'Sagar' Ramolia

Children Stories

4.9  

'Sagar' Ramolia

Children Stories

ભેદના ઊંડાણે ભાગ મળે

ભેદના ઊંડાણે ભાગ મળે

2 mins
587


એક હતું નગર. નગરમાંથી નીકળવા માટે ચાર દિશામાં ચાર દરવાજા હતા. નગરમાં રહે ચીન્ટુ ને મીન્ટુ. બંને પાક્કા મિત્રો. બંને સાથે જ ફરતા હોય. ભણવામાં પણ હોશિયાર અને જિજ્ઞાસુ તથા સાહસી પણ ખરા.

એક વખત ચીન્ટુ ને મીન્ટુ ફરતા ફરતા નગરના પશ્ચિમ દરવાજે પહોંચ્યા. ત્યાં દીવાલ ઉપર કંઈક લખેલું હતું. બંનેએ વાંચ્યું,

‘‘દક્ષિાણે દોડી પૂર્વમાં ફંટાય,

નદી દેખીને નીચો થાય,

કાતરી દસનું ઊંડાણ માપે,

ભેદ જાણે તે ચતુર ગણાય.’’

આમ, તો આ પંક્તિઓ ત્યાંથી આવતાં-જતાં અનેકે વાંચી હશે. પરંતુ કોઈએ તેનો અર્થ જાણવાની કોશિશ નહિ કરી હોય. એ વાંચીને ચીન્ટુ-મીન્ટુનાં મગજ ચકરાવે ચડયાં. ચીન્ટુ કહે, ‘‘કંઈ ભેદ છુપાયેલો છે !’’ મીન્ટુએ દરવાજાના ચોકીદારને પૂછયું, તો ચોકીદારે કહ્યું, ‘‘લખતો’તો એક ગાંડો.’’ ચીન્ટુ કહે, ‘‘મીન્ટુ ! ચાલ દક્ષિાણ દિશામાં !’’ બંને દક્ષિાણ દિશામાં ચાલવા લાગ્યા. થોડીવાર ચાલ્યા ત્યાં થોડા સિપાહીઓ સામે મળ્યા. તેઓની વાતો ઉપરથી ચીન્ટુ-મીન્ટુએ જાણ્યું કે નગરના નગર શેઠને ત્યાં ચોરી થઈ છે. સિપાહીઓ ચોરને શોધે છે. મીન્ટુ બોલ્યો, ‘‘ચીન્ટુ ! પેલી પંક્તિઓ કદાચ ચોર સુધી પહોંચાડે પણ ખરી !’’ બંને દક્ષિાણ દિશામાં આગળ વધે છે. આગળ ચાર રસ્તા ભેગા મળતા હતા. બંનેને પેલી પંક્તિ ‘પૂર્વમાં ફંટાય’ યાદ આવી. બંનેએ પૂર્વ દિશામાં જતો રસ્તો જોયો. બંને તે દિશામાં આગળ વધ્યા. ત્યાં એક નદી દેખાણી. વળી ‘નદી દેખીને નીચો થાય’ એ યાદ આવ્યું. બંને વિચારે છે, ‘‘રસ્તાની બંને બાજુ ખેતરો છે. કઈ બાજુ નીચા જવું !’’ ત્યાં જ તેઓએ એક ખેતરમાં શેરડીનો વાઢ જોયો અને ‘કાતરી દસનું ઊંડાણ માપે’ એ પંક્તિ યાદ આવી. બંને તે ખેતર તરફ વળ્યા. હજુ તો તેઓએ શેરડીની દસેક કાતરી જેટલું એટલે કે નવ-દસ ફૂટ જેટલું અંતર કાપ્યું ત્યાં જ તેઓને પગ નીચેની જમીન પોચી લાગી. બંનેએ જોયું તો ત્યાં ખોદકામ થયું હોય એવું લાગ્યું. બંને ત્યાંથી માટી કાઢવા લાગ્યા. પાંચ-છ ફૂટ ઊંડો ખાડો થયો ત્યાં જ તેઓના હાથમાં એક થેલી આવી. બંનેએ થેલીમાં જોયું તો ઘરેણાં, રૂપિયા વગેરે હતું. તે થેલી લઈને બંને પાછા વળ્યા.

બંને નગર શેઠની હવેલીમાં પહોંચી ગયા. થેલી આપીને બધી વાત કરી અને કહ્યું, ‘‘પેલો ગાંડો માણસ ચોરોને માલ દાટતા જોઈ ગયો હશે ને કોઈને કહેવાને બદલે દરવાજા પાસે તે પંક્તિઓ લખી નાખી. અમે તે પંક્તિઓના આધારે આગળ વધ્યા તો આ થેલી મળી.’’ નગર શેઠને આ ટાબરિયાઓની હોશિયારીથી ખૂબ આનંદ થયો અને તેઓને ઈનામ આપ્યું. પેલા ગાંડા જેવા માણસને શોધીને તેને પણ ઈનામ આપ્યું. નગરમાં તો ચીન્ટુ-મીન્ટુના વખાણનો જ વાયુ લહેરાવા લાગ્યો.      


Rate this content
Log in