વરસાદ તોયે આવતો નથી
વરસાદ તોયે આવતો નથી
1 min
27.2K
મારી સૂની આંખો મહીં ઘેરાય છે અંધાર ને વરસાદ તોયે આવતો નથી,
સાચું કહું તો આંખને લાગ્યો હવે તો ભાર ને વરસાદ તોયે આવતો નથી.
એવું નથી કે આ તડપ મારી બધી ખોટી હતી, ઓછી હતી એવુંય ક્યાં હતું,
તું માન કે ના માન છે મારી તરસ ચિક્કાર ને વરસાદ તોયે આવતો નથી.
ક્યાં રોજની બાબત હતી, ક્યાં રોજની ચાહત હતી, ક્યાં મેં કીધું કે રોજ આવ તું,
મેં તો તને કીધું હતું કે આવ એક જ વાર ને વરસાદ તોયે આવતો નથી.
આ આંગળીનાં ટેરવાં ભીનાશની લઈ ઝંખના રઝળ્યા કરે છે કૈંક વર્ષોથી,
એ ઝંખનાનાં તૂટવા આવ્યાં છે સઘળા તાર ને વરસાદ તોયે આવતો નથી.
ક્યારેક તો એ આવશે એ શક્યતાઓ આજ પણ અકબંધ રાખી છે અને એથી,
બેસી રહ્યો છું ક્યારનો રાખીને ખુલ્લા દ્વાર ને વરસાદ તોયે આવતો નથી.
