Namrata Kansara

Others

3  

Namrata Kansara

Others

આકાશગંગા

આકાશગંગા

2 mins
13.6K


આ શુભંકર અવની એ કંઈ કેટલાય ભટકતા પગલાંઓને અમીટ છાપ બક્ષી છે. મારા પગલાંઓને તો ભટક્યા પહેલાં જ પદ્ચિહ્ન મળી ગયા હતા... અમીટ…અમાપ… 

આ રજેરજનું સિંચન એક આવૃત પટળમાં ખૂબ જ માવજતથી થયું. પ્રકૃતિના સુકુમાર યોજનમાં મારો વિકાસ ખૂબ જ સહજતાથી થયો. વિકાસની ઘરેડ પર શમણાંઓનું આભૂષણ મળીને આંખોએ આંજ્યું. પરિસ્થિતિઓના ઝંઝાવાત સાથે મળીને બાથ ભીડી. ક્યાંક પછડાટ તો ક્યાંક મળીને તેને હંફાવી. તારી હૂંફનું આવરણ અકબંધ રહ્યું. તારા પદ્ચિહ્નની પગદંડી મારા માટે હંમેશા સીમાચિહ્નરૂપ બની. જોકે તેના પગલે પગલે મને તારી જ પ્રતિકૃતિ બનવું પણ હતું. ધીરે ધીરે.. એક બીજમાંથી ક્યારે એક જીવ થયો તે મારા અને તારા બંને માટે એક અચરજ અને ઉત્સાહની અનુભૂતિ હતી. આ ફાની દુનિયામાં મારી પા પા પગલીઓ માટે અવકાશ અને મોકળાશ બંન્ને તૈયાર હતા. એક છીપ.. જેમ અસહ્ય પીડામાં પણ પોતાની નિરુપયોગી કણિકાઓને જ પોતાના દ્રવણના આવરણથી એક અમૂલ્ય રત્નનું નિર્માણ કરી... જાતને ચીરીને તેનું નિષ્કાસન કરે તેમ તે બાહ્ય મલિન કણિકાઓને પચાવી, તેની ખરોચોને બેઅસર કરી. અને આર્તવમાંથી અર્ભક તરીકે હું આવી. તારી આત્મજા ! એક ધૂંધળા આવરણથી તારી અમી નિતરતી આંખો જોઇ… જે મારી ક્ષુધાપૂર્તિને સાપેક્ષ હતી. સ્પર્શ.. હૂંફના આવરણથી પહેલાં જેવો જ અકબંધ હતો. એક શ્રવણ થયું કે હું તારી જ પ્રતિકૃતિ.. એવું જ તો હું ઇચ્છતી હતી. આ મન તારા પદ્ચિહ્ન પર ચાલવા ઉલ્લાસિત હતું. 

પણ આ શું…? નેહ નિતરતી આંખો… પદ્ચિહ્ન… અચાનક ક્યાં ઓઝલ થઇ ગયા..! આ કેવો ધૂંધવાસ..! આ કેવો ઝંઝાવાત..! જેની રજ જ્વાળા બની મને હજી પણ દઝાડે છે…! આ કેવું આવાગમન… આ કેવો નિયમ... તું મારી ઉદ્ધારક અને હું તારી મારક…!!

આર્તનાદ….! આર્તનાદ…!

“ જીવન કેરી મરુભૂમિ પર

ભટકે તનયા દરબદર;

અસ્તાચળના ઓઠા હેઠળ

દીસે અવની હાસ્યકર;

કોમલાંગી કાયા થથરે

થયો છે કેવો રક્તજ્વર;

ઝાંઝવા કેરી રણભૂમિ પર

દીસે ફક્ત મધુકર;

જીવન કેરી મરુભૂમિ પર

ભટકે તનયા દરબદર...”

ક્યાં છે તું ? ક્યાં છે તું ? ક્યાં છે તારા પદ્ચિહ્ન ? ક્યાં છે તારો વાયદો ? ક્યાં છે તારો સ્નેહ ?

“ નથી ક્ષિતિજ ને પાર અભાવ;

અવકાશ તું જો

નથી ઝાંઝવા મરુભૂમિ પર છે જીવન;

પ્રકાશ તું જો

ના ભટક તનયા જહીં તહીં, છે સ્નેહનો દ્વાર;

અહીં તું જો

દુગ્ધ સાગર નિહારિકાનો તેજ પ્રકાશે;

અહીં તું જો ”                      

હું છું અહીં…! હું છું અહીં…!


Rate this content
Log in