બેદરકાર બચુભાઈ
બેદરકાર બચુભાઈ
એક હતા બચુભાઈ. પૂરેપૂરા બેદરકાર. તેઓની બેદરકારી તેઓ માટે મુસીબતો ઊભી કરે. બચુભાઈને તો તોયે સુધરવાની ઈચ્છા ન થાય. પોતાની ધૂનમાં મસ્ત રહે. ગામમાં બચુભાઈની ગણતરી હોશિયાર માણસ તરીકે થાય. પણ કોઈ બચુભાઈ ઉપર વિશ્વાસ ન રાખે. બધાને ડર હોય કે બચુભાઈની બેદરકારીને લીધે કયાંક આપણને પણ નુકસાન થાય.
બચુભાઈને એક વખત રેલગાડીમાં જવાનું થયું. સ્ટેશને જઈને ટિકિટ લીધી, પૈસા આપ્યા. પણ ટિકિટ હાથમાં લેવાને બદલે બારી ઉપર રાખી દીધી. બચુભાઈને તો તે ધ્યાનમાં જ ન રહ્યું. ગાડી ઉપડી. ટી.ટી. ટિકિટ જોવા આવ્યા. બચુભાઈએ તો ટિકિટ ખૂબ શોધી, મળી જ નહિ ! તેઓને દંડ ભરવો પડયો. પછી યાદ આવ્યું કે ટિકિટ તો બારીમાં જ મુકાઈ ગઈ હતી.
એક વખત આ બચુભાઈએ ખેતરમાં પાક વાવ્યો. પાક ખૂબ સરસ થયો. તેઓના ગામમાં રોઝનો ખૂબ ત્રાસ. તેથી ખેડૂતો પોતાના ખેતરની આસપાસ કાંટાળી વાડ કરવા લાગ્યા. બચુભાઈએ પણ પોતાના ખેતરની આજુબાજુ કાંટાળી વાડ કરી દીધી. ખેતરમાં આવવા-જવા માટે એક જગ્યાએ છીંડું રાખ્યું. આવતાં-જતાં તે છીંડું પણ બંધ કરી દેવાય. જેથી રોઝ અંદર આવી જ ન શકે. એક સાંજે બચુભાઈ તે છીંડું બંધ કરવાનું ભૂલી ગયા. બીજા દિવસે જઈને જુએ તો ખેતરનો પાક સફાચટ ! રોઝનું ટોળું પાકને ખાઈ ગયું. ત્યારથી બચુભાઈ કોઈ દિવસ છીંડું બંધ કરવાનું ભૂલતા નહિ.
પણ બચુભાઈની બેદરકારી તો હજુયે ચાલુ જ રહી. બીજા વર્ષે ખેતરમાં પાક સારો થયો. તેઓના હરખનો પાર નહિ. પાક પાકીને તૈયાર થયો. બચુભાઈ અનાજને શહેરમાં વેચવા માટે ગયા. જે રૂપિયા મળ્યા તે એક થેલીમાં રાખ્યા. બસની વાટ જોઈને બેઠા’તા ત્યાં એક માણસ આવીને બોલ્યો, ‘‘અરે, તમે તો બચુભાઈ નહિ ! હું તમારા ગામનો જમાઈ. હું બસમાં તમારા ગામ આવું છું. બસ આવવાને હજુ વાર છે. ચાલો, ચા પીતા આવીએ !’’ બંને ચા પીવા ગયા, પણ બચુભાઈ પેલી થેલી લેવાનું ભૂલી ગયા, ને પેલા જમાઈ બનેલા ગઠિયાનો સાથીદાર થેલી ઉપાડીને ભાગી ગયો. પાછા આવ્યા તો ‘કાપો તો લોહી ન નીકળે’ એવી હાલત બચુભાઈની થઈ ગઈ.
ખરેખર, બેદરકારી બોજો વધારે, બેદરકારીએ આવે મુસીબત. બેદરકાર માનવીની જિંદગીને લાગે મોટી લાત.
