ઢમ ઢોલ માંહે પોલ
ઢમ ઢોલ માંહે પોલ
એક માણસ હતો. વિદ્યાને તો તેની સાથે વેર હતું. પરંતુ તે માણસ પાસે થોડું હાજર જવાબીપણું હતું. કયારેક અટકળે દીધેલો જવાબ સાચો પડે, કયારેક અટકળે ચીંધેલો રસ્તો સફળતા અપાવે. આ અટકળોની દુનિયાને લીધે તેની ગણતરી વિદ્વાન તરીકે થવા લાગી. પછી તો તેણે એક જયોતિષકેન્દ્ર ખોલ્યું. લોકો આવે, પોતાની મુસીબતો જણાવે અને મળેલા અટકળભર્યા જવાબથી સંતુષ્ટ થાય અને દક્ષિણા મૂકતા જાય. પેલા માણસના ઘરે તો ઘી-દૂધની નદીઓ છલકાવા લાગી. તેની કીર્તિ દૂર-દૂર સુધી ફેલાઈ ગઈ. દૂર-દૂરથી લોકો તેની પાસે સલાહ લેવા આવે અને બધાને આ અટકળિયા વિદ્વાનની અટકળોથી ફાયદો થવા લાગ્યો.
બીજી બાજુ પેલા મહાપંડિતો કે જેઓ કાશી જઈને મોટાં-મોટાં શાસ્ત્રો ભણીને આવ્યા હતા અને વિદ્વતાનો કોઈ પાર નહોતો તેઓને ચિંતા થઈ. તેઓ વિચારતા કે,’’જે માણસમાં શાસ્ત્રોના અભ્યાસનું કયાંય નામોનિશાન નથી, એ માણસની પ્રસિદ્ઘિ આટલી બધી કેમ ફેલાઈ ગઈ !’’ આ પંડિતોને જરાય શાંતિ રહી નહીં. રાત-દિવસ ચિંતા સિવાય કોઈ કાર્ય થતું ન હતું. જે લોકો તેઓની પાસે આવતા હતા તે પણ બંધ થઈ ગયા. આ પંડિતોની તો આવક બંધ થઈ. બધા પંડિતોએ પેલા માણસ પાસે જવાનું વિચાર્યું.
એક દિવસ પંડિતો તે માણસના ઘરે ગયા. તે સમયે તે માણસ બીમાર હતો. છતાં આ પંડિતોને આવકાર આપ્યો. તે માણસની બાજુમાં એક ગરીબ ડોસી રહેતી હતી. તેનો દીકરો ઘણાં સમયથી બીમાર હતો. તે આ માણસની અટકળોથી સાજો થયો ન હતો. આજે આ પંડિતો આવ્યાની જાણ થતાં તે ડોસી આવીને પંડિતોને પોતાનો દીકરો સાજો થાય એ માટે ઉપાય બતાવવાની વિનંતી કરવા લાગી. પણ પંડિતોને આ ડોસી પાસેથી કંઈ મળશે એવી આશા ન દેખાતાં તેઓએ કહ્યું, ‘‘અત્યારે તો અમે આ માણસ સાથે ચર્ચા કરવા આવ્યા છીએ. બીમારોને સાજા કરવાનો અમારી પાસે સમય નથી !’’ ત્યારે પેલો માણસ બોલ્યો,’’પંડિતો ! હું અને તમે બધાં ‘ઢમ ઢોલ માંહે પોલ’ જેવા છીએ. મારી પાસે માત્ર અટકળો છે, જેના થકી રોજી મેળવવા માટે આવા ખોટા ઢોંગ કરું છું, જ્યારે તમારી પાસે વિદ્યા છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર ધન ઉપાર્જન કરવામાં જ કરો છો, માનવતા માટે નહીં ! વિદ્યા હોવાની સાથે-સાથે અનુભવ, આવડત અને માનવતા પણ હોવી જરૂરી છે ! જ્ઞાન- વિજ્ઞાનની અટકળો પણ કંઈ કામની નથી. કદી તેનાથી લાભના બદલે નુકસાન પણ થાય ! જો વિદ્યા, અનુભવ, આવડત અને માનવતા ભેગું મળી જાય તો મારું અને તમારું કાર્ય દીપી ઊઠશે અને જગતમાં કોઈને કંઈ તકલીફ રહેશે નહીં !’’ આટલું બોલીને તે માણસ ચૂપ થઈ ગયો. પંડિતો જાણે તંદ્રામાંથી જાગ્યા હોય એમ બોલ્યા,’’ભાઈ ! તારી વાત સાચી છે ! અમને આજે ખરું જ્ઞાન મળ્યું છે. હવે અમે ‘ઢમ ઢોલ માંહે પોલ’ જેવું નહીં રહેવા દઈએ. તારો આભાર !’’
અને જતાં-જતાં પંડિતો પેલી ડોસીના દીકરાને સાજો કરવાનો ઉપાય દેખાડતા ગયા.
