અમાનત
અમાનત
પીટર કાગળ વાંચી મૂંઝવણમાં પડ્યો. હજુ બે મહિના ઉપર તો સેમ સાથે એક હજાર ડૉલર મોકલી ગીરવે મૂકેલું ખેતર છોડાવેલું. આ બીજા બે અઢી હજાર ડૉલર લાવવા ક્યાંથી? ડોહાને જાણે એમ કે અહિં અમેરિકામાં પૈસાના ઝાડ ઉગતા હશે.!
રોબર્ટે તેને શાંત પાડવા પ્રયત્ન કર્યો. “પીટર શું વાત છે ? કેમ આટલો બધો ગુસ્સામાં છે ?” પીટરે કાગળ રૉબર્ટ તરફ ફેંકી કહ્યું, “લે વાંચ!” રૉબર્ટે કાગળ હાથમાં લઈ ઉઘાડી વાંચ્યો.
“ચિ. પીતાંબર,
ઝુલાસણથી લખનાર રણછોડદાના આશીર્વાદ.
જત જણાવવાનુ કે ચિ. સવિતાનાં ઓણસાલ વઈશાખમાં લગન લીધાં છે. વળી કમુનાં સોમલાનું પણ નક્કી કર્યું છે. તારા નાના કાકા જશીયાની છોડીનું પણ લગન લેવા વિચારે છે. કુટુંબના મોટા બાપા તરીકે તેને પણ ટેકો કરવો પડશે. ઓણસાલ મોટો લગનગાળો છે; અને આ મોંઘવારી કેડો નથી મેંકતી, દાળ, ચોખા, બાજરો, ઘી, તેલ, કેરોસીન વગેરેના ભાવ આસમાને પૂગ્યા છે. ગરમીએ માઝા મૂકી છે. અતારથી આટલી ગરમી છે તો વળી વઈશાખમાં કેવી દશા થશે રામ જાણે! પૈસાનો વેત કરી વેળાસર મોકલજે જેથી લુગડું ઘરેણું લેવાની સમજ પડે. મારી અને તારી બાની તબીયત હારી છે. સવિ કમુ અને સોમલાએ હૌએ તારી ખબર પૂછાવી છે. તબીયત હાચવજે.
પાનાચંદ શેઠની પેઢીએ જવાબ આલજે.
લિખિતંગ
રણછોડદાના જય સ્વામીનારાયણ.”
રૉબર્ટે કાગળ વાંચી પાછો આપતાં કહ્યું, “ડોહાની વાત તો બરોબર છે. કુટુંબના મોભી રહ્યા તેથી સૌ કોઈ તેમની આશા રાખે. તેમનો આધાર તું તેથી તેઓ તારી આશા રાખે. એમાં મૂંઝાવાનુ શું? અને વાત રહી પૈસાના ઝાડની; તો આપણે એ ડૉલરિયા ઝાડનાં ફળ ખાવા માટે તો અહિં દોડી આવ્યા હતા તે કેમ ભૂલે છે? સમસ્યા છે તો સમાધાન પણ છે. પ્રસંગ માથે લીધો છે તો તે પાર પાડવો જ પડશે ને !
રૉબર્ટે ખીસ્સામાંથી ફોન કાઢી નંબર જોડ્યો. “હલ્લો! સાંકળ સમાધાન?”
“હા! બોલ કોણ?”
“હું રમણ, રોબર્ટ, જો સાંભળ, બેથી અઢી હજાર ડૉલર ઝુલાસણની પાનાચંદ શેઠની પેઢી ઉપર રણછોડદા પટેલના નામે પીતાંબર-પીટર તરફથી ટ્રાન્સફર કરવાના છે. ક્યારે કરે છે? એક પેટી થશે ને?”
”એક પેટીની આજુબાજુ થશે, આજે સોમવાર છે, ગુરૂવાર શુક્રવાર સુધીમાં પહોંચી જશે, બી જું કૈં?
“ના, જય શ્રી સ્વામીનારાયણ.” ફોન મુકી, પીતાંબર-પીટર તરફ ફરી, હવે શાંતી? લે ! હવે ડોહાને વાત કર કે પૈસા મોકલી આપ્યા છે, એક પેટી છે. પાનાચંદની પેઢીએ ગુરૂવારે જઈ લઈ આવે.”
સાંકળચંદ પટેલ એટલે સંકટ સમયની સાંકળ. અમેરિકન સમાજનો મોભી. પાકા સત્સંગી અને સેવાભાવી જીવડો. કોઈ પણ સમસ્યાનું સચોટ સમાધાન ચપટીમાં. તેમની સેવા ૨૪/૭ એટલે કે ચોવીસ કલાક અને સાતેય દિવસ સતત ચાલુ; અને તેથી જ બધા તેમને ‘સાંકળચંદ સમાધાન’ તરીકે ઓળખે. પટેલોના જન્મજાત ગુણ; પડતાંને પાટુ ના મારે, હાથ પકડી ઊભો કરે. તેમાંયે ખાસ કરીને પરદેશમાં વસતા પટેલોનો જીવનમંત્ર, ‘વિના સહકાર નહિ ઉધ્ધાર’ કોઈને પણ મુશ્કેલ સમયમાં મદદ કરવી એ એમનો વણલખાયેલો નિયમ. કોને પૈસા જોઈએ છે? કેમ જોઈએ છે? શા માટે જોઈએ છે? ક્યારે પાછા આવશે? કોઈ પણ જાતની પડપૂછ વગર એક બોલ ઉપર હાજર. તેમના આ ગુણ વડે તો તેઓ અમેરિકામાં સામ્રાજ્ય ચલાવે છે. પટેલ લોબીનું આ મહત્વનું જમા પાસું છે.
ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા, બનાસકાંઠા નપાણિયો અને સુક્કો ભઠ્ઠ પ્રદેશ. માંડ એક વર્ષ સારું જાય અને એની પાછળ બીજા ત્રણ વર્ષ ભૂખડી બારશ જેવાં દોડતાં આવે. એક વર્ષની કમાણી ત્રણ વર્ષ વરસાદની રાહ જોવામાં ખર્ચાઇ જાય. ધંધા-રોજગાર ખેતી આધારીત. હવામાનની અનિશ્વિતતા, મોંઘવારી, વસ્તુઓની અછત, બેફામ ભાવ-વધારો, રાજકીય અરાજકતા વગેરેથી લોકો ત્રાસી ગયા. ગામ છોડી શહેર તરફ વળ્યા.
શહેરમાં પણ નોકરી ક્યાં મળે? એવું કહેવાય છે ને કે બેકાર લોકોને સ્વપ્નાં વધુ આવે!! સ્વપ્ન જોવાનો ઈજારો શેખચલ્લીનો થોડો જ છે? લોકો સ્વપ્નાં જોવા લાગ્યાં.
લોકોના ભોળપણનો લાભ ટ્રાવેલિંગ એજન્ટોએ ઉઠાવવા માંડ્યો. તેઓના સુખનાં સ્વપ્નોને કલ્પનાના રંગોથી વધુ રંગીન બનાવ્યાં. ઈંગ્લેન્ડ, અમેરિકા અને દુબઈ જેવા વિશાળ અને મોટા દેશો, વસ્તી ઓછી અને નોકરીઓની પુષ્કળ તક. ઊંચા વેતન દર જેવા પ્રલોભનો આપ્યાં. અમુક તમુક લોકોના થોડા દાખલા આપી તેઓ થોડા સમયમાં કેવા ધનવાન થઈ ગયા, અહીં નોકરી નથી તો શું થયું, ત્યાં કામ કરનારમાણસો નથી. ત્યાં મોં માગ્યા દામ આપે છે. એમ કહીને લલચાવ્યા. મુશ્કેલીના સમયમા માણસની બુધ્ધિ કુંઠિત થઈ જાય છે. સારાસારનું ભાન ગુમાવી બેસે છે. લોકોને પદેશમાં પૈસાના ઝાડ ઉગતા દેખયા.
આવા બે મિત્રો રમણ અને પીતાંબર અમેરિકા આવી ગયા. રમણ બે વર્ષ પહેલાં અને ત્યારબાદ પીતાંબર. ટ્રાવેલિંગ એજન્ટ એક મૉટેલ માલિક મિ. જ્હૉનને સોંપી પલાયન થઈ ગયો. આલીશાન, ભવ્ય અને વિશાળ મૉટેલ, આધુનિક સગવડોથી સુસજ્જ અને રમણનો સાથ જોઈ પીતાંબર તો આભો જ બની ગયો. રમણે તેને સમજ આપીઃ ખાવા તથા રહેવાનું મફત અને ઉપરથી પગાર, અને વળી કામ પણ કેટલું સહેલું! રૂમમાં કચરો વાળવાનું મશીન, પલંગની ચાદરો, ઓશીકાના ગલેફ (કવર) ટુવાલ, નેપકીન વગેરે કપડાં ધોવાનાં પણ મશીનથી, રૂમમાં સુગંધીદાર દવા છાંટવાની પણ મશીનથી, રૂમને ગરમ ઠંડો કરવાનું પણ મશીનથી, આપણે તો બસ સ્વિચ ચાલુ બંધ કરવાની. રમણે કામની બધી સમજ પાડી અને રાત્રે સુવા માટે ભંડકિયામાં (બેઈઝમેન્ટમાં) લઈ ગયો.
ગામમાં વિશાળ ફળિયામાં લીમડાની શીળી છાયામાં સૂવા ટેવાયેલ પીતાંબરને આ ચારે બાજુથી બંધ ભંડકિયામાં ગભરામણ થવા લાગી. રમણે સમજ પાડી અને એ.સી.ની સ્વિચ ચાલુ કરી. એ.સી.ની ઠંડકમાં લીમડાની શીળી છાયા ક્યાંય ભુલાઈ ગઈ અને એવી સરસ ઉંઘ આવી કે સવાર ક્યારે પડી તે ખબરે ન પડી.
અતીતનો કાળો અંધકાર કોઈને ગમતો નથી. ખાસ કરીને અમેરિકાની ધરતી પર પગ મૂક્યા પછી આધુનિકતાની હવા લાગી જય છે. ખાવા-પીવાનું, પહેરવા ઓઢવાનું, બોલચાલની ઢબ, રહેણીકરણી, અરે ! નામ સુધ્ધાં બદલાઈ જાય છે.
જયંતી અને જનાર્દન,
જ્હોન કે જેકી બની જાય છે;
વિનોદ અને વિનય,
વિલિયમ કે વીકી બની જાય છે;
મણીબહેન અને મંગળા,
મોના કે મેગી બની જાય છે;
કમળા અને કાશી,
કેરોલ કે કેથી બની જાય છે;
અરે! ભલેને કહી ગયો શેક્સપીયર!
ગુલાબને ગમે તે નામ આપો,
ફક્ત તે તેની મધુર,
સુવાસથી જ ઓળખાય છે!
અરે! કાળા કરતૂતો છુપાવવા,
અહિં નામનો જ ઉપયોગ થાય છે!
આપણા ભારતના રમણ - રૉબર્ટ અને પીતાંબર - પીટર તરીકે અમેરિકામાં નવો જન્મ પામ્યા, અને આપણા કવિ શ્રી ગનીભાઈ દહીંવાલાએ કહ્યું છે ને - “દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી…” આમ રમણ રૉબર્ટ અને પીતાંબર પીટરના હિત શત્રુઓ – ટ્રાવેલ એજન્ટો – તેમને મૉટેલ માલિક જ્હૉનને સોંપી અર્દશ્ય થઈ ગયા.
આપણે ભારતીઓ ખાસ કરીને ગુજરાતીઓ દરિયો ખેડી પરદેશ વસ્યા; સાહસિકો ગણાયા; પરંતુ આપણી ભીરૂતા ત્યજી શક્યા નહિં. અહિં અમેરિકામાં આવી, નાના જ્ઞાતિ મંડળો રચ્યાં અને તેની પ્રવૃત્તિઓ પણ મંદિરો સુધી સીમિત રાખી. મંદિરોમાં સત્સંગ સભા અઠવાડિયામાં એક દિવસ થાય. જાતજાતના ભાઈઓ દૂર દૂરથી આવે. સત્સંગ પૂરો થયા બાદ સાંસારિક વાતચીતો થાય. સુખદુઃખની આપ લે થાય, અંદરોઅંદર સમાધાન શોધી રસ્તો કાઢી લે.
મણીભાઈ અને કમુબહેન બંન્ને સત્સંગી આફ્રિકાથી ઈદી અમીનના અત્યાચારમાં ધનદોલત, મા-બાપ, ભાઈ-ભાંડુ સર્વસ્વ ગુમાવીને અમેરિકા આવી વસેલાં. બંન્ને સમદુઃખિયાં. અહીં એકબીજાંને મળ્યા. એક બીજાને સહારે સુખી થવાનાં સ્વપ્નાં સેવ્યાં. સત્સંગી ગુણાનુવાદ સભાએ ઉકેલ સુચવ્યો. બંન્નીએ તે સહર્ષ સ્વીકાર્યો અને સંસાર માંડ્યો. પ્રસન્ન દાંપત્યના પરિપાક રૂપે સુંદર પુત્રી સુનીતા પામ્યાં. મણીભાઇએ નાનો સ્ટોર્સ શરૂ કર્યો. સંસાર અને સ્ટોર્સ સારા ચાલવા લાગ્યા. વર્ષો સુખમાં વીત્યાં. ‘એક સરખા દિવસો સુખના કોઈના જાતા નથી.’ સત્સંગ સભામાં આવતાં એક દિવસ મોટર અકસ્માતમાં મણીભાઈ અક્ષરવાસી થયા. કમુબહેનને માથે સંસાર અને સ્ટોર્સની બેવડી જવાબદારી આવી પડી. પુત્રી સુનીતા હોંશીયાર અને હિંમતવાન હતી. માતાને તેણે ધીરજ ધરવા અને ઉતાવળીયું પગલું ભરવા ના પાડી. સંત્સંગ સભામાં આવતા મણીભાઈના મિત્રોને તેણે વાત કરી સ્ટોર્સ ચલાવવા વિશ્વાસુ યોગ્ય માણસ શોધી જણાવવા કહ્યું.
જયંતી જોખમ, સત્સંગ સભામાં નિયમિત હાજરી આપે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કર્યો હોવાથી સંતાતો ફરે. મંદિર પરિસરમાં જ રહે. સત્સંગની અસર પારસમણિના સ્પર્ષ જેવી થઈ. જયંતીનો ભૂતકાળ અંધકારમાં ઓગળી ગયો. સૌ સત્સંગી ગુણીજનોનો જમણો હાથ થઈ ગયો. તેમનું સોંપ્યું સઘળું કામ સમયસર અને ચીવટથી કરી આપે. કમુબહેનના સ્ટોર્સ માટે આખરે તેની પસંદગી થઈ.
જુઓ બહેન, હું મહેસાણાનો પટેલ છું. મારું નામ જયંતી છે. ગેરકાયદે પ્રવેશ કર્યો હોવાથી મેં મારું નામ જયંતીમાંથી જ્હોન કર્યુ છે. હું એકલો જ છું. રહેવાનું કોઈ ઠેકાણું નથી, એટલે મંદિરમાં જ રહું છું અને ત્યાં જ પત્રાળી જમી લઉં છું. નોકરીની મને સખત જરૂર છે. તમે આશરો આપશો તો તમારો ઉપકર જનમભર નહીં ભૂલું.
જયંતીની નિખાલસ રજૂઆતથી કમુબહેન અને સુનીતા ખુશ થયાં. તેમણે જણાવ્યું, “જો, જયંતી સ્ટોર્સ ચલાવવાનો, સ્ટોર્સની પાછળના ભાગમાં રહેવાનું તથા જમવા માટે ટિફિનની વ્યવસ્થા કરીશું. પગાર મહિને એક સો ડૉલર. જો કામ વિશ્વાસ પૂર્વક અને નફાકારક જણાશે તો આગળ ઉપર પગાર વધારા સાથે કમીશનનું પણ વિચારીશું. જયંતી ઉપર તો સ્વામી બાપાની મહેર થઈ. જ્યાં રહેવા ખાવાના ઠેકાણાં નહોતાં પગાર!
જયંતીની આવડત અને ઈશ્વરની કૃપાથી સ્ટોર્સ હવે ૨૪/૭ ચાલવા લાગ્યો. ધીમેધીમે નાના સ્ટોર્સમાંથી મોટો અને આલીશાન સ્ટોર્સ થઈ ગયો. એક જણથી પહોંચી વળાય તેમ ન હોવાથી સુનીતા અને કમુબહેન પણ સ્ટોર્સના કામકાજમાં મદદ કરવા લાગ્યાં.
રૂમઝુમ પગલે વસંત આવી. યુવાન પ્યાસાં હૈયામાં યૌવનનો થનગનાટ જાગી ઉઠ્યો. અનંગના રાગ છેડાયા, નજરો એક બીજા સાથે ટકરાવા લાગી. “નૈને નૈન મળે જ્યાં છાના વાતો હૈયાની કહેવાના.” નિયતિએ તેનું કાર્ય કર્યું. સુનીતા અને જ્હોનના માલિક અને નોકરના સંબંધો પ્રણયમાં પલટાયાં. કમુબહેનની નજરમાં આવી ગયું, જોડી મનમાં વસી ગઈ. બંન્નેના હાથ પીળા કર્યા, અને પ્રભુ સ્મરણમાં ચીત્ત પરોવ્યું.
જયંતી – જ્હોન અને સુનીતા-સોનિયાનો ધંધો વિકસ્યો. સ્ટોર્સમાંથી મૉટેલના ધંધામાં પ્રવેશ કર્યો. હાઈવે ઉપર આલીશાન ભવ્ય મૉટેલ શરૂ કરી. પહેલા રમણ-રોબર્ટ તરીકે અને તેના પગલે પીતાંબર – પીટર તરીકે જ્હોનની મૉટેલમાં ગોઠવાઈ ગયાં.
સમય થોડો કોઈની રાહ જોવા થોભે છે? તે તો તેની રફતારથી પસાર થતો રહ્યો. જ્હોન અને સાંકળચંદની પુત્રીઓ જશોદા અને શારદા હવે યૌવનને આંગણે આવી ઊભી હતી; તેમની પત્નીઓ, સુનીતા અને શાંન્તા સારા અને યોગ્ય મુરતિયાની શોધમાં હતી. અમેરિકામાં વર્ષોના વસવાટ પછી પણ તેઓ ગુજરાતીપણું છોડી શક્યા નહોતાં. બહાર જવાનું ઓછું ગ્રોસરી અને મંદિરમાં કથાવાર્તા પૂરતું જ જવાનું. મેળજોળ પણ બીજા લોકો સાથે ઓછી અને ગુજરાતી સમાજ પૂરતી મર્યાદિત.
પુત્રીઓ જશોદા અને શારદા અહિં જ જન્મેલી અને અહીના સમાજ અને સંસ્કૃતિમાં ઉછરેલી રોજ બરોજની પ્રવૃત્તિ, શાળા રમતો, આધુનિક પોષાકો, સેલફોન, આઈપોડ, મોટરકારથી ટેવાયેલી. તેમની અપેક્ષાઓ અને અરમાનો પણ ઊંચા કારકિર્દી, જીવનસાથી અને રહેણી કરણી પણ તેમની ઊંચી.
જ્હોન અને સાંકળચંદ, ધંધા વ્યવસાયે બહાર ફરતા હોવાથી બંન્ને સંકૃતિથી વાકેફ, પૂર્વ સંકૃતિના ચાહક તરફ્દાર અને પાશ્વાત સંકૃતિના,માંસ , મદીરા અને જુગાર પ્રત્યે સૂગ, અણગમો ધરાવનાર.
દીકરીઓનાં લગ્ન અંગે બંન્ને કુટુંબો, મા-બાપ અને સંતાનોનો ‘ટ્રાયો’ રચાયો અને વાત ત્રિભેટે આવી અટકી. દીકરીઓ એક તરફ, મા બીજી તરફ અને બાપ ત્રીજી તરફ. ચડભડ થવા લાગી, મન ઉંચા થવા લાગ્યાં.મા દીકરીઓને ગામડાંમાં દેવા રાજી નહીં. દીકરીઓ પણ ભારત (ઈંડીઆ) જવા રાજી નહીં. બાપ ઘણું સમજાવે કે છોકરાને અહીં લાવી સેટલ કરાવીશું વગેરે વગેરે. દીકરીઓ સામે પ્રશ્ન ઉઠાવે કે ગામડાંના ગમારને અહીં આવી સેટ થતાં અર્ધી જિંદગી પૂરી થાય. યુવાનીનાં કિંમતી વર્ષો આમ વેડફાઈ જાય પછી બાકી શું રહ્યું? તેમની માતાઓએ પણ તેમને સૂચક સંમતિ આપી.
દુનિયાનું ડહાપણ કરતાં ગામડાં હ્યાઓ પોતાનો અંગત પ્રશ્ન આવતાં મૂઝાય છે; કારણ કે ત્યાં પોતાનો સ્વાર્થ સંકળાયેલો હોય છે. તેના ઉકેલના પરિણામ સ્વરૂપ તેમને છાંટાં ઊડવાનો સંભવ હોય છે. જ્યારે ત્રાહિત વ્યક્તિને ઉકેલ સુચવી બાજુએ ખસી જવાનું હોય છે. તેનું સારું કે નરસું પરિણામ તેમને બંધનકર્તા નથી હોતું. સત્સંગીઓની સમસ્યાઓનું સમાધાન કરાવી આપનાર સાંકળચંદ પણ પોતાની સમસ્યામાં અટવાયા. સાંકળચંદના ઘર અને મંદિર વચ્ચે હાઈવે ઉપર જ્હોન ની મૉટેલ હતી. મંદિરનું કામ પરવારી તે ઘેર જવા નીકળ્યા. વિચાર્યું લાવ જ્હોનને મળતો જાઉ.
જ્હોન કાઉન્ટર પાસે જ વિચાર મગ્ન ઊભો હતો, “કેમ જ્હોન, શા વિચારમાં છે?” સાંકળચંદે મૉટેલમાં પેસતાં જ પ્રશ્વ કર્યો.
‘એક પછી એક ઝંઝટ ઉભી જ હોય છે. મૉટેલનું પતે ત્યાં સ્ટોર્સનું ઊભું થાય, સ્ટોર્સનું માંડ ઠેકાણું પાડું ત્યાં ગૅસ સ્ટેશનની બબાલ. આ બધો પથારો પાથરીને બેઠો છું તેમાંથી બહાર નીકળાતું જ નથી. વિચાર થાય છે કે હું પણ તમારી સાથે મંદિરમાં આવી બેસી જાઉં.’
સાંકળચંદ અને જ્હોનની વાતો ચાલતી હતી ત્યાં કામ પ્રસંગે રોબર્ટ જ્હોનને કઈક પૂછવા આવ્યો. તેમને વાતો કરતા જોઈ તે ઉભો રહી ગયો. “જય શ્રી સ્વામી નારાયણ, સાંકા કાકા કેમ છો?”
“જય શ્રી સ્વામી નારાયણ, કોણ રોબર્ટ તો નહિ? તું અહીં ક્યાંથી? અહી તું શું કરે છે?”
“હું અહીં જ્હોન ભાઈને ત્યાં નોકરી કરું છું.”
“સારું સારું.”
રોબર્ટ જ્હોનની સાથે વાત કરી જતો હતો ત્યાં જ્હોને તેને કહ્યું, “અંદરથી સાંકળચંદ માટે કેસરવાળું બદામનું દુધ મોકલજે અને ધ્યાન રાખજે કાચના ગ્લાસમાં તેમને નહીં ખપે પાકા મરજાદી છે, માટે ચાંદીના પ્યાલામાં મોકલાવજે.” રોબર્ટ બહાર માણસને સંદેશો આપી પોતાને કામે વળગ્યો. જ્હોન અને સાંકળચંદ એકલા પડ્યા.
“આ રોબર્ટ તને કેવો લાગે છે?”
“કેમ?” જ્હોને સામો પ્રશ્વ કર્યો.
“કુંવારો છે?”
“હા.”
“મુરતિયા તરીકે કેવો? તારા ગામનો છે? વાત ચલાવવા જેવી છે?”
“અરે! સાંકળચંદ, તમે તો મારા મનની વાત જાણી લીધી. ‘કેડમાં છોકરું અને ગામમાં ગોત્યું.’ જશોદાની મા રોજ ઘેર જીવ ખાય છે કે આ છોડી માટે મુરતિયો શોધો. છોડીને અને તેની માને ઈંડીઆનો મુરતિયો પસંદ નથી.”
“જ્હોન, મારે ઘેર પણ આજ રામાયણ છે.”
સાંકળચંદે ચપટી વગાડતાં કહ્યું; “સમસ્યાનો ઉકેલ મળી ગયો.”
“સાંકળચંદ, તારી વાત વિચારવા જેવી તો છે. રોબર્ટ અનેપીટર બંન્ને મહેનતુ, હોંશીયાર, પ્રમાણિક અને વળી આપણા ગામના છોકરાઓ છે. બધી રીતે મેળ બેસે છે, પરંતુ આપણાં ઘરવાળાં, છોડીઓ અને આ છોકરાઓનો વિચાર જાણી લેવો જોઈએ.”
“એમ કરો, તમે આ રવિવારે ઘેર આવો આપણે સાથે બેસી નિર્ણય લઈએ.”
“હા! બરોબર છે.”
રવિવારે બંન્ને કુટુંબો જ્હૉનને ત્યાં ભેગાં થયા. સાંકળચંદે જણાવ્યું, “આપણી સમસ્યાનો ઉકેલ અહીં ઘર બેઠાં જ મળી ગયો છે. રોબર્ટ અને પીટરને તો તમે ઓળખો જ છો. તે આપણા રમણ અને પીતાંબર પટેલ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા પાસેના ઝુલાસણ અને નંદાસણ ગામના મૂળ વતની છે. ગેરકાયદે વસવાટ હોવાથી તેઓ રોબર્ટ અને પીટર નામે ઓળખાય છે. જ્હૉન ભાઈના હાથ નીચે ટ્રેઈન્ડ થયેલા અને તેમણે જ તેમને અહી સેટલ કર્યા છે. તમારી ઈચ્છા હોય તો જણાવો તો પછી આપણે વાત આગળ ચલાવીએ.”
સૌના મોં પર ખુશીનું મોજું ફરી વળ્યું. સૌએ એકી અવાજે જણાવ્યું કે તમારા ઉકેલમાં કઈ કહેવાપણું ના હોય, જે તમારી કસોટીમાંથી પાર ઉતરે તે સો ટચનું શુધ્ધ સોનું જ હોય. તમે વાત આગળ ચલાવો.
બીજે દિવસ્ર સાંકળચંદ જ્હોનની મૉટેલે ગયા, અને બંન્ને છોકરાઓને વાત કરી. તેમનો અને તેમના મા-બાપનો `હા` કે `ના` સ્પષ્ટ જવાબ અઠવાડિયામાં આપવા જણાવ્યું.
બંન્ને છોકરાઓ હોંશિયાર અને કાબેલ તો હતા જ. ગેરકાયદે પ્રવેશ હોવાથી વિલન ગ્રીન કાર્ડ તેમની સામે ડોળા કાઢી તેમનો વિકાસ અને કારકિર્દી રુંધતો હતો. લક્ષ્મી ચાંલ્લો કરવા સામે આવી હતી. ના પાડવાનો સવાલ જ નહોતો. મા-બાપની સંમતિની જરૂર હતી. રાતોરાત ફોન જોડ્યા અને હકીકતની જાણ કરી; છોકરીઓ આપણા મહેસાણાના જયન્તીલાલ અને સાંકળચંદ પટેલની છે. જયન્તીલાલ મોટી મૉટેલ સ્ટોર્સ અને ગૅસ સ્ટેશનનો માલિક છે, અને સાંકા કાકાને તો તમે જાણો જ છો. છોકરાઓના ઉજ્જવળ ભવિષ્ય સામે લાચાર મા-બાપે મજબૂરીથી સંમતિ આપી; અને લગન ઈન્ડિયામાં કરવા જણાવ્યું. જેથી સૌ સગા વહાલાં લગન માણી શકે. રોબર્ટે આ મુજબ સાંકળચંદને જવાબ આપ્યો.
સાંકળચંદે જ્હોનને વાત કરી. જ્હૉને ધંધાની વ્યસ્તતાને કારણે ઇન્ડિયા જવાની સ્પષ્ટ ના પાડી. સાંકળચંદે તેને ઠંડો પાડતાં કહ્યું, “તું બધું મારી ઉપર છોડી દે; તને મારામાં વિશ્વાસ છે ને? જાનનો ખર્ચ તો અપણે ભોગવવો જ પડતો હોય છે, તો થોડો વધારે. આપણે તેમને ઈન્ડિયાથી અહીં બોલાવીશું, બસ?” જ્હૉન ઠંડો પડ્યો.
છોકરાઓને બોલાવી તેમનાં વડીલ જોડે વાત કરાવવા કહ્યું.
ફોન જોડી રમણે કહ્યું, “બાપુજી, મેં સાંકા કાકાને વાત કરી છે, તેઓ તમારી જોડે વાત કરવા માંગે છે. ફોન ચાલુ રાખજો હું તેમને ફોન આપું છું.” આમ કહી રિસિવર સાંકળચંદને આપ્યું.
“જય શ્રી સ્વામી નારાયણ, રણછોડદા. સાંભળો, એક તો જયન્તી ધંધામાંથી સમય કાઢી ઈન્ડિયા આવી શકે તેમ નથી. બીજું, છોકરાઓ અહીં ગેરકયદે આવેલા છે તે તમે જાણો છો અને તેમની પાસે જરૂરી કાગળિયા નથી, તેથી મુસાફરી કરવા જાયતો સરકાર તેમને પકડી જેલમાં ઘાલી દે. અને ત્રીજી અગત્યની વાત, આપણા સમાજમાં છોકરા જાન લઈ પરણવા જાય, છોકરીવાળા થોડા સામે આવે? માટે ઈન્ડિયાની જીદ છોડી વાજતે ગાજતે આવી જાઓ.”
“સાંકળચંદ, જાન લઈને ત્યાં આવવાના પૈસા અમારી પાસે નથી." રણછોડદાએ ફોડ પાડ્યો.
"રણછોડદા એની ચિંતા તમે છોડો. તમારી જાનનો આવવા જવાનો ખર્ચ જયન્તી આપશે, પછી કંઈ વાંધો?
“ના, તો કઈ વાંધો નથી."
“તો જુઓ, અંબીકા ટ્રાવેલ એજન્ટને હું વાત કરું છું. તેને મળીને તેને જોઈતી વિગત પૂરી પાડજો. તે બધી વ્યવસ્થા કરી આપશે. અખાત્રીજનું મૂરત રાખ્યું છે. તૈયારી કરવા માંડો. જય શ્રી સ્વામી નારાયણ." ફોન મૂકાઈ ગયો. બધાંનાં હૈયે ટાઢક થઈ.
સાંકળચંદે સાવધાની પૂર્વક જ્હૉન, રોબર્ટ, પીટરનાં નામો ટાળ્યાં હતાં. આ નામથી તેમને ગંધ આવે કે આ લોકોતો ખ્રીસ્તી છે તો પાછું લગ્નમાં સંકટ આવે. સમય તો આમ ચપટીમાં પસાર થઈ ગયો. બે દિવસ અગાઉ જાન ઈન્ડિયાથી આવી ગઈ. મૉટેલમાં તેમને ઉતારો આપ્યો હતો.
અખાત્રીજનો મંગળ દિવસ આવ્યો. બેન્કવેટ હૉલ સુંદર અને આધુનિક રીતે સજાવ્યો હતો. જ્હૉન અને સાંકળચંદની અમેરિકન પટેલ સમાજમાં સારી આબરૂ અને પ્રતિષ્ઠાભર્યું સ્થાન હતું, તેથી આખો અમેરિકન પાટીદાર સમાજ લગ્નમાં હાજર હતો. ધીરેધીરે હૉલની ખુરશીઓ ભરાવા લાગી. નાસ્તાની ડીશો અને પીણાંઓની ટ્રે લઈ માણસો ફરવા લાગ્યાં.
મહારાજે લગ્નની તૈયારીઓ કરવા માંડી. રમણ્-રોબર્ટને જશોદા સામે અને પીતાંબર-પીટરને શારદા સામે ખુરશીઓ ગોઠવી માંહ્યરામાં બેસાડ્યાં, અને લગ્ન વિધિ શરૂ કરી. હૉલ શ્રણાઈના મંગળ સુરોથી ગુંજી ઊઠ્યો. વરઘોડિયાં તથા તેમના અંગત કુટુંબીજનો સિવાય લગ્ન વિધિમાં કોઈને ઝાઝો રસ નહોતો, ફ્ક્ત હાજરીની ઔપચારીકતા જ હતી.
એક બાજુ લગ્નવિધિ ચાલતી હતી તો બીજી બાજુ પોતાની મહામૂલી વ્હાલી દિકરીનું સુરક્ષિત રોકાણ (ઇન્વેસ્ટ્મેન્ટ) અને સલામત રીતે ક્યાં કરવું; અને પોતાના મોંઘામૂલના દીકરાની થાપણ (ફીકસ્ડ ડિપોઝીટ) ક્યાં વટાવવાથી વધુ વળતર મળી રહેશે તેની ભાંજગઢમાં કુંવારા છોકરી-છોકરાનાં મા-બાપ જૂની જૂની ઓળખાણો કાઢી હસી ખુશીથી યાદ કરીને એક બીજા સાથે આપ લે કરી લેતાં હતાં.
લગ્ન વિધિ આટોપાઈ ગઈ. કન્યા વિદાયનો કરૂણ પ્રસંગ આવ્યો. વ્હાલસોઈ દીકરીને વળાંમણાનો પ્રસંગ! કઠણ કાળજાનો વજ્ર હ્રદયી બાપ જીદગીમાં ભલે કદી ન રડ્યો હોય પણ આ પ્રસંગે તે પોતાનું હૈયું કાબૂમાં રાખી શકતો નથી; તેની આંખમાંથી દીકરીના વ્હાલના ચાર આંસુડાં ટપકી જ પડે છે.
અહીં પરિસ્થિતિ વિપરિત હતી. અહીં કન્યાની વિદાય નહોતી, કન્યાના વળાંમણાં નહોતાં, અહી તો વરની વિદાય હતી, વરનાં વળામણાં હતાં!
પોતાના ઘડપણની લાકડી સમા કંધોતર, કમાતા દીકરાને અહિં અમેરિકામાં છોડી શેષ જીવતર અને ઝુરાપો લઈ ઈન્ડિયા પાછા જવાનુ હતું. એ વરના મા-બાપની આંખમાંથી શ્રાવણ- ભાદરવાના ઘોડાપુર આંસુડાં ઊમટી રહ્યાં હતાં.
“ખોબો ભરીને અમે એટલું હસ્યાં, કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં."
આમ વર પક્ષનું ‘ડીસ ઈન્વેસ્ટમેન્ટ’ થયું હતું જ્યારે કન્યા પક્ષવાળાએ દીકરી આપી દીકરો લઈ ‘લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ’ કર્યું.
“દીકરો એ વહુની અમાનત છે,
દીકરી એ જમાઈની અમાનત છે.”
વર કન્યાનાં મા-બાપ એક્મેકને તેમની અમનત સોંપી ૠણમુક્ત થયાં.
कुर्यात सदा मंगलम
