'Sagar' Ramolia

Children Stories

4.9  

'Sagar' Ramolia

Children Stories

ચોરનું મન છીંડાં શોધે

ચોરનું મન છીંડાં શોધે

2 mins
566


એક સુંદર મજાનું રાજ્ય. સુજ્જનનગર એનું નામ. આ નગરના રાજા એકદમ પ્રામાણિક અને ન્યાયપ્રિય હતા. ‘યથા રાજા તથા પ્રજા’ એ સૂત્રને માન્ય રાખવું પડે એવી અહીંની પ્રજા. લોકો સુખ-શાંતિથી ને સંપીને રહેતા. કોઈને કોઈ જાતની ફરિયાદ ન રહેતી. એટલે ન્યાયાધીશની જરૂર ન રહેતી.

આવા આ શાંત નગરમાં એક વખત કોલાહલ મચી ગયો. બધે એક જ જાતની વાત થવા લાગી કે ‘‘કરણાભાઈના ઘરમાં ખાતર પડયું, તેઓના દસ તોલાનાં ઘરેણાં કોઈએ ચોરી લીધાં.’’ જે નગરમાં બધા પ્રામાણિકતાથી રહેતા હોય ત્યાં ચોરી કેમ થાય ! આ પ્રશ્ન સૌના મનમાં ઘૂમરાયા કરે. કરણાભાઈએ રાજાને ફરિયાદ કરી. રાજા પણ વિચારમાં પડી ગયા. ચોરને કઈ રીતે પકડવો અને પ્રામાણિકતામાં કલંક લગાડનાર કોણ હશે ? શોધવા માટે રાજાએ પોતાની બુદ્ઘિને કામે લગાડી દીધી. કરણાભાઈને જે વ્યકિત ઉપર શંકા હતી તેને અને બહારથી તેઓના ઘેર આવેલા પાંચ મહેમાનોને રાજાએ બોલાવ્યા. સાચા ચોરને શોધવા માટે પહેલા તો રાજાએ બીરબલવાળી યુક્તિ અજમાવી. દરેકને એક-એક લાકડી આપીને જુદી-જુદી કોટડીમાં કેદ કર્યા અને કહ્યું કે, ‘‘જે ચોર હશે તેની લાકડી ચાર આંગળ લાંબી થઈ જશે !’’ બીજા દિવસે સવારે તપાસ કરતા કોઈની લાકડી લાંબી થયેલી ન હતી. હવે રાજાએ દરેકની કોટડીમાં પાણીનો લોટો ભરાવીને મૂકયો અને કહ્યું કે,’’જે ચોર હશે તેનો લોટો તેની મેળે ખાલી થઈ જશે !’’ બીજા દિવસે સવારે જોયું તો કોઈનો લોટો ખાલી થયેલ ન હતો. તરસ લાગી હોવા છતાં કોઈએ પાણી પીધું ન હતું.

રાજા તો ચિંતામાં પડી ગયા. ચોર કોઈ રીતે પકડાતો ન હતો. શું કરવું એ ખબર પડતી ન હતી. ત્યાં એક વૃદ્ઘ માણસે આવીને રાજાને ઉપાય કહ્યો. રાજાએ તે પ્રમાણે દરેકની કોટડીમાં સાત-સાત સોનામહોરો મૂકીને તેની સામે બેસવાનો હુકમ કર્યો અને કહ્યું કે, ‘‘આ ચમત્કારી સોનામહોરો છે. જે ચોર નહીં હોય તેની પાસેથી બે સોનામહોરો અદૃશ્ય થઈ જશે !’’ જે માણસે ચોરી કરી હતી તેને રાત્રે વિચાર આવ્યો કે, ‘‘જો હું બે સોનામહોર લઈ લઉં તો પણ બાકીની પાંચ થઈ જાય અને મને બે સોનામહોરોનો ફાયદો થાય.’’ આમ વિચારી તેણે બે સોનામહોરો પોતાના કપડામાં છૂપાવી દીધી. બીજા દિવસે સવારે તપાસ કરી તો પેલા એક સિવાય બાકી બધાની પાસે સાત સોનામહોરો જ જોવા મળી. રાજાએ તરત નક્કી કરી લીધું કે ચોરી કરનાર ચોર એ આ માણસ જ છે. તેને મારી-મારીને તેની પાસેથી ચોરી કબૂલાવી અને ચોરીનાં ઘરેણાં પાછાં મેળવ્યાં. ચોરી કરવાનું કારણ પૂછતાં ચોરે કહ્યું કે,’’મેં કરણાભાઈ પાસે થોડા રૂપિયા માગ્યા અને તેણે ન આપ્યા એટલે ગુસ્સે થઈને મેં આ કામ કર્યું.’’

વૃદ્ઘ માણસે રાજાને સલાહ આપી હતી કે ‘‘ચોરનું મન સોને બેસે ને છીંડાં શોધે !’’ એટલે રાજાએ ચોરને પકડવા માટે સોનાનો પ્રયોગ કર્યો હતો.      


Rate this content
Log in