી દીધો. વધારે બોલે ને વધારે કૂદકા મારે ! દેડકાભાઈની મસ્તીનો પાર નથી. થાક લાગતો નથી. રાત-દિવસની એક જ ધૂન-મસ્તી. આવી રીતે દિવસો વીતવા લાગ્યા.
હવે ચોમાસુ પૂરું થવા આવ્યું. ભાદરવાનો તડકો ખૂબ તપ્યો. પેલા ખાબોચિયામાં પણ ધીમે ધીમે પાણી ઓછું થવા લાગ્યું. જેમ પાણી ઓછું થાય, તેમ દેડકાભાઈ વધુ મૂંઝાય. પેલો ડ્રાઉં ડ્રાઉંનો દેકારો ઓછો થવા લાગ્યો. એક દિવસ તો જરાય પાણી ન રહ્યું. ત્યારે દેડકાભાઈને ત્યાંથી ભાગીને કયાંક ઠંડી જગ્યામાં છૂપાઈ જવાનું મન થયું. દેડકાભાઈ ભાગવા જાય છે ત્યાં જ પેલું જીવડું આવે છે અને દેડકાભાઈને કહે છે, ‘‘દેડકાભાઈ ! કેમ કબજો છોડી દેવો છે ? તમે કબજો જમાવ્યો પણ કોની ઉપર ? જેનું કાયમી અસ્તિત્વ જ નથી ! જે વસ્તુનું કાયમી અસ્તિત્વ ન હોય એવી વસ્તુ ઉપર કબજો જમાવનાર અંતે દુ:ખી જ થાય છે !’’ અને દેડકાભાઈ તો ‘તારી વાત સાચી છે’ કહીને ત્યાંથી ભાગ્યા અને કયાંક છૂપાઈ ગયા.
