શબરી
શબરી
શબરી જુએ વાટલડી વિચારી રે,
દરશન દેવા આવિયા હો હો જી,
થાકી એ તો બોર રે વીણીને બિચારી રે,
દરશન દેવા આવિયા હો હો જી.
રામ લખમણ નહીં સીતા નારી,
શબરી ગઈ રામ ઉપર વારી રે,
દરશન દેવા આવિયા હો હો જી.
આસન દીધાં એણે વલ્કલધારી રે,
વિનવે કરજોડી ભીલનારી રે,
દરશન દેવા આવિયા હો હો જી.
ચરણ ધોયાં એણે નૈન અશ્રુસારી રે,
અધમ જાતિ અધમ અતિ ભારી રે,
દરશન દેવા આવિયા હો હો જી.
એઠાં બોર એણે દીધાં રે વિચારી રે,
મીઠાં બોર આરોગે ધનુર્ધારી રે,
દરશન દેવા આવિયા હો હો જી.
તજ્યો દેહ સનમુખ સ્તુતિ ઉચ્ચારી રે,
ભાગ્યભાજન બની એ મોરારી રે,
દરશન દેવા આવિયા હો હો જી.
